8 - ગીત : વિષય-વૈવિધ્ય અને નિરૂપણરીતિ / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   કવિના વિશ્વમાં આખું જગત સમાયેલું હોય છે. કવિ લૌકિક જગતમાંથી કાવ્યનું વસ્તુ શોધે છે. એના દ્વારા અલૌકિક ભાવજગતમાં લઈ જાય છે. એ એક આગવી સૃષ્ટિ ખડી કરે છે. એ જે કાંઈ અનુભવે છે તેને આત્મસાત્ કરી ઘાટ આપે છે. આ પરથી ફલિત થાય છે કે કવિએ આત્મસાત્ કરેલી અનુભૂતિ સમષ્ટિની છે અને એ કલા બની સમષ્ટિ પાસે પહોંચે છે. કવિ સમષ્ટિને એનામાં સમાવે ત્યારે અનેક રીતે વિસ્તરે. જેટલાં રૂપ સૃષ્ટિનાં એટલાં જ કવિના સંવિત્તનાં. કવિની અનુભૂતિ એ એક વિષય બને છે. કવિ ઉપર જમાનાની, વાતાવરણની અસર થતી હોય છે. નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ કે દયારામ આ બધા કવિઓ ઉપર ધર્મ અને સંસ્કારની ઘેરી અસર પડેલી છે. તેથી એમના સર્જનમાં એ વિષય બનીને આવે છે. મધ્યકાલીન ગીતકવિતાનું ભાવવિશ્વ મહદ્ અંશે ધર્મ-અધ્યાત્મથી પ્રભાવિત રહ્યું છે.

   અર્વાચીનયુગમાં નર્મદ-દલપતની કવિતા પર સુધારાયુગની અસર પડેલી વર્તાય છે. એમાં રાષ્ટ્રપ્રેમ, શૌર્ય, પ્રકૃતિ, પ્રણય એ મુખ્ય વિષયો જોવા મળે છે. પંડિતયુગમાં નરસિંહરાવથી કાવ્યવિષયોમાં પ્રકૃતિનું પ્રાધાન્ય વધેલું જોવા મળે છે. કાન્તમાં જીવનની કરુણતા અને કલાપીમાં જીવનની વ્યથા ડોકાય છે. ન્હાનાલાલમાં પ્રણય, લગ્ન અને ભવ્યતા-કલ્પકતા જોવા મળે છે. ખબરદારમાં રાષ્ટ્રીય અસ્મિતાના અંશો વર્તાય છે. સમાજલક્ષી કવિતા અર્વાચીન યુગમાં આગળ જતાં આત્મલક્ષી બનતી જાય છે.

   ગાંધીયુગની ગીતકવિતામાં વસ્તુ-ભાવ-વિચાર-નિરૂપણ પરત્વે વ્યાપ વધે છે. બ. ક. ઠાકોરનો પ્રભાવ આ ગાળાના કવિઓ ઉપર દેખાય છે. ગાંધીજીની ઘેરી અસર વિષય બનીને આ ગાળામાં આવેછે. ગાંધીવિચાર, શ્રમજીવી વર્ગ, આઝાદીની ચળવળ, વ્યક્તિ-વિશેષની પૂજા, દળણાં દળનારી, ખેડુ, બીડીવાળો, સામાજિક વાસ્તવ વગેરે વિષયો નવા ઉમેરાય છે. પરંતુ ગીતનું ગીતત્વ ટકે છે, એના વિષય નિરૂપણની વિશિષ્ટ રીતિમાં.

   ૧૯૪૦ પછી સૌન્દર્યલક્ષી કવિતા આવતાં નવા વિષયો આવે છે. તેમાં પ્રહલાદ પારેખ, હરિશ્ચંદ્ર ભટ્ટ, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, પ્રિયકાન્ત મણિયાર વગેરેની વ્યક્તિલક્ષિતા ભળી અને જે નવા નવા વિષયો ઉપર સર્જન થવા લાગ્યું, તેની નોંધ લઈએ. પ્રણય, પ્રકૃતિ, માનવપ્રેમ, રાષ્ટ્રપ્રેમ જેવા ભાવપ્રદેશોને વિષય બનાવીને ગાંધીયુગ સુધી ગીતો રચાતાં રહ્યાં છે. જ્યારે પ્રહલાદ પારેખ પછીથી એના વિષયો પરત્વે પણ જે ફેરફારો થયા તે જોઈએ. એ પહેલાં નોંધવું જોઈએ કે લોકસાહિત્યમાંથી લોકગીતની એક પરંપરાનો સંસ્કારવારસો પણ સાહિત્યિક ગીતે ઝીલ્યો છે. મધ્યકાલીન પદપરંપરા જે આજ સુધી વહી આવી છે તેનો પણ ઠીક ઠીક સંસ્કાર આપણી અભિજાત ગીતરચનાઓ ઉપર પડ્યો છે. આમ ગુજરાતી લોક-સાહિત્યનાં લોકગીત તથા મધ્યકાળની સંતપરંપરાનાં ભજન, પદ, રાસ, ગરબો-ગરબીમાંથી પસાર થઈને ગુજરાતી કવિતા ગીતરૂપે પ્રગટી છે. પરંતુ સાંપ્રત ગીત કવિ-વિશેષ વૈયક્તિક અને વિશુદ્ધ એવા ભાવસંવેદનને પ્રકટ કરવા ચાહે છે.

   ૧૯૪૦ પછીના ગાળાના કવિઓની ગીતરચનાઓમાં કવિ સમગ્ર વિશ્વને પોતાના વિશ્વમાં જોવા મળે છે, અનુભૂતિની સૂક્ષ્મતા વધે છે. અંદરનું વિશ્વ ઊઘડે છે. ઇન્દ્રિયગ્રાહ્યતાથી પ્રમાણાય છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં ગીતના વિષયોનું વર્ગીકરણ કંઈક આ રીતે વિચારી શકાય : ગીત અન્ય કાવ્યસ્વરૂપોની જેમ સામાન્ય જનજીવનથી તદ્દન અળગું રહી શક્યું નથી. છતાં નાજુક-નમણા ભાવને એણે વાચા વિશેષે આપી છે, તેનો મુખ્ય વિષય કોમળ ભાવને સ્પર્શે છે.

   કુદરતનાં તત્વોને કવિતામાં નિરૂપવામાં આવ્યાં છે. આ પ્રકારનાં વર્ણનોથી આરંભી એની સાથેની એકરૂપતા-અભિન્નતા સુધીની ગતિ છે. પ્રાકૃતિક તત્વો સાથે કવિ નિજી સંવેદનાઓ ગૂંથે છે.
દા.ત. –
‘પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો.’

   જેવા રાજેન્દ્ર શાહના ગીતમાં પાંદડી અને બાજરો એ સ્વાભાવિક પ્રકૃતિ-નિરૂપણ માટે જ છે, પણ એની સાથે જે ભાવ છે - સંવેદના છે, તે તો આધ્યાત્મિક ભાવની છે. તેમાં કૃષ્ણનું ચિત્ર ખડું થાય છે. આમ, આજના કવિને સ્પષ્ટ, સાફ પ્રકૃતિચિત્ર આપવાનો કોઈ ઉમળકો નથી, બલ્કે એ પ્રકૃતિને નિમિત્તે પોતાની અન્ય સંવેદનાઓ પ્રગટ કરવાની મથામણ રહેલી છે. ‘ડૂંડેબેઠા છે રૂડા દાણા’માં માધવ રામાનુજે પ્રકૃતિ નિમિત્તે કૃષિદંપતીના મનોભાવો પ્રગટ કર્યા છે. તો :
‘નદીઓ વિશે વૃક્ષો બોલ્યાં : નદી પ્રભુનું ગીત જી,
વૃક્ષો વિશે વૃક્ષો બોલ્યાં : પાન એટલે પ્રીત જી.’

   અહીં પ્રકૃતિનાં તત્વો જરૂર છે, પણ અહીં કવિને તો અભિપ્રેત છે – રોમેન્ટિક સંવેદન, જે અહીં જુદી રીતે વ્યક્ત થાય છે. ‘પહેલ રે વ્હેલેરાં કંકુ પગલાં ઉંબર પરથી અમને જડ્યાં’ અને ‘મેંશ જોઈ મેં રાતી’ જેવી પંક્તિઓમાં રાવજી પટેલ કુમાશયુક્ત જે રજૂઆત કરે છે તે મહત્વની છે.

   સ્વાતંત્ર્યોત્તર કવિની પ્રણય-ગીતરચનાઓમાં પણ નક્કરતા છે. આજનો કવિ વૈયક્તિક પ્રણયને પ્રાધાન્ય આપે છે. સાંપ્રત ગીતકવિને વૈશ્વિક પ્રેમની સ્પૃહા નથી. અહીં પ્રિયતમ-પ્રિયતમાના ભાવો-સંવેદનો અસંખ્ય માત્રામાં, અનેક પ્રકારની વિવિધતામાં રજૂ થયાં છે. ગીતનો જાણે પ્રમુખ વિષય જ પ્રણય હોય એમ પણ કેટલેક અંશે લાગ્યા વગર રહે નહિ એવી અભિવ્યક્તિ થાય છે.
(૧) એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
– પ્રિયકાન્ત મણિયાર

(૨) દરિયામાં હોય એને મોતી કહેવાય છે,
તો આંખોમાં હોય તેને શું ?
– રમેશ પારેખ

(૩) એક હળવી હવાને હિલ્લોળે
ઉરનો અજંપો મારો ધીરેથી જઈ બેઠો
ખીલેલી રાતરાણીના ખોળે !
– મણિલાલ દેસાઈ

(૪) મારા આ ઉરના ઉમંગને
કેવી રીતે રે સખી ! ભરી શકું ખોબલે
સાગરના ઊઠતા તરંગને ?
– મણિલાલ દેસાઈ
   વિશ્વવ્યાપી પરમાત્માના સ્વરૂપથી તે એના સ્થૂળદેહ સુધીનો વ્યાપ એમાં જોવા મળે છે. જીવ, જીવન, જગત અને પરમાત્માને આ ગીતકવિઓ જુદી રીતે જુએ છે અને પ્રગટ કરે છે. માનવજાતને પણ એક જુદા જ સંદર્ભમાં કવિ જુએ છે.
(૧) અમે રે સૂકું રૂનું પૂમડું,
તે તમે અત્તર રંગીલા રસદાર !
– મકરંદ દવે

(૨) ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો
– અનિલ જોષી

(૩) પગલું માંડું હું અવકાશમાં
– મકરન્દ દવે

(૪) જીવતર તો પરપોટે બાંધેલી ફૂંક
– અનિલ જોશી

(૫) દ્વારકાના મ્હેલમહીં જાદવરાય, દર્પણમાં દેખતાં કાનજી
- ભૂપેશ અધ્વર્યુ

(૬) કાળા જીવતરની લાંબી ડમ્મર બખોલમાં રે
અફળાતાં ઝાંઝવાનાં પાણી
– રમેશ પારેખ
   આમ, વ્યક્તિવિશેષ, રાષ્ટ્રીય ભાવના, મૃત્યુ, વેદના, એકલતા, ઝુરાપો, વિચ્છિન્નતા, ભીંસ, એકલતા, વ્યક્તિત્વની વિલુપ્તિ તથા જીવન અને હતાશા-નિરાશા જેવા ભાવો આજની ગીતરચનાઓનો વિષય બને છે. તેમ છતાં એમ ન કહી શકાય કે પ્રકૃતિકવિતામાં હતાશાનો કે નિરાશાનો ભાવ ન આવે. સાંપ્રત ગીતકવિની એ જ વિશેષતા રહી છે કે એ ગમે તે પ્રકારના વિષયમાં ગમે તે પ્રકારના ભાવસંવેદનને સંકુલ રીતે પ્રગટ કરે છે. વિષયની બાબતમાં આધુનિક કવિ માટે કશું જ નિશ્ચિત નથી. તેમ કશું જ વર્જ્ય પણ નથી. પ્રકૃતિનાં અમુક દ્રશ્યો કે પદાર્થો સુંદર છે, તો કેટલાંક વિકરાળ, ભયાનક, કદરૂપાં છે. કવિ પ્રકૃતિનાં સુંદર રૂપોની સાથે વિરૂપ કે જુગુપ્સક લાગતાં તત્વોનેયસ્વીકારીને ગીતમાં વણી લે છે.
(૧) પ્રકૃતિ : વિવિધ અર્થસંકેતો (ઝુરાપો, એકલતા, ઓરતા,અભાવ)
(૨) પ્રણય : વિવિધ ઉન્મેષો (રતિમૂલક, વિરહપ્રધાન)
(૩) રાધાકૃષ્ણ : ભક્તિપ્રણય, પ્રણયભક્તિ
(૪) વ્યક્તિવિશેષ : સ્થળવિશેષ
(૫) મૃત્યુ:કરુણા (પ્રતીક-કલ્પનના સંકેતોથી મઢેલા)

(૬) જીવનનું પ્રતિબિંબ (રૂપક અને અન્ય અલંકારોયુક્ત)
(૭)રાષ્ટ્રીય અસ્મિતા
(૮) હતાશા, નિરાશ, અસ્તિત્વના પ્રશ્નો (પ્રતીકાત્મક આલેખન)
(૯) પ્રતીક, કલ્પનના વિપુલ વિનિયોગવાળાં સંકુલ લૌકિકઅલૌકિક ભાવસંવેદનનાં ગીતો
(૧૦) ઇતર વિષયો
   ઉપર્યુક્ત વિષય પ્રદેશોને સ્વતંત્ર અને પરસ્પર સંકુલ રીતે ગૂંથી લઈને કવિ પોતાનાં સંવેદનો પ્રગટ કરે છે. અસ્તિત્વનાં ગહન સંકુલ સંવેદનો, ભીંસ, એકલતા, હતાશા, વિચ્છિન્નતા, પરાયાપણું, દિશાશૂન્યતા અને રતિ-વિરતિનાં અનેક સંવેદનોને ગીતમાં વણવાનો અનુગાંધીયુગમાં પ્રયત્ન થયો છે. આ વિષયોમાં શબ્દ-સર્જન દ્વારા નવું મૂલ્ય સીંચવાના પ્રયાસો થયા છે.
૧. કાંટાળિયા અંધારની ડાળે રતુમડો અંકોર
- રાજેન્દ્ર શાહ

૨. દર્પણ – શી આંખ તમે ફેરવી લીધી
– રમેશ પારેખ

૩. પાણાનો વગડો સૂનકાર
- નલિન રાવળ

૪. તેજ છાયા તણે લોકો
પ્રસન્ન વીણા પર પૂરવી છેડી
– રાજેન્દ્ર શાહ

૫. અમને કોણે ઠેલ્યા ને કોણે આંતર્યા હોજી
- રમેશ પારેખ

૬. ‘ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરી ઊડું,
આખું ગગન મારી ઈચ્છા’
– અનિલ જોશી

૭. લોલ, મારે કાંચવે આભલાની હાર
કે ભીંતમાં ભાત્યું પડે રે લોલ
– અનિલ જોશી

૮. સોનલ, તમે હાથમતીનું વ્હેણ અમે ઢળતા સૂરજ
– રમેશ પારેખ

૯. હળવાતે તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ
– માધવ રામાનુજ
   આમ, ઊર્મિકવિતાની જેમ ગીતમાં વિષય-વૈવિધ્યને અવકાશ છે. વિવિધ સંકુલતાભર્યા સંવેદનના છોડ જેવું એનું સ્વરૂપ છે, છતાં એક સંવેદન એના મૂળમાં કલા-ઘાટ પામે છે. વિચાર-ઊર્મિ ઉભયનો વિષય તરીકે ગીતકાર ઉપયોગ કરી શકે, તીવ્ર સંવેદનને ગીતકાર એવા લયમાં દક્ષતાથી ગૂંથે છે કે જેથી તેમાંથી કાવ્યની કક્ષાનો આસ્વાદ પામી શકાય.

ગીતની વિષય-નિરૂપણરીતિ :
   ગીતની વિષય-નિરૂપણરીતિ આપણી પદ્યપરંપરાને અનુસરે છે.આપણે ત્યાં છાપખાનાં ન હતાં ત્યારે ‘પદ્ય’ જ હતું. એનું કામ પણ ગાન અને શ્રવણનું હતું. શ્રોતા એ સાંભળીને આસ્વાદ લેતો હતો. જાહેરમાં મોટેથી પદ્ય બોલાતું – અને સંભળાતું. આજના કાવ્યની જેમ એના પઠનની મોકળાશ તેમાં ન હતી, એ નિરૂપણ-રીતિનો સહારો લઈને આજનો ગીતકાર સાહિત્યિક ગીત લખે છે – જેના ઉદ્દગાનમાં જ આસ્વાદક તત્વો રહેલાં છે, જે ગીત સાંભળતાં સાંભળતાં અર્થની–રસની અનુભૂતિ કરાવે છે એમાં જ ગીતની વિશેષતા રહેલી છે. જેને સુંદરમ્ ‘રાગીયતા’ કહે છે.

   શ્રવણ દ્વારા એનાં એક પછી એક ભાવસૌંદર્યનાં તત્વોનો અનુભવ કરવો, ધ્રુવપંક્તિ પૂર્ણ થયા પહેલાં એના આખ્યાતપદની પ્રતીતિ થઈ જવી, અહીં સાંભળનાર-ગાનાર (કહેનાર) જેટલી જ ઉત્કટતાથી સંયોજાવું, અને એ લયાવેગમાં તણાઈ જતા શબ્દો અને એની વ્યંજનાને પણ કશા વ્યવધાન વિના પામવી એમાં જ કુશળ ગીતકર્મ રહેલું છે. એવી વિશિષ્ટ વિષય-નિરૂપણ રીતિને ગતનું મહત્વનું લક્ષણ કહી શકાય જે ઊર્મિકાવ્યથી એને નોખું પાડે છે.

   વિષયનિરૂપણ-રીતિ એક અર્થમાં એની રજૂઆતની પદ્ધતિ સૂચવે છે. અભિવ્યક્તિ-રીતિનો પર્યાય છે. મુદ્રણકલા પૂર્વે ગેય કવિતાને ચલણી સિક્કાની પ્રવાહિતા જેવો લોકાદર પ્રાપ્ત થયેલો. મુદ્રણકલા પછી પણ સમૂહ માધ્યમોના આક્રમણો વચ્ચે ગીતનું એ પ્રવાહિતાનું લક્ષણ અકબંધ જળવાય છે. ઊર્મિકાવ્યમાં વિષયનું નિરૂપણ તર્કપ્રધાન રીતે થાય છે અને વિવિધ રીતે પુષ્ટિ પામે છે.

   જ્યારે ગીતનો શબ્દ ધ્વન્યાત્મક આંદોલનો સમેત પરાકાષ્ઠાથી પ્રારંભાય છે અને ક્રમિક વિકસે છે. ઊર્મિકાવ્યની અપેક્ષાએ ગીત આ રીતે કવિ પાસે માવજત અંગેની સૂઝ માગી લે છે.
દા.ત.‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.’

   આ પંક્તિને ગદ્યમાં વાંચી જુઓ. ‘કાંટો વાગ્યો’ની ક્રિયા થઈ છે, જે વનવગડામાં થઈ છે, અને કાંટાનું વિશેષણ ‘કેવડિયાનો’ એમ થાય છે. પરંતુ એનું પઠન-ગાન કટાવ અથવા અષ્ટકલમાં કરી જુઓ. કેવડિયાનો/કાંટો અમને/વનવગડામાં/વાગ્યો રે... તરત પેલી ગદ્યાળુતા એ લયને કારણે ઓગળી ગયેલી લાગશે. પછી જાદુ જુઓ :

   ‘કેવડિયાનો કાંટો’ અને ‘વનવગડામાં વાગ્યો’ જેવો પદસંચય પ્રાસાનુપ્રાસ દ્વારા લયસૌંદર્ય જન્માવે છે. આખી પંક્તિમાં ‘કેવડિયાનો’ પ્રયોગ ન સંભળાય તોપણ, કશુંક કાંટારૂપે વાગ્યાનો અર્થ તો વ્યંજિત થાય જ છે. આમ ગીતકાર એવો પદબંધ આપે છે કે લયાવેગમાં શબ્દની સાથે અર્થ પણ વણાતો જ જાય છે. આમ ગીતની રજૂઆતપદ્ધતિ જ વિશિષ્ટ પ્રકારની હોય છે.

   આમ, ગીતની અભિવ્યક્તિમાં એનું ભાવસૌંદર્ય, નાદસૌંદર્ય અને અર્થસૌંદર્ય એકસાથે પ્રગટે છે, એ અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં એ રીતે નોખી નિરૂપણ-મુદ્રા પામે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment