76 - વાતો કરો / જવાહર બક્ષી


સારની, અણસારની વાતો કરો
આજ અપરંપારની વાતો કરો

ઘરની વાતો પર તો તાળું બંધ છે
ભીંતના વિસ્તારની વાતો કરો

મૌન આભૂષણ છે શબ્દોનું, કબૂલ !
મૌનના શણગારની વાતો કરો

આપણું હોવાપણું તો સ્પષ્ટ છે
આપણા આધારની વાતો કરો

આજ આંસુઓ ન લાવો આંખમાં
આજ દરિયાપારની વાતો કરો


0 comments


Leave comment