107 - જીવવાના અર્થ / યોસેફ મેકવાન
ન્હોતું ધાર્યું દૃશ્ય એ દેખાય છે રે,
ને મરેલા લોક કેવું ગાય છે રે.
યુદ્ધના પડઘમ હવે વાગી રહ્યા છે,
જૂઠના કિલ્લા જીભે બંધાય છે રે.
શ્વાસ-ઉચ્છવાસે રમાતું રાજકારણ –
આમ જનતા કેટલી રિબાય છે રે.
આપણું હોવું ન હોવું થૈ જશે જો,
કાળ સૌની આંખમાં હરખાય છે રે.
આ ધરા પર આમ બસ ચાલ્યા કરે છે,
જીવવાના અર્થ સૌ બદલાય છે રે !
૨૦૦૯
0 comments
Leave comment