3.1.1.5 - હસમુખ પાઠક / રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા   હસમુખ પાઠક પૂર્વસ્વાતંત્ર્યોત્તર કાળના અગત્યના કવિ છે. તેમણે ‘નમેલી સાંજ’ અને ‘શિર નમ્યું’ તથા આ બને કાવ્યસંગ્રહોમાંથી ચયન પામેલી કૃતિઓના સંગ્રહ રૂપ ત્રીજો કાવ્યસંગ્રહ ‘સાયુજય’ આપ્યા છે. તેમની કવિતામાં સ્વસ્થ સંકુલ સંવેદન કલાઘાટ પામતું અનુભવાય છે. વેધક વિચારોની સરળ અભિવ્યક્તિ પણ તેઓ સાધી શકે છે તો સાંકેતિક અર્થછાયાઓની વિલક્ષણ ભાત પણ તેઓ ઉપસાવી શકે છે. કાવ્યવિષયની પસંદગી બાબતે પણ હસમુખ પોતીકી મુદ્રા ધરાવે છે. તેમની કવિતાના આગવા વિષયોને તેમની અભિવ્યક્તિમાં અનુકૂળ પડે તેવી નવ્ય ભાષાથી તેઓ મઢે છે. આ નવા વિષય અને નવી ભાષાને હસમુખ પોતીકી કહી શકાય તેવી નિરૂપણરીતિમાં ઢાળે છે. આમ આવાં ત્રિપરિમાણિય આવર્તનો વચ્ચે નવાં નવાં રૂપ રચતી જતી તેમની કવિતામાં અદ્યતન કવિતાની ગતિવિધિનાં કેટલાંક લક્ષણો પ્રતિબિંબિત થતાં જોઈ શકાય છે.

   હસમુખ પાઠક પોતાની કવિતાને અનુલક્ષીને વિભાવના રચતાં કહે છેઃ ‘કવિતા એટલે વાણીમાં વ્યકત થવા મથતી માણસાઈ’ (‘સાયુજ્ય’, પ્રસ્તાવના, લે. હસમુખ પાઠક, પ્રકા. આર.આર.શેઠની કંપની, અમદાવાદ, પૃ.૧) તેમણે માણસ અને માણસાઈ માટેની ઊર્મિલ સંવેદનાઓને કાવ્યસ્થ કરવાનો પુરુષાર્થ તો ખેડ્યો જ છે, સાથોસાથ તેમણે વર્ણ્યવિષય અને તેની પ્રયોજના બેઉને પોતાની નિજી તરાહમાં પળોટીને કવિતાનું નૂતન રૂપ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. સ્વસ્થ સંકુલ સંવેદન, નિરાડંબરી અભિવ્યક્તિ, લાગણીઓ અને ભાવુક વિચારોની અર્થસાંકેતિક પ્રસ્ફૂટણા, અલંકારરહિત સીધી, સાદી, સરળ છતાં ચમત્કૃતિપૂર્ણ પ્રતીક યોજના જેટલાં તેમની કાવ્યસૃષ્ટિનાં પરિચાયક બને છે . તેટલાં જ સ્વાતંત્ર્યોત્તરકાલીન કવિતા પ્રતિની ગતિનાં ય પરિચાયક બને છે. જેમકે -‘તણખલું’ કાવ્યમાં કવિ કહે છે:
ગીચ રસ્તા- (સાંભળ્યો છે આ જ કોલાહલ ક્યહીં !)
– પર
માણસો મોટર સહિત સરતાં ઝપાટાબંધ,
(જાણે દેવ સૌ ફરતા વિજયમાં અંધ !)
(‘સાયુજય’, પૃ.૫)
   હસમુખની કવિતામાં વિષયોનું જેટલું નાવીન્યપૂર્ણ પોત વણાતું જોવા મળે છે તેટલી જ બારીકાઈ તેમની કવિતાની વિભાવના ઘડવાની સભાનતામાં પણ જોઈ શકાય છે તેથી જ તેમની કવિતામાં અભિવ્યક્તિની સભાનતા વર્તાઈ આવે છે. લયની બાબતે, ભાષાની નવી ભૂગોળ રચવાની બાબતે, યા કવિતાને આકારગત સૌંદર્ય પ્રદાન કરવાની બાબતે હસમુખનું કવિકર્મ નોંધપાત્ર બન્યું છે.

   કૌંસ પ્રયોજના કવિની આગવી કથનસુઝનું પરિણામ છે. કૌંસ દ્વારા કવિ ભાષાને બે સ્તરોએથી હાંકે છે. તેથી એકી સાથે બહિરિય અને ભીતરીય એમ બેઉ ભાષા પરિમાણો સિદ્ધ થાય છે. એમનાં ‘આંખો’, ‘ઉચાળો’, ‘સર્જન’, ‘ચાલ હસીએ આ વસંતે’, ‘પશુલોક’, ‘તણખલું’, ‘વૃદ્ધ’, ‘શહેરની ઘડીઓ ગણતાં’, ‘કોઈને કાંઈ પૂછવું છે ?’, ‘આ આયનામાં’ વગેરે કૃતિઓમાં અભિવ્યક્તિની આ રીતિ પ્રયોજાઈ છે. કથ્યના કાકુઓ સૂચક રીતે ઉપયોગ કરે છે. કેટલાંક ઉદાહરણો જોતાં આ વસ્તુ સ્પષ્ટ થશે.
કેવું પરોઢ ઊઘડે (શિશુનું બગાસું !)
આ શહેરનું, લથડિયાં ભરતા જતા સૌ
(શું રાતપાળી કરતા મજદૂર?) તારા,
(‘સાયુજય’, પૃ.૧૨)

ઇશ્વરે સૃષ્ટિ રચી
(હું આ કવિતા લખું છું તેમ)
લીલા માત્રમાં
(‘સાયુજય’, પૃ.૧૧)

લોહીના ખાબોચિયામાં માંસના લચકા
અને બે શિંગના ટુકડા
(બધું ભેગું કરીને સાંધવા મથતી નજર) ને
ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ડચકાં ભરે
(યમરાજ પણ છેવટે, પછી, આવ્યા ખરખરે)
(‘સાયુજય’, પૃ. ૯)
   અભિવ્યક્તિની આવી વિશિષ્ટતાને લઈને હસમુખ તેમના સમકાલીનોમાં અલગ તરી આવે છે. પરંપરાગત બાનીની અને નવીનતર કવિતાની સૂચકતા, કાવ્યશિલ્પને ઉપકારક એવી દુર્બોધતા અને અનેક દિશાઓમાં ફેલાતા સંકેતોની અર્થસૂચક રજૂઆત તેમની કવિતાનો અનન્ય ગુણ છે. મનુષ્યકેન્દ્રી સંવેદનાની વાસ્તવિકતામઢી અભિવ્યક્તિ તેઓ સાધે છે. તેમની આવી અભિવ્યક્તિ મનોવૈજ્ઞાનિકતા, બૌદ્ધિકતા, વૈચારિકતા અને આધ્યાત્મિકતાથી ભરીભરી હોય છે. કવિની ઠરેલ ચિત્તભૂમિમાં અંકુરિત થતાં પ્રૌઢિયુકત ભાવસ્પંદનોનું કાવ્યમાં થતું રૂપાંતરણ સ્વસ્થ, ગહન, વિચારોત્તેજક કવિતાનું નિમણિ કરે છે. દા.ત.
પ્રથમ તો લાગણી
બ્રહ્માંડના શૂન્યત્વ સરખી ભીસતી
પ્રસરી,
પછીથી સૂર્ય
જાણે આપણી આંખો ઊઘડતાં, છલકતાં
ઉષ્મા અને તેજે ભર્યો પ્રગટ્યો,
પછીથી વાયુએ
બન્ને બિડાયા હોઠની વચ્ચે પુરાયા પ્રાણ જેમ
જુદા પડી
પૃથ્વી અને આકાશની
વચ્ચે અખંડિત વહી રહેલી હા મહીં
હા ભેળવી !
(‘સાયુજય’, પૃ.૨૫)
   અનુગાંધીયુગીન કવિઓએ પ્રતીકવિધાન, રૂપકઆયોજના, ઈન્દ્રિયવ્યત્યય પુનરાવૃત્ત થતા ઉક્તિ પ્રયોગો, વ્યંગોક્તિ કે અર્થાલંકારો દ્વારા સધાતી ચમત્કૃતિઓ જેવી અનેક પ્રયુક્તિઓ દ્વારા જે નવી ભાષાભોંય ભાંગવાના પ્રયત્નો કર્યા તેમાં હસમુખ પણ અગ્રેસરોમાંના એક છે.

   રાવજીની કવિતામાં ક્રિયમાણ એવાં માનવતાવાદી વલણો તથા અભિવ્યક્તિની અપૂર્વતા અને પ્રૌઢ હસમુખ પાઠકનાં કાવ્યવલણોમાં ગોપિત રીતે નિહિત હોવાનું અનુભવાય છે. અલબત્ત, આ બન્ને કવિઓ વચ્ચે દેખીતી રીતે સીધું કોઈ પરિમાણ સક્રિય ન હોવા છતાં એક પરંપરાની ઉત્કૃષ્ટ ફલશ્રુતિ અને તેના બીજ નિક્ષેપન બિંદુ વચ્ચેનું પ્રચ્છન્ન સાતત્ય જરૂર વર્તાય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment