1 - ટહુકાના ટચકાથી સંવેદિત ચેતના / અલખના અસવાર / રાધેશ્યામ શર્મા


   ૧૯૭૧માં ‘સંસ્કૃતિ'માં પ્રકાશિત ગીતની આ પંક્તિઓથી કવિ યોસેફ મેકવાન ધ્યાનાર્હ બની રહેલા.
સંધ્યાના વ્હેણ પર ખૂલે દિશાના શઢ,
દોરાતા જાય મારી આંખથી...

   પછી તો નોંધપાત્ર સંગ્રહો થયા. ગઝલ, ગીતો કવિતાઓ સહજ વહેતાં થયાં. પણ વેઠવાનું આવ્યું સર્જકચેતનાએ. પ્રકૃતિ-પ્રણયની કવિતા કરતાં એક તરફ કોયલ શો ચહેરો ‘ટહુકે’ તો બીજી બાજુ ‘ટહુકાના ટચકે ઘવાયો' ગાવાનું પણ બને ! સમય ગીતકવિતાની ડાળખી ‘લાગણીની લિપિમાં આળખી’ અહીં પ્રતીત થાય છે. ‘શબ્દની હોડી કાણી મળ્યા'ની નિર્ભાન્તિ સૂચક છે. તો દૃષ્ટિ કેવીક છે ? ‘તરી રહેલા પિચ્છ સરીખી દૃષ્ટિ ત્રુટક ત્રુટક ફરતી’ વિચ્છિન્નતાને જીરવી જીવનનો આધાર ક્યાંથી સાંપડતો હશે ? ‘છાંયડીમાં તું, હું તડકાના ટેકરેથી રેલાવું પ્રેમનાં વેણ....'

   પ્રેમનો સાંપ્રદાયિક નહિ, પણ આંતરિક અધ્યાય અનુભવ યોસેફને બાઇબલના ‘સામ'-પ્રાર્થના સ્તોત્રોનાં ભાષાન્તરમાં સ્પર્શ્યો. તેથી તો સંગ્રહનું નામ અનાયાસે જ ઊતરી આવ્યું હશે. ‘અલખના આસવાર' ‘આંસુનાં અત્તર'થી તરબતર અને ‘શ્વાસોના હલ્લેસે એકલે હાથે તરવા'ની કવિની ‘ગઝલી'- ખુમારી દુબારા કહેવા પ્રેરે.
૮ નવેમ્બર, ૧૯૯૪.
રાધેશ્યામ શર્મા


0 comments


Leave comment