97 - આ શ્હેર એટલે / યોસેફ મેકવાન
ઇચ્છાઓની માછલીઓનો સળવળાટ છે શ્હેર,
ડૂબી ગયેલા અતીતનો આ ખળભળાટ છે શ્હેર.
સૂરજનો રથ સાત અશ્વોનો નિત નિત આવે જાય,
અશ્વોના પડછાયાઓનો હણહણાટ છે શ્હેર.
બ્રહ્માંડનાં બ્રહ્માંડોમાં નથી તેજનો પાર
એ બ્રહ્માંડો આગળ ‘જીવડું' ઝળહળાટ છે શ્હેર.
બ્હેરા-મૂંગા લોકોની આંખોમાં ખખડ્યા કરતા
ભાંગી પડેલાં સપનાંઓનો બડબડાટ છે શ્હેર
વહી ગયું તે ગયું ગયાંને રડવાથી તે શું ?
સમય- હાથમાં રેખાઓનો તરવરાટ છે શ્હેર
૨૦૦૮
0 comments
Leave comment