73 - પ્રિયે / યોસેફ મેકવાન


હું શબ્દ થઈ ઓ પાર ના આવી શકું પ્રિયે,
લે, મૌનનો કાગળ તને કોરો લખું પ્રિયે.

ગુલમ્હોર થઈ તું કેટલા તડકા ઝીલી ગઈ
ખટકે મને મોસમ બધી હરપળ કશું પ્રિયે.

વાતાવરણમાં મ્હોરવું બસ મહોરતાં જવું...
તસવીરમાં અંતે પુરાઈ બેસવું પ્રિયે...

ઘીના દીવાનો તું ધરી ગઈ છે ઉજાસ જે
સૌને નયન એ ઝળહળે આજે હજુ પ્રિયે.

છે આદિથી આ જિંદગી વણ ઉકલી લિપિ
હું વ્યર્થ એને વાંચવા તોયે મથું પ્રિયે.

વ્હેતી હવા પર ખાલીપો પગલાં ભર્યા કરે,
મારું જ બીજું રૂપ આ જોયા કરું પ્રિયે.

૧૯૯૯


0 comments


Leave comment