13 - ગીતમાં વિચારતત્વ અને અર્થતત્વ / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


ગીતમાં વિચારતત્વ અને અર્થની સૂક્ષ્મતા
– ‘શબ્દાર્થો સહિતી કાવ્યમ્’ - ભામહ
– ૨મણીયાર્થ પ્રતિપાદક શબ્દ’ને જગન્નાથ કાવ્ય કહે છે.
– ‘કાવ્ય તુ કવિ વચનાનિ રસયંતિ વિરસંતિ ચ નાર્થા.’
– રાજશેખર
   કુંતકમાં ઉક્ત શબ્દોની લઢણ ઉપર, વૈચિત્ર્ય ઉપર, તિર્યકતા ઉપર ભાર મુકાયો છે. વિચિત્ર ઉક્તિના ભાગરૂપે અલંકારો અને અલંકાર-શાસ્ત્રોની ઉત્પત્તિ થઈ. ભાવ અને ભાષાના સંબંધ અંગે, શબ્દના શબ્દ તરીકેના સ્વરૂપ અંગે ક્ષેમેન્દ્રની ઔચિત્ય વિચારચર્ચાનું નિર્માણ થયું. શબ્દની ત્રિવિધ શક્તિઓમાંથી વ્યંજના-શક્તિ ઉપર ગીતઝાઝેરું નભે છે, ઉત્તમ કોટિનું બને છે.

   ઊર્મિપ્રાધન વિચાર-ચિંતન, ઊર્મિ-ભાવ અને કલ્પના-પ્રેરણા એમ ત્રણ મુખ્ય તત્વો છે. દરેક ઊર્મિકાવ્યમાં વધતે- ઓછે અંશે આ તત્વો રહેલાં છે.’ (ઊર્મિકાવ્યની સ્વરૂપ ચર્ચા – ચીમનલાલ ત્રિવેદી પૃ. ૮૩) આ ત્રણ તત્વો વિના ઊર્મિકાવ્ય સંભવ નથી એમ કહી શકાય. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો કાવ્યના ત્રણ પ્રકારો પડે છે :
(૧) વસ્તુપ્રધાન,
(૨) ઊર્મિપ્રધાન,
(૩) કલ્પનાપ્રધાન.
   ગીત પણ ઊર્મિકાવ્યનો જ પેટાપ્રકાર હોઈ એમાં પણ વિચારચિંતનને ઈષત્ અવકાશ હોય છે. ઉમાશંકરનું ‘હોડીને દૂર શું નજીક શું ?’ તેનું ઉદાહરણ છે. વિચારનું કવિતામાં વાવેતર કરવાનો શાસ્ત્રીય ખ્યાલ બળવંતરાયે ગુજરાતી સાહિત્યમાં આપ્યો છે. રાજેન્દ્ર શાહનું ‘કાયાને કોટડે બંધાણો’ નામનું ગીત પણ ચિંતનકોટિનું છે. અલબત્ત, બળવંતરાય ઠાકોર અને ‘દ્વિજોત્તમ’કાવ્ય કહે છે એમાં વિચારના તત્વને પ્રાધાન્ય હોય છે. જોકે કાવ્ય બનવા માટે તેમાં ઊર્મિનો સ્પર્શ પણ હોવો જોઈએ. ઠાકોર કાવ્ય માટે ઊર્મિતત્વને અનિવાર્ય લેખે છે. તે કહે છે – ‘કવિતામાં ઊર્મિતત્વ હોવું જોઈએ. ઊર્મિશૂન્ય તે કવિતા નહીં. કવિતા હૃદયનો વ્યાપાર અને હૃદયને સ્પર્શવાની શક્તિવાળી હોવી જોઈએ : આની કોઈ ના પાડતું નથી. પરંતુ ઊર્મિવત્ હોવું અને ઊર્મિમય કે ઊર્મિપ્રધાન હોવું એ બે વચ્ચે ઘણો ફેર છે.’ કવિતામાં વિચારના ગુણને પણ તે સ્વીકારે છે. ડોલરરાય માંકડે પણ કવિતાના ત્રણ ભાગ પાડ્યાછે. વિચારપ્રધાન, ઊર્મિપ્રધાન અને કલ્પનાપ્રધાન. રસમીમાંસકોએ જે ધ્વનિની વાત કરી તે પણ આ જ સિદ્ધાંત મુજબ રસધ્વનિ, વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ. ટૂંકમાં, ગીત ઊર્મિપ્રધાન હોવું જરૂરી નથી. તે ઊર્મિમય હોવું જોઈએ. એમાં વિચાર અને કલ્પનાના તત્વને અવશ્ય અવકાશ છે જ.
‘આંખો અટવાણી જ્યારે વનની વનરાઈમાં ને
ગિરિવર ઘેરીને ઊભા આભને હો જી
શિખરો ખોવાણાં એનાં વાદળના વૃંદમાં ને,
ખીણો ખોવાણી આછી ધુમ્મસે હો જી.’

   મનસુખલાલ ઝવેરીના આ ગીતમાં વિચારનું તત્વ ઓગળીને આવે છે. મકરંદ દવેની ગીતરચનાઓ જોઈએ.
(૧) ‘અમે રે ઊધઈ-ખાધું ઈંધણું
તમે ધગધગ ધૂણીના અંગાર.’
(૨) ‘જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી.’
(૩) લ્હેર આવે તો લિખું નહીં તો વહી જવા દઉં વ્હાણ.
શાહી ડબોળે શું વળે, મારો સાચો સારંગપાણ.

(૪) અહીં નફાનો નશો, ખોટની ક્યાંય નહિ લાચારી.
(૫) લેણદેણમાં એક જ રાખ્યું ખોબે ખોબે હેત.
(૬) વજન કરે તે હારે મનવા ! ભજન કરે તે જીતે.
   સુન્દરમે કહ્યું છે : ‘ગીતમાં અર્થબોધ, લાઘવ હોવાં જોઈએ. એનો અર્થ એ થયો કે, અર્થબોધ કરાવતું તત્વ ગીતમાં હોવું જોઈએ. ગીતમાં શબ્દનો અર્થ એના અવાજ જેટલો જ ખપનો હોય છે. વિચારનું તત્વ ગીતની સૌથી વધારે કાવ્યમય બાનીમાં નિરૂપણ કરનારાઓમાં નરસિંહ મહેતા પ્રથમ આવે. આપણા ઘણાખરા સંતોએ જ્ઞાન-વૈરાગ્ય વિશે ગીતો લખ્યાં છે. ઘીરો, ભોજો, નિષ્કુળાનંદ, અર્જુન, ઋષિરાજ વગેરેમાંથી દરેકની કોઈક ને કોઈક કૃતિ વિચારપિંડને ગીતમાં વણી લેતી હોય છે. એ બધાંમાંયે નરસિંહ તો વેદાંતી કવિ કહેવાયો છે. એનાં ગીતોમાં વેદાંતવિચાર પણ પ્રવેશ્યા છે.’ (સાહિત્ય ચિંતન) વેદાંતવિચારનું સુખ્યાત પદ જોઈએ –
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
જૂજવે રૂપે અનંત ભાસે’
– નરસિંહ મહેતા

   આ પદમાં પણ કવિએ સ્વરવ્યંજનનાં સંયોજનો દ્વારા ‘તું’નો ગુંજારવ વ્યક્ત થયો છે. તત્વજ્ઞાનના ગૂઢ વિષયને કવિએ અહીં તત્વનાં નાનાં નાનાં મુક્તકોમાં ઢાળ્યો છે. પદ તત્વનિરૂપણની રીતિની એક વિશિષ્ટ લાક્ષણિકતા સૂચવતું બીજું એક કાવ્ય આસ્વાદીએ –
શું જાણે વ્યાકરણી વસ્તુને શું જાણે વ્યાકરણી ?
મુખ પર્યત ભર્યું ધૃત તદપિ, સ્વાદ ન જાણે બરણી
સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ ન પામે ભરણી
અંતર માંહે અગ્નિ વસે પણ, આનંદ ન પામે અરણી
નિજ નાભિમાં કસ્તૂરી પણ, હર્ષ ન પામે હરણી
દ્યો કહે ધન દાટ્યું, ઘણું જ્યમ ધનવંત કરાવે નિર્ઘણી
– દયારામ

   આ કાવ્યની ધ્રુવપંક્તિમાં પોતાના કથયિતવ્યને એકાગ્ર કરીને, કવિએ એક જ વિચાર-બિંદુને જુદાં જુદાં દ્રષ્ટાંતો દ્વારા કેવું પુષ્ટ કર્યું છે!’ (સાહિત્ય ચિંતન)

   વ્યાકરણી જે ભાષાકર્મનો અભ્યાસ કરે છે, તેને આંતરભાવની શી ખબર પડે ? ઘી ભરેલું તો બરણીમાં જ હોય, પણ બરણીને એના સ્વાદની શી ખબર પડે ? શાક વઘારવાના પાત્રને શાકનો સ્વાદ મળતો નથી. અરણી, ભરણી, હરણી, બરણી, વ્યાકરણી અને નિર્ઘણી જેવા પ્રાસ સાધીને કવિએ તત્વ-વિચારને જે રીતે દ્રષ્ટાંતો દ્વારા વહેતો મૂક્યો છે એ અનન્ય છે : આખું કાવ્ય એક જ પ્રાસથી સાંકળેલું છે એ પણ સૂચક બને છે – એક જ તત્વની, એક વિચારની અહીં ખોજ છે – એની જ આલબેલ છે !!

   આ કવિને – ગીતતત્વોને સ્ફોટની જરૂર નથી. પ્રત્યેક ચરણમાં યમકો આવે છે. ઘરાળું અને શિષ્ટ શબ્દો એકસરખું કાવ્યત્વ પામ્યા છે. દ્રષ્ટાંતોની પસંદગી પણ કુશળતાથી થઈ છે, ને ગીત માર્મિક બન્યું છે.

   ફરી એકવાર નોંધીએ કે ગીતમાં ઊર્મિની જગ્યાએ વિચારની માંગણી કરવાની વાત નથી જ નથી, પણ ઊર્મિપ્રધાન ન હોય, ઈષત્ હોય – ગૌણ હોય ત્યારે વિચારનું તત્વ એની અનિવાર્યતાને કારણે પ્રવેશે તો કાવ્યત્વને કોઈ હાનિ થતી નથી. એ વાતને વધારે પુષ્ટ બનાવવા હજુ બીજાં કેટલાંક દ્રષ્ટાંતો આપણે જોઈએ.

   આપણી સંતપરંપરાનાં ઘણાંખરાં ગીતોમાં વિચારનું તત્વ છે. એને કારણે તો એમાં બોધનું તત્વ છે. નિરંજન ભગતના ‘કાળની કેડીએ’, ‘ઊઘડ્યાં ઉરનાં દ્વાર’ તત્વને નિરૂપતાં ઊંચી કોટિનાં ઘણાં ગીતો આપણી પ્રાચીન કવિતામાંથી મળી આવે છે.
  – હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.
  – તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ.
  – જે કોઈ પ્રેમરસ અવતરે, પ્રેમરસ એના ઉરમાં ઠરે.
  – શાંતિ પમાડે તેને સંત કહીએ.
   આવી અનેક પંક્તિઓ, એના ઉપાડથી જ ચમત્કૃતિ ફેલાવતી હોય છે. અલંકારો એકરસ થઈને આવે, એકાકાર થઈને આવે, તદાકાર થઈને આવે ત્યારે ગીતનું એક અંગ થઈને આવે છે. સ્વાભાવિકતાથી આવે છે એટલે જ તત્વ જેવો ગહન વિષય પણ અભિવ્યક્ત કરી શકે છે. એવા સ્વાભાવિક અલંકારયુક્ત તત્વસભર ગીતોમાં પણ કેવું કાવ્યત્વ હોય છે તે જોઈએ :
– ‘જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.’

– ‘રામ, રતન ધન પાયો, પાયોજી મૈંને
રામ, રતન ધન પાયો.’

– રામ રમકડું જડિયું રે
રાણાજી મને રામ રમકડું જડિયું
રૂમઝુમ કરતું મારા મંદિરે પધાર્યું
નહીં કોઈને હાથે ઘડિયું રે ...રાણાજી.
મોટા મોટા મુનિજન મથીમથી થાક્યા
કોઈ એક વિરલાને જડિયું રે...રાણાજી.
   આ રચનાઓ સાદ્યંતરૂપક અલંકારોથી મઢેલી છે, સરળતાથી તત્વને ગીતમાં ભક્તકવિ વણી લેતો હોય છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment