95 - શબ્દ – અડોઅડ / યોસેફ મેકવાન


શબ્દ અડોઅડ ઊગ્યો છું હું,
શબ્દ અડોઅડ પૂગ્યો છું હું.

આમ જુઓ તો ક્યાંય નથી પણ
શબ્દ અડોઅડ ફૂટ્યો છું હું.

રોજ સવારે રાત કળે છે,
શબ્દ અડોઅડ ઊંઘ્યો છું હું.

ક્રિયાપદોમાં કદી ઓગળી,
શબ્દ અડોઅડ ડૂબ્યો છું હું.

અનર્થ કરતાં વાક્ય વચાળે,
શબ્દ અડોઅડ ખૂંપ્યો છું હું.

કવિતાને શ્વાસોમાં ભરવા,
શબ્દ અડોઅડ ઝૂઝયો છું હું.


0 comments


Leave comment