3.1.1.3 - નિરંજન ભગત / રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા   અદ્યતન કવિતામાં જે નવાં વલણો મુખરિત થયેલાં જોવા મળે છે તેનાં બીજ આપણે અનુગાંધીયુગીન કવિઓમાં વવાતાં અને અંકુરિત થતાં જોઈ શકીએ છીએ. રાજેન્દ્ર-નિરંજન આ યુગના પ્રમુખ કવિઓ છે. રાજેન્દ્રમાં પ્રગટેલા સૌંદર્યબોધ અને આધ્યાત્મિક રહસ્યવાદનો બીજો કિનારો નિરંજનના માનવજીવનબોધ અને અદ્યતનવાદમાં પ્રગટ થાય છે. નિરંજન રાજેન્દ્ર કરતાં તદ્દન ભિન્ન અને છતાં સમોવડિયું કવિ-કાઠું ધરાવે છે.

   ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૪), ‘બૃહત્ છંદોલય’ (૧૯૫૭), ‘પ્રવાલ દ્વીપ’ (૧૯૪૬-૫૬) અને ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮) એમ તેમણે છ એક સંગ્રહો આપ્યા છે. તેમાં છંદોલય’ (૧૯૪૯) કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. તેમાં કરેલ પરંપરાનો નૂતન આવિષ્કાર અને સાથોસાથ કવિની નિજી વ્યક્તિમત્તાના ઉન્મેષો સુપેરે પ્રગટી ઊઠ્યા છે. મીરાંથી ચાલી આવતી ઊર્મિકવિતા નિરંજન પાસે ઘડીક થોભે છે. અને જાણે કે નિરંજનના હાથે નવીન સ્વરૂપાભિજ્ઞાનાં વસ્ત્રો ધારણ કરે છે. પોતાના ઘાટેઘૂંટને નવો સ્પર્શ આપે છે. અમૂર્તનું મૂર્તિકરણ કરવાનું નવ્ય પરિમાણ તાકે છે. જેમકે:
મનમાં મન ખોવાઈ ગયું
અંધારથી મેં આંખ આજી તે અંતરમાં જોવાઈ ગયું !
(‘બૃહત્ છદોલય’, પૃ.૪૧)
   જેવી પંક્તિઓમાં કવિ મનની રમણાઓના આલખને અંતરાભિજ્ઞા અનુભવે છે. તો ભાષાને પોતાની વૈયક્તિક પ્રતિભાથી માંજવાનું કામ પણ કવિ કરે છે :
ઝરઝર
શ્રાવણની જલધાર
ધરણીને દ્વાર
ઝરી જાય
ઝરઝર
(‘બૃહત્ છદોલય’, પૃ.૪૯)
   ‘હ’ની આવર્તનાવલિ દ્વારા કવિ જે લય સંધાન સાધે છે તે ય દર્શનીય છે :
નહીં રૂપ, નહીં રંગ
નહીં વસંતનો સંગ
શીત અંગેઅંગ
હે હું પ્રીત પર્ણ !
(‘બૃહત્ છદોલય’, પૃ.૫૦)
   ‘શીત’ અને ‘પ્રીત’ના પ્રાસાનુપ્રાસ દ્વારા કવિએ જીવનના થીજેલા કરાલ અન્તની વાત કરતાં રોચકતા અને રોમાંચક કરુણનો અનુભવ કરાવ્યો છે. નિરંજનની કાવ્યયાત્રાનો પ્રારંભ એક અનુભૂત પરિપક્વતા સાથે થાય છે, એમ આ કારણે કહી શકીએ.

   ‘કિન્નરી’ (૧૯૫૦) તેમનો બીજો સંગ્રહ છે. આ સંગ્રહમાં તેમનાં ગીતો જ સંગ્રહાયાં છે. પ્રહલાદથી પ્રગટેલી નવીન કવિતાની સભાનતા નિરંજનના આ સંગ્રહનાં આંતરબાહ્ય લક્ષણો જોતાં સુવિકસિત થયેલી જણાય છે. પ્રહલાદ-રાજેન્દ્રની જેમ તેમણે પ્રણય અને પ્રકૃતિને પોતાના ગીતસર્જનમાં કેન્દ્ર સ્થાને રાખ્યાં છે. અનેક ગીતોમાં પ્રકૃતિને ભિન્ન રીતે માનવભાવ યા લાગણીના ઉદ્દીપન વિભાવ તરીકે વિનિયોગી છે. પ્રણયની વિધવિધ અવસ્થાઓને પણ કવિ ભવ્ય પ્રતીક-કલ્પન અને સમાર્જિત ભાષા પ્રયોજન દ્વારા નવો ઓપ આપે છે.
રે આ પ્રાણપ્રિયાનું આંગણ,
ફરી ફરીને અહીં ભૂલ્યો રે અહીં ફૂલ્યો રે ફાગણ !
(‘બૃહત્ છંદોલય’, પૃ.૯૨)

મારી સયનતરી,
તારા સૂરના સાગરજલ પરે શી જાય છે સરી !
(‘બૃહત્ છદોલય’, પૃ.૧૦૯)

નાચે નૃત્યકાલી,
માદલઘેરા બાદલ તાલે લેતી તાલી !
(બૃહત્ છંદોલય’, પૃ.૧૨૭)
   ‘અલ્પવિરામ’ નિરંજન ભગતની કવિતા યાત્રાનું ય અલ્પવિરામ છે. અહીં તેમની કવિતા ઠરે છે. પ્રથમ કાવ્યમાં જ તેમનું ઠરેલપણું કંઈક આમ જોવા મળે છે :
સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે
વ્યાપી જતું ઝેર તરત નસેનસે,
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.
(‘બૃહત્ છંદોલય’, પૃ.૧૩૫)
   સૌંદર્યના ડંખને લીધે ઊઠેલાં આ‘ચકામાં’ પ્રયોગશીલ પણ બન્યાં છે. છંદોવિધાન, રીતિવિધાન અને શૈલીવિધાન પરત્વે કવિ અહીં નવોન્મેષો બતાવે છે. આરંભકાલીન રંગદર્શી મુદ્રાઓને છોડતા જાય છે અને કવિ હવે રિક્તતા, નગરક્ષોભ અને દગ્ઘતા-વિદગ્ધતા ઘેરી વાણીમાં માનવપ્રેમને કેન્દ્રમાં રાખીને તેની ફિકર-જિકર રસિત કવિતા રચે છે. જીવનની યાંત્રિકતા, એકસૂરિલાપણું તેમણે વણપ્રભાવે કરી ઉપસાવવાની કોશિશ કરી છે. જુઓ
એજ તેજ
એજ ભેજ
એજ સેજ
એજ એજ
એજ બે પગા
લગા લગા લગા લગા.
(બૃહત્ છદોલય, પૃ.૧૫૮)
   વિષય અને નિરૂપણની દૃષ્ટિએ નિરંજન અલ્પવિરામમાં પ્રયોગવાદી અભિનિવેશ ધારણ કરે છે.
   ‘પ્રવાલદ્વીપ’ નિરંજનની કવિત્વ શક્તિનો પરિચાયક કાવ્યગૂંચો છે. ‘છંદોલય’ (૧૯૫૭)માં ‘પ્રવાલદ્વીપ’ જૂથની અને અન્ય રચનાઓ સંગ્રહાઈ છે. ‘પ્રવાલદ્વીપ’ કવિની અનોખી કવિમુદ્રા ઉપસાવે છે. તેમાં તેમની સર્ગશક્તિ ઉડ્ડયનગામી બને છે, અને નવાં પરિણામો-પરિમાણો સિદ્ધ કરે છે.

   ‘પ્રવાલદ્વીપ’નું કેન્દ્ર છે ઔદ્યોગિક વિશ્વનો નગણ્ય માનવી. અધુનાકાલીન માનવીના જીવનનું ઔદ્યોગિકરણ અને નગરજીવન દ્વારા થયેલું અવમૂલ્યન તેમજ મૂલ્યહનન કવિએ આ કાવ્યોમાં આલેખ્યું છે. કવિએ શબ્દે શબ્દે માનવતાની મરણપોક મૂકી છે :
સિમેન્ટ, ક્રોંકીટ, કાચ, શિલા
તાર, બોલ્ટ, રિવેટ, ખીલા
(‘બૃહત્ છદોલય’, પૃ.૨૦૩)
   અહીં કવિ ‘ખીલા’ શબ્દે ઈસુના ખીલાની વેદના ઉપસાવી આપે છે. આવાં અનેક વેદનાગ્રસ્ત સ્થળો, સમયો અને રુદ્ધ-કુદ્ધ, વિવશ સંવેદનોમાં ‘પ્રવાલ દ્વીપ’’ની સૃષ્ટિ પાંગરે છે.

   આ સુષ્ટિમાં માનવીના જીવનની કુત્સિત, વિકૃત, ધૃણિત સ્થિતિ-પરિસ્થિતિ અને તેની લાચારીપૂર્વક થતી ભર્ત્સના પ્રગટ થાય છે. અહીં માછલી છે તો સાથે એક્વેરિયમ્ પણ છે. સિંહ છે પણ ઝૂમાં છે. લગ્ન છે પણ નગ્ન છે. વિહંગ વાદકો છે પણ ‘ચિડિયાઘરે’ છે. આખો યુગ જાણે કે આસુરી યંત્રયુગની કેદ ભોગવી રહ્યો છે. આવી વિભીષિકામય આધુનિકતા ભર્યો નિરંજનની કવિતાનો વિસુવિયસ ગુજરાતી કવિતા ઉપર દૂરગામી અસરો પાડનારો નીવડ્યો છે. કલ્પન-પ્રતીકોથી માંડીને સંવેદનસ્તરો સુધીની એક અનોખી સૃષ્ટિ અહીં રચાય છે જે જેટલી વાસ્તવિક છે તેટલી જ માયાવી છે.
ચલ મન મુંબઈનગરી
જોવા પુચ્છ વિનાની મગરી
(‘બૃહત છંદોલય’, પૃ. ૨૦૩)
   મુંબઈને આકાર સામીપ્યે ‘પુચ્છ વિનાની મગરી’નું ગુજરાતી કવિતાને આ પૂર્વે અપરિચિત એવું પ્રતીક કવિની આધુનિક અભિજ્ઞાથી પ્રેરાયેલી સર્ગશક્તિનું પરિચાયક બને છે.

   માત્ર સંવેદન, પ્રતીક યા કલ્પનોમાં જ નહિ, લયપ્રયોજનમાં પણ કવિ અદ્ભુત ઉછાળ ભરે છે. કુદ્ધ-રુદ્ધ અને વિવશ સિંહનું પ્રતીક તો કવિ યોજે છે જ, પરંતુ એથી ય પ્રભાવક અને સંતર્પક લય-યોજના આપણા આકર્ષણનું કેન્દ્ર બને છે. પાંજરે પૂરેલા સિંહની હિલચાલનો ગુલબંકી અહીં કેવો પ્રતીકાત્મક પરિવેશ ધારણ કરે છે !
એ છલંગ, એ જ ન્હોર
નેત્રમાં ય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે મહંત એ જ ખૂન
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
(‘બૃહત્ત છંદોલય’,પૃ.૨૦૬)
   આધુનિકતા અને નગરક્ષોભ તરફનાં આક્રોશ અને વિવશતા પ્રગટાવતાં ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો નિરંજન ભગતની કવિતાનું જ નહિ, ગુજરાતી કવિતાનું પણ અનોખું સિદ્ધિશિખર છે.

   ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં કવિ નિરંજન વળી પાછા પૂર્વાપર ડગ માંડે છે. યંત્રવાદિતાની પકડમાંથી છૂટીને ‘રોમાન્ટિક નિરંજન’ સાથે અનુસંધાન સાધે છે. 'લાવો તમારો હાથ, મેળવીએ’ કહીને પુન:રંગદર્શી ચિંતનમઢી કવિતાનો હાથ નિરંજન ચાહે છે. ‘પ્રવાલદ્વીપ’નું સર્જન જાણે એક યુદ્ધ હતું. તો ‘૩૩ કાવ્યો’નું સર્જન યુદ્ધોત્તર વિશ્રાંતિ અને નવઘટનનો સમય છે. માનવીના સ્થાન અને માનની પુન:સ્થાપના કવિ આ ‘૩૩ કાવ્ય’માં કરે છે.

   આમ, નિરંજન ભગત આધુનિક-યુગનું વૈતાલિકપણું પોતાની વૈયક્તિક મુખની છાપ સાથે ઉપસાવે છે. તેમની કવિતાયાત્રાની ફલશ્રુતિ રૂપે ગુજરાતની કવિતા આધુનિક સંવેદનાની પહેલવારકી ઓળખ મેળવે છે. નિરંજને ગુજરાતી કવિતાને કરાવેલી આ ઓળખની ત્યાર બાદની કવિતા ઉપર દૂરગામી અને કારગત અસરો પડે છે.

   રાવજી નિરંજનની આવી કારગત અસરોનું પરોક્ષ વહન કરનારો કવિ છે. રાવજીમાં જણાતી નગર સંસ્કૃતિનો ક્ષોભ, નગરજનિત એકલવાયાપણું અને અજાણ્યાપણું, સંત્રાસ અને છિન્નતા, હતાશા અને વિવશતા, તેમજ મૂલ્યહનન અને માનવીના અવમૂલ્યનને નિરૂપતી અનુભૂતિઓનાં મૂળ-કુળ નિરંજનની આધુનિકતાવાદી કવિતામાં પડેલાં શોધી શકાય. અલબત્ત, અન્ય કવિઓની અપેક્ષાએ રાવજીની બલિષ્ઠ સિસૃક્ષાને કારણે તે ઝાંખાં દેખાય તે અગત્યનું નથી પણ રાવજીની પૃષ્ઠભૂમિને ઘડનારું એક પરિબળ નિરંજનની કવિતાભૂમિ છે તે જ અગત્યનું છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment