100 - મારા વિશે / યોસેફ મેકવાન


હવાઈ ગયેલી હવાને શ્વસું છું,
નથી નાગરિક ને નગરમાં વસું છું.

ખરી ભુલભલામણમાં ફસાયો,
નથી કૈં ખબર ! ક્યાં હું તો ધસું છું.

મને જિંદગીનો અરથ કૈં મળ્યો ના,
અજાણ્યો બની હું મને જ્યાં ડસું છું.

મને સમજવામાં બહુ આળસુ છું,
સદીઓ વીતી ક્યાં મૂળથી ખસું છું.

નથી ધોરણો વિશ્વના રાસ આવ્યાં,
કસોટી ઉપર ક્યાં મનેયે કસું છું.

સમયની નદીમાં તણાઈ રહ્યો છું,
જીવું છું, મરું છું, રડું છું, હસું છું...!


0 comments


Leave comment