89 - આસ્વાદ્ય નીકળે / યોસેફ મેકવાન
સદ્ભાગ્ય જેને માનીએ દુર્ભાગ્ય નીકળે,
જે માગીએ સુખની ક્ષણો એ બાધ્ય નીકળે
વાણી પછી રિસાઈ બેસે પાંપણો તળે
ને મૌનનો ચહેરો જ ત્યારે વાચ્ય નીકળે.
ક્યાં જિંદગીના અર્થને ખોલી શક્યા છીએ.
જ્યાં તુચ્છ ઇચ્છાઓય તે આરાધ્ય નીકળે.
ક્યાં ખાતરી વ્હેતી પળોની હોય છે કદી,
ધાર્યું ન હો એવું મિલન આસ્વાદ્ય નીકળે.
જ્યારે નશો આ ભીડનો અકળાવી જાય છે.
એકાંત- એકલતાય ત્યારે સાધ્ય નીકળે.
૨૦૦૩
0 comments
Leave comment