105 - કોઠે પડ્યું છે... / યોસેફ મેકવાન
કોઠે પડ્યું છે જેટલું એ છોડવું પડશે હવે,
જાગી સમયની સાથ જીવન જોડવું પડશે હવે.
આતંકમાં રાચી રહેલી આંખ જ્યારે ખૂલશે –
માનવ થવાને તે પછી કૈં દોડવું પડશે હવે !
છે પ્રેમની ભાષામહીં ધિક્કારનું જે છળકપટ
આ વ્હેણ ભાષાનું સવેળા મોડવું પડશે હવે.
આ ધર્મસંતોના ઘમંડો શ્વાસમાં લ્હેરી રહ્યાં.
નક્કર અહમનું ગૂમડું એ ફોડવું પડશે હવે.
ચારે તરફ ચાલી રહ્યું છે, અરણ્યરુદન દોસ્ત હે ?
ત્યાં સ્વાર્થનું જાળું થયું તે તોડવું પડશે હવે.
૨૦૦૯
0 comments
Leave comment