98 - મારો અભાવ / યોસેફ મેકવાન


એકાન્તમાં યાદ આવશે મારો અભાવ પણ,
- ને શૂળ જેવો વાગશે મારો અભાવ પણ.

ઉત્સવ હશે.... મિત્રો હશે.... મેળાવડા થશે;
અંતર વિશે તો સાલશે મારો અભાવ પણ.

અડવું ન લાગે ક્યાંય પણ તમને પ્રવાસમાં –
સાથે તમારી તો હશે મારો અભાવ પણ.

જ્યારે વિખૂટાઈ જશો પોતાની જાતથી;
આંસુ બની દદડી જશે મારો અભાવ પણ.

જાહોજલાલીથી રહ્યાં, કૈં પણ ન'તું છતાં,
રે સાંત્વના કૈં આપશે મારો અભાવ પણ.

વરસી ગયાં આકાશથી વાદળ... ગયાં... ગયાં !
આ એમ ભુલાઈ જશે મારો અભાવ પણ.

૨૦૦૮


0 comments


Leave comment