3.2 - લોકગીત : અભિજાત ગીતના પ્રવાહો / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ
અભિજાત ગીતની ગંગોત્રી લોકગીત હોઈ તેનાં મૂળિયાં લોકગીતમાંથી મળી આવે. અગાઉ આપણે જોઈ ગયા કે લોકગીતમાંથી અભિજાત ગીત સંસ્કારાયું છે. અથવા ગઈકાલનું લોકગીત અને આજનું અભિજાત ગીત સગોત્ર છે. માનવીની મૂલગત ઊર્મિઓની અભિવ્યક્તિ ગીતમાં હોય છે. આદિમકાળના, પ્રાચીનકાળના કે અર્વાચીનકાળના માનવીમાં જે મૂલગત સ્થાયીભાવો છે તે સમાન જ રહ્યા છે. આથી આપણે જેને લોકગીત તરીકે ઓળખીએ છીએ એનો જનક કોઈ સંવેદનશીલ માનવી જ હશે એમ કલ્પના જરૂર કરી શકાય. પરંતુ એ સ્થાયીભાવોની અભિવ્યક્તિમાં જે વૈવિધ્ય આવ્યું તેમાંથી રાગ, ઢાળ, શબ્દનો સંસ્કારવારસો લઈ ગીત લોકગીતમાંથી, મધ્યકાળમાં થઈ સ્ત્રવતું-પ્રસવતું અર્વાચીનકાળમાં આવ્યું છે. લોકગીત એ અભિજાત ગીતનું પારણું છે. મધ્યકાલીન કવિઓએ પણ પ્રકૃતિ, પ્રેમ, ભક્તિ, તત્ત્વચિંતન તથા ઊર્મિના તત્ત્વને ભજનોમાં, પદોમાં, દુહા, રાસ-રાસોમાં, ફાગ-ફાગમાં, ગરબા-ગરબીમાં, ઘોળમંગળમાં સહજ રીતે ઉતાર્યા છે. આથી જ અનંતરાય રાવળ કહે છે :
“આપણા મધ્યકાલીન પદ્યકવિઓના કેટલાંયે પદો તથા ભક્તકવિઓ અને સંતોનાં કેટલાંય ભજનો અને લોકગીતોની વાણીમાં ઘણું સામ્ય દેખાય છે; એટલું જ નહીં, એમની વચ્ચે છૂટથી આદાનપ્રદાન કે વિનિમયનો વ્યવહાર થયેલો જણાય છે. આ બધું બતાવે છે કે શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે અત્યારે પડી ગયું છે એટલું અંતર મધ્યકાળમાં ન હતું."
નરસિંહ-મીરાં, દયારામ આદિનાં પદોમાં ગેયતાની સાથે ગતિશીલ રસચમત્કૃતિ, લોકવાડમયના સંસ્કારની છાંટવાળી જણાઈ આપે છે. નાનાલાલ, બોટાદકર, ‘લલિત', મેઘાણી વગેરે કવિઓએ લોકસાહિત્યના સંસ્કારનો નૂતન આવિષ્કાર કરી કલ્પનોની પુનઃ સ્થાપના કરી આપી છે. ગાંધીયુગમાં પણ એને (ગીતને) સુન્દરમ્-ઉમાશંકરે જિવાડ્યું છે. અનુગાંધીયુગમાં પણ અભિજાત ગીત ભાવ, ભાષા, શબ્દ, અલંકાર તથા રાગઢાળ અને લય-લઢણમાં લોકગીતોનો પ્રભાવ લઈને ગતિ કરી રહ્યું છે. એ વાતને આપણે કેટલાક નમૂનાઓ દ્વારા તપાસીશું.
કલાના સ્પષ્ટ ખ્યાલ સાથે રચાયેલી સાંપ્રત શિષ્ટ ગીતરચનાઓની બાની, ભાષા ભલે બદલાયાં હોય પણ એ રચનાઓમાં મધ્યકાલીન અને પરાપૂર્વનું ભાવવાહી વાતાવરણ પ્રગટ કરવાની પૂરતી ક્ષમતા છે. રાગ, ઢાળ, લય અને વાતાવરણનો નવો કવિ પોતાની રીતે ઉપયોગ કરે છે. લોકગીત અને અભિજાત ગીત વચ્ચે જે સંબંધ જોવા મળ્યો છે એ નીચેના મુદ્દાઓ દ્વારા સ્પષ્ટ થાય છે :
(૧) લોકગીત એ સંઘોર્મિનો ઉદ્દગાર છે, એમાં રચનાર બહુધા અજ્ઞાત હોય છે. જ્યારે અભિજાત ગીત કવિની વૈયક્તિકતાનો સ્પર્શ પામેલું ભાવસંવેદન કલાત્મક રીતે પ્રગટ કરે છે.(૨) લોકગીતમાં ભાવોર્મિનું સ્વરૂપ વધુ વ્યાપક, સહજ અને સર્વસાધારણ હોય છે, જ્યારે અભિજાત ગીત કવિની અંગત ઊર્મિમાં ઘૂંટાતું ઘૂંટાતું કળાત્મક આકાર સિદ્ધ કરે છે – રસકીય કોટિનું બને છે.(૩) લોકગીતમાં પરંપરાગત ભાવાભિવ્યક્તિ હોય છે. રૂઢચિત્રો, રૂઢઅલંકારો, રૂઢ પ્રતીકો, રૂઢ પદાવલિઓ પ્રયોજાય છે અભિજાત ગીતમાં નૂતન સર્જક્તાનો ઓછો-વધતો સંસ્પર્શ હોય છે. નૂતનચિત્રો, નૂતન અલંકારો, નૂતન પ્રતીકો, નવીન પદાવલિ તે રજૂ કરે છે.(૪) લોકગીતની રચના મુક્ત પણ આંતરિક લયવાળી હોય છે. જ્યારે અભિજાત ગીત શિષ્ટ કવિતાનાં લક્ષણો ધરાવે છે. એટલે એમાં કાવ્યકળાનો આકાર અને અંતઃસત્ત્વ પરત્વે વિનિયોગ થયેલો જણાય છે.
આજના ગીતકારો આપણી પ્રાચીન સંસ્કૃતિના અવશેષોને લોકજીવનના વિશિષ્ટ રંગો, લઢણોને સાંપ્રત જીવન સાથે નવી રીતે જોડે છે. મરસિયા અને લોકસંસ્કારને અંગત ઊર્મિમાં ઢાળે છે. આમ, નવકવિઓ પોતાની કવિતામાં લોકજીવનને ધબકાવે છે. અભિવ્યક્તિના મહત્ત્વના પ્રયોગ તરીકે તેનો આશરો લઈ કળાત્મક રચના આજનો કવિ કરે છે, જેને આપણે સદૃષ્ટાંત તપાસીએ.
(૧) પ્રેમાનંદ :‘આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો.’(- ઓખાહરણ)(લોકગીતનો સંસ્કાર : આજ રે સપનામાં સખિ મેં ડોલતો ડુંગર દીઠો જો)(૨) નર્મદ :‘જુવો જુવો રે મેદાનોમાં આવી કેવાણેલાં કેવાં વાયે રે.’(લોકગીતનો સંસ્કાર : સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણેલાં ભલે વાયાં રે)(૩) ગોવર્ધનરામ :‘એવા રૂડા આંબલિયાની ડાળમૂકીને કોયલ રાણી કિયાં ગયાં રે !’(લોકગીતનો સંસ્કાર : ‘આંબલિયાની ડાળે' નામના લોકગીતનો સંસ્કાર)(૪) નાનાલાલ :'ઝીણા ઝરમર વરસે મેહભીંજે મારી ચૂંદલડીએવો નીતરે કૌમારનો દેહભીંજે મારી ચૂંદલડી(લોકગીતનો સંસ્કાર : ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી' નામનું લોકગીત)(૫) બોટાદકર :‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલએથી મીઠી છે મોરી માત રેજનનીની જોડ સખી નહિ જડે રે લોલ.’(લોકગીતનો સંસ્કાર : ઢાળ, વાણી અને નારી-હૃદયનો ભાવ)(૬) મેઘાણી :‘હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !’(લોકગીતના સંસ્કાર : ‘રાજ’, ‘કસુંબી' શબ્દની પસંદગી અને નાદમાધુર્ય. જેમાં ‘રાજ’ પ્રયોગ લોકગીતનો છે.)(૯) સુન્દરમ્ :ઢોલની ઢમક, ચાંદની ચમકરંગની રેલં-છેલો, હો !મનામણાં ને રિસામણાંનારંગની રેલં-છેલો, હો !(લોકગીતના સંસ્કાર : વર્ણસગાઈ તથા નાદમાધુર્ય, મુક્ત ઉલ્લાસનો ભાવ)(૮) રમેશ પારેખ :‘સખી, મારા આંસુને સાથિયે બેસીનેકાગડો બોલ્યા કરે લોલ...(લોકગીતના સંસ્કાર : વનમાં બોલે ઝીણા મોર, કોયલરાણી કિલ્લોલ કરે રે લોલ....)(૯) અનિલ જોશી :મારે માથે ચોકડી, હું ચોકડિયાળો જીવ જી(લોકગીતના સંસ્કાર : હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને - સંતપરંપરાના કવિ પ્રીતમના પદનો ઢાળ)(૧૦) રાવજી :‘રાજ રે, તળાવ પાણી ગૈ’તી(લોકગીતના સંસ્કાર : ‘હો રાજ રે અમે પાણી ભરવા ગ્યાં’તાં, એ લોકગીતનો સ્ત્રોત છે.)‘મારે આંગણ સોનાનો સૂરજ ઊગિયો’ નામના લગ્નગીત ઢાળમાં ‘મારી આંખે' ગીત અભિવ્યક્ત થયું છે.(૧૧) માધવ રામાનુજ :તોરણ ઢાંક્યા ટોડલાને કાંઈ ઘૂંઘટ ઢાંક્યા વેણફરકે ફરકે વીંઝણાને કાંઈ ફટકે નમણાં નેણ(લોકગીતના સંસ્કાર : ભાવચિત્ર અભિવ્યક્તિ પરિવેશ, ચારણીબાની, સોરઠા-દુહાનું કલેવર)(૧૨) વિનોદ જોશી :‘લીલુડા વાંસની વાંસળી રે, આડી શેરીએ વાગતી જાય’ એ લોકગીતનો સંસ્કાર વિનોદ જોશીએ આ રીતે પ્રયોજ્યો છે, ઝીલ્યો છે :‘એક કાચી સોપારીનો કટકો રે એક કટકો રે,એક લીલું લવિંગડીનું પાન.’(૧૩) જયેન્દ્ર શેખડીવાળા :‘કુંજલડી રે સંદેશો અમારો જઈ વાલમને કેજો જી રે’ એ લોકગીતનો ઢાળ જયેન્દ્ર શેખડીવાળાએ આ રીતે પ્રયોજ્યો છે :‘ટહુકાના હારબંધ ટોળાની આરપારસંદેશો કોઈ મેલો વહેતો જી રે.’ (કલ્કિ, પૃ.૪૦)
આ બધા ઉદાહરણો જોતાં એમ સમજાય છે કે આ સ્વરૂપ ભાવ, ભાષા, લય, રચનાબંધ, આકાર એમ વિવિધ દૃષ્ટિએ પરિવર્તન પામતું પામતું સ્થૂળ-સૂક્ષ્મ પરિબળો દ્વારા તેના અંતરંગ-બહિરંગમાં આવેલું પરિવર્તન તેને સ્વાયત્ત મુદ્રા બક્ષે છે. એનું સમર્થન રણજિતરામ આ રીતે કરે છે : “શિક્ષણ-વિમુખ સ્ત્રી-પુરુષો પોતાના હૃદયમાં વસતા ભાવો સંગીત દ્વારા પ્રગટ કરે છે. આવી નિર્દોષ ગમ્મતમાં તેઓ પોતાના સંજોગો, પોતાની તવારીખ, પોતાની ખાસિયતો વગેરેની રૂપરેખાઓ આલેખે છે. આ નિર્દોષ ગમ્મતમાંથી ઉત્પન્ન થયેલું સાહિત્ય તે દેશજ સાહિત્ય કહી શકીએ. તેના ઘણા ભેદ-પ્રભેદ છે. લોકગીત, લોકકથા, જનવાર્તા, કહેવતો, સમસ્યા, ઉખાણાં વગેરે ભેદ-પ્રભેદનાં અભિધાન છે.”
આમ, અર્વાચીન યુગના આરંભે પશ્ચિમની કવિતા અને કાવ્યભાવનાની પ્રેરણા તથા પ્રભાવ નીચે ગુજરાતીમાં નવાં કાવ્યસ્વરૂપોની શરૂઆત થઈ. તે સાથે મધ્યકાલીન કાવ્યસ્વરૂપોમાંનાં કેટલાંક ગેયસ્વરૂપો નવસંસ્કરણ પામ્યાં. અભિજાત ગીતમાં લોકગીતનો ‘લોક' શબ્દ ઓગળીને રાસાયણિક રીતે એકરસ થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો, આજનું ગીત એ ગઈકાલના લોકગીતનું નવું રૂપ છે. અભિજાત ગીત આ રીતે સતત વિકસતા રહેલા, નવનવીન મૂલ્યો ધારણ કરતા રહેલા, બિનજરૂરી વળગણો છોડતા રહેલા તેમ જ શબ્દના સામર્થ્યને વધુ બળવત્તર રીતે અને વધુ સૂક્ષ્મ રીતે નિખારતા રહેલા હૃદયંગમ કાવ્યપ્રકારનું, કહો કે લોકગીતનું જ સંમાર્જિત સ્વરૂપ છે. લોકગીત અભિજાત ગીતના પાયામાં પડેલું જીવંત રસાયણ છે, કવિ રમેશ પારેખ પણ યથાર્થ કહે છે – “લોકગીત અને અભિજાત ગીત ભિન્ન નથી, ગઈકાલનું સ્વરૂપ રૂપાંતર પામ્યું છે, એમ કહી શકાય.”
આમ, લોકગીતનાં લય, લોકભાષા, લોકજીવનની સામગ્રી ગીતકવિતામાં નથી પણ ગીતમાં એનું ભરચક્ક, સંવેદ્ય રૂપ પ્રગટી શકે છે. અને ઉત્તમ દૃષ્ટાંત રમેશ પારેખનાં ગીતો છે. ઓરડા, ઊંબરા, પાણિયારાં, ઢોલિયા, સાફા, આકળા, દૈયણાં, લોહીઝાણ, નીંભર જેવા શબ્દો અને હેં, અં, મૂઈ, ઓય મા જેવા લહેકા ગીતમાં જે વાતાવરણ રચે છે તે નોંધપાત્ર છે. રાજેન્દ્ર શુક્લના ‘ઊંચા મંદિર ઝીણાં જાળિયાં જી રે’ અને પ્રદ્યુમ્ન તન્નાના ‘બાઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?' જેવાં ગીતો દયારામના જમાનામાં લઈ જાય છે. ગીતના સ્વરૂપને વિશેષ અનુનેય કરીને અભિવ્યક્તિની જે નવી તરેહો નિપજાવાય છે એમાં પણ લોકગીતની પરંપરાનો ઠીક ઠીક ફાળો છે. આમ અભિજાત ગીત લોકગીતનું સંસ્કરણ છે એમ જરૂર કહી શકાય.
(ક્રમશ :...)
0 comments
Leave comment