3.4 - અભિજાત ગીતની સ્વરૂપગત લાક્ષણિક મુદ્રાઓ / અભિજાત ગીતની ગંગોત્રી : લોકગીત / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   (૧) ગીતતત્ત્વ સાથે કાવ્યનો સંબંધ સંયોજાતાં એના ઉચ્ચારણની, નાદગતિની અને વ્યંજકતાની અનેકવિધ શક્યતાઓ ઊઘડે છે.
   (૨) અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં અભિજાત ગીતને પણ ગીતની જેમ ’ગુંજન’ની આબોહવા વધારે અનુકૂળ હોઈ એ પરિવેશમાં શબ્દ નવી સ્ફૂર્તિ, નવી તાજગી, નવો મિજાજ – રુઆબ ધારણ કરે છે.

   (૩) છાંદસ, અછાંદસ રચના-રચનાઓની અનુભૂતિઓ કરતાં ગીત લખવા પ્રેરતી અનુભૂતિ જ કંઈક નોખી હોય છે. દા.ત. બ. ક. ઠાકોર ‘વધામણી’માં જે પત્રલેખન કરે છે એવો જ મતલબ ‘હું તો કાગળિયા લખી લખી થાકી.’ જેવા ગીતમાં છે, છતાં એ નિરૂપણની રીતે નિરાળું છે.
   (૪) અભિજાત ગીત ખંડકાવ્ય કે વૃત્તાંતકાવ્યની માફક વિસ્તાર લેતું નથી. એના વિસ્તારને સીમા હોય છે (એ ઊર્મિ કે વિચાર રજૂ કરે છે, અસીમ વિસ્તાર કરતું નથી.)

   (૫) વિષય-નિરૂપણ પરત્વે અભિજાત ગીતને કોઈ બંધનો નથી એટલે કે ઊર્મિકાવ્યની જેમ અભિજાત ગીત પણ કોઈપણ વિષયને સ્પર્શી શકે છે, છતાં અભિજાત ગીતમાં વિષય-નિરૂપણની વિશિષ્ટ રીતિ હોવાને કારણે એ અનોખું સૌંદર્ય અને માધુર્ય પણ પ્રગટાવી શકે છે.

   (૬) અભિજાત ગીતમાં ઋજુ, તરલ ભાવોની ગૂંથણી તો હોય જ છે, પરંતુ વિચારતત્ત્વ અને અર્થઘન ભાવો પણ એ ક્યારેક સહજ રીતે પ્રગટાવે છે.
દા.ત.
‘કાયાને કોરડે બંધાણો’ – રાજેન્દ્ર શાહ
‘શિખરું ઊંચાં ને મારગ આકરા.’ – મનસુખલાલ ઝવેરી
   (૭) અભિજાત ગીતના સંવિધાનને જોતાં ધ્રુવપંક્તિ, ઢાળ, અંતરો વગેરેમાંથી કોઈ એક કે વધારે બાબતોમાં એનાં મૂળ લોકગીત સાથે સંયોજાયેલાં હોય. અને બાકીની બાબતોમાં કવિની સર્જનશક્તિનો લાભ મળ્યો હોય છે. પરિણામે ભાવ સઘન અને સૂક્ષ્મ બને છે, અને અભિજાત ગીત ‘રસકીય' બને છે.
– દા.ત.
લગ્નગીતનો ઢાળ લઈને રચાયું છે –
- ‘મારી આંખે કંકુના સૂરજ’ – રાવજી (મૃત્યુનો ભાવ)
   (૮) અભિજાત ગીતનો કવિ લોકઢાળોને એમના એમ, ઈષત્ વળોટ આપીને અતિ તરલ-ચંચલ એવા વૈયક્તિક પુટવાળા ભાવસ્પંદનની વ્યંગ્ય અભિવ્યક્તિ સાધવા મથે છે, એ કેવળ સૌંદર્યલક્ષી સંવેદનની માવજત કરવા તત્પર છે – શુદ્ધ કાવ્યત્વ લાવવા મથે છે.
દા.ત.
‘ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો’ – રાજેન્દ્ર શુક્લ.
   કવિએ આ પંક્તિમાં લોકઢાળને ખપમાં લઈ નૂતન અભિવ્યક્તિ સાધી છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment