2 - રસળતી ગીતમીમાંસા / પ્રસ્તાવના / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / પ્રો.જશવંત શેખડીવાળા


   ડૉ.ભગીરથ બ્રહ્મભટ્ટ, અનુભવી સન્નિષ્ઠ વિદ્વાન અધ્યાપક હોવાની સાથે, આશાસ્પદ કવિ, લઘુકથાઓના લેખક અને લલિત લધુ ચરિત્ર-લેખોના સફળ આલેખક પણ છે. ‘ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર’નું તેમનું આ પુસ્તક તેઓ એક અભ્યાસી વિવેચક હોવાની પણ શાખ પૂરે છે.

   ગુજરાતીના અભિજાત ગીતસાહિત્યની તેમાં ચર્ચા-વિચારણા રજૂ કરવાનું તેમણે લક્ષ્ય રાખેલું, જેને સિદ્ધ કરવામાં તેઓ સફળ થયા છે. ગુજરાતી ગીતની તેમાં સર્વાંગીણ ચર્ચા-વિચારણા તેઓ કરી શક્યા છે. કવિતામાં ગીતનું સ્થાન, તેની વ્યાખ્યા અને વિશેષતા, ઊર્મિકાવ્યના એક પ્રકાર લેખે તેનું અસ્તિત્વ, તેનું આગવું અનોખું સ્વરૂપ અને સંવિધાન, તેનું વિષયવૈવિધ્ય, તેની રસકીય ક્ષમતા, લોકગીત સાથેનો તેનો સંબંધ, તેના સર્જન પાછળ પ્રવર્તતી કલાકીય અભિજ્ઞતા, તેનાં ભાવવ્યાંજકતા અને કાવ્યત્વ, તેનાં અવનવાં ભાષા-અલંકાર-કલ્પનપ્રતીક, તેના શબ્દ-અર્થ-ભાવની મધુરતા, વર્ણ-શબ્દ-લય-ઢાળ-રાગની વિશેષતા અને તજજન્ય સંગીતતત્ત્વ આદિ ગીતવિષયક તમામ બાબતોનું તેમણે, લગભગ અશેષ લાગે તેવું, તેમાં વિવેચન કર્યું છે. તેમની સાહિત્યિક સૂઝ-સમજ, રસજ્ઞતા, વિદ્વત્તા, બહુશ્રુતતા, પરિશ્રમપ્રીતિ તેમાં સર્વત્ર જોવા મળે છે.

   ગીતવિષયક આ બધી ચર્ચા-વિચારણા વિગતપ્રચુર, સવિસ્તર અને તલસ્પર્શી રૂપમાં થઈ છે. વિદ્વાન કવિઓ-વિવેચકોનાં સમર્થક મંતવ્યો-કથનો-દલીલોથી અને વિવેચ્ય ગીતોનાં સૂચક-સમુચિત અવતરણો-ઉદાહરણોથી તે પ્રતીતિકર અને વિશ્વસનીય બની છે. દલપત-નર્મદથી માંડી રાવજી પટેલ-રમેશ પારેખ સુધીના, અને તે પછીના પણ - છેક આજ સુધીના - કવિઓનાં ગીતોની ઉદાહરણ- અવતરણખચિત વિવેચના અર્વાચીન-આધુનિક ગીતનાં સ્વરૂપ અને વૈવિધ્યની જ નહિ, તેના સમગ્ર સાહિત્યની અને તેની સમૃદ્ધિની પણ સુસ્પષ્ટ ઝાંખી યુગપદ કરાવી દે છે. વાચક સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતનું વિવેચન અને આસ્વાદન ઉભય સાથોસાથ પામી અને માણી શકે છે. સરળ, મધુર, પ્રવાહી, વિશદ શૈલી-નિરૂપણ ગીત-ચર્ચામાં ભાવકને સાદ્યંત લીન રાખી શકે છે.

   આમ છતાં, એવું લાગે છે કે - ગીત પંક્તિઓનાં અવતરણો કંઈક ઓછાં હોત અને કેટલાંક અવતરણોનું પુનરાવર્તન નિવારી શકાયું હોત, તો આ ગીતમીમાંસા થઈ છે તે કરતાં પણ વધુ સુશ્લિષ્ટ અને સૌષ્ઠવયુક્ત તેમ જ આકર્ષક અને પ્રભાવક થઈ શકી હોત. પરંતુ છે તેવી પણ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતની આ સમગ્રદર્શી, સવિસ્તર, તલસ્પર્શી વિવેચના રસળતી તેમ વિચારપ્રેરક બની છે. ગુજરાતી ગીત વિશે જાણવા જેવું લગભગ બધું જ વાચકને તેમાંથી મળી રહેશે. વાચકને તેથી ગીતનો અવબોધ અને આનંદ ઉભય સાથોસાથ પ્રાપ્ત થઈ શકશે.
- પ્રો. જશવંત શેખડીવાળા
(નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ
: ગુજરાતી વિભાગ સ. પ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર)
તા.૧૪-૭-૨૦૦૧, શેખડી
તા.પો.ઓ.પેટલાદ – ૩૮૮૪૫૦, જિ.આણંદ


0 comments


Leave comment