113 - સહજોદ્ગાર... / યોસેફ મેકવાન


મૃત્યુ પછી થઈને પવન હું ઘૂમતો રહું,
એકાદ-બે ફૂલ મૂકવા મારી મઝાર પર.
***
હું શૂન્યતાની આંખમાં ટપકું બની બિડાઉં છું,
તું મૌનના ઉદ્ગાર રૂપે વિશ્વને સાલ્યા કરે.
***
વાયુનો વિસ્તાર જેમ આકાશ છે,
આપણું હોવુંય એમ આભાસ છે.
***
હું ક્યાં તમારાથી અરે ! અળગો હતો ?
બોલ્યાં તમે એનો જ હું પડઘો હતો !
***
ખોવાઈ જાઉં છું હું તો તારા મિલન વિના,
ભૂલી હું જાઉં છું મને તારા મિલન મહીં
***
થોડી પળોનો પ્રેમ છે આ જિંદગી
એ પ્રેમનોય વ્હેમ છે આ જિંદગી !


0 comments


Leave comment