76 - તું દૂર જો... / યોસેફ મેકવાન
તું દૂર જો ક્યાંયે નથી, તો નજીક પણ નથી,
ને દૃશ્યના દરબારમાં તું અદીઠ પણ નથી !
આ વિશ્વનાં ચલણો મને, દોસ્ત, મેળમાં નથી,
અનુકૂળ હું એને બનું, એ નસીબ પણ નથી.
આવ્યાં કરે છે આંખમાં અસમ સ્વપ્ન કાફિયા,
આ જિંદગીની ગઝલને તો રદીફ પણ નથી.
વ્યથા વિસારી સાંપ્રતે, લો, ચલો જીવી લઉં,
સુખનાં પડ્યાં પ્રતિબિંબ હો, એ અતીત પણ નથી.
અસ્તિત્વનો ‘યોસેફ' જે એક અંશ ખરી પડ્યો
સંભારીએ એને નહીં એય ઠીક પણ નથી.
૧૯૯૯
0 comments
Leave comment