68 - મીણનાં શહેર / જવાહર બક્ષી


ચકમકના પથ્થરોમાં તિખારા રહ્યા નથી
ને મીણનાં શહેર હજી પીગળ્યાં નથી

પડછાયા એકસામટા તૂટી પડ્યા છતાં
ફાનસના ગરમ શ્વાસ હજી પણ ઠર્યા નથી

માથાને પટકી પટકીને શબ્દો મરી ગયા
ને ભીંતના તો પોપડાઓ પણ ખર્યા નથી

આકાશ છદ્મવેશે કશે ઊતર્યું તો છે
કિંતુ હજી સુધી તો અમે આથડ્યા નથી

સૂરજને સાવ પાણીમાં બેસાડી દો નહીં
કિરણોય ન્હાઈને હજી પાછાં ફર્યા નથી


0 comments


Leave comment