81 - મિલેનિયમવાચક પ્રશ્ન / યોસેફ મેકવાન
ચાંદ-તારા આભનું એ દૃશ્ય મનહર ક્યાં ગયું ?
રે બિલોરી આંખનું સપના સરોવર ક્યાં ગયું ?
છમ્મ- લીલી ડાળખી મૂકી ઊડ્યું... પંખી ઊડ્યું...
ખાલીપાનો ભાર આપી જિંદગીભર, ક્યાં ગયું ?
પોયણાંની જેમ સૌએ ખીલતાં'તાં સાંજના
આપણી વચ્ચે હતું એ આપણું ઘર ક્યાં ગયું ?
ખૂબ ચાલ્યાં ઢાળ-ઢોળાવે ઉઝરડાતાં રહી
હાથ આવેલું અને સ્વપ્નિલ શિખર ક્યાં ગયું ?
હોય છે ઈશ્વર બધે હે દોસ્ત, ચાલો માનું પણ
શ્વાસમાં હો મ્હેક જેની એવું અંતર ક્યાં ગયું ?
૨૦૦૧
0 comments
Leave comment