101 - ટોળું...! / યોસેફ મેકવાન


આદિએ ટોળું હતો, આજેય ટોળું છું,
હું હજી માનવ થવાના રાહ શોધું છું !

ક્યાં કરું છું ખ્યાલ બીજાનો કશી વાતે ?
જે મને ફાવે- ગમે એ સ્વાંગ ઓઢું છું.

વિશ્વમાં દ્વંદ્વો નિહાળી ખ્યાલમાં આવ્યું
હું મને બસ સાંભળું છું – હું જ બોલું છું !

રાજકારણના બધે ખેલાય છે ખેલો –
હું જ છું ચોપાટ એમાં હું જ મ્હોરું છું !

ધર્મના લીરા થઈ ઊડ્યા કરે જુઓ !
આ કઈ દિશા તરફ હું આમ દોડું છું ?

હોય તો થૈને પ્રગટ તું ભ્રમ ભાંગી દે
યુગયુગે આકાર તારા કૈંક દોરું છું !

છે અહમનાં ફીણના દરિયા જ ઘૂઘવતા –
હુંય એનું એક શું એવું જ મોજું છું ??


0 comments


Leave comment