79 - એકઠો થઈ જાઉં છું / જવાહર બક્ષી


મૌનના અવકાશમાં વેરાઉં છું
એક અવાજે એકઠો થઈ જાઉં છું

એટલે એ દૂર રાખે છે મને
હું વધુ પડતો નિકટ થઈ જાઉં છું

ઘરમાં એને કોઈ સાંભળતું નથી
મારી ઈચ્છાને ખૂણે લઈ જાઉં છું

મારી એકલતાને પડકારો નહીં
હું વધારે એકલો થઈ જાઉં છું

ઝાંઝવાં ઝરતાં રહે છે ભીંતથી
ને હું ઘરમાં રણ સમો રહી જાઉં છું

સહુ સમજતા હોય પણ કહેવું પડે
જિંદગીમાં એ રીતે લંબાઉં છું

કોઈ પસ્તાવો નથી થાતો ‘ફના’
કોણ જાણે કેટલો પસ્તાઉં છું


0 comments


Leave comment