74 - જોને જરા ! / યોસેફ મેકવાન


જો, પૂરમાં ડૂબી નદી, જા રૂબરૂ જોને જરા,
પ્રતિબિંબ મારું એ જ છે એ હૂબહૂ જોને જરા,

પ્રશ્નો જ પ્રશ્નો ધૂંધવાતા જિંદગીભર જો રહ્યા,
રે છમ્મલીલું શું બળે છે આપણું જોને જરા.

આ શું બધું ઊભરાય છે ચારે તરફ જો આપણી,
આ કોણ અંદર છેક અંદર ખૂંપતું જોને જરા.

જ્યાં અર્થ તો અકબંધ રહે ને શેર બસ મહેક્યા કરે,
એવું મિજાજી છે ગઝલનું પૂમડું જોને જરા.

‘યોસેફ’ થાઉં પોયણું, ક્યાંક થાઉં છું કમળ,
છે ભાગ્યનું એવું વિચિત્ર ખૂલવું જોને જરા.

૧૯૯૯


0 comments


Leave comment