52 - રેખા / જવાહર બક્ષી


ભૂંસાઈ સમજણની રેખા
સમજાવો કારણની રેખા

મૃગજળ અમને ઓછું પડ્યું
કોઈ વધારો રણની રેખા

શૈશવ આવી સાદ ન પાડે
થરથરશે ઘડપણની રેખા

ટપકાં.. ટપકાં.. ટપકાં.. ટપકાં
બનતી ગઈ કણકણની રેખા

મર્યાદા જો છૂટવા મથશે
શું કરશે લક્ષ્મણની રેખા ?

હું તો મનગમતું જોવાનો
છો ને રહી દર્પણની રેખા

ક્ષિતિજ ટુકડે ટુકડા થઈ ગઈ
તૂટી ગઈ પાંપણની રેખા

કોણ ‘ફના’ સબંધ તપાસે
વેગળી છે હર ક્ષણની રેખા


0 comments


Leave comment