5 - ગીત : પ્રભાવક તત્વો / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   આપણા ચિત્ત ઉપર કોઈ વ્યક્તિ કે વસ્તુનો પ્રભાવ બે કારણે પડે છે : એક તો એના બાહ્ય દેખાવને કારણે અને બીજું એનાં ગુણલક્ષણોને કારણે.

   અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં ગીતનો પ્રભાવ આપણા ચિત્ત ઉપર વધારે પડે છે એમાં પણ કારણોની તપાસ થઈ શકે.
   આમ તો કવિતામાત્ર વાણીનો એક રમણીય અવતાર છે. કવિતા વાણીનાં વિવિધ તત્વોનો ઉત્કૃષ્ટ વિનિયોગ કરી કલાગત રસાનંદ આપે છે. કવિતા એ અભિવ્યક્તિની ચમત્કૃતિ છે, એ જે રીતે રજૂ થાય છે એ રીતે તો એ હૃદયને વીંટળાઈ વળે છે. સહૃદયોને આવકારે છે – આનંદ આપે છે. કાવ્યમાત્ર આનંદ આપે છે. ગીત પણ કાવ્યનો એક પ્રકાર છે. ગીતનો ક્યો હિસ્સો ભાવકને મુગ્ધ કરે છે ? બાહ્ય હિસ્સો કે આંતર - હિસ્સો ?

   બાહ્ય હિસ્સો એટલે ‘શબ્દ’ અને આંતર હિસ્સો એટલે ‘અર્થ.’ આમ તો ઊભય એકમેકનો ઉત્કર્ષ રચે છે. અન્ય કાવ્યપ્રકારોમાં તો આપણે અર્થતત્વથી પ્રભાવિત થઈએ છીએ. જ્યારે ગીતકાવ્યમાં આપણે કેવળ અર્થતત્વથી જ નહિ, શબ્દથી પણ પ્રભાવિત થઈએ છીએ. એમ કહીએ કે બંને તત્વોનો સમન્વય આપણને પ્રભાવિત કરે છે. એટલે આપણને અસંખ્ય ગીતપંક્તિઓ કંઠસ્થ રહી જાય છે, અલબત્ત એના કારણમાં પ્રાસતત્વનો હિસ્સોય એમાં ખાસ્સો હોય છે.

   ગીતકાવ્યમાં પ્રભાવ પાડનારા શબ્દદેહનું ખાસ્સું મહત્વ છે. ગીતનો શબ્દ પરિચિત હોય છે – એ પરિચિતતા પ્રભાવકતાનું કારણ બને છે. વળી, એ શબ્દ સહજ હોય છે, સ્વાભાવિક હોય છે. એ શબ્દોનો પદબંધ લયાત્મક હોય છે, એટલે શબ્દનો પ્રભાવ લય સાથે સંયોજાતાં વધારે પ્રભાવકતા પામે છે. આપણે આ વાતને વધારે સારી રીતે સમજીએ.
   (૧) અશબ્દ સંગીત વાગતું હોય અથવા સંગીતકાર પાવો વગાડતો હોય કે ઢોલક ત્યારે આપણે જરૂર આકર્ષાઈએ છીએ. ત્યારે આકર્ષણનું કેન્દ્ર સંગીતતત્વ છે.
   (૨) સશબ્દ સંગીત વાગતું હોય ત્યારે પણ આપણે આકર્ષાઈએ છીએ. ત્યારે આકર્ષણનું કેન્દ્ર શબ્દ અને સંગીત બંને હોય છે.
   કાવ્યગીતમાં શુદ્ધ સંગીતની અપેક્ષા નથી પણ એમાં રહેલા ‘લય’તત્વનો મહિમા છે. અને ‘સશબ્દ’માં ‘શબ્દ’નો મહિમા છે. નરસિંહરાવે કહ્યું છે કે સંગીત જોડે સંયોગથી કવિતાને લાભ છે એ અર્થમાં લયનો પ્રભાવ વધારે આકર્ષક હોય છે.

   ગીત કેવળ ગાવા માટેની રચના મટીને જ્યારે શુદ્ધ કવિતા તરફ ગતિ કરતું થયું ત્યારે પેલો સંગીતનો પ્રભાવ ઓછો થયો, શબ્દનો પ્રભાવ રહ્યો. કવિ ‘શબ્દ’દ્વારા ‘અર્થ’નું લક્ષ્ય તાકતો થયો. આજનો ગીત કવિ એના અર્થએકમને પોષક એવો પધબંધ રચે છે – જે પેલી ધ્રુવ પંક્તિની સાથે કડીની જેમ, પંક્તિઓ પરોવતો જાય છે - અને એક પછી એક પંક્તિઓ ઉમેરે છે. સમગ્ર સંયોજનમાં એનું કર્તુત્વ ન દેખાય, પણ સાહજિકતા વધારે દેખાય તો ‘રસપુદ્દગલ’બરાબર બંધાય છે. કવિનું કર્તુત્વ જો ઉઘાડું પડી જાય તો ગીતના ગીતત્વને હાનિ પહોંચે છે.

   ગીત કવિના અંત:તલમાંથી સ્ત્રવે છે. એ ઊર્મિલ હોય છે. બુદ્ધિનાં તત્વોનો એમાં નહિવત્ વિનિયોગ હોય છે. ચિંતન કે વિચાર દ્રવ્ય હોય ત્યારે પણ એ ઊર્મિલ મટી ન જાય એ ખૂબ મહત્વનું છે. ગીતની એક પણ કડી કે એક પણ શબ્દ ફિસ્સો પડે તો એની પ્રભાવકતા જોખમાય છે.

   ગીત વસ્તુતઃ ઊર્મિકાવ્યનો જ પેટા પ્રકાર છે. ગીત અને ઊર્મિકાવ્યમાં લાઘવ અને ઊર્મિતત્વ, એકલક્ષિતા અને ભાવવિચારની બાબતમાં લગભગ સામ્ય છે તેમ છતાંય ગીત અને ઊર્મિકાવ્ય વચ્ચે જે ભેદ રહેલો છે – એ પણ શોધી કાઢીએ.

   એક સૉનેટ કાવ્ય જુઓ : ‘અરે! ભોળા સ્વામી પ્રથમથી જ હું જાણતી હતી’ કવિ ‘શેષ’ આ કાવ્યનો આ રીતે પ્રારંભ કરે છે. શિખરિણી છંદ છે. આ પંક્તિ વાંચ્યા પછી, નાયિકાને બીજું કશુંક ક્રમમાં કહેવું છે એ પ્રગટ થાય છે. જે કહેવાનું છે એ તો હવે પછી છે, બીજી પંક્તિઓ ન વાંચો તો કાવ્ય ન પમાય.

   ગીતકાર ગીતની પ્રથમ પંક્તિની રજૂઆતમાં જ કશુંય અપૂર્ણ છોડતો નથી એટલે કે એ પંક્તિ અર્થપરત્વે સ્વનિર્ભર હોય છે. સર્જનાત્મક કલ્પના-વૈભવની અભિવ્યક્તિનો એક પિંડ ત્યાં પૂર્ણ બંધાઈ જતો હોય છે. જુઓ :
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
– મકરંદ દવે

હળવા તે હાથે ઉપાડજો
અમે કોમળ કોમળ !
– માધવ રામાનુજ
સૉનેટ અને ગીત:
   બંને સ્વરૂપો ઊર્મિકાવ્યનાં હોવા છતાં સૉનેટની પંક્તિ સ્વતંત્ર રીતે હંમેશાં અર્થએકમનો ઘટક બની શકતી નથી, એને બીજી પંક્તિઓ ઉપર ક્યારેક નિર્ભર રહેવું પડે છે. જ્યારે ગીતની પંક્તિ સ્વતંત્ર રીતે અર્થએકમનો હંમેશાં ઘટક બને છે. આ એના સ્વરૂપની પ્રભાવકતાનું ત્રીજું કારણ.

   ગીતમાં પંક્તિ પાછળ પંક્તિ પ્રવાહીરૂપે આવતી હોય, ચરણોને અંતે એકમ-પિંડ બંધાતો જાય, ભાવોર્મિની રણકાદાર સચ્ચાઈ હોય અને પરિણામે રસાત્મકતા તરફ એ સ્વાભાવિકતાથી દાખલ થઈ જાય છે – આ બધી સંકુલતાઓ એના પ્રભાવનું સંકુલ કારણ બની શકે.

   ગીત શરૂ થયા પછી ભાવકને વિચારવા કે સમજવા માટે અટકી જતું નથી. એ તો એની ગતિએ લયાત્મક આવર્તનોમાં વિહરે છે. સાંભળનાર એમાંનો એકાદ શબ્દ ધ્યાનથી સાંભળી ન શકે તોપણ એના અર્થમાં મોટું બાકોરું પડી જતું નથી, ઝાઝું નુકસાન થતું નથી, એ શબ્દલયના કૅફમાં પેલો નહિ સંભળાયેલો શબ્દ પણ અર્થતત્વ લઈ ભાવક પાસે કલ્પનાબળે આવી જતો જ હોય છે.

   ગીત જેમ જેમ સંભળાતું જાય તેમ તેમ તેના સંસ્કારો શ્રોતાના ચિત્ત પર અંકાઈ જાય. આ આવશ્યકતામાંથી આપણી આખી પ્રાચીન કવિતામાં વિષયનિરૂપણની એક ખાસ પદ્ધતિ નિર્માઈ હતી.

   ગીતમાં તો ઉપાડની પંક્તિની સિદ્ધિમાં જ ગીતની અડધી સફળતા છે. ગીતની ધ્રુવપંક્તિ ગીતનું ‘ઝળકતું શિખર’છે. એટલે એનું નિરૂપણ વિશિષ્ટ હોય. ધ્રુવપંક્તિમાંથી જ આખું ગીત વિકસતું હોય છે. ગીતમાં વિષય-નિરૂપણ રીતિના પ્રાણતત્વ રાગીયતા (Melodiousness)નો પણ પ્રભાવ હોય છે. એ તત્વ કેવળ સંગીતનો રાગ નહિ તથા રાગમાં ગાઈ શકાય, ગુંજી શકાય તેવી માત્ર પદ્યની ‘ગેયતા’ પણ નહિ, પણ કાવ્યને સાંભળતાં તેના છંદ, શબ્દ, બાની અને સમગ્ર અર્થવિન્યાસ એ સર્વમાં આ તત્વો એકીસાથે પ્રગટ થાય છે તથા વિષયનિરૂપણનાં બધાં ઉપકરણોમાં અને નિરૂપણની પ્રક્રિયામાં સાદ્યંત અને સર્વવ્યાપક બની રહે છે. ‘રાગ’ અને ‘ગાન’ થી એવી સ્વતંત્ર હસ્તી છે. ‘રાગ’ના સત્વનો એમાં વિશાળ અને વ્યાપક આવિર્ભાવ છે. એ રાગની વિશાળ સૃષ્ટિ ‘રાગીયતતા’બનીને કાવ્યમાં પ્રગટ થાય છે. એ એની એક વધુ પ્રભાવકતા બને છે.

   દા. ત. : સુન્દરમનું ‘બે બોલ’ ગીત જોઈએ –
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા. (વસુધા)

   જીવનમાં પ્રભુના પ્રવેશ વિના અનુભવાતી શૂન્યતાની અકળામણથી નીકળેલો નમ્રતાભર્યો ઉદ્દગાર ગીત બને છે. ગીતનું ધ્રુવપદ જુઓ. ગીતનો મુખ્યભાવ સબળતાથી, વિવિધતાથી, આરઝુથી નિરૂપાતો જાય છે, અને અંતે તો જીવનના સંપૂર્ણ સમર્પણની ચોટદાર પરાકાષ્ઠા સધાય છે. ઘાટે બાંધેલી જડ બની ગયેલી જીવન-નૌકાની દશા કેવી દયનીય થઈ ગઈ છે ! અને એમાંથી બહાર લાવવા કવિ આમ કહે છે :
‘મનના માલિક તારી મોજને હલેસે નાના
ફાવે ત્યાં એને હંકારી તું જા.’

   પરમાત્માને ફાવે ત્યાં આ જીવનનાવને હંકારી જાય તે ઇષ્ટ છે, ભલે ઝંઝાવાત હો. (તું કલ્યાણકારી છે જે કરે તે.) આમ, નિબદ્ધ નિષ્પ્રાણ જડત્વમાંથી મુક્ત થવા કવિ ઊંચી કોટિની પરાકાષ્ઠા અહીં સાધે છે, શોધે છે.

   ગીતના નિરૂપણમાં મોટે ભાગે લાલિત્યપ્રધાન, મૃદુલ, વર્ણમાધુર્યવાળી શબ્દરચના પસંદ કરવામાં આવે છે, તથા કોમળ સંવેદનોનું જ નિરૂપણ કરવામાં આવે છે, તેમ છતાં શૌર્ય અને વીર તથા ઓજસ ભાવનાં ગીતો પણ આપણને મળે છે ખરાં. ન્હાનાલાલનું ‘પાર્થને કહો ચડાવે બાણ’ તથા મેઘાણીની કેટલીક રચનાઓમાં વીર, ઓજસ ગુણોનું નિરૂપણ છે. પરંતુ પ્રણયગીતો ગુજરાતી ગીતકવિતાને વધારે માફક આવ્યાં છે. એ જ રીતે પ્રકૃતિ પણ ગીતનો સમૃદ્ધ વિષય બની છે. પ્રણયગીતોનાં દ્રષ્ટાંતોમાં ‘લવિંગ કેરી લાકડીએ’લોકગીત, ન્હાનાલાલલિખિત ‘ઝીણા ઝીણા મેહ’, ‘સ્નેહીનાં સોણલાં’, ઉમાશંકરનું ‘છેડલો ઊડે પવનમાં !’, સુન્દરનું ‘છાતીએ છૂંદણાં’, રમેશ પારેખકૃત. ‘સોનલ શ્રેણીનાં ગીતો’ વગેરે ગણાવી શકાય.

   આપણી પ્રકૃતિકવિતામાં નરસિંહરાવ દિવેટિયા પ્રમુખ રહ્યા છે. રાજેન્દ્ર શાહે ‘પીળી છે પાંદડી ને કાળો છે બાજરો’માં, પ્રહલાદ પારેખે ‘મેહુલિયો’માં, નિરંજન ભગતે ‘અષાઢ આયો’જેવાં ગીતોમાં પ્રકૃતિવર્ણનો કર્યા છે. આમ, ગીતોમાં વિષયોનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. એકના એક ભાવનાં અનેક સ્કુરણો પણ હોય છે.

   ગીતને શ્રવણ દ્વારા સંક્રમણ કરવા જતાં તેનો લય, શબ્દ, બાની અને સમગ્ર અર્થવિન્યાસ પણ સંક્રમિત થાય છે. ગીત-સંગીતના વિવિધ તાલોમાં વહેંચાયેલી માત્રાઓનાં વિવિધ ચોકઠાં પ્રમાણે જુદી રીતે પોતાનો દેહ ઘડે છે. ત્યાંથી આગળ જતાં એ શબ્દોનાં સંયોજનો ઘડે છે. શબ્દોએ અમુક માત્રાઓના બનેલા ચરણમાં પૂરેપૂરા અર્થવાહી બનીને આવી જવાનું હોઈ ઉક્તિલાઘવ પણ એમાં મહત્વનું બને છે. છે.

   આમ, ગીત અર્થના સંક્ષેપની અને વિષયને કલ્પનાત્મક રીતે સાકાર કરવાની આવડત માંગી લે છે. આમ સમગ્રતયા જોતાં ગીતની પ્રભાવકતા એના આંતર-બાહ્ય ઉભય ઘટકોમાં જોવા મળે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment