6 - ગીત : સંજ્ઞા, વ્યાખ્યાવિચાર અને પ્રકાર / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   ‘ગીત’સંજ્ઞાના અર્થઘટનમાં સમયે સમયે આંશિક ફેરફારો થતા રહ્યા છે. પ્રાચીનકાળમાં એ કેવળ ગાવાની ચીજ મનાતું હતું. અંગ્રેજી સાહિત્યના સંપર્ક અને ઊર્મિકાવ્યના સંસ્પર્શથી એના અર્થઘટનમાં ‘સંગીત’ના તત્વનો નોખો વિચાર કરી, એમાંના કાવ્યત્વનો જિકર કરવાના પ્રયત્નો થયા છે.

   અંગ્રેજીમાં તંતુવાદ્ય સિવાય પણ જે ગાઈ શકાય તેવાં કાવ્યો ઊર્મિકાવ્ય (Lyric) કહેવાયાં હોય તો રાગડામાં બંધ ન બેસે એવી ‘કવિતા’ ન હોઈ શકે ? એવો પ્રશ્ન નર્મદે કર્યો છે. તેણે કહ્યું – ‘લોકો રાગડાથી જ કવિતાની પરીક્ષા કરે છે તે કેવળ ખોટું છે, રાગડાને અને કવિતાને કંઈ સંબંધ નથી’ (જૂનું નર્મ-ગદ્ય, નર્મદ પૃ. ૪૮૮). નિરંજન ભગત નોંધે છે : ‘કવિતા-ક્ષેત્રે કહેવાય છે ગીત તે અને ગાયકી (મ્યુઝિક)ને કૈ જ સંબંધ નથી. ગીત ગાવું જ પડે છે, એ તો ભ્રમ છે. અંગ્રેજી સાહિત્યમાં તો અસંખ્ય કૃતિઓ ગીત (ઑડ્સોંગ) નામે ઓળખાય છે, પણ તે કૈં ગવાતી નથી, તેમનો તો માત્ર પાઠ જ થાય છે.’ (ભણકાર પ્રસ્તાવના બ. ક. ઠા. પૃ. ૧૪)

   કવિતાનાં અન્યરૂપોની તુલનામાં ગીતનો શબ્દ-વિનિયોગ વિશિષ્ટ રીતે ગીતમાં થાય છે, એટલે કે ગીતકારનો શબ્દ ભાવાવેગની લયાત્મક અભિવ્યક્તિ હોવાને કારણે ઉદ્દગાન તરીકે કર્ણમાં સ્થાપિત થાય છે. જ્યારે અન્ય કવિતાનો શબ્દ ઉદ્દગાર તરીકે આવે છે. વળી ગીતનો શબ્દ એના ઉગમકાળથી સંગીતાત્મક લય-આંદોલનોની સંસિદ્ધિ પામેલો હોય છે એટલે એનો વાગ્લય ગીતના ભાષા-કર્મનો આંતરિક સર્ગવિશેષ રચે છે. એટલે કે એનો એક પગ સંગીતમાં અને બીજો પગ કવિતામાં હોય છે. ઉભય ક્ષેત્રોમાં એ કેવી રીતે પ્રવર્તે છે એ અભ્યાસનો વિષય બને છે.

    ગીતનો ઉદ્દભવ ભાષાવિહોણા આદિમાનવમાં જોઈ શકાય. ભાષાની ઉત્પત્તિ લયમાંથી થઈ હોવાનું મનાય છે. ભાષાની શોધ પૂર્વે કુદરતના ખોળેથી, વરસાદ, ઝરણાં, નદી, વાયુનાં લયવર્તુળોને આદિમાનવે માણ્યાં હશે, ઝીલ્યાં હશે. આ લય એના શ્વાસોચ્છવાસ સાથે પણ જોડ્યો હશે. એટલે માણસે સૌપ્રથમ ‘લય’નો અનુભવ કર્યો હશે, પછી શબ્દનો. લય અને શબ્દ બંને શ્રાવ્યકલાના ભિન્નભિન્ન પ્રકારો છે. સંગીતમાં લય દ્વારા શ્રવણગત ભાવાત્મક આકૃતિ અને કાવ્યગીતમાં શબ્દ અને અર્થ દ્વારા શ્રવણગત ભાવાત્મક આકૃતિ રચાય છે. અલબત્ત કાવ્યગીતના શબ્દની અંતર્ગત સંગીતનાં તત્વો તો રહેલાં છે જ.

   સંગીતશાસ્ત્રમાં સંગીતને અને કાવ્યમાં અર્થને જે પ્રાધાન્ય મળવા લાગ્યું એમાંથી કાવ્યગતનો શબ્દ સંગીતમાંથી છૂટો પડી, દૂર થઈ કાવ્ય નિષ્પન્ન કરવા તરફ એનું લક્ષ્ય વધુ કેન્દ્રિત થયું હશે, જેનો વિચાર આપણે લોકગીતના અનુષંગે કર્યો છે.

   કવિતા એટલે જ સંગીત એવી સમજ ભારતમાં અને ગુજરાતમાં અર્વાચીનયુગના આરંભ સુધી તો હતી જ, પરંતુ ધીરે ધીરે એને સંગીતથી અલગ દરજ્જાની રચના તરીકેનો મોભો પ્રાપ્ત થયો છે એવું જ ગીત વિશે કહી શકાય.

   કાવ્યગીતમાં જે સંગીત હોય છે તે વાદ્યયંત્રોનું સંગીત નથી પણ શબ્દ-અર્થની અંતર્ગત ભાવનું સંગીત હોય છે. એ યાદ રાખવાથી ગીતની ‘સંજ્ઞા’ની સમજ સ્પષ્ટ થશે. વળી એના અર્થસંકુલમાંથી કાવ્યત્વની રસકીય અનુભૂતિ થાય છે એ પણ સમજી લેવાનું છે.

   એક તરફ લોકગીતના અપૂર્વ સંસ્કારો ધરાવતા પણ પરંપરાથી થોડા નોખા પડેલા અભિજાત ગીતના સ્વરૂપની પ્રમુખ વિશેષતા સૂર, લય, ઢાળના માધ્યમથી આંદોલનો જગવીને કવિતા-કલા સિદ્ધ કરવાની છે. બીજી તરફ છાંદસ્ કવિતા કરતાં ગીતની રચના-કલા નિરાળી છે. ગીતનો વિશિષ્ટ શબ્દ સૂર સાથે, નાદાત્મક સૌન્દર્ય સાથે સ્પર્ધામાં ઊભો રહી શકે છે. એટલે જ ‘ગીત’ જેવી સંજ્ઞા વિશે વિદ્વાનોએ ઠીક ઠીક ચર્ચા-વિચારણા કરી છે.

   ભગવદ્ગોમંડળમાં નોંધાયું છે : “ગૈ એટલે ગાવું’ (ભગવદ્ગોમંડળ પૃ. ૨૮૪૧ (વૉલ્યુમ-૩) (સં) (નપું)). ગાયન, કવિતા, ધોળ, ગાણું. સંસ્કૃત કે પ્રાકૃત જે કંઈ સ્વર, તાલ, ગ્રામભેદ રાગ અને રાગનાં અંગોવાળું હોય, તેને ગીત કહે છે. ગીત એટલે સાહિત્યની પૂર્ણ અર્થભાવનાવાળી શબ્દમય રચના સુમધુર નાદ દ્વારા વ્યક્ત કરી વિસ્તાર કરી બતાવવું તે.’ (ભગવદ્ગો મંડળ પૃ. ૨૮૪૧ (વૉલ્યુમ-૩) ‘ગીત’ એ ‘ગે’ ધાતુનું ભૂતકૃદંત રૂપ છે. સંગીતગત જે રચના છે તે મુજબ ગીતના પ્રકારો: ધ્રુપદ, ખ્યાલ, ટપ્પો, લાવણી, ઠુમરી તીલાના અને પ્રબંધ છે જ્યારે સાહિત્યિક રીતે જોતાં ગીતના પ્રકારો – પદ, ભજન, રાસ, ગરબીગરબાને કહીએ છીએ. ગીતકવિતા, સંગીતકાવ્ય અને ગાયનકવિતા; કવિતાની આવી ત્રણ જાતમાંની એક, એ ગીત છે. ટૂંકમાં સ્વરનિયોજિતતા, રસાત્મકતા, રાગીયતા, અર્થવ્યંજકતા, અલંકાર સહિતનાં લક્ષણો ધરાવતી કોમળ પદાવલિને ગીત કહે છે.

   – ગીતકાવ્ય – (સં. નપું.) કાવ્યના ગુણવાળું ગીત.
   – ગીતડું – (નપું.) ગીત, ગાયન, ગાણું, ગવાય તેવી કવિતા. (‘ગાણું’ એ ‘ગાન’ શબ્દનું અપભ્રંશરૂપ છે.)

   ‘ભગવદ્દગોમંડળ’પણ સાહિત્યની અર્થભાવનાવાળી શબ્દમય રચનાને (કાવ્યત્વને) ‘ગીત’કહેવામાં યથાર્થતા જુએ છે.(ભગવદ્ગોમંડળ પૃ. ૨૮૪૧ (વૉલ્યુમ-૩)) ‘ગાયન’ એ ‘ગાન’ ક્રિયાનું પ્રચલિત રૂપ છે જ્યારે ‘ગાન’શબ્દ ગીતનું પ્રયોગાત્મક રૂપ છે. ગીતનો સંબંધ રચનાવિશેષ સાથે છે.

   ‘સાર્થ જોડણીકોશ’માં પણ ‘ગીત-કાવ્ય’ (સં. નપું.)નો અર્થ કાવ્યનો ગુણવાળું ગીત એમ કરવામાં આવ્યો છે.(સાર્થ જોડણીકોશ (‘ગી’જુઓ) પૃ. ૨૬૦) તેમાં પણ કાવ્યત્વનો ‘ગીત’માં સ્વીકાર છે.
 
   ‘અમરકોશ’માં પણ ‘ગીત અને ગાન સમાનધર્મી,(અમરકોશ (ગીતની વ્યાખ્યા જુઓ.) બતાવાયાં છે. (ગીત વિશેની ચર્ચામાં એ ઉલ્લેખ છે.)
   गीतंगानमिमेसम।।

   બીજી બાજુ ગ્રીકમાંથી અંગ્રેજી દ્વારા ‘Lyric’ સંજ્ઞા આવી;એનો સ્વીકાર ગુજરાતીમાં ‘ઊર્મિકાવ્ય’તરીકે થયો. (અલબત્ત, આપણે ત્યાં ઊર્મિકાવ્યો ભજન, પદ વગેરે હતાં જ, Lyricનો ખ્યાલ પાછળથી આવ્યો અને સ્વીકારાયો.)પંડિતયુગના વિદ્વાનોએ ‘લિરિક’- ના વિવિધ અર્થો આપ્યા છે. એમાં પણ ગીત-સ્વરૂપને સ્પર્શતાં કેટલાંક મહત્વનાં લક્ષણો નજરે ચડે છે. ગુજરાતીમાં પ્રારંભે ગીતની શાસ્ત્રીય વિચારણા થઈ નથી પણ ‘Lyric’ના અનુષંગે જે વિચારણા થઈ છે તે જોઈએ.
   (૧) નર્મદ લિરિકને ‘ગીતકવિતા’ કહે છે, જેમાં તે ગેયતાનાતત્વનો પુરસ્કાર કરે છે.(किमपिद्रव्यम् – જયંત પાઠક પૃ. ૨૭)
  (૨) નવલરામે ‘લિરિક’ને ‘સંગીત-કવિતા’કહી છે, જેમાં તેમણે સંગીતના તત્વનો મહિમા કર્યો છે. (किमपिद्रव्यम् – જયંત પાઠક પૃ. ૨૮)
  (૩) નરસિંહરાવે ‘લિરિક’ને ‘સંગીતકાવ્ય’કહીને આવકાર્યું છે,જેમાં તેમણે સંગીતનો અને કવિતાકળાનો સ્વીકાર કર્યોછે. (किमपिद्रव्यम् – જયંત પાઠક પૃ. ૨૯)
  (૪) રમણભાઈએ ‘લિરિક’ને ‘રાગધ્વનિકાવ્ય’ કહ્યું છે, જેમાંએમણે ગેયતાના તત્વનો મહિમા કર્યો છે, સ્વીકાર કર્યો છે. (किमपिद्रव्यम् – જયંત પાઠક પૃ. ૨૯)

  (૫) આનંદશંકરે ‘લિરિક’ને ‘સંગીતકલ્પ કાવ્ય’કહીને સંગીતના તત્વનો સ્વીકાર કર્યો છે.
(किमपिद्रव्यम् – જયંત પાઠક પૃ. ૨૮)
  (૬) નાનાલાલે ‘લિરિક’ને ‘ભાવપ્રધાન કાવ્ય’કહીને એમાંના ભાવતત્વનો મહિમા કર્યો છે. (किमपिद्रव्यम् – જયંત પાઠક પૃ. ૩)
  (૭) ‘ગાઈ શકાય એવી કોઈપણ રચના ગીત કહેવાય. (‘અપેક્ષા’ – સુરેશ દલાલ પૃ. ૧૧)
  (૮) ‘શબ્દબદ્ધ ભાવોમાં નૃત્ય’ (સમર્પણ - જયેન્દ્ર ત્રિવેદી માર્ચ, ૬૫ પૃ. ૪૭)
  (૯) હિન્દી સાહિત્ય કોશ (ભાગ-૧ પૃ. ૨૮૭ ઉપર) : ગીત એટલે ‘સ્વર નિયોજિતતા, રસાત્મકતા, રાગીયતાઅલંકાર સહિતની સપ્રમાણ મધુર, કોમળ પદાવલિ હોય કે તેવાં લક્ષણો ધરાવતી રચના.
   આમ, પંડિતયુગના કેટલાક વિદ્વાનોએ ઊર્મિકાવ્યની અંતર્ગત ગીતનાં કેટલાંક લક્ષણો વણી લીધાં છે. ત્યાંથી આગળ નીકળતાં ગાંધીયુગના કવિ સુન્દરમ્ – ઉમાશંકરે પણ ગીતનો અલગ સ્વરૂપ તરીકે સ્વીકાર કરી વ્યાખ્યાઓ આપી છે :
   ‘ગીત એ માત્ર નાજુક લલિત હળવી ઊર્મિલ રચના છે.’– સુંદરમ્ (સાહિત્યચિંતન પૃ. ૩૬૩)
   ‘માનવહૃદયની સૌથી નજીક જો કોઈ કાવ્યપ્રકાર હોય તો તે ગીત છે.’ તથા‘ગીત એ કવિતા અને સંગીતના સહિયારા સીમાડા ઉપર ઊગેલો છોડ છે.- સુન્દરમ્(સાહિત્યચિંતન - ૩૫૧ (ગીતનું સ્વરૂપ)

   ‘અગેયતાની ચર્ચા આપણે ત્યાં કવિતાના ઘરમાં નકામી દાખલ કરી છે.’‘સ્વરવ્યંજનની મનોરમ સંકલના, સુરાવટ, ગુંજન – એવા શબ્દો કવિતામાંના સંગીતત્વને સૂચવવા વપરાય છે.– ઉમાશંકર જોશી(શૈલી અને સ્વરૂપ, પૃ. ૨૩૦, ૩૮)

   અનુગાંધીયુગમાં પણ ચંદ્રકાંત શેઠ, લાભશંકર પુરોહિત, રમેશ પારેખ, મનોહર ત્રિવેદી, મધુકાન્ત કલ્પિત અને વિનોદ જોશીએ ગીતની વિવિધ વ્યાખ્યાઓ આપી છે :
   – ‘ગીતમાં કંઠ અને કાન એ બેની અંતરિયાળ કાવ્ય અને સંગીત પ્રગટપણે વિલસે છે.’ ચંદ્રકાન્ત શેઠ –(કવિતાની ત્રિજ્યા પૃ. ૧૨)
   -‘ઉત્કટ ભાવોદ્રેકની લયપૂર્ણ ગાનાભિવ્યક્તિ એટલે ગીત.’ – લાભશંકર પુરોહિત – (ફલશ્રુતિ (રસકીય કોટી)
   -‘ગીત એ તાર મેળવેલું વાદ્ય છે.’ તથા ‘ગીત એટલે શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માટે મથતું કાવ્યત્વ.’ – રમેશ પારેખ– (મુદ્રાંકન, એપ્રિલ-૯૧)

   -‘અસંખ્ય લય, તાલ, આવર્તન, ઢાળ, તરજ સમેત માણસનાં રસ અને ઊર્મિઓને આંદોલિત કરતું લઘુ માધ્યમ તે મારે મન ગીત.’ – મનોહર ત્રિવેદી – (અપ્રગટ્ય લેખ)
   -‘નિયમિત લય અને સમકક્ષ વર્ણછટા ધરાવતી સળંગ ભાવોર્મિની ઉદ્દગાર-સરવાણી એ મારા મતે ગીતસ્વરૂપની મૂળભૂત વિભાવના છે. એટલે એમ કે ભાવ-આવર્તન, લય-આવર્તન સહિતની વર્ણ-આયોજનાનો તાલબદ્ધ વિકાસ ગીતમાં અપેક્ષિત હોય છે.’ – મધુકાન્ત કલ્પિત (અપ્રગટ્ય લેખ)

   -‘ગીતને આકાર સાથે નહિ, અનુભૂતિ સાથે નાતો છે.’ -વિનોદ જોશી
  
   આમ, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ‘ગીતનો સ્વીકાર ઊર્મિકાવ્યના (લિરિક) અનુષંગે થયો છે. એમાં ઉત્કટતા, કાવ્યત્વ, સંગીત, લાઘવ, ઋજુતા, લયઢાળ વગેરે તત્વોનો સ્વીકાર થયો છે. ટૂંકમાં, ‘ગીત’ કહેવાતી રચના મોટા ફલકની હોતી નથી. તેમાં કથાપ્રસંગનું વહન, તત્વચિંતન કે અર્થઘનતાને ઝાઝો અવકાશ હોતો નથી. લાઘવ એની ધ્યાનાર્હ લાક્ષણિકતા છે.

   પશ્ચિમમાં પણ ‘ગીત’સંજ્ઞાનો જે ખ્યાલ પ્રવર્તે છે એનોય આપણે વિચાર કરી લઈએ.
  (૧) પ્રિન્સમ્ટન, એન્સાઈક્લોપીડિયા ઑફ પૉએટ્રી ઍન્ડપોએટિક્સ’માં ગીત (song)ની વ્યાખ્યા નીચે પ્રમાણે છે :
  “In general, any music of the human voice, most & often modulating the words of speech, morespecificaly a poem or other formalized utterance Work and its musical setting vetur composed to-getheror separately. The text before the melody or voiceversa.” (પ્રિન્સમ્ટન, એન્સાઈક્લોપીડિયાપોએટિક્સ (સોન્ગ)

   (૨) પાશ્ચાત્ય શબ્દકોશો, જ્ઞાનકોશોમાં ગીતનેમોટેભાગે સંગીતાત્મકરચના (Musical Composition) તરીકે ઓળખાવાયું છે. જ- (EncyclopediaBritanica Vol. XX, P. P. 907-8) પ્રમાણે –
Song :‘Any musical composition with or without instrumental, accompaniment composed so that the music will enhance the meaning of words.’(EncyclopediaBritanica Vol. XX PP 907-8)

(3) New Standard Encyclopedia, Vol. XII, P. 549 આ પ્રમાણે -
‘Art Songs are based on existing poetry and are created by composer as a serious musical form.’ (New Standard Encyclopedia, Vol. XII, P. 549)
   ઉપર્યુક્ત પ્રથમ વ્યાખ્યામાં ગીતને ‘સંગીતપૂર્ણ’ રચના કહીને વાદ્યના સહારે કે એના વગર પણ ગીત બને છે એવો નિર્દેશ છે. વળી સંગીત ગીતના અર્થતત્વને પોષક હોય એવો સંકેત પણ છે. એટલે ગીત હંમેશાં સંગીતની ‘ચીજ’ બને જ એવું નથી. અંગ્રેજીમાં Art Song, Popular Song અને Folk Song એવા ગીતના પ્રકારો પણ છે. એમાં Art Songની ઓળખમાં ઉપર બીજી વ્યાખ્યા મુજબ ‘કાવ્યત્વ’ અને ‘સંગીત’બંને તત્વોનો વિચાર થયો છે.

(૪) ‘Ground work of Criticism’, Stanley C. Gassey,P. 25ના મત મુજબ –
‘A true Song Lyric’ is usually distinguishable form of some general statement than of personal emotion, whereas the lyric is a personal utterance having a universal application.’(Ground work of Criticism, Staneleyc P. 25)

(૫) ગ્રીક સાહિત્યમાં ગીતના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવ્યા છે.
  (અ) વીણા જેવા વાદ્ય સાથે એક જ વ્યક્તિ જેનું ગાન કરેએવાં ગીતો (લિરિક).
  (બ) વાદ્યસંગીતની સહાય સાથે ગવાતાં સમૂહગીતો (Choric-કૉરિક ).
   આમ, ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યમાં ગીતનો સ્વીકાર થવા પામ્યો છે. ઉભય પ્રકારના સાહિત્યમાં ગીતના ઉર્મિતત્વ, સંગીતતત્વ, કાવ્યતત્વ બાબતે સ્વીકૃત લક્ષણો નોંધાયાં છે.

   બંગાળી સાહિત્યમાં પણ કવિવર ટાગોરે ગીતની વ્યાખ્યા આપતાં કહ્યું છે –
   ‘ગીતનો સૂર જે મિજાજ પેદા કરે અને ગીતના શબ્દો એ મિજાજનો વિશેષીકૃત, સ્પષ્ટીકૃત અને વિસ્તૃત કોઈ ભાવ પ્રગટ કરતો હોય ત્યારે શબ્દ અને સૂરનો હરિહરાત્મક સંબંધ સ્થપાય છે.’ (પરબ” એપ્રિલ-૭૯)

   આમ, સમગ્રતયા વિચારીએ તો ગીતકાવ્યમાં નીચે મુજબના મુદ્દાઓ લાક્ષણિક રીતે તારવી શકાય, જેનો સ્વતંત્ર રીતે વિચાર પણ થઈ શકે :
  (૧) ઉત્કટ ભાવોર્મિનું દ્વિકલથી અષ્ટકલ માત્રાઓમાં લયાવર્તન અને પ્રાસની ઉચિત ગોઠવણી.
  (૨) સંગીતનું આંતરિક તત્વ.
  (૩) એકલક્ષિતા : પ્રત્યેક ધ્રુવપંક્તિ સાથે અંતરાના અનુસંધાનો.
  (૪) લાઘવને કારણે શ્રવણ-સુલભ ઉક્તિનો અર્થ-નિર્દેશ.
  (૫) માધુર્ય, સૌન્દર્ય, ઋજુતા, નજાકત અને ગુંજનને કારણેઊભો થતો ચિરંજીવ ભાવસંસ્કાર

  (૬) ભાવવ્યંજનાને લીધે અર્થનું સૌંદર્ય
  (૭) શુષ્ક વિચાર-ચિંતનનું ઊર્મિમાં વિગલન.
  (૮) લય, રાગ, ઢાળનું વૈવિધ્ય : વિશિષ્ટ નિરૂપણરીતિ.
  (૯) પ્રતીક, કલ્પન, અલંકારની યોજનાનો સ્વાભાવિક ઉપયોગ.
  (૧૦) લાલિત્ય, સરળતાને કારણે બંધાતી ભાવાત્મક આકૃતિ
   સ્વાતંત્ર્યોત્તરકાળમાં ગુજરાતી ગીત પઠનક્ષમ બન્યું છે અને તેની કવિતાના શબ્દના જેવી જ અર્થવ્યંજકતા ઉપર ધ્યાન કેન્દ્રિત થયું છે એ પણ અત્રે નોંધવું જોઈએ.

   જેની લયાત્મક અભિવ્યક્તિ શક્ય હોય તે ‘ગાન’ અને તે પ્રકારની શક્યતાઓ જેમાં સાકાર થઈ શકે એવી અભિવ્યક્તિ તે ‘ગીત’ એમ કહી શકાય. આમ, અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં ગીતના લય વિશિષ્ટ હોય છે.

   આવર્તક સંધિ-એકમોની નિયમિતતા, સ્વરભંજન સંકલન, ધ્રુવપદ/અંતરાની વિવિધ ભાતો, પ્રાસબદ્ધ ચરણયુગ્મો એ સર્વેની આંતરસંકલનાથી ગૂંથાતી પંક્તિમાલા, ઊભા થતા ભાવવિવર્તો, રચાતાં જતાં અર્થ વ્યંજનાયુક્ત વલયો અને મુખ્ય ભાવપિંડનો પ્રસરતો જતો પ્રભાવ ગીતને અન્ય કાવ્યપ્રકારોથી નોખું પાડે છે.

   ગીતમાં શબ્દદેહે જે ગેયતા – ગાનલક્ષિતા છે, એ એના અમૂર્ત સંવેદનની અભિવ્યક્તિમાં જે રીતે ખપમાં લેવાય છે. એનાથી એ કૃતિનું પદ્ય રચાય છે. અલબત્ત ગીતના પટબંધમાં ભાવસંવેદન, ઉક્તિલાઘવ, શબ્દ-પ્રવાહિતા, જેવા પ્રાસ-મુદ્દા પણ ઓછા મહત્વના નથી.

   ઊર્મિકાવ્યનાં લક્ષણો ગીત ધરાવે છે છતાં ગીતનો શબ્દ સંસ્કૃત (શિષ્ટ) જ હોતો નથી, એ તો વ્યવહારભાષા સાથે નિકટનો નાતો ધરાવે છે. તે શબ્દમાં વ્યવહારુ અર્થ ઓછો થઈ, નૂતન અર્થવિવર્તો તરફની જે ક્ષિતિજો ખુલે છે એમાં સાહિત્યિકતા રહેલી છે. એની અભિવ્યક્તિમાં પણ સાહજિકતા હોય છે. રૂઢ શબ્દ ગીતમાં આવે છે ત્યારે એનું નાદસૌદર્ય એનું એ રહે, પણ એનો અર્થ પલટાયએટલે અર્થસૌંદર્ય બદલાય અને જે ચમત્કૃતિ થાય એનો મહિમા છે.
દા.ત.
ગમતું મળે તો લ્યા ગુંજે ના ભરીએ,
ગમતાનો કરીએ ગુલાલ.

   અહીં ‘ગુંજા’નો રૂઢ અર્થ – પૈસો ભરવાનું – રાખવાનું ખાનું એ અર્થ અહીં કેવું નૂતન પરિણામ લાવે છે ગુલાલનો અર્થ પૂજાનો એક પદાર્થ એમ થતો. અહીં એ ગુલાલ પ્રસન્નતા અને આનંદની વહેંચણી સુધીના અર્થોમાં વિસ્તરે છે. આ રૂઢ અર્થમાંથી બહાર નીકળી ગીતકાર એને કેવાં નૂતન પરિમાણો આપી શકે છે એમાં જ એની સિદ્ધિ રહેલી છે. પરિણામે ગીતના શબ્દની ભીતર જે રસસાધક ભાષાસ્તરો પડ્યાં છે એનો પરિચય કવિતાની માફક ગીતમાંથી થાય ત્યારે એ સાહિત્યિક ગીતનો દરજ્જો પ્રાપ્ત કરે છે. એ અર્થમાં ઊર્મિકાવ્ય અને ગીત સમાનધર્મી છે, પણ વિષયનિરૂપણની વિશિષ્ટ રીતિમાં એની વિશેષતા છે.

   સુંદરમ્ જેનાં ત્રણ મુખ્ય અંગો ગણાવે છે (૧) શબ્દ-દેહ, (૨) રસપુદ્દગલ, (૩) વિષય-નિરૂપણરીતિ, એવી રચનાને ‘ગીત’ કહીને એમાંના સંગીત અને કાવ્ય-તત્વનો લયસંદર્ભે મહિમા કરે છે, અને એનો સ્વતંત્ર આસ્વાદ શક્ય છે તેવી કળાકૃતિ કહેવા પ્રેરાયા છે.’ (સાહિત્યચિંતન – સુંદરમ્ પૃ. ૩૫૪)

ગીતના પ્રકારો :
   આજે ‘ગીત’-કવિતાનો સ્વતંત્ર દરજ્જો ધરાવે છે. ઊર્મિકવિતાની જેમ તેમાં સ્વતંત્ર રસકીય ક્ષમતા હોય છે. એ રચનાઓ કવિતા કોટિનાં ગીતો છે. આપણે ત્યાં મૌખિક પરંપરાનાં ગીતોનો અને પરંપરિત ગીતોના સંસ્કારપિંડમાંથી બનેલાં શિષ્ટ ગીત ઊર્મિકાવ્યનાં તત્વતઃ લક્ષણો ઝીલે છે, છતાં એની નિરૂપણ-રીતિની દ્રષ્ટિએ એ નિરાળો પ્રકાર છે. અલબત્ત ઊર્મિકાવ્યની જેમ એક વિચાર-ભાવનું નિરૂપણ થાય છે અને બંને કાવ્યપ્રકારોમાં લાઘવ સમાન લક્ષણ ધરાવે છે.

   મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આવતાં પદ પણ ઊર્મિકાવ્યની સંજ્ઞા તળે આવી જાય છે. અલબત્ત તે ભક્તિપદ તરીકે ભલે પ્રતિષ્ઠા પામ્યાં પણ સાહિત્યિક પ્રકારની રીતે નરસિંહનાં પદ, હૂંડી, શ્રાદ્ધ, દાણલીલાનાં પદો, ભાલણનાં પદો, મીરાંનાં પદો એક પ્રકારનાં ઊર્મિગીતો જ છે. પ્રેમાનંદનાં આખ્યાનો અને શામળની પદ્યવારતાઓની વચ્ચે આવતાં પદો પણ ઊર્મિકાવ્યની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરી શકાય. ધીરા ભગતની કાફીઓ, ધોળ, અખાના છપ્પા - ચાબખા. વળી નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં, ભજનોમાં પણ એ જ લક્ષણો બહુધા નજરે પડે છે. હિંડોળા અને હાલરડાંનાં પદો પણ એક પ્રકારનાં ઊર્મિકાવ્યો જ છે, અલબત્ત એ પ્રસંગનિર્ભર હોય છે.

   ગીતના સંગીતની દ્રષ્ટિએ ધ્રુપદ, ખ્યાલ, ટપ્પો એવા પ્રકારો છે જ્યારે સાહિત્યિક ગીતના પ્રકારોમાં રાસ-રાસડા, ગરબા-ગરબી વગેરેનો પણ સમાવેશ કરી શકાય. નરસિંહ પૂર્વેના જૈનકવિઓનું રાસ-સાહિત્ય અને પ્રબંધ-સાહિત્ય, ધર્મોપદેશકેન્દ્રી હતું. એમાંથી રાસ-રચનાઓમાં ઊર્મિનું તત્વ જોવા મળે છે, લયની પ્રવાહિતા પણ વેગવાન હોઈ એને ગીતના પ્રકાર તરીકે જોઈ શકાય. ગરબા-ગરબી તો ગેય પ્રકારો છે. નારીના સ્વાનુભવનું સર્વાનુભવમાં રૂપાંતર પામતું ઊર્મિસંવેદન એના કેન્દ્રમાં હોઈ એ પણ ગીતની સમાંતર તપાસી શકાય એવું કાવ્યસ્વરૂ૫ છે. ‘ફાગુ-’કાવ્યને પણ ઊર્મિકાવ્યના પ્રકાર તરીકે જોઈ શકાય. એમાં પણ જીવનનો ઉલ્લાસ પ્રાકૃતિક સંદર્ભે મન મૂકીને ગવાયો છે. એમાં પણ ગેયત્વ છે.

   ગીત અને ગીતના પ્રકારોનો અનુબંધ લોકગીતના લય-ઢાળ સાથેનિરંતર રહ્યો છે. લગ્નગીતો, ઉત્સવગીતો, શૌર્યગીતો, વ્રતગીતો ગોર્યમાનાં ગીતો, પ્રશસ્તિ-ગીતો, રાજિયા, મરસિયા, મંગલટાણે ગવાતાં ગીતો જેવાં લોકગીતના પેટાપ્રકારમાં પ્રવેશ પામતાં ગીતો છે એ યાદ રહેવું જોઈએ.

   સ્વાતંત્ર્યોત્તર ગાળામાં કાવ્યગીતો, છાંદસ ગીતો, ગઝલગંધી ગીતો અને અછાંદસ ગીતો લખવાના પ્રયાસો થયા છે એ નોંધવું રહ્યું.
(ક્રમશ :...)


0 comments


Leave comment