80 - જોઈ રહેવાનું ભલા ? / યોસેફ મેકવાન


શાંતિથી સપનાં બળે ને જોઈ રહેવાનું ભલા !
શ્વાસ પોતાના છળે ને જોઈ રહેવાનું ભલા ?

રંગ કૈં ઘોંઘાટના ચારે તરફ ઘૂઘવ્યા કરે
છાતીમાં કાળું કળે ને જોઈ રહેવાનું ભલા !

સાવ લીલી હોય છે ઢગલા પળો આ હાથમાં
શૂન્યતાઓ ખળભળે ને જોઈ રહેવાનું ભલા !

એક પંખી કાજ આખું વૃક્ષ કણસે વાયુમાં
મૂળ મૂંગાં સાંભળે ને જોઈ રહેવાનું ભલા ?

આંખમાં ધરબાય ઇચ્છા ને પછી ફણગાય એ
મન પછી બસ ટળવળે ને જોઈ રહેવાનું ભલા !


0 comments


Leave comment