88 - પહેરવેશ / યોસેફ મેકવાન
પ્હેર્યો જમાનાએ હવે શબ્દોનો પહેરવેશ,
સપનાં જ સપનાં રહી ગયાં આંખોનો પહેરવેશ.
એવું નથી કે ફૂલ બસ ખરતાં રહે સદાય
માણસ મરે છે રોજ લૈ ફૂલોનો પહેરવેશ.
ખૂલે દિશાઓ જિંદગીની બેસુમાર રોજ,
બદલાય તો બદલી જુઓ શ્વાસોનો પહેરવેશ.
મેં બેબસીમાં લોકની શી જોઈ રીતભાત,
કે કોઈ પણ પ્હેરી શકે સંતોનો પહેરવેશ !
જે વાતવાતે ખાનગીમાં ખીલ્યા કર્યા સદાય,
જાહેરમાં જોયો અલગ મિત્રોનો પહેરવેશ.
૨૦૦૫
0 comments
Leave comment