3.3 - અભિજાત ગીત : ‘લોકગીત'ના સંસ્કારોનું કળાત્મક સંસ્કરણ / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   એક તરફ લોકકંઠે સચવાયેલાં લોકગીતોની સમૃદ્ધ ધારા છે. લોકગીત એની ભાષા, ભાવ-પ્રતીકો, કલાવિધાન અને સમગ્ર આત્માની બાબતમાં વિશિષ્ટ છે એ આપણે જોયું. એની ક્યારેય હસ્તપ્રતો બની નથી. એ રચનાઓમાં કોઈ કવિના કર્તૃત્વનો પ્રશ્ન પણ ઊઠ્યો નથી, એટલે કે લોકસમૂહ માટે એનું કર્તૃત્વ વિસર્જન પામ્યું હોય છે. લોકજીવનના જુદા જુદા પ્રસંગો તહેવારો સાથે એ જોડાયેલાં રહ્યાં છે. આમ, લોકગીત વસ્તુતઃ લોકજીવનના પ્રત્યક્ષ જીવનવ્યવહારનો જીવનઅંશ છે. એને પરિમાર્જિત અને વિદગ્ધ સાહિત્યમુદ્રાનો સીધો લાભ મળ્યો નથી. જોકે એમાં સહજ સ્વયંભૂ ઊર્મિઓ અને તળપદા કલ્પનનાં સમૃદ્ધ ચિત્રો સતત આવે છે ખરાં. કેટલીક વાર તો અભિજાત ગીતની તુલનામાં મૂકી શકાય એવાં ભાવચિત્રો, લાગણીની સૂક્ષ્મતા અને પ્રતીકાત્મક નિરૂપણ-રીતિ પણ લોકગીતમાં આવે છે, તેમ છતાં લોકગીત અને અભિજાત ગીત બંને વચ્ચે થોડીક ભેદરેખાઓ છે.

   સામાન્ય રીતે લોકગીતમાં, લોકહૃદયને સ્પર્શે એવી સાદીસીધી પણ હૃદયમાંથી સીધી ફૂટી આવતી ઊર્મિનું વિશેષ સ્થાન છે. અભિજાત ગીત તો કવિની વિશિષ્ટ પ્રતિભાને, વિશિષ્ટ અનુભૂતિને વિશિષ્ટ રીતે નિરૂપે છે. એટલે કે અભિજાત ગીતમાં કવિના અનુભવ અને તેની લાગણીઓનું સૂક્ષ્મતમ રેખાઓમાં ઝીલવાનું વલણ મોખરે રહે છે. વળી કવિનો નિજી અવાજ સંભળાય, તેનો સ્વર વિશિષ્ટ રીતે રણકી ઊઠે એવી એમાં અપેક્ષા રહે છે. લોકગીત એ સંઘોર્મિનો લલકાર છે જ્યારે અભિજાત ગીત વૈયક્તિક અનુભૂતિની કળાત્મક ભાત છે. લોકોના હૃદયને ઉત્કટપણે, સઘનપણે, તીવ્રતાથી લોકગીત સ્પર્શે એટલો એનો ભાવ વ્યાપક હોય છે. એમાં સભ્યતાનો કોઈ અંચળો હોતો નથી, એ સાહજિક છે. એમાં કોઈ વિદગ્ધ કળાના નિયમોની આંટીઘૂંટી નથી. નીતર્યા નીર જેવા હદયના ભાવો, સાહજિકપણે નૈસર્ગિક ચિત્રોમાં કે રોજિંદી વિગતોમાં લોકગીત રજૂ કરે છે. પ્રસંગ, પરિસ્થિતિ કે વર્ણનનું લાઘવ એમાં દેખાઇ આવે છે, એ લાઘવને કારણે ઊર્મિ સઘનપણે પ્રગટે છે - ઘૂંટાય છે. ટૂંકમાં સમસ્ત લોકસમુદાયના હૃદયને ઝંકૃત કરી મૂકે તેવી વ્યાપક ઊર્મિઓ જ એના સંચાલનરૂપે જોવા મળે છે. જયારે અભિજાત ગીતનો કવિ, વૈયક્તિક ઊર્મિને - ભાવદશાને, લાંબા સમય સુધી ઘૂંટે છે, લોકગીતમાં, ધ્રુવપંક્તિ દ્વારા ભાવ-લાગણીનું જ સ્વરૂપ બંધાય છે તેને આગળની. પંક્તિઓમાં જુદા જુદા સંદર્ભોથી, બલકે પરિચિત વિગતોથી, સમર્થનો. મળતાં રહે છે. એમાં ‘પછી આમ થયું – પછી આમ થયું' એમ ક્રમિક ઘટના-વિકાસ પણ મહત્ત્વનો બને છે. જયારે ‘અભિજાત ગીત’માં ધ્રુવપંક્તિની વ્યંજનાને – ભાવને સમર્થન આપવા પરિચિત વિગતોને બદલે ઝીણી સૂક્ષ્મ કલ્પન-શ્રેણીઓ કવિ રચે છે અને એનું લક્ષ્ય ગીતની ચુસ્તીમાં રહીને કાવ્ય-નિર્માણ કરવાનું રહે છે. એટલે એમાં મૌલિક નિર્માણને અવકાશ છે, પૂર્ણ મોકળાશ છે.

   લોકગીતમાં ઊર્મિનું, ઘટનાનું સંવેદન કેવી રીતે નિરૂપાય છે તે જોઈશું અને અભિજાત ગીતમાં એના સંસ્કારો કેવાં નૂતન સંસ્કરણો પામે છે એની પણ વાત કરીશું.

   લોકગીતમાં વિષયનું આલેખન ઝડપથી અને ગહન કલ્પકતાથી થયું હોય છે. એકાદા શબ્દના લસરકાથી ચિત્રાત્મકતા તેમાં આવે છે, જેનાથી દૃશ્યો ઊઘડે છે, પદાર્થો જીવંત બને છે અને તાદૃશ્યતાનો સ્પર્શ થાય છે.
ગઢમાં વાગ્યા રે કાંઈ જોગીનાં ઢોલ રે
કોઈ જોગીના ઢોલ રે
રાજાને ઘેર કુંવરી જલમિયાં (‘રાણકદેવી')
   અહીં પુત્રી-જન્મની વાત, ‘જોગીના ઢોલ’ના ચિત્ર સાથે રાખીને જે આનંદની વાત મૂકી તે અનોખી છે.

'પાછલી પછીતે ચાંપલિયો શો મોર્યો
થડ થોડો ને ડાળે અતિ ગણો રે.'
   ઘર પાછળની જગા, એમાં ચંપો, એનું થડ, એનાં ડાળાં, એમાં ફૂલો – આટલી બધી વિગતો આ બે પંક્તિ દ્વારા ચિત્રિત કરી શકાઈ છે. લોકગીતમાં નાટ્યાત્મક નિરૂપણ પણ કેવી ચમત્કૃતિ સર્જે છે !
‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે.’

   એથી આગળ વધીને પદાર્થોમાં જીવંતપણું લાવી, ભાવને વધુ સઘન એ આ રીતે બનાવે છે.
– બાઈ રે, સાવ રે સોનાનો સાચો દીવડો
- દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ
   અહીં સોનાનો દીવો, દૂધનું તળાવ, મોતીની પાળ - ત્રણેય આમ તો હોઈ શકે નહિ, પણ લોકગીતમાં એ નિરૂપાય છે - અને ભાવની સઘનતામાં સહાયરૂપ બને છે.

   લોકગીતમાં ક્યારેક ગતિનાં, રંગનાં, ધ્વનિનાં ચિત્રો એવાં તો નિરૂપાય છે કે જેનાથી તાદૃશ્ય અનુભવાય છે.
- ઘોડી અગનગગન પગ માંડ, ચાલ ઉતાવળી રે (ગતિનું ચિત્ર)
– કંકુડાં ઊડ્યાં રે મોંઘાં મૂલનાં (રંગનું ચિત્ર)
– થાળી ઠમકી ને વર વહુના હાથ મળ્યા (ધ્વનિનું ચિત્ર)

   લોકગીતમાં કવિ ક્યારેક રૂ૫, ઘાટ, આકાર (બાહ્ય)ની વાત કર્યા સિવાય એના ગુણની – સૌંદર્યની વ્યાપક અસર સર્જે છે.
કાળી શી કોયલ, શબ્દે સોહામણી

   અહીં ‘શબ્દ’ કેવો ? એની ચર્ચા અપ્રસ્તુત છે પણ ‘શબ્દ' – ધ્વનિ,’ ‘રાગ’ કોયલનો અવાજ સોહામણો એ અભિપ્રેત છે.
   ‘આસોપાલવના તોરણ બંધાવો' – એમાં આસોપાલવ અને તોરણની પૃષ્ઠભૂમિ નીચે મંગલમય પ્રસંગના સૌંદર્યને પ્રગટાવવાનું લક્ષ્ય છે.

   એક રીતે જોઈએ તો કોઈપણ સમયગાળાના માનવીમાં મૂલગત સ્થાયી ભાવો સમાન રહ્યા છે, એટલે એ ભાવોને સ્પર્શવાની પદ્ધતિમાં પલટા આવે, ભાવોમાં નહિ. આમ, માનવ-હૃદયમાંથી જ જન્મેલી પરંતુ વ્યાપક માનવસમાજને ઉત્કટપણે સ્પર્શતી ઊર્મિઓનું આલેખન લોકગીતમાં થતું રહ્યું છે. જ્યારે ‘અભિજાત ગીત’ લોકગીતનાં પૂરા સંસ્કારો તો ધરાવે છે. અને એના કવિને પણ સુખ-દુ:ખ, વાંછના, વ્યથા, આનંદ, ઊર્ધ્વજીવનની અભીપ્સાઓ હોય છે. પરંતુ અભિજાત ગીતનો સર્જક કાવ્યકળા પ્રત્યે જાગૃત છે એને કારણે કલાત્મક અભિવ્યક્તિ દ્વારા એ જ ભાવોનું નૂતન ઢબે સંસ્કરણ કરે છે. એ નૂતનતા એના સ્વરૂપથી શરૂ કરી ભાવ, ભાષા, લય વગેરેમાં સ્થૂળ અને સૂક્ષ્મ, અંતરંગ અને બહિરંગમાં કેવા કેવા પલટાઓ લાવે છે એ આપણે નોંધવાનું છે. એક દૃષ્ટાંતથી જોઈએ – માત્ર લોકગીતનો સંસ્કાર. સર્જક કેવી રીતે ખપમાં લે છે –

   લોકગીતની પંક્તિ : ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી...'
(સંસ્કાર)
નાનાલાલ :
ઝીણા ઝરમર વરસે મેહ
ભીંજે મારી ચૂંદલડી
એવો નીતરે કૌમારનો નેહ
ભીંજે મારી ચૂંદલડી.

દિનેશ કોઠારી :
ઝીલજો રે ઝરમરતાં ફોરાં
કોઈ રખે આજ મનમાં રહે, કોઈ રખે રહે કોરાં.

   ઉપરની પંક્તિઓ અભ્યાસતાં સહેજેય ખ્યાલ આવશે કે નાનાલાલ અને નવોદિત કવિ દિનેશ કોઠારી – ઉભય કવિની રચના ઉપર પ્રભાવ-સંસ્કારબળ તો લોકગીતનાં છે. અહીં ક્યાંક રાગનું, ક્યાંક ભાવનું અનુસંધાન જળવાયું છે એ જોઈ શકાશે, પણ અભિજાત ગીતનો કવિ પોતાની રચનામાં સંવેદનાની જે સૂક્ષ્મતા પ્રગટાવે છે એમાં જ એની વિશેષતા રહેલી છે.

   અભિજાત ગીત આમ તો ‘લોકગીત’થી અને અમુક અમુક રીતે છાંદસ : અછાંદસ ઊર્મિ-કવિતાથી સ્વતંત્ર રહે છે. લોકગીતમાંથી સ્વીકારાયેલું, પણ કળાના – કવિતાકળાનાં નૂતન સંસ્કરણો પામેલું આ સ્વરૂપ મોટો કાયાકલ્પ પામતું રહ્યું છે, એમાં ભીતરી અને બાહ્ય જે ફેરફારો થયા એ નોંધપાત્ર છે. લોકગીતનાં અમુક રૂઢ બનેલાં કથા-બીજો (motibs) કે વર્ણ્ય વિષયો (themes), મીથ જેવાં લોકગીતનાં નાયકનાયિકા, ભાવસંદર્ભો, તળપદ બાની, અલંકારો, ચિત્રાત્મકતા, રૂપકો, લય, ઢાળ, રચનાબંધ વગેરે બાબતોમાંથી કોઈ સ્વીકારી, સંસ્કારી નૂતન સર્જકે આત્મગત સંવેદન પ્રગટાવ્યું છે, કળાત્મક અભિજ્ઞતા ઉમેરી છે. પરિણામે અભિજાત ગીત વિશિષ્ટ બન્યું છે.

   હકીકતે તો ગીતનો ઉદ્ભવ જ હૃદયના કોઈ ઊંડા lyrical impulseમાં જ રહ્યો છે, એના મૂળમાં હૃદયનો સ્વયંભૂ ઊર્મિ ઉછાળ રહ્યો છે. સરળ-સાહજિક પ્રાણવાન ઊર્મિ-ગીતને માફક આવે છે. જોકે સંકુલ અનુભવો, ચિંતનાત્મક અનુભૂતિ, પ્રાકૃત ભાવો આ સ્વરૂપને ઓછા માફક આવે છે છતાંય એ પ્રકારની ગીતરચનાઓ તો જોવા મળે જ છે.

   આપણા જાણીતા લગ્નગીતના લયનો વિનિયોગ કરીને અભિજાત ગીતનો કવિ લગ્નના ભાવને સ્થાને કરુણ : મૃત્યુભાવ રાખીને અભિજાત ગીત આપે છે ત્યારે કેવો નવોન્મેષ પ્રગટે છે તે જુઓ–
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' – રાવજી પટેલ
   આ પંક્તિમાં રાગ લોકગીતનો છે. સર્જકકર્મની વિદગ્ધતા એ કે મંગલની સામે કરુણ ભાવ રાખીને નિજી સંવેદનને ઘૂંટી નવો ઘાટ આપ્યો છે. પરિણામે એ પંક્તિઓ ઉપર સર્જકકર્મની નવી મુદ્રા ઊપસી આવે છે.

   આમ, લોકગીત એ સંઘોર્મિનો લલકાર છે. એમાં વ્યાપક સમાજની ઉત્કટ ઊર્મિનું આલેખન થતું રહ્યું છે જ્યારે અભિજાત ગીતમાં કવિની વૈયક્તિકતાનો સ્પર્શ પામેલું ભાવસંવેદન કલાત્મક રીતે ઊઘડે છે. એમાં કાવ્યકળાના સંસ્કારોનું ઉમેરણ થયું હોવાથી અભિજાત ગીતનો શબ્દ વ્યંજકતાની અનેકવિધ શક્યતાઓ ધારણ કરે છે.

   અભિજાત ગીતનો સર્જક જે કંઈ સિદ્ધ કરવા માગે છે તે રચનાબંધમાં નિયત રહીને કરે છે. એ જ તેનાં અવકાશ અને મુક્તિ બને છે. અભિજાત ગીતનો કવિ ગીતના સ્વરૂપમાં કાવ્યત્વને વણે છે, પરિણામે એ આખીય કૃતિ ‘રસકીય' બને છે. એમાં ભાવવ્યંજકતા આવતી હોઈ. સૌંદર્યસર્જનની ભૂમિકા રચાય છે. વળી ગીતમાં ભાષાના નવા નવા સીમા-પ્રદેશોનો ઉઘાડ પણ રસસિદ્ધિના વ્યાપારરૂપ હોય છે. વળી અભિજાત ગીતનો સર્જક જે ગીતની માવજત કરે છે તે હવે બહુધા લિખિત સંસ્કૃતિનો ભાગ બને છે, પરિણામે આ બધી ગીતરચનાઓમાં કાં તો જૂના રાગ-ઢાળનો માત્ર રાગ-ઢાળ પૂરતો નમૂનારૂપે ઉપયોગ થયેલો જોવા મળે છે અથવા/અને માત્રામેળી લયનું અવનવું સંયોજન પણ જોવા મળે. બાકીની રચના-પ્રક્રિયામાં કવિએ કવિતાકળાનાં નૂતન આવિષ્કરણો ખપમાં લઈને કામ કર્યું હોય છે. એટલે સુધી કે ‘ગીત’માં ‘ગેયતા’ને સ્થાને ‘પાઠ્યતા’ને પણ સ્વીકારતો થયો છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment