3.2.1.2.7 - વૈફલ્ય / પરિપક્વ તબક્કો / રાવજીની સર્જકચેતનાનાં કેન્દ્ર અને પરિઘ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા
રાવજીની કવિતામાં ઘોર નિરાશા અને વિફલતાની સંવેદનાઓ વિપુલ પ્રમાણમાં નિરૂપાઈ છે. કવિને જીવનમાં સતત નિષ્ફળતા મળી છે. સ્વસ્થાપન હોય, પ્રણય હોય, અર્થોપાર્જન હોય કે તંદુરસ્તી હોય, રાવજીને એક્ય મોરચે સફળતા મળી નથી. તેની કવિતાને વૈકલ્યના પરિબળે એવી તો પ્રભાવિત કરી છે કે તેની અનેકવિધ સંવેદનાઓ આ વૈફલ્યની ભૂમિમાંથી વાંસની જેમ ફૂટી નીકળે છે.
હવે શાં કાવ્ય લખું ?માણસનો કાન હવે તો ધૂળ-ધુમાડો-પથ્થર.('અંગત', કાવ્ય – ૧૯૬૪-૬૫માં)
સમગ્ર માણસની લુપ્તિ અને નિર્માનવીકરણ સર્જતી સ્થિતિમાં સંવેદનથી ભરી ભરી કવિતા શા માટે, કોના માટે લખું તેવી ઘોર હતાશા કવિને ઘેરી લે છે. તો દૈહિક રીતે સીમિત સીમાઓમાં, માત્ર નામની કેદમાં અવ્યાખ્યેય અસ્તિત્વ ગૂંગળાય છે. કવિ કહે છે :
દેહમાં પુરાયલું અસ્તિત્વ આગમતું નથી.મને કોઈ રાવજીથી ઓળખે.એય હવે ગમતું નથીસ્વપ્નપરીઓના સુવાસિત દેશનેપરીઓ બધી ઊંચકી ગઈ !ને જાતને સમજાવતો હું થઈ ગયો.('અંગત', કાવ્ય – તા.૧૫-૧૧-૧૯૬૩)
ઉપરની પંક્તિઓમાં રાવજીના અંતરંગમાં વ્યાપેલી વૈફલ્યાનુભૂતિ પ્રબળ રીતે આલેખાઈ છે. વિફલતાનું આ સંવેદન તેની સિસૃક્ષાના પ્રધાન સૂરોમાંનું એક છે. જે વારંવાર અનેક રીતે પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપમાં પ્રગટતું રહે છે.
રાવજીની કવિતા આ તબક્કામાં પરિપક્વતા તો ધારણ કરે છે જ, સાથોસાથ તે સંકુલતાની દિશામાં તીવ્રાવેગી ગતિ પણ ધારણ કરે છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment