3.2.1.1.4 - નગરજીવન / આરંભિક તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


કૃષિમય ગ્રામજીવનના અતિરાગમાંથી રાવજીનાં આરંભકાલીન કાવ્યોમાં નગરસંસ્કૃતિને લગતાં સંવેદનો વિરોધી અનુભૂતિ તરીકે જન્મેલાં છે. કવિનું ચિત્ત પોતાની પર્યાવસના સમા કૃષિ અને ગ્રામજીવનને ઊંડે ઊંડે નગરજીવન સાથે Juxtapose કરે છે. પરિણામે કૃષ્ણાનુભૂતિના પરિવેશની પડછે લટકાવેલા ભીંતચિત્ર જેવી નગરજીવન વિષયક સંવેદનાઓ આરંભકાળમાં રાવજી આલેખે છે, જેમકે,
ને હું હવે નગરને પથ સંચરું ત્યાં
આખીય સીમ મુજને વળગી રહી છે !
(અંગત, કાવ્ય – સીમનું મન)
   તનથી નગરમાં અને મનથી ગામડે જીવતા કવિજીવની વિલક્ષણ અનુભૂતિ ‘બસ-સ્ટેન્ડ પર રાત્રે’ કાવ્યમાં આલેખાઈ છે. નગરનું એકાન્ત ભયાનક અને પાશવી છે તેનું સૂચન ‘હલે ના અંધારું’ ‘નરી ઊંડી ખીણો ખદબદ થતી, સાપ લબડે' જેવી પંક્તિઓ દ્વારા તેમજ શ્વાન ઇત્યાદિ પશુઓની ક્રિયાઓ સમી પોતાની ક્રિયા ‘શરીર ઘસતો સ્ટેન્ડ સળિયે’ નિરૂપીને નગરમાં થયેલી પોતાની પશુસ્થિતિનું કવિ વિલક્ષણ નિરૂપણ કરે છે, પરંતુ ત્યાં ય કવિ ચિત્તનો ભાવ તો ગ્રામસ્મરણનો જ છે :
અને ત્યાં ઓચિંતો પરસ જલના કો શીકરનો
થયો કે હૈયામાં વિહંગ ટહુક્યા, પહાડ પુલક્યા
ગયું પેસી મારા હૃદયતલમાં ઘાસ સઘળું.
(‘અંગત', બસ સ્ટેન્ડ પર રાત્રે)
   રાવજીના આ પ્રારંભિક તબક્કામાં તેની મનોસ્થિતિ રંગદર્શી આદર્શોન્મુખ અને સૌંદર્યલુબ્ધ રહી છે તેમજ મુખ્યત્વે પ્રકૃતિ, કૃષિ, પ્રણય અને પ્રકૃતિ/કૃષિના વિરોધે નગરજીવનને લગતાં સંવેદનોની જ કવિતા કરી છે. અલબત્ત તેની સ્વકીય પ્રતિભાની મુદ્રાથી અંકિત એવી વિલક્ષણતા તો અહીં પણ જોવા મળે છે, તેના કાવ્ય વિષયની પસંદગી, નિરૂપણરીતિ અને સંવેદનોની સહજ રજૂઆત તેની કાવ્યરીતિને વિલક્ષણ બનાવે છે. ઉદાહરણો જોતાં જણાશે કે રાવજીનાં સંવેદનો બહુધા પરંપરા દ્વારા પુષ્ટ થઈને ઉત્તરોત્તર વિકાસ સાધે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment