2 - ગુજરાતી ગીત-કવિતા : સામાન્ય પરિચય / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   કવિતાના પેટાપ્રકાર તરીકે અભિજાત ગીતનો સ્વીકાર પશ્ચિમના સંપર્ક પછી, ગુજરાતી સાહિત્યમાં મોડેથી થયો છે, પણ ગીત માનવકંઠ જેટલી જૂની ચીજ છે. ગુજરાતમાં પણ આદિવાસીઓના કાળથી માંડી આજ સુધી એ ગવાયાં, સચવાયાં છે – રચાયાં છે. કાવ્યનો પ્રદેશ આજે વિવિધ રીતે ખીલ્યો છે, ગીત પણ કાવ્ય-પ્રદેશનું વિશિષ્ટ રૂપ છે, એનો શાસ્ત્રીય અભ્યાસ કરવો જરૂરી છે. ગીત શું ચીજ છે ?

   એક વાર વાંચી લીધા પછી પણ ગીતનો રસ કેમ ખૂટતો નથી? ગીતનો વિષય જાણીતો હોય, કડીએ કડી કંઠસ્થ હોય છતાં એનું આકર્ષણ કેમ ઓછું થતું નથી ? આપણાં લોકગીતો સદીઓથી ગવાય છે, છતાં એમાં આપણને રસ શા કારણે છે ? આ ચમત્કાર શામાં રહ્યો છે ? એના દેહમાં કે પ્રાણમાં ? કે પછી દેહમાં પૂરાયેલા કોઈ ચૈતન્ય-ધબકારમાં ? ગીતો એનાં એ હોવા છતાં એનું સમગ્ર સૌંદર્ય ઝાંખું પડ્યું નથી. ઊર્મિકવિતા કરતાં એ ક્યાં નોખું પડે છે ?

   ‘ગીત’નું નામ આપણે લોકગીત, ઊર્મિગીત, મધ્યકાલીન ગીત, લગ્નગીત, વ્રતગીત સાથે લઈએ છીએ. ‘ગીત'માં ગાવાનો ભાવ પણ નિહિત છે. એટલે સુંદરમ્ ગીતને કવિતા-સંગીતના સહિયારા સીમાડા ઉપર ઊગતો છોડ કહે છે. એક તરફ શુદ્ધ સંગીતનો પ્રદેશ અને બીજી તરફ શુદ્ધ કવિતાનો પ્રદેશ છે. એ બંનેની વચ્ચે ‘ગીત’નું સ્થાન છે એમ સુંદરમે કહ્યું છે ત્યારે એમણે સંગીત અને કવિતા બંનેનો સ્વીકાર કર્યો છે.

   સ્વાતંત્ર્યોત્તર કાળમાં ગીત સંગીતથી છૂટું પડી, કવિતા પ્રદેશમાં પોતાનું સ્થાન જમાવે છે. કાવ્ય જેવી રીતે શબ્દાર્થ દ્વારા પોતાનો વિષય, કલ્પનાની સર્જનાત્મક ક્રિયા દ્વારા નિરૂપે છે અને તેને સંવાદિતા, ઔચિત્ય તથા સૌંદર્ય દ્વારા સંવેદનની એવી આર્દ્ર અને દ્રાવક અવસ્થાએ લઇ જાય છે એવું જ ગીતમાં થવા લાગ્યું છે. એટલે કે ગીતમાં કવિતા અને સંગીતનાં તત્વોમાંથી કવિતાનાં તત્વો આગળ નીકળી ગયાં છે. કવિતાની જેમ ગીતમાં એક જ ઊર્મિ-ભાવ રજૂ થાય છે. શ્રોતાને સરળતાથી સમજાય એવો શબ્દ ગીતકવિ ગૂંથીને લયાત્મક વાણીમાં ‘ગીત’ સર્જે છે.

   આવું ગુંજનક્ષમતાવાળું ગીત ગુજરાતીમાં નવું નથી, એનો અભ્યાસ મોડો થાય છે એટલું જ.
   ધ્રુવપંક્તિ, અંતરા અને ધ્રુવપંક્તિને પૂરક-પોષક પ્રાસયુક્ત પંક્તિઓવાળી બાહ્ય રચનાને ‘ગીત’ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ ગુજરાતી કવિતામાં ‘ગીત’ સંજ્ઞા હેઠળ જે કાવ્યરૂપ દૃઢ અને પ્રચલિત થયું છે, એની તો દીર્ઘ પરંપરા છે. જેમ સાહિત્યમાં ‘શબ્દ’ અને ‘અર્થ’નું તેમ ‘ગીત’માં શબ્દ અને સૂરનું સહિતત્વ કેવાં ભાવસંવેદન પ્રગટાવે છે એ એક તપાસનો વિષય છે. ગીતમાં સંગીતનાં તત્વો કવિતાને ઉપકારક બને છે તો કેટલે અંશે ? એ એના સ્વરૂપના અભ્યાસથી જ જાણી શકાય.

   એક તરફ લોકસાહિત્યની ગીતપરંપરામાં આપણા લોકજીવનનું પ્રતિબિંબ છે, હાલરડાંથી મરસિયા-રાજિયા સુધીનાં વિવિધ પ્રસંગો અને પ્રવૃત્તિઓનાં અનેક ગીતો છે. ગૌરીગીતો-વ્રતગીતોની, સંતવાણીની એક નોખી સરવાણી પણ છે. એ લોકવાડમયમાંથી સંસ્કરણ પામીને ગીત આપણા મધ્યકાલીન અને અર્વાચીન શિષ્ટ ગુજરાતી સાહિત્યમાં ઠીકઠીક પોષણ પામ્યું છે. એ સંસ્કરણ ક્યાં અને કઈ રીતે થયું છે તેનો અભ્યાસ રસપ્રદ છે. એટલે શિષ્ટ સાહિત્યમાં મધ્યકાલીન ગીત-પરંપરાના પદસાહિત્યને અને તેની સાથે સંકળાયેલા અન્ય પ્રકારોને સમાવી શકાય. નરસિંહનાં પ્રભાતિયાં, ભાલણ અને મીરાંનાં પદો, ધીરાની કાફીઓ, ભોજાના ચાબખા, રત્નાના મહિના, બાપુસાહેબનાં રાજિયા, શિવાનંદની આરતી, વલ્લભના ગરબા અને દયારામની ગરબીઓ, રાજે-રણછોડનાં પદો ઇત્યાદિ એક રીતે જોઈએ તો ગીતરચનાઓ જ છે. ગુજરાતી કંઠને નરસિંહ, મીરાં, દયારામ જેવાની રચનાઓએ ગૂંજતો રાખ્યો છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓએ પણ સાથ આપ્યો છે. જૈન-જૈનેતર પરંપરાઓ ભાવના-કીર્તનમાં જીવંત રીતે વિકાસ પામી છે. ભાલણ, અખો, પ્રેમાનંદનાં ઘણાં પદો પણ સુગેય છે. મધ્યકાલીન ગીતમાં ઈશ્વર અધ્યાત્મ, જ્ઞાન-વૈરાગ્ય, ભક્તચરિત્ર વગેરે જેવા વિષયોનું ચિત્રાત્મક નિરૂપણ દેખાય છે.

   ગીત અર્વાચીનકાળમાં પણ પરંપરામાંથી સંસ્કરણ પામીને વિકસતું રહ્યું છે, પછી તો ધાર્મિક હોવા ઉપરાંત સાંસારિક પણ બને છે. ભાવસંવેદનોનો વિસ્તાર થાય છે. પ્રારંભ દલપતરામે ‘માંગલિક ગીતાવલિ'થી કર્યો હતો. નર્મદે આત્મલક્ષિતાયુક્ત પ્રકૃતિ, પ્રણય અને સ્વદેશ-પ્રીતિનું ગાન માંડ્યું હતું. ત્યારબાદ નરસિંહરાવે 'Lyric'ની મુદ્રાવાળાં અનેક ગીતોમાં વિશિષ્ટ વીણા-ઝંકાર આપણને સંભળાવ્યો છે. બોટાદકરે ‘જનનીની જોડ’ ગાઈને માતાનો અનન્ય મહિમા કર્યો છે. ખબરદારે ગીતમાં ગુજરાતને ‘ગુણવંતી' તરીકે પ્રસિદ્ધ કરી છે. લલિતની ‘મઝાની મઢૂલી’, તેમાં પ્રવેશવાનું આપણને અવશ્ય મન થાય તેવી છે. ગીતોમાં કલ્પનાની ભવ્યતા લઈને ન્હાનાલાલ આવે છે. તેઓ ‘આભને મોભે દોર' બાંધી વિરાટને હિંડોળે જાણે ગીતને ઝુલાવે છે ! મેઘાણીએ ગીતોમાં બુલંદ સૂરે કસુંબીના રંગનું પાન અને ભાન કરાવ્યું છે.

   ત્યારપછી ‘શેષ’નો જાગેલો ‘આતમરામ' ‘હજીયે'ની હલકથી કેવો આહ્લાદક લાગે છે ! ‘બંસીમાં બોલ’ ગાનારા અને ઝીલનારા ‘સુન્દરમ્’નું ગીત કેવું નજાકતથી મ્હોરેલું છે ! ‘અધૂરા ગાણા'ની વાત ઉમાશંકરે કેવી વ્યંજકતાથી કરી છે ! શ્રીધરાણી પાસેથી મુગ્ધ થઈ જવાય એવાં કેટલાંક ગીતો ગુજરાતને મળ્યાં છે, જેમાં શબ્દ અને અર્થ ઉભયમાંથી રસ-વિવર્તોનો આપણને પરિચય થાય છે. પ્રહલાદ પારેખથી શરૂ થઈ રાજેન્દ્ર-નિરંજન-યુગમાં ગુજરાતી કવિતામાં સૌન્દર્યરાગી વહેણ આવતાં ગીતમાં પણ સ્પષ્ટ વળાંક દેખાય છે. રાજેન્દ્રની વાણીમાં યોગાનુભૂતિનો રણકો પણ લોકગીતના ઢાળમાં મિશ્ર થઈને આવે છે. નિરંજન ભગતનાં ગીતો ગુજરાતી ગીતજગતમાં શિરમોર બન્યાં અથવા વધુ ને વધુ સાહિત્યિક બનવા લાગ્યાં, એ પછીના ગાળાના બીજા તબક્કામાં બાલમુકુન્દ દવે, વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર આવે છે. તેમનાં ગીતોમાં ભાવ, ભાષા અને લયનું નાજુક સામંજસ્ય દેખાય છે. પ્રિયકાન્ત તો જાણે ફૂલોની જેમ ઊઘડ્યા છે ગીત-સ્વરૂપમાં !! જયંત પાઠક અને ઉશનસની વતનપ્રીતિ પણ ગીતમાં પ્રકૃતિ સાથે ભળીને અતીતરાગનું લીલયા ગુંજન કરે છે. પ્રજારામ રાવળ, હરિશ્ચંદ્ર ભટ્ટ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, મણિલાલ દેસાઈ, રાવજી પટેલ જેવા કવિઓ ગુજરાતી કવિતાને પોતાની રીતે વધુ સમૃદ્ધ કરે છે.

   આગળના તબક્કામાં ગીત નવતર-સભર પ્રયોગો લઈને આવે છે. બોલી અને ભાષાભંગિઓ ગીતના સ્વરૂપમાં પ્રવેશ પામે છે. ગીતના સંવેદનવિશ્વનો વિસ્તાર થતો જાય છે. મકરંદ દવે ‘ગમતાનો ગુલાલ' કરે છે, તો બીજી બાજુ લયસમ્રાટ રમેશ પારેખ સોનલશ્રેણીનાં ગીતો દ્વારા પ્રણયગીતોમાં અને અન્ય સંવેદનોમાં સોરઠી પરિવેશ સાથે અગ્રેસર બને છે. ચંદ્રકાન્ત શેઠ પણ સાદી બાનીમાં ગીતને ખોલવા ચાહે છે. અનિલ જોશી ‘કન્યાવિદાય’ આપીને ગીતકન્યાના જનક થયા છે. માધવ રામાનુજ, હરિકૃષ્ણ પાઠક જેવા કવિઓએ પણ ગીતને લાડ લડાવ્યાં છે. વિનોદ જોશી વધુ ઝીણાં કલ્પનો લાવીને રતિરાગનાં નકશીદાર ચિત્રો યોજી ગીતને વધુ એક ઊંચાઈ આપે છે. હસમુખ પાઠક, નલિન રાવળ, લાભશંકર, સિતાંશુ ગીતમાં આધુનિકતાનો સંસ્પર્શ લાવવા મથ્યા છે. રાજેન્દ્ર શુક્લ ‘ઊંટ ભરીને' ગીતોની સવારી લાવે છે. મણિલાલ દેસાઈ ‘ઊંબરે’ ઊભા રહી ગીતની અપાર શક્યતાઓનાં દર્શન કરાવે છે. રાવજીના ગીતમાં ‘સૂરજ આથમ્યા'ની ઘટના ગીતસૃષ્ટિમાં નવો પ્રકાશ પાથરે છે.

   સ્વાતંત્ર્યોત્તર કાળમાં અનેક ગીત-કવિઓ હજુ એ જ માર્ગે વધુ ને વધુ કાર્યરત છે. જેવા કે દલપત પઢિયાર, મુકેશ જોશી, હિતેન આનંદપરા, ભાનુપ્રસાદ પંડ્યા, દિલીપ ભટ્ટ, હરીશ મીનાશ્રુ, ભરત યાજ્ઞિક, લાલજી કાનપરિયા, કૃષ્ણ દવે, વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે.

   આવા ગીતસ્વરૂપમાં કેટકેટલું વૈવિધ્ય છે – વિષયનું અને ભાવનું ! દીર્ઘ પરંપરામાંથી સંસ્કરણ પામેલા આવા ગીતના સ્વરૂપનું વૈવિધ્ય સ્વાતંત્ર્યોત્તર કાળમાં અનેક ગીતકવિઓમાં જોવા મળે છે.

   આમ, ગીત-પરંપરા એક રીતે સમૃદ્ધ પરંપરા છે. એ એક બાજુ આપણા મધ્યકાલીન રચનાઓનો અને બીજી બાજુ લોકકવિતાનો સંસ્કારવારસો ઝીલીને વહેતો કાવ્યપ્રકાર કે કલાપ્રવાહ છે. પશ્ચિમની વિચારણા સાથે જોડીએ તો ઊર્મિકવિતાનો એ પેટાપ્રકાર પણ છે. એનામાં સ્વતંત્ર કાવ્યપ્રકારની એવી તો ગુંજાઈશ છે કે ‘ગીત’નો સ્વતંત્ર રસાત્મક અભ્યાસ થઈ શકે. એટલે કે ગીત-કાવ્યપ્રકારમાં રસકીય ક્ષમતાની અપાર શક્યતાઓ રહેલી છે, એટલે એ સ્વાયત્ત કલાપ્રકાર છે તેમ પણ કહી શકાય. તેનો ભાવ અને લયની દૃષ્ટિએ અભ્યાસ થઈ શકે.

   ગીતપરંપરાની ગીતરચનાઓને અભ્યાસતાં એનાં બાહ્ય લક્ષણો (આકારની દૃષ્ટિએ) આ પ્રમાણે નજરે ચઢે છે :
(૧) ધ્રુવપંક્તિ
(૨) અંતરા
(૩) ધ્રુવપંક્તિને પૂરક અને પોષક પંક્તિઓ
(૪) પ્રાસ અને પૂરકો.
   જ્યારે ગીતની આંતરસમૃદ્ધિ પ્રગટાવતાં આંતરલક્ષણોની એક યાદી થઈ શકે, છતાં તેમાંનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે :
(૧) લય અને ભાષા
(૨) રસકીય ક્ષમતા
(૩) રાગીયતા : વિષયનિરૂપણરીતિ
(૪) સંગીત અને કાવ્યનાં તત્ત્વો
(૫) ઊર્મિ-વિચારનું પ્રવાહીપણું.
   ટૂંકમાં એમ કહી શકીએ કે ગીત મુખ્યત્વે ઊર્મિ-ભાવ પ્રગટ કરે છે. એ ભાવને કયા છેડેથી પામવો, તેનો વિકાસ કઈ રીતે થયો છે તે સમજવું જો કે એમાં આવતો શબ્દ, સૂર અને અર્થને કેટલી ગુંજાઈશથી પ્રગટાવે છે તેનો ક્યાસ મેળવવો કપરું છે. છતાં આ પ્રક્રિયા ગીતમાં થતી હોય છે.

   આમ, કવિતાના અન્ય પ્રકારોની જેમ સ્વાતંત્ર્યોત્તરગાળામાં ગુજરાતી ‘ગીત’ પણ સ્વતંત્ર કાવ્યપ્રકાર બને છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment