4 - ગીત : ઊર્મિકાવ્યનો પેટાપ્રકાર / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   એક તરફ પરંપરા પ્રમાણે ગીતનાં મૂળિયાં લોકગીતમાંથી શોધી શકાય. પણ આગળ જતાં અંગ્રેજી સંજ્ઞા ‘Lyric'નો સ્વીકૃત ગુજરાતી પર્યાય ‘ઊર્મિકાવ્ય' બને છે.

   ભારતમાં અને ગ્રીસમાં ઊર્મિકાવ્ય (Lyric) વીરકાવ્ય (Epic) અને નાટક (Drama) ત્રણ શાખામાં કવિતા વિભાજિત હતી.
   'લિરિક'નો અર્થ લાયર (વીણા) – ગ્રીક તંતુવાદ્ય સાથે ગવાતું ગીત. એ સ્વરૂપ આજ સુધી ગુજરાતીમાં પરિવર્તન પામતું રહ્યું છે. એનાં મુખ્ય લક્ષણોમાં –
(૧) સંગીત
(૨) આત્મલક્ષિતા
(૩) એકલક્ષિતા
(૪) સંક્ષિપ્તતા
   - નો સમાવેશ કરી શકાય. (ઊર્મિકાવ્ય વિશે કંઈક, દિનેશ કોઠારી, પૃ.૫૫)
  
   એ લક્ષણો તપાસીએ.
(૧) સંગીતતત્ત્વ :
   ઊર્મિકાવ્યની વ્યાખ્યામાં લાયર નામના તંતુવાદ્ય સાથે ગાવા માટે જે કહેવાયું છે તેમાં સંગીત સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ થાય છે. આદિકાળથી આજ સુધી માનવીના હૃદયના તાલ સાથે એ તત્ત્વ જોડાયેલું છે. ગ્રીસમાં પણ સંગીતની પ્રતિષ્ઠા વધારે થઈ છે. પ્રારંભકાળમાં સંગીતનો પ્રભાવ ખૂબ જોવા મળ્યો, પરંતુ ક્રમશઃ એની જગ્યાએ શબ્દ બાબતે સર્જકો સભાન બનતા ગયા. આજે પ્રબળ લાગણીનો ઉછાળો એની જગ્યાએ આવે છે. ઊર્મિપ્રધાન કવિતા માટે આ મહત્વનું લક્ષણ બને છે. સંગીતથી બહાર નીકળી પદ્યને સ્થાને લયપ્રવાહ પ્રયોજીને કાવ્યગત સંગીતનું એક નવું પરિમાણ નિપજાવે છે. બહારથી સંગીતથી અળગું થતું જતું કાવ્ય સૂક્ષ્મ અર્થમાં અંદરથી સંગીતની નજીક જતું જણાય છે.

(૨) આત્મલક્ષિતા :
   કેરળના સાહિત્યકોશમાં બીજી વ્યાખ્યા – ‘અંગત લાગણીઓને અભિવ્યક્ત કરતું લઘુકાવ્ય.’ તે બિનકથનાત્મક સ્વરૂપ હોવાથી કવિના મનોજગત સાથે તેને સીધો સંબંધ છે. નરસિંહ-મીરાં-કલાપીની રચનાઓમાં આપણને તેમની અંગત લાગણીઓનો પડઘો સંભળાય છે. સમય જતાં સમૂહચેતનાને બદલે વ્યક્તિચેતનાનો મહિમા થયો અને ઊર્મિકાવ્ય કવિની અંગત ઊર્મિનો પ્રબળ સ્પર્શ પામ્યું. કવિ ભાવકને નહિ, પોતે પોતાને પોતાની વાત કરે છે એટલે વૈયક્તિક અર્થછાયાઓ, ભાવછાયાઓ, કલ્પનો, પ્રતીકો વગેરેનો મોકળો માર્ગ મળે છે.

(૩) એકલક્ષિતા :
   ઊર્મિકાવ્ય એકનિષ્ઠ ચિત્તસ્થિતિની નીપજ છે. તેના કેન્દ્રમાં એક ઊર્મિ, એક કલ્પના, એક વિચાર કે એક ભાવ હોય છે. લિરિકમાં માત્ર ઊર્મિ જ નહિ; કલ્પના, વિચાર પણ આવે. લિરિકની આકૃતિ એકકેન્દ્રી હોય એ અપેક્ષિત છે. ડોલરરાય માંકડે ‘ઊર્મિપ્રધાન એ જ ઊર્મિકાવ્ય' જેવી જે માન્યતા આપી તેનું ખંડન બળવંતરાય ઠાકોરે કર્યું છે. તેમણે ઊર્મિકાવ્યમાં ઊર્મિ, વિચાર, કલ્પના ત્રણેયની વાત કરી સંસ્કૃત કાવ્યશાસ્ત્રના રસધ્વનિ, અલંકારધ્વનિ અને વસ્તુધ્વનિ સાથે મેળ બેસાડ્યો છે.

(૪) સંક્ષિપ્તતા :
   ‘લાઘવ’ એ મહત્ત્વનું લક્ષણ છે. એકલક્ષિતા અને આત્મલક્ષિતાને કારણે ઊર્મિકાવ્ય ટૂંકાણ ધારણ કરે એ સ્વાભાવિક છે. ટૂંકાણની કોઈ મર્યાદા નથી. સત્તર અક્ષરના હાઈકુથી માંડી મિલ્ટનના ‘લિસિડાસ’ જેવું બસો લીટીનું ઊર્મિકાવ્ય જોવા મળે છે.

   આમ, ઊર્મિકાવ્ય વ્યાપક સ્વરૂપે (genre) છે, જ્યારે ‘ગીત’ એનો જ વિશિષ્ટ પેટાપ્રકાર છે એમ સ્વીકારવું જોઈએ.
   ઊર્મિકાવ્યનાં લક્ષણોની મુદ્દાસર ચર્ચા કરતી એક શ્રદ્ધેય વ્યાખ્યા ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા'માં નીચે પ્રમાણે આપેલી છે તે પણ જોઈએ.
   “It is, however, as Hegal, insists, the personal thought or passion, or inspiration, which gives its character to lyrical poetry, while the metrical form is also to be taken into consideration since, as a role, the lyric is short, its lines attain unusual speed and direction it may be said that the lyric is a direct, arrow like flight, a spontaneous flash of emotion which makes its own music." (‘ઊર્મિકાવ્ય’ ચિમનલાલ ત્રિવેદી, પૃ.૨૬)
   સી. ડી. લેવિસ લિરિકનું સ્વરૂપ સમજાવતાં આમ કહે છે –
   “We think of the lyric as the purest and simplest form of poetry. It is a poem which expresses a single state of mind, a single mood, or sets of mood, or sets of two simple preach. If it moralizes the moral has an unsophisticated proverbial ring... It is transparent undiluted by any cerebral matter" (The lyric Impulse, P. 3, 4) (The Lyric Impulse P.3, 4)
   “ભાવ જે બિંદુએ આવીને અટકે, એમાં એની ચોટ હોય, એની અણી નીકળે, પણ આવો અંતનો સૂર સ્વાભાવિક, અકૃત્રિમ, સારરૂપ હોય તોય એમાં તાર્કિક રીતિનું સમાપન ન હોય, તેની અભિવ્યક્તિ ચોટદાર અને સીધી હોય, ભાવ ઘૂંટાતો હોય, ભાવના તરંગો મુખ્ય ભાવને પોષક હોય.”

લિરિકનો ઇતિહાસ :
   ગ્રીસમાં લિરિક (ગીત)ના મુખ્ય બે પ્રકારો છે : (૧) Lyric (૨) Choric. આ સ્વરૂપમાં સંગીતની પ્રતિષ્ઠા વિશેષ થયેલી માલુમ પડે છે. સેફો, મોટી ઊર્મિકવયિત્રી છે. લેટિન સાહિત્યમાં ગ્રીસની ઊર્મિ-કવિતાના નમૂનાઓ લઈને નીવિયસે અને કેટોલસે લિરિક લખ્યાં, છતાં લેટિન ભાષામાં હૉરેસનાં લિરિક વધુ પ્રતિષ્ઠિત બન્યાં છે. ઇટાલીમાં રેનેસાં-સમયમાં લિરિકનો વિકાસ થયેલો છે, જેની ટોચ સોનેટ સ્વરૂપમાં જોવા મળે છે. અંગ્રેજી સાહિત્યમાં ચોસર પછી થોમસ વિયેટની કવિતામાં લિરિકની જાણકારી મળે છે. સરે પણ એવો જ ઊંચી કોટિનો ગીતકવિ છે, માધુર્યના સ્વામી એવા સ્પેન્સરે તથા પોતાની નાટ્યકૃતિઓમાં શેક્સપિયરે જે ઊર્મિકવિતા આપી છે તે ઉત્તમ પ્રકાર છે, સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડમાં 'લિરિક' કવિતાનો સુવર્ણકાળ ગણાયો છે. બેનજોન્સન, થોમસ ડેકેટ, બોમન્ટ, ફ્લેચર અને ડનમાં ઉત્કટ અનુભવની અભિવ્યક્તિ જોવા મળશે. ઇંગ્લેન્ડમાં લિરિકના સાહિત્યસ્વરૂપના લેખનમાં સાતત્ય જોવા મળે છે. થોડાક પ્રમાણમાં મિલ્ટનમાં સરસ અનુભવ થાય છે. જેમ્સ થોમસન, કોલિન્સ અને ગ્રેનાં લિરિકો ઓડ, એલિજી વગેરે સ્વરૂપે ચિરંજીવ રચનાઓ. આપે છે. કવિ ગોલ્ડસ્મિથે પ્રકૃતિની લિરિકલ રચનાઓ નોંધપાત્ર રીતે આપી છે, વિલિયમ બ્લેકમાં લિરિક મધુરતાના પુટ સાથે અને વાગ્મિતાને બદલે સહજ સરળતાથી આગવું સ્થાન સિદ્ધ કરે છે. અન્ય કવિઓમાં તો લોકગીતનો જૂનો પ્રવાહ અત્યંત પ્રબળ રીતે જોવા મળે છે. અઢારમી સદીમાં લિરિકના સ્વરૂપમાં એક નોંધપાત્ર તત્ત્વ ઉમેરાયું જેને ઉત્કટ લાગણીનો આવેશ કહી શકાય. એને માટે Ecstasy શબ્દ પ્રયોજાયો છે. આનંદ કે વેદનાની તીવ્રતા એમાં પ્રગટે છે. બાયરન, વર્ડઝવર્થ વગેરે કવિઓની કવિતામાં લિરિકલ કવિતા જીવંત બની જાય છે. શેલી તો આખા યુગ પર છવાઈ ગયેલો ઊર્મિકવિ છે, એમ કહી શકાય. એ પછી ૧૯મી સદીમાં આવતાં પહેલાં કૉલરિજ, બાયરન. મૂર, કિટસ અને ટેનિસન એ બધાનો વિચાર કરવો જ પડે એવું એમણે સશક્ત પ્રદાન ઊર્મિકાવ્યના ક્ષેત્રે કરેલું છે. જો શેલી ભાવનાનો ઊર્મિકવિ છે તો બ્રાઉની સૂક્ષ્મ ઇન્દ્રિયક્ષમ અસરો જન્માવતો ધરતીનો ઊર્મિકવિ છે. આર્નોલ્ડ, લાંગફેલો, ડેવિડસન, રોઝેટરી વગેરેના ઊર્મિકાવ્યોનો આસ્વાદ લીધા સિવાય, લગભગ છ સદી પથરાયેલો સાતત્યવાળો અંગ્રેજી ઊર્મિકવિતાનો પ્રવાહ અધૂરો જ રહ્યો કહેવાય.

ઊર્મિકાવ્ય : ગુજરાતી કવિતાસાહિત્યમાં :
   ગુજરાતી સાહિત્યમાં પણ વિદ્વાનોએ લિરિકની જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. નર્મદ ‘ગીતકવિતા', આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’ રમણભાઈએ ‘રાગધ્વનિકકાવ્ય' નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’ ઠાકોરે ‘ઊર્મિગીત’ કહ્યું છે. જ્યારે ડોલરરાય માંકડે પણ ‘લિરિક’ ચર્ચા કરતાં કહ્યું છે કે - 'કાવ્યનો મૂળભૂત ઉદ્દીપક તત્વો, વિચાર, ઊર્મિ, કલ્પના એમ ત્રણ છે અને આ ત્રણમાંથી કોઇનું પ્રધાનત્વ, બીજા ગુણોની સાથે સાથે હોય તો ઉત્તમ કાળ નીપજી આવે. ઉદ્દીપનની દૃષ્ટિએ કાવ્યના ત્રણ પ્રકાર - વિચારપ્રધાન, ઊર્મિપ્રધાન અને કલ્પનાપ્રધાન છે.’ (કિમપિદ્રવ્યમ્’ પૃ.૨૫, જયંત પાઠક)

   ઊર્મિપ્રધાન હોય એવા કાવ્યનો વિભાગ ઊર્મિકાવ્ય બન્યો. એની પેટાજાતિઓ જે થઈ તેમાં પદ, ભજન, રાસ, ગરબીઓ , કરુણપ્રશસ્તિ, ગીત, ગઝલ, મુક્તક, સોનેટ વગેરેનો ગુજરાતી કાવ્યસાહિત્યમાં સમાવેશ થયો.

   પશ્ચિમની વિચારસરણીના સંદર્ભે જોઈએ તો ઊર્મિકાવ્યનો પેટાપ્રકાર ગીત ગણાવી શકાય. એમાં પણ ઊર્મિકાવ્યના બધા જ ગુણ અપેક્ષિત છે. ગીત પણ હૃદયની સાહજિક, સરળ, નિર્મળ, નિર્વ્યાજ ઊર્મિનું નિરૂપણ કરે છે. વળી ઊર્મિકાવ્યની જેમ જ ગીતમાં પણ ઊર્મિની પ્રબળતા, ઉત્કટતા તથા એકાત્મકતા હોય છે. રચનાની સુરેખ, સ્વચ્છ અને એકાગ્ર સઘન છાપ પડે છે. ગીતના રચનાવિધાનમાં ઊર્મિકાવ્ય જેવું લાઘવ હોય છે તથા વ્યંજનાની સમૃદ્ધિ પણ હોય છે.

   અલબત્ત, ઊર્મિકવિતામાં અર્વાચીન કાળમાં ભાવની જે સંકુલતાઓ પ્રગટ થવા લાગી, એટલે કે મનના સંકુલ ભાવો જે રીતે ઊર્મિકવિતામાં રજૂ થયા, એટલી સરળતાથી ગીત એ પ્રકારના ભાવો પ્રારંભે રજૂ ન કરી શક્યું. અલબત્ત, ગીતકારોએ એવા ભાવો રજૂ કરવાના સફળ પ્રયત્નો પણ કર્યા. પરંતુ ગીતના કેન્દ્રભાવનું લક્ષ્ય અમુક ચોક્કસ પ્રકારના બંધારણની ચુસ્તીમાંથી પસાર થઈને પાર પાડવાનું હોઈ થોડીક મથામણોમાં મુકાવું પડ્યું.

   એ પણ ભૂલવું ન જોઈએ કે લોકસાહિત્યની નાભિનાળમાંથી પ્રગટેલું અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ-મીરાંના પદોથી ખેડાતું થયેલું પદ આજ સુધી ભાવ, ભાષા, લય, રચનાબંધ કે આકારની દૃષ્ટિએ સ્થૂળ અને સૂક્ષ્મ ફેરફારો પામીને સંકુલ લાગણીઓના આલેખનનું માધ્યમ બન્યું. અને અદ્યતન કળાના સંસ્કારો ઝીલીને કાયાકલ્પ પામતું રહ્યું છે.

   ઊર્મિકાવ્યના પ્રયોજનમાં વૈવિધ્ય છે. કવિ સંવેદનો વ્યક્ત કરે, જીવનવિચારને પણ કલાત્મક અને ઊર્મિમય રીતે ગૂંથી આપે, અજ્ઞાત મનના સંઘર્ષો પણ પ્રગટાવે પણ એથી વિશેષ પોતાના જીવન વિશે, સમીક્ષક દૃષ્ટિએ કવિતામાં ચિંતનમનન પણ રજૂ કરે. આમ ઊર્મિકવિતા દ્વારા જીવનની સમીક્ષા પણ થાય. એ દૃષ્ટિએ લિરિક એ મોટા ગજાનું સ્વરૂપ છે. ચિંતનલક્ષી ઊર્મિકાવ્યો આપણા જમાનાની મોટી કવિતા છે. બળવંતરાયના ‘આરોહણ' તથા ન્હાનાલાલના ‘સંસ્કૃતિનું પુષ્પ', ‘એ કોણ?’ ‘ગુજરાતનો તપસ્વી' જેવાં કાવ્યોમાં ઊર્મિયુક્ત ચિંતન છે. ક્યારેક ઊર્મિકાવ્યમાં વ્યંગ પણ આવે છે. દા.ત. – હસમુખ પાઠક ‘કોઈને કંઈ કહેવું છે ?’ પ્રિયકાન્તનું ‘એ લોકો’ જીવનની વિષમતાના અંશો પણ ઊર્મિકવિતામાં ગૂંથાય છે. આમ, ઊર્મિકવિતાનાં વિવિધ પ્રયોજનો છે.

   ગીતનું સ્વભાવગત પ્રયોજન પણ એનું ગુંજન છે. એ એટલું બધું નાજુક, ઋજુ કાવ્યસ્વરૂપ છે કે એની ગુંજનક્ષમતા જ એની મર્યાદા અને વિશેષતા બને છે. ગુંજન-ક્ષમતા એમાં સહજ હોઈ, એમાં લાલિત્ય, માધુર્ય, સૌન્દર્યના અંશો સ્વાભાવિક ગૂંથાતા હોય છે. જોકે ગીતને પોતાનું રસકીય ધોરણ છે. એમાં રજૂ થતો અનુભવ સૂક્ષ્મ રીતે જીવનસંવાદ તરફ ભાવકને દોરી જાય છે.

   ગીતનું સ્વરૂપ સૉનેટ જેવા સ્વરૂપની માફક વિદેશી નથી પરંતું એના ગુણ-લક્ષણને આધારે આપણે એનો ઊર્મિકાવ્યના પેટાપ્રકાર તરીકે સ્વીકાર કર્યો છે. ઊર્મિકાવ્ય અને ગીત બંને સ્વરૂપોમાં વૈષમ્ય કરતાં સમાનતાનાં તત્ત્વો વધારે છે, તેમ છતાં બંનેનાં સ્વરૂપોને સમજવાનો-આપવાનો ઉપક્રમ રાખ્યો છે.

   ગજરાતી ભાષામાં ગરબી, ગરબા, પદ, ધોળ, દૂહા, ભજન ઇત્યાદિ રચનાઓમાં ઊર્મિકાવ્યનાં ઉપરનાં લક્ષણો જોવા મળે જ છે. ક્યારેક તો કોઈ કોઈ રચના સાદ્યંત સંઘેડા-ઉતાર ઊર્મિકાવ્ય જ હોય છે. “એ રીતે ‘ગીત’ પણ ઊર્મિકાવ્યનાં સર્વ લક્ષણો ધરાવે છે જ.” (‘સાહિત્યચિંતન’ – સુંદરમ્, પૃ.૩૫૧) તેથી જ તો ગીતનાં લક્ષણો ધરાવતી પદ-ભજન જેવી રચનાઓને ચંદ્રકાન્ત ટોપીવાળાએ (મધ્યકાલીન પદરચનાઓને) ‘ઊર્મિકો’ કહી છે.

   ઊર્મિકાવ્યનો પેટાપ્રકાર ગીત છે. એમાં ઊર્મિકાવ્યના બધા જ ગુણ અપેક્ષિત છે. ઊર્મિકાવ્યની જેમ જ ગીત પણ રસાનુભવ કરાવવાની પૂરતી ક્ષમતા ધરાવે છે. આ બાબતમાં બંને પ્રકારો સમાનધર્મી છે. બંનેમાં કોઈ એક જ ઊર્મિ, વિચાર કે ઘટનાનું નિરૂપણ હોય છે. ‘ગીત' જેવા મૃદુલ, સરળ સ્વરૂપમાં એક જ ઊર્મિ-સંવેદનનું આલેખન હોય તે તો સમજાય છે. આમ ઊર્મિકાવ્યની જાતિમાં ગીતનું સંવિધાન વિશિષ્ટ પ્રકારનું પણ છે એ આગળ ઉપર જોઈશું. અહીં તો ગીતમાં ઊર્મિના તત્ત્વનો વિચાર કરીએ.

   ગીતનો દેહ ઊર્મિકાવ્યની જેમ લાઘવયુક્ત હોય છે, પરંતુ જેમ ઊર્મિકાવ્યનું ટૂંકાણ તેના વિષય અને તેના પર્યાપ્ત વિકાસ પર આધારિત છે તેમ ગીતમાં પણ છે. લોકગીતોમાં તથા મધ્યકાલીન ગરબીઓની વિવિધ રચનાઓમાં લંબાણ-ટૂંકાણનો ખ્યાલ આવશે. સુન્દરમનાં બે ગીત જુઓ – ‘એક સવારે’ અને ‘વિરાટની પગલી'. પ્રથમ ગીત ઘણું ટૂંકું છે જ્યારે બીજું લાંબું છે. પરંતુ ‘ગીતનું ગીતત્વ વિષયનિરૂપણની તેની વિશિષ્ટ રીતિમાં રહેલું છે.’ (‘સાહિત્યચિંતન’ – સુંદરમ્, પૃ.૩૫૭) ઊર્મિકાવ્યથી એ અર્થમાં જુદું છે. ગીત શરૂ થયા પછી પ્રવાહી રૂપે રજૂ થાય છે અને સાંભળનારને સમજાતું જાય છે. શબ્દ અને અર્થ ઉભયનાં તત્ત્વોથી એ સાંભળનારને ડોલાવે છે. કાવ્યગીતનું એક ચરણ પૂરું થતાં બીજું ચરણ ઊભું જ હોય છે અહીં સાંભળનારને વિશ્રાંતિ મળતી નથી, ગીતકારનો ન સંભળાયેલો શબ્દ પણ સરળતાથી સમજાઈ જાય છે આ એની વિશિષ્ટ નિરૂપણરીતિથી એ નોખું છે. તેમ છતાંય બુદ્ધિપ્રધાન કે ચિંતનપ્રધાન ઊર્મિકાવ્યોનો આપણે સ્વીકાર કર્યો છે. તેની સામે ગીત ચોક્કસ રીતે અલગ પડે છે. એ એના શબ્દઔચિત્યથી, લયથી, સંગીતતત્ત્વથી, સુગ્રથિત ભાવકલ્પનની ગૂંથણીથી, લાઘવથી, ભાષાની સાહજિક ભાવભંગિઓના વિનિયોગથી, એ આપણે જરૂર જોવું જોઈએ.

   ગીતની બીજી ખાસિયત એ છે કે, એ ચિંતનવ્યાપાર, જ્ઞાનતત્ત્વ, કથાતત્ત્વ, બોધતત્ત્વ, વૃત્તાંત અને અર્થતત્ત્વનું દાસત્વ સ્વીકારતું નથી. એટલે કે એ ઉપરોક્ત તત્ત્વોથી એ બોઝિલ ન બને અને કશુંય પ્રતિપાદન કરવાના હેતુ વિનાનું ઊર્મિલ હોય એ જરૂરી છે.

   આટલી ચર્ચા પછી એમ જરૂર કહી શકાય કે, બધાં જ ઊર્મિકાવ્યો ઉત્તમ ગીતો ન પણ હોય. પણ બધાં જ ઉત્તમ ગીતો ઊર્મિકાવ્યો જરૂર હોઈ શકે.
(ક્રમશ :...)


0 comments


Leave comment