3 - નિવેદન / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   મારે મન ગીતનું સ્વરૂપ લયના લીલાછમ્મ ઝાડ જેવું છે. મારાં મૌલિક લખાણોનો પ્રારંભ ગીતથી જ થયો. પહેલેથી મને ગીતસ્વરૂપ પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું જ. અધ્યાપક થયા પછી સંશોધન-કામ અંગેના વિષયો વિચારતાં વિચારતાં પદ્યના આ વિશિષ્ટ કાવ્યસ્વરૂપ તરફ નજર ઠરી. અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનાએ, દીર્ઘ પરંપરા ધરાવતા આ કાવ્યપ્રકારમાં લોકસાહિત્યનાં મૂળિયાં દેખાયાં, પછી તો પ્રસિદ્ધ વિવેચક ડૉ.પ્રમોદકુમાર પટેલ સાહેબને મળ્યો. એમની સાથે બેઠકો યોજી, ચર્ચા કરી, વિષય નક્કી થયો. ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત : એક અભ્યાસ’ એ વિષયમાં રસ પડ્યો. માર્ગદર્શકશ્રીનાં ઝીણાં અને મહત્ત્વનાં સૂચનોથી સંશોધનગ્રંથની ડિઝાઈન તૈયાર થઈ અને કામ પણ થયું.

   મારા સંશોધન-ગ્રંથને એકસાથે પ્રકાશિત કરવામાં મને દુઃસાહસ જણાયું તેથી તેમાંના એક પ્રકરણ ‘ગીત : સ્વરૂપવિચાર’ ને હાલ પુસ્તકરૂપે પ્રગટ કરવા વિચાર્યું. તેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો આર્થિક સહયોગ સાંપડ્યો. આ પ્રકરણ પુસ્તકનું સ્વરૂપ લે તે પૂર્વે પરામર્શક તરીકે ડૉ.ચંદ્રકાન્ત શેઠ અને વિદ્વાન અધ્યાપક - વિવેચક જશવંત શેખડીવાળા સાહેબે જરૂરી સુધારા સૂચવ્યા. હસ્તપ્રત તૈયાર કરવામાં મારા વિદ્યાર્થી રાજેન્દ્ર અને પ્રવીણની સહાય મળી. પરિણામે આ ગ્રંથ તમારા હાથમાં મૂકી શક્યો છું. તે સૌને હૃદયપૂર્વક યાદ કરું છું.

   પ્રકાશન-સહાય આપનાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો અને પ્રકાશન-વ્યવસ્થામાં સહાયરૂપ થનાર ભાઈશ્રી ચિંતન શેઠનો આભારી છું.
– ભગીરથ બ્રહ્મભટ્ટ


0 comments


Leave comment