79 - આંખો / યોસેફ મેકવાન


આંખો ફરે છે ને નજરને કોઈની છે ભાળ,
શું રક્તમાં છલકી રહ્યો આજે વીતેલો કાળ ?

આંખો પછી બળતી થઈ ભીની નજરની ડાળ,
ને રક્તમાં અંતે શમ્યો, ઉછાળનો જુવાળ.

ક્યાંથી હવામાં આટલી સ્કૂર્તિ અચાનક આમ,
એના નશીલા શ્વાસની છે લ્હેર અંતરિયાળ ?

ના છેક અંદર ઊતર્યો, ના છેક છું હું બ્હાર,
અધવચ્ચ મનને આંતરી આ કોણ બાંધે જાળ ?

આકાશમાં લ્હેરાય છે ઓ પંખીઓની હાર,
એના જ શું છુટ્ટા મૂકેલા ફરફરે છે વાળ ?

એ ઊગતો સૂરજ નિહાળી મન બોલ્યું આમ :
સાચ્ચે જ એ ખોલે નયન, ચાંલ્લે મઢ્યું કપાળ !

૧૯૯૯


0 comments


Leave comment