10 - ગીતમાં સંગીતનાં તત્વોની ઉપકારકતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   ગીતને માનવકંઠ સાથે પરાપૂર્વનો નાતો છે. એમાં શાસ્ત્રીય સંગીતની ચોકસાઈની અપેક્ષા નથી પણ તેના લયાત્મક આંદોલનોએ આદિમાનવને વિપત્તિઓ વચ્ચે પ્રસન્ન રાખ્યો છે. એમ કહીએ કે અનેકવિધ કષ્ટો વચ્ચે આદિવાસી માનવ પોતાના ઉદ્દગાનથી જીવંત રહ્યો છે.

   સંગીત એટલે માનવકંઠમાંથી કે વાદ્યમાંથી ઉત્પન્ન થતી રાગબદ્ધ, લયયુક્ત, તાલબદ્ધ સ્વરલીલા. સંગીત સશબ્દ એટલે ગીતરૂપ હોય અને અશબ્દ એટલે કેવળ સ્વરરૂપ હોય. સશબ્દ સંગીતમાં સ્વરના આશ્રયરૂપ બનતી ગીતરચના સૂક્ષ્મતાની દ્રષ્ટિએ સાહિત્યકોટિની જ છે. રામપ્રસાદ બક્ષી એ બે ભિન્ન કલાઓની વાત કરતાં કહે છે કે સંગીતની અસર ભાવવ્યંજકતા ઊભી કરી કેવળ હૃદયને અસર પહોંચાડે છે, જ્યારે ગીત (સશબ્દ સંગીત) અર્થવાહી હોઈને બુદ્ધિને સ્પર્શી, પછી હૃદયને અસર કરે છે. પરિણામે સંગીતની અસર બુદ્ધિહીન વર્ગ ઉપર પણ થાય છે. દા.ત. – હરણ, કૂતરો, ગાય, ભેંસ વગેરે. જ્યારે (સશબ્દ સંગીત) ગીતની અસર કેવળ માનવીને જ થતી હોય છે.’ (વાડ્મય વિમર્શ : રામપ્રસાદ બક્ષી પૃ. ૧૯૯)

   સુન્દરમના મત પ્રમાણે ‘ગીત, કવિતા અને સંગીતના સહિયારા સીમાડા ઉપર વિકસતો છોડ છે.’(સાહિત્ય ચિંતન : સુંદરમ્ પૃ. ૩૬૧) તેઓ માને છે કે, સંગીતની જ પ્રભાવકતા જ્યારે ગીતમાં વધી જાય છે ત્યારે ગીતપણું (કાવ્યત્વ) લથડે છે. એની જગ્યાએ શુદ્ધ સંગીત હાથમાં આવે છે. સંગીત અને કવિતાના સીમાંત પ્રદેશોમાં ઉત્તમ ગીતોનો ફાલ જોવા મળે છે. ગીતમાં સંગીતનાં અને કવિતાકળાનાં ઉભયતત્વોનું સાનુકૂળ મિશ્રણ હોય છે. સુન્દરમ્ કહે છે તેમ ગીતમાં નીચે પ્રમાણેનાં તત્વો હોય છે :
(૧) ગીતમાં પોતાનાં મૂળતત્વો
(૨) સંગીતનાં મૂળ તત્વો
(૩) કવિતાનાં મૂળ તત્વો
   આ ત્રણેય તત્વોના મિશ્રણવાળું પોત રચાય છે ત્યારે ઉત્તમ અભિજાત ગીત હાથ લાગે છે. સંગીત, ગીત અને કવિતા આ ત્રણેય તત્વોની પૂરેપૂરી પક્કડ વિના લખાતાં ગીત નખશિખ સાહિત્યિક પુરવાર થતાં નથી.

   માત્ર કાવ્ય રચવાની હથોટીવાળો સર્જક ગીત રચી શકે, પણ માત્ર સંગીતજ્ઞ સંગીતકાર કાવ્યગીત ન કરી શકે. એટલે ગીતકારમાં ગીતના સ્વરૂપની જાણકારી અને સંગીતની સૂઝ-સમજ હોવાં જરૂરી છે. કેવળ સંગીતમાં કાવ્યત્વ કે ગીતત્વ ન હોય તોપણ ગીત ટકી જાય છે. એટલે આ ત્રણે ઊણપોમાંથી ગીતને સાચવી લેવું જરૂરી છે. આદર્શ સ્થિતિ તો એ છે કે, ગીતકારમાં કવિ, સંગીતકાર અને ગીતકાર ત્રણેની વિશિષ્ટ શક્તિઓ હોવી જોઈએ. એક જ પ્રતિભામાં આ ત્રણેય અંશોનું સંકલન હોય એવા કવિ ટાગોર ઉત્તમ ગીતકાર છે. ટાગોરે પણ પોતાનાં માધુર્ય (રાગીયતા) વિનાનાં કાવ્યોને પાંખ વિનાનાં પતંગિયાં સમાં કહ્યાં છે. [My poems without their melodies are like butter-flies without wings.]

   સંગીત અને કવિતાના સંદર્ભમાં ખબરદારે કહ્યું છે, ‘કવિતાના ભાવની ઉન્નતતા સંગીતના મિલનથી સુદ્રઢ થાય છે. સંગીત અને કવિતા પરસ્પરના અનુકંપન અને અનુપૂરક છે.’ (ગુજરાતી કવિતાની રચના-કળા : ખબરદાર પૃ. ૧૩) વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ એ ભેદને આ રીતે તપાસ્યો છે – ‘કવિતામાં અર્થ પ્રધાન છે, સંગીતમાં અવાજ પ્રધાન છે.’ (ગુજરાતી કવિતાની રચના-કળા : ખબરદાર પૃ. ૮૬) ‘સંગીત’ જે શાસ્ત્રીય રીતે ચોકસાઈથી સ્વરસંયોજનના ચોક્કસ માપથી ગવાય છે. સંગીતમાં લય, તાલ, સૂર ત્રણેયનો સુમેળ હોય છે. અગાઉ ‘સંગીત’ શબ્દ ગાયન, વાદન અને નૃત્યનો પર્યાય હતો. સંગીતમાં તાલમાનની વ્યવસ્થાઓની ચોકસાઈ મહત્વની હોય છે. પિંગળના છંદો-વૃત્તોના મૂળમાં પણ સંગીતનાં તત્વો સાથેનો નિગૂઢ પ્રકારનો નાતો છે. છંદો-વૃત્તોમાં જે સંધિ-એકમો હોય છે એનું સ્વરૂપ-સંયોજન સૂક્ષ્મ રીતે સંવાદિતાનું કામ કરે છે.

   સંગીતના મુખ્ય ત્રણ પ્રકાર છે -
(૧) સ્વર-તાલ સાથે સંકળાયેલું,
(૨) શબ્દ સાથે સંકળાયેલું,
(૩) અર્થની સાથે સંકળાયેલું.
   સારી રીતે, ચોકસાઈથી, શાસ્ત્રીય ઢબથી જે ગવાય તે સંગીત. એમાં લય, તાલ, સૂર ત્રણેયનો સુમેળ હોય છે.
   આમ, આપણાં અભિજાત ગીતોના મૂળમાં દેશીઓના ઢાળ રહેલા છે. દેશીઓ માત્રામેળ છંદમાં છે. માત્રામેળ છંદો એ લઘુગુરુની ચોક્કસ વ્યવસ્થા છે. એ તાલ-માનની વ્યવસ્થાના ઘટકરૂપે આવે છે. તાલ-માનની એ વ્યવસ્થાને સંગીતના તાલ (તત્વ) સાથે સંબંધ છે. આપણી મધ્યકાલીન પદ-પરંપરામાં આ તાલ-માનની વ્યવસ્થા જોવા મળે છે, એટલે એમાં સંગીતના તત્વની તપાસ એના છંદોલયની તપાસ સાથે સુસંગત છે. ગુજરાતી અભિજાત ગીત શબ્દ સાથે સંકળાયેલું છે.

   ગીતના ઉદ્ભવને જ ગેયતા સાથે સંબંધ છે. ‘ગીત’ શબ્દ જ ગાવાની ક્રિયાનો વ્યંજક છે. ગવાય તે ‘ગીત’ એવું પ્રાચીન ગીતલક્ષણ પણ જોવા મળ્યું છે. આપણાં લગ્નગીતો, શ્રમજીવીનાં ગીતો, ઋતુગીતો, યુદ્ધગીતો, મીઠા હલકથી ગવાતાં જ સાંભળ્યાં છે. એના રાગની-ઢાળની અસર પણ પ્રભાવક હોય છે. ગીતના અંતર્ગત સંવિતને સંગીત પોષક બને છે. તેની ભાવસૃષ્ટિને ઉત્કર્ષક બને, તેના લયને સમર્થક રહે તો તે પ્રકારનો સંબંધ ઇષ્ટ છે.

   ગીત સાથે ગાન અને ગાયકી સંકળાયેલાં છે, છતાં ગીત હોય અને એ ગવાય તો જ ગીત એ માન્યતામાં નિરંજન ભગત, નલિન રાવળ માનતા નથી. નિરંજન ભગત અભિજાત ગીતને સંગીતની કલાથી અલગ ગણાવી એના પઠનતત્વ ઉપર ભાર મૂકે છે. કાવ્યત્વ વગરનાં અનેક જોડકણાં ગવાતાં હોવા છતાં ગીતો બનતાં નથી. અવિનાશ વ્યાસ જેવા કવિની ઘણીખરી રચનાઓ સંગીતના પ્રભાવક પ્રવાહમાં ખેંચાઈ જતી હોવાથી શુદ્ધ અભિજાત ગીત બની શકતી નથી, તો બીજી બાજુ ઘણાં-ખરાં કાવ્યકોટિનાં ઉત્તમ ગુજરાતી ગીતો અભિજાત ગીતનાં ઉત્તમ દ્રષ્ટાંતો બન્યાં છે.

   ગીતમાં સંગીત અને કવિતા બંને શ્રાવ્યકલાઓનો સંગમ જરૂર હોય છે. એક સ્વરની કલા છે, તો બીજી શબ્દની કલા છે. એકમાંથી અવાજ અને બીજામાંથી અર્થ ભાવક પકડતો હોય છે. બંનેનાં સ્વરૂપો અને પ્રયોજનો ભિન્ન હોવાને કારણે એમ જરૂર કહી શકાય કે શુદ્ધ કવિતાને સંગીતની જરૂર નથી, તેમ શુદ્ધ સંગીતને કાવ્યની જરૂર નથી. કાવ્યકૃતિ તેના ગાન વિના (સંગીત વિના) તેમ સંગીતની સૂરાવલિ શબ્દરચનાના આશ્રય વિના સ્વતંત્રપણે રસાનુભવ કરાવી શકે. (તેમ છતાં કવિતાના શબ્દને ‘સંગીત’ના સ્વરની અને સંગીતના સ્વરને કવિતાના શબ્દની જરૂર પડે છે. કારણ કે ગાવું એ સાહજિક માનવપ્રકૃતિ છે, ભલે પછી એમાં સંગીતની સમજ હોય કે ન હોય.)

   કવિતાને પૂર્ણ સ્વાયત્ત કળા તરીકે વર્ણવતાં એડગર એલન પો’ કહે છે –
   "This poem which is a poem and nothing more.'
   "This poem written solely for the poem's sake.'

   ‘કવિતા એટલે કવિતા બીજું કાંઈ નહિ’, અને ‘છંદોલય’અને ‘કિન્નરી’ જેવા કાવ્યસંગ્રહોમાં ઝાઝાં ગીતો લખનાર સુજ્ઞ કવિ નિરંજન ભગત પણ દ્રઢતાપૂર્વક કહે છે – ‘કવિતાને સંગીતની સોબતથી કશો જ લાભ થતો નથી.’ તેમણે કવિતાની પઠનત્વમતા ઉપર ભાર મૂકીને પઠન જ કવિતાના ભાવન માટે પર્યાપ્ત છે એમ કહ્યું છે. તેમ છતાં આપણે એમ તો સ્વીકારીએ છીએ કે ગીત શબ્દોનું બનેલું છે. શબ્દધ્વનિઓનો સમૂહ છે. પ્રત્યેક ધ્વનિએકમને એનું નાદતત્વ હોય છે. નાદ એ સંગીતનું મૂળ છે, લયને આધારે આપણી કવિતા ચાલે છે, એમ સંગીત ચાલે છે. લય એ તો સ્વયંભૂ પ્રગટે છે. કવિના લોહીમાંથી-આત્મામાંથી એ જન્મે છે. એ લયની અંદર સંગીતનું તત્વ પડેલું હોય તો એમાં ખોટું શું છે ? સંગીતતત્વની સમૃદ્ધિવાળી રચનાઓને માટે જ ‘લિરિક’ શબ્દ આવ્યો છે એ આપણે જાણીએ છીએ.

   આનંદશંકર ધ્રુવ એ વાતને સમજાવવા આમ કહે છે – ‘કાવ્ય, ચિત્ર વગેરે કળાઓમાં સૌન્દર્યના વાહક તરીકે સંગીતતત્વ અંગભૂત હોય છે. ચિત્ર, શિલ્પ વગેરેમાં પણ મૂક સંગીત રમમાણ હોય છે.’ ફ્રેન્ચ કવિ બોદલેર પણ કવિતાના સંગીત સાથેના સંબંધને સ્વીકારે છે. એ જ માર્ગે માલાર્મેઅને વાલેરી પોતાનો મત પ્રદર્શિત કરે છે. કવિ વેર્લેન પણ કહે છે – 'Poetry really intended be heard aloud, not merely seen printed page. – ‘કવિતા ગાવા માટે છે પુસ્તકના પાના પર છપાયેલી જોવા માટે નહિ.’ એડગર એલન પો’ પણ આવા મતલબની વાત કરે છે -

   'Union of poetry with music, we shall find the widest field for the poetic development.' કવિતા સાથે સંગીતનો સુમેળ કવિતાના વિકાસને વધુ રળિયાત બનાવશે.

   ગીત એના પઠનથી એમાં રહેલા કાવ્યત્વને કારણે (અર્થ) ભાવકને ઝંકૃત કરે જ, છતાં તેની સાથે સાનુકૂળ સ્વર, તાલ ભળે તો વિરોધી પરિણામો આવતાં નથી. એ વાત નર્મદે આ રીતે કહી -
‘ના, ના. રાગ કંઈ કવિતા નથી.’ નર્મદને ખરેખર તો સૂરીલા સંગીતમાં ઢળેલી સક્ષમ કવિતા સામે કાંઈ વાંધો નહોતો પણ જે ગાઈ શકાય તે બધું કવિતા એવી માન્યતા સામે વિરોધ હતો. રમણભાઈએ પણ કવિતા અને સંગીતના સંબંધની વાત આ રીતે કરી છે – કવિતાને સ્વરના સાધનની ઘણી જરૂર પડે છે. તેથી સૌન્દર્ય-પ્રાપ્તિ સારુ તેને સંગીત સાથે ખાસ સંબંધે જોડાવું પડે છે.’
   સુગમસંગીતમાં વર્ષોથી ગીતસંગીતનું સાયુજ્ય રચાતું હોય છે. શબ્દોની શક્તિ અને સ્વરોની શક્તિનો એમાં રમણીય સમન્વય થયો હોય છે. તેથી શાસ્ત્રીય સંગીતની તુલનામાં સુગમસંગીત ગીતસંગીતથી થતા રસાસ્વાદની માત્રા બેવડાતી હોય છે. એમાં કવિતાનો સ્વાદ તો હોય છે જ, તેની સાથે સંગીતનો સ્વાદ પણ ભળેલો હોય છે. (દા.ત. અજિત શેઠે આપણા રાવજી, મણિલાલ, પ્રિયકાન્ત અને જગદીશ જોશી જેવા કવિઓની ગીતરચનાઓ સ્વરબદ્ધ કરી છે.)

   ગીતસંગીતનું આ સુખદ મિલન સારાં પરિણામો લાવે છે, તો ક્યારેક પ્રશ્નો પણ સર્જે છે, એમ પુરરાજ એમના એક લેખમાં નોંધે છે :
   (૧) સંગીતનું બાહુલ્ય કવિતાતત્વને કચડે છે, ક્યારેક કાવ્યત્વનબળું હોય તોપણ ઉત્તમ સંગીતકાર એની સ્વયંસૂઝથી એને રજૂ કરે છે અને ઉત્તમ હોય તેવી પ્રતીતિ કરાવે છે.
   (૨) ક્યારેક અસાધારણ કાવ્યત્વ ધરાવતી ભાવસૃષ્ટિને સમજ્યાવિના જ સ્વરકાર એને પોતાને હાથવગી બંદીશમાં ઢાળી દે છે.
   આમ, ગીતમાં લય અને અર્થ બંનેનો સુયોગ અનિવાર્ય છે. ટી. એસ. એલિયટે કહ્યું છે : ‘The music of poetry then must be a music patent in the common speech of its time.’વ્યવહારમાં બોલાતી ભાષામાં એક પ્રકારનો લય હોય છે. કવિતામાં આ સાધી શકાય છે ત્યારે સંગીત નિષ્પન્ન થાય છે. ગીતમાં અર્થની અભિવ્યક્તિનો જે આરોહ-અવરોહ બને છે, સંગીત સાથેના સંયોગથી એને લાભ થતો હોય છે. જોકે નિરંજન ભગત તો સ્પષ્ટપણે માને છે ? ‘કવિતાને સંગીતની સોબતથી કશો વધારો થતો નથી.’ કવિતા ગીતરૂપે લખાયેલી હોય તોયે તેને પામવા આસ્વાદવાને માટે ગાવાની કશી જરૂર નથી. એનું પઠન જ પર્યાપ્ત છે.

   આટલી વાત ચર્ચી લીધા પછી નીચેના મુદ્દા તારવીએ, અને બંને કળાઓનાં લક્ષણોને અભ્યાસીએ –
   (કવિતા અને સંગીત બંને માનવહૃદયના ભાવોની અભિવ્યક્તિ માટેની કળાઓ છે.)
   (૧) નૃત્ય, નાટક, ચિત્ર, શિલ્પ વગેરે લલિતકલાઓની જેમ કવિતાઅને સંગીત પણ મનોભાવોની અભિવ્યક્તિ અર્થે પ્રયોજાતીકલાઓ છે.
   (૨) કવિતામાં શબ્દના અર્થનો મહિમા છે, જ્યારે સંગીતમાંસ્વરસંયોજનનો મહિમા છે. કવિતાનું ઉપાદાન શબ્દ અનેસંગીતનું ઉપાદાન સ્વર છે.
   (૩) સંગીત એ કેવળ શ્રાવ્યકળા છે. એમાં અવાજનું ભાવકનેમહત્વ છે. કવિતા શ્રવણગોચર ખરી પણ એમાં અર્થવ્યંજકતાનું ભાવકને મહત્વ છે.

   (૪) સંગીતમાં મધ્યમ-પંચમથી હાસ્ય-શૃંગાર, ષડજ-રિષભથી વીરરૌદ્ર, ગાંધાર અને નિષાદથી કરુણ, ધૈવતથી ભયાનક અને બીભત્સ વગેરે રસોવાળી સૃષ્ટિ ખડી થાય છે. સંગીતનું પ્રભાવક્ષેત્ર પણ કવિતાની સરખામણીમાં વ્યાપક છે, કારણ કે કવિતાને ભાષાની મર્યાદા નડે છે. કવિતા જે-તે ભાષાના ભાવકવર્ગ સુધી સીમિત રહે છે, જ્યારે સંગીત દેશકાળ, ભાષાના સીમાડા ઓળંગીને પોતાના સમુદાયને તલ્લીન કરે છે. અશબ્દ સંગીત માત્ર ભાવ રજૂ કરે છે. અશબ્દ સંગીત માનવેતર પ્રાણીને પણ સ્પર્શે છે જ્યારે સશબ્દ સંગીતને ગીતની જરૂર છે, જે રસનિરૂપણ કરી શકે છે. નરસિંહ-મીરાંને ગુજરાત બહાર ખાસ ખ્યાતિ નથી મળી, જેટલી પંડિત ઓમકારનાથ અને રવિશંકરને મળી છે. અશબ્દ કે વાદ્ય સંગીતનું ભાવકક્ષેત્ર વિશાળ છે પણ ભાવ-રસની સ્પષ્ટતા કેભાવ-રસસિદ્ધિ સશબ્દથી જ થાય.

   (૫) સામવેદ એ સંગીતનો વેદ ગણાય છે. એટલે (શબ્દ) કવિતાઅને સંગીતને વેદકાળ જેટલો જૂનો નાતો છે. ત્યાર પછી પણ એ સંબંધ ક્રમશ: વિકસતો રહ્યો છે. કવિતાની સાથોસાથ સંગીતમાં પણ વૈવિધ્ય અને ઊંડાણ આવ્યાં છે. ષડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ એવા સપ્ત સ્વરો અને મન્દ્ર, મધ્ય, તાર જેવા ત્રણ સપ્તકો આવે છે. અભિજાત ગીતોમાં અવનવી લયભાતો ઊપસી છે.

   (૬) આ બંને કળાઓ આગવી રીતે રસાનુભવ કરાવી શકે છે. તેમાં છતાં બંનેના સમુચિત મિશ્રણથી બંને કળાઓને પરસ્પર લાભ થયાની અને થવાની શક્યતાઓને નકારી શકાતી નથી, એમ અભિજાત ગીત સંદર્ભે કહી શકાય.
(ક્રમશ :...)


0 comments


Leave comment