100 - ઘોંઘાટનો પટ ખોલ / જવાહર બક્ષી


કવિના શબ્દમાંથી નાદનો કલ્લોલ મળશે
શરત એ છે – જરા ઘોંઘાટનો પટ ખોલ ! મળશે

ન મળશે કોઈ ઢંઢેરો ન કોઈ ઢોલ મળશે
નગરમાં અઢી અક્ષરનો મરકતો બોલ મળશે

વિરહની વેદનાનો સાવ ઊભો મોલ મળશે
જશો જો મૂળમાં તો ત્યાં મિલનનો કોલ મળશે

અડગતા આણની ને પ્રાણનો આંદોલ મળશે
થઈશ લયલીન તો પ્રત્યેક લયનો ઝોલ મળશે

સમજદારી છે શ્રધ્ધામાં, અનુભૂતિ છે અલ્લડ
અહીં દીવાનગીની વારતા સમતોલ મળશે


0 comments


Leave comment