3.2.1.2.1 - કૃષિ / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


કૃષિજીવનને અસબાબ પણ અહીં કવિની કૃષિરાગી સંવેદનાઓને તીવ્રતર રીતે અભિવ્યક્ત કરવામાં સતત પ્રવૃત્ત રહ્યો છે. પરંતુ આ સંવેદનાઓ માત્ર નગરજીવન સાથે વિરોધીસંનિધિ જ નથી રચતી, કવિની કોઈ આંતરિક વેદના અને બળવતી ઝંખનાનું ય પ્રતીકાત્મક રૂપ ધારણ કરે છે. જેમ પ્રકૃતિ તેમ કૃષિને પણ કવિએ પોતાના અસ્તિત્વની સાચુકલાઈ શોધવાની ગતિવિધિ લેખે કાવ્યમાં વ્યસ્ત કરી છે. તેથી કરીને તેમની કૌતુકરાગી કૃષિ સંવેદનાઓ આ ‘પરિપક્વ તબકકા’માં વાસ્તવની વિકલાંગ વિકરાળતા સામેથી ભાગી છૂટવાની તીવ્રેચ્છાનું વહન કરતી જોવા મળે છે.
નાનો ભાઈ બચ બચ ધાવે,
બચકારે બચકારે અંધારાનો મોલ હલે.
સ્હેજ વળી ફણગાની જેમ કૂંણું કણસીને
બચ બચ પીધા કરે માયાળુ ખેતર.
મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે.
('અંગત', કાવ્ય – વરસાદી રાતે)
   તો વાસ્તવની અપ્રાકૃતિક સંચલનામાં પરાણે પ્રવૃત્ત થવાની ત્રાસદાયકતાને કવિ વિવિશતાપૂર્ણ અભિવ્યક્તિ આપે છે :
તમાકુના છોડ ને ઉછેરીએ એવી કાળજીથી
નોકરીને પાલવું છું.
('અંગત, કાવ્ય – હું જીવતો છું)
   કાળ, ગતિ અને તેની સાથે સંબંધાયેલી જીવનઘટનાઓનું કવિના આંતર પરિવેશ સાથે સંસ્મરણાત્મક લયાવર્તનો રચતું, સ્થિતિગતિ રચતું ચિત્ર કવિ ‘ઘણાં વર્ષે વતનમાં’ કાવ્યમાં આપે છે :
ખેતરો વચ્ચેથી ટ્રેન સરકી જાય એટલો વખત
વૃક્ષ નીચેનાં વાતોડિયાં ઊભાં થઈ જુએ,
હળ હાંકતો ખેડુ રાશમાં બળદ ખેંચી લે,
આજ પરોઢે દોતાં દોતાં પાણી છોડેલો તે
ભેંસ શેઢા પરથી માથું ઊંચકે.
ડોસીની કીકી વચ્ચેથી ભાગી છૂટી ધસમસતી
ખેતરો વચ્ચે થૈ
ગામ-બંગડી જેવું ફેંકી ભાગી.
ડબ્બે ડબ્બે ડોકાતી'તી ટ્રેન.
ઘાસની જોડે વાત કરી લેવાની હોય એમ
મજૂરની છાતીમાં વ્હીસલ થઈ પેઠી સરકી.
આંખ ખૂલીને બંધ થાય કે
વૃક્ષ નીચેનાં પેલાં બેઠાં હેઠાં ચૂપ નિર્જીવ એમ
કાનમાં કરપાતું ઘાસ, ભેંસ, હળ
ને
ગુપચુપ ગુપચુપ પાછી ફરી વારકી ટ્રેન સરી ગઈ સ્હેજ.
('અંગત', કાવ્ય – ઘણાં વર્ષે વતનમાં)
(ક્રમશ :...)


0 comments


Leave comment