14 - ગુજરાતી ગીતમાં આધુનિકતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   ગુજરાતી ગીતમાં આધુનિક સંદર્ભે જે સંવેદનગત, સ્વરૂપગત અને એની અભિવ્યક્તિગત જે પરિવર્તનો આવ્યાં એની વાત કરતાં પહેલાં આધુનિકતા વિશેની વિભાવના સમજી લઈએ. અને ગીતકારે એનો કેવી રીતે સ્વીકાર કર્યો છે તે વાત પણ વિચારીએ.

   ઔદ્યોગિકીરણ, શહેરીકરણ, વિશ્વયુદ્ધોના પરિણામે માનવીય અસ્તિત્વના પ્રશ્નો ઊભા થયા. ધર્મ પાસેથી એનો ઉકેલ ન જડ્યો. પરંપરાગત મૂલ્યવ્યવસ્થા અપ્રસ્તુત બની ગઈ. બધાં જ પ્રસ્થાપિત સમીકરણોનો છેદ ઊડી ગયો – આ મથામણોમાંથી આધુનિક ચેતનાનો ઉદ્દભવ થયો. નિત્સેએ ઈશ્વરના મૃત્યુની જાહેરાત કરી.

   આધુનિકતાની અસરો સાહિત્ય ઉપર આવી : સર્જક ભાવકને રીઝવવા લખતો બંધ થયો. એ ખ્યાલ ફગાવી દેવાયો. આત્યંતિક આત્મસભાનતા અને એકાકીપણાનો મહિમા વિકસ્યો. માનવજાતની નિયતિમાં અશ્રદ્ધાનું વલણ પ્રબળ બન્યું. સામાજિક ચેતનાને સ્થાને વૈયક્તિક ચેતનાની અભિવ્યક્તિ વધુ થવા લાગી. પ્રાકૃતમનોવલણો નિ:સંકોચ પ્રગટ થયાં. નાસ્તિકવાદ આવ્યો. કૃતિમાં કળાકીય પ્રતીકવાદ-કલ્પનવાદ-અસ્તિત્વવાદનાં વલણો દેખાયાં. સંકુલ અને દુર્બોધ સૃષ્ટિનું નિર્માણથયું. અતિવસ્તુની અનુભૂતિ અને ઓટોમેટિક રાઈટિંગ દ્વારા અભિવ્યક્તિ થવા લાગી. પરંપરાનાં નિયમનો ફગાવી દેવાયાં. અતંત્રતા સ્થપાઈ. કુત્સિત શૈલીમાં તોડફોડ આઘાતક સર્જનથવા લાગ્યું. વિ-નાયક સર્જાયા.

   ગુજરાતી સાહિત્યમાં આધુનિક વલણો ૧૯૫૫ પછી દાખલ થયાં છે. ગીતમાં પણ એ ગાળામાં ચિનુ મોદી, સિતાંશુ, લાભશંકર અને ગુલામ મોહમદ શેખની ગીતરચનાઓમાં દેખાય છે. મણિલાલ દેસાઈ અછાંદસથી વિપરીત ગીતમાં પરંપરાનું અનુગમન કરે છે જ્યારે રાવજી આધુનિકતાનાં વલણો સ્વાભાવિકતાથી પ્રયોજે છે. રમેશ, અનિલ તથા મનોજનાં ગીતોમાં આધુનિકતાનાં છૂટક છૂટક તત્વો – અંશો દેખાય છે. ગીતના બહિરંગ સ્વરૂપમાં ઓછાં પણ એના અંતરંગ સ્વરૂપમાં પરિવર્તનો આવ્યાં છે. એકાકીપણું નિર્ભ્રાન્તવિચ્છેદ અને અશ્રદ્ધાના ભાવોને પ્રગટ કરતી ચિનુ મોદીની ગીત-રચના
• પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં આંખો બે આંસુ સ્વરૂપ;

• ‘કવિવર નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે ? શબ્દો છોડી
ખેતરને તું ખેડ, ડી.ડી.ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
   અહીં પરંપરાથી અળગા થવાનું કવિનું સૂચન છે.
   સિતાંશુ ગીતને અતિવસ્તુની સીમામાં લઈ જાય છે. અતિવસ્તુ ચેતનાના અધ: સ્તરેથી સ્વત: ચાલિત રીતિએ કાવ્યરૂપ પામતું હોય છે.

   ‘પીતપર્ણ શો ખર્યો ચંદ્ર/આ પીતપર્ણ પર પોઢેલો એ, સાંભળજો નવજાત શિશુનો સ્મિતકલરવ અક્ષય હે રે.’‘સરરિયલ ગીત’માં આદમ ઈવમાં પડેલી માનવજાતનું સ્વર્ગમાંથી હડસેલાવા રૂપ વિચારગ્રંથિમાંથી કંતાયેલું છે.

   આદિલમાં આદિમતા અને પ્રાકૃતતાનાં વલણો છે. ‘જ્ઞાનીઓનું ગીત’ એનો નમૂનો છે. ભાષાનો જેમાં ભાષા દ્વારા જ છેદ ઉડાડાયો છે.
ક ખ ગ ઘ કખ ગઘ
કક્કો તારો ખોટો
ઝટ ઝાલી લે લ લંપટનો લોટો
કાનો માતર ચાવી જઈએ
અનુસ્વારને ધાવી લઈએ.
  
   ગુલામ મોહમદ શેખનું સૈનિકનું ગીત ‘લાકડે ઓઠું મીઠું માંસ’ જેવી પંક્તિ દ્વારા અસ્તિત્વની આધુનિક સંવેદના પ્રગટાવે છે.
   મણિલાલ દેસાઈ અછાંદસથી જુદી પરંપરાનિષ્ઠ સંવેદના રજૂ કરે છે. લોકઢાળનો ઉપયોગ કરે છે પણ સંવેદન આધુનિક રચે છે.
અંધારું કાળું ગુલાબ મારા વ્હાલમા
અંધારું આપેલો કોલ મારા વ્હાલમા
અંધારું સોનાનો સુંવાળો સૂર

   રાવજીનાં ગીતોમાં નૈરાશ્ય, નિભ્રાન્તિ, અશ્રદ્ધા, વિદ્રોહ અને વિરતિના આધુનિક ભાવો ઠેર ઠેર જોવા મળે છે.
તારું મધમીઠું મુખ
જાણે સાત-પાંચ તારાનું ઝૂમખું
મારું સામટું દુ:ખ
વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે હો ઊડે
*
મારા રવજીરે અમોને કૂવે પાણી મોકલ્યાં.
*

   આમ આધુનિક ગીત વૈચારિકતાની દિશામાં ગતિ કરે છે. પરંપરાનો વિદ્રોહ કરે છે. ભાંગફોડ દ્વારા નજાકતને ક્ષીણ કરે છે. પ્રકૃતિ, પ્રેમનાં કુત્સિત રૂપો રચે છે. ઉપહાસ, વિડંબના, કટાક્ષ, ચીડ, ધૃણા, વ્યંગ પ્રગટાવે છે. કલ્પન, પ્રતીક, ઇન્દ્રિય-વ્યત્યયની સભાનતા સાથે રજૂ થતાં હોઈ આકર્ષક બને છે, પણ તંતોતંત સુબોધ બનતાં નથી. પરંતુ ગીતસ્વરૂપમાં આધુનિક તત્વો દાખલ થઈ શક્યાં છે એ નોંધવું રહ્યું.

   રમેશ પારેખનાં ગીતો સૌરાષ્ટ્ર પરિવેશને પ્રગટાવે છે અને ઝીણાં આધુનિક કલ્પનો લાવે છે. જ્યારે અનિલ જોશીનાં ગીતોમાં આધુનિકતાનાં સીધાં દર્શન થાય છે. વધુ ને વધુ ઝીણાં કલ્પનો વડે બંને કવિઓ ગીત દ્વારા કાવ્ય સિદ્ધ કરવા મથે છે. વળી આધુનિક સંવેદનાના અંશોને નૂતન ગીતકારો પણ ઠીકઠીક ઝીલે છે.
(ક્રમશ :...)


0 comments


Leave comment