15 - ગીતમાં ભાવવ્યંજકતા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ


   આમ તો ગીતમાં કાવ્યત્વના મુદ્દાથી ખાસ જુદું અહીં કહેવાનું નથી પણ ‘ગીત’ શબ્દ પોતે જ ગાવાની ક્રિયાનો વ્યંજકછે. એ માનવજીવનની વધુ નજીક છે. ગીતના પ્રત્યેક શબ્દને એનો નાદધ્વનિ હોય છે. અને એનો અર્થધ્વનિ પણ હોય છે. એ તરલ, મુલાયમ અને નાજુક ભાવવીચિને રજૂ કરે છે. એ ભાવસ્પન્દનની બહુધા લક્ષ્ય કે વ્યંગ્ય અભિવ્યક્તિ સાધવા મથે છે.

   કુંતક માને છે કે શબ્દ અને અર્થ બન્ને આવકાર્ય છે. બંનેના વિચિત્ર વિન્યાસથી કવિ-વૈદગ્ધ્ય કર્મકૌશલ સાધી શકે છે. વક્રોક્તિ એટલે વૈચિત્ર્યપૂર્વકની ઉક્તિ. કુંતકની દ્રષ્ટિએ કાવ્યનો પ્રાણ છે. અહીં કુંતકની કાવ્યવિચારણા પ્રસ્તુત કરવાનો આશય નથી, પણ એ બંનેમાંથી જે ઉપલબ્ધિ થાય છે એની વાત કરવી છે. ‘ભાષા’ શબ્દના બે અર્થ –
  (૧) શબ્દાર્થ જેને અભિધાશક્તિ સાથે સંબંધ છે.
  (૨) બીજો અર્થ કે જેને સૂચિત અર્થ, વ્યંગ્યાર્થ એમ કહી શકાય.
   રમણીય અર્થનું પ્રતિપાદન કરતો શબ્દ જગન્નાથને મન મહત્વનો છે. એવા શબ્દોના ઉપયોગથી રચાતું કવિકર્મ વ્યંજનાપૂર્ણ હોય છે. એમાંથી જ ધ્વનિ પ્રગટતો હોય છે. દ્રષ્ટાંતોથી એ વાત સમજીએ.
– ‘કેમ સખી ચીંધવો પર્વતને રે
હું તો ખાલી શકુંતલાની આંગળી.’
- અનિલ જોશી
   આ પંક્તિમાં શકુંતલાને કાલિદાસે અમર કર્યા પછી એમણે યોજેલ અભિજ્ઞાન ‘વીંટી’ના પ્રતીકને કવિએ એવી વ્યંજના સુધી પહોંચાડ્યું છે કે એમાંથી પ્રગટતો ભાવ કાવ્યત્વ સિદ્ધ કરે છે.
- હિંડોળેથી ઊઠિયા થડકતા કંઈ શ્વાસ
ઝરૂખડેઊભા, રિયાંધરી લોચને ચાસ
- રાજેન્દ્ર શુકલ
(ભાવવ્યંજના: શ્વાસને લયના હિંડોળામાંથી ઊઠતા ઝરૂખે ઊભા રહેતા બતાવ્યા છે.)

- જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
-અનિલ જોશી
(ભાવવ્યંજના: દીવડાનું કંપન : માતાના કંપન સાથે કવિએ જોડી દીધું છે.)

   ભાવવ્યંજના કોઈ એક શબ્દમાં કે પંક્તિમાં પણ હોઈ શકે. ક્યારેક સમગ્ર કૃતિમાંથી ભાવવ્યંજના પ્રગટ થતી હોય છે, એવી બે-ત્રણ કૃતિઓ જોઈએ.
   ગીતમાં ગીતકાર મૂળમાં તો માનવહૃદયના વિવિધ ભાવોનું જુદી જુદી રીતે આલેખન કરતો હોય છે. પ્રેમ, ભક્તિ, આત્મચિંતન, જીવનવિષયક ખ્યાલ આમ મનુષ્યના હૃદયને સ્પર્શતા મનોભાવનું નિરૂપણ કરવાનું ગીતકારનું ધ્યેય છે, રાજેન્દ્ર, નિરંજનથી આજ સુધીની આપણી ગીતકવિતાનો પ્રવાહ હવે એક વિસ્તૃત અને વિવિધરંગી દ્રશ્યપટ રચે છે. નવાં નવાં વહેણો, પેટાવહેણો ઊભાં થયાં છે. ગીતમાંય નવી નવી લયભાતો જન્મી છે એ તો ખરું જ, પણ ભાવ પ્રગટાવવાની તરકીબો પણ નવી નવી છે.

   આધુનિક કવિનુંભાવજગત આગલી પેઢીના કવિઓથી બદલાઈ ગયું છે, એ આપણે જોયું. કોઈ ઉદાત્ત વિચાર, ભાવના કે ઊર્મિના આલેખનમાં નહિ પણ અસ્તિત્વનાં ગહન-સંકુલ સંવેદનોમાં કવિને વિશેષ રસ પડ્યો છે. પોતાની આસપાસનો પરિવેશ, મહાનગરની વિષમતાઓ, ભીંસ, ટોળાંઓ વચ્ચેની એકલતા, હતાશા, વિચ્છીન્નતા, પરાયાપણું, યંત્રસંસ્કૃતિનીવંધ્યતા, દિશાશૂન્યતા વગેરે ગીતકવિતાના હાર્દમાં પ્રવેશવા લાગે છે. એ રજૂ કરવા ગીતકવિ એકાદ કલ્પન, પ્રતીકને સહારે પોતાનું સંવેદન પ્રગટાવવા મથે છે. તે સર્જનની ક્ષમતાનો આલેખ આપતો નથી, માત્ર સંકેત કરે છે. મૂળભાવને કલ્પના સૂક્ષ્મ આકાર, અર્થ આપે છે. લાગણીની છાયા ઉમેરે છે. આમ, કલ્પનપ્રતીકની નીચે છુપાયેલા ભાવને ભાવક પામી શકે તેને વ્યંજકતા કહેવામાં આવે છે. દા.ત. –
‘બાઈ મારે મોભે કળાયેલ રાત કે નળિયાં ગ્હેંક્યા કરે રે લોલ.’

   પંક્તિમાં રમેશ પારેખ અંતરની સૂક્ષ્મ પ્રણયઝંખનાને વ્યક્ત કરતી આ કડીમાં દ્રશ્યશ્રુતિ કલ્પનોની મદદથી નળિયાંને કળાયેલા મોરની માફક ગ્હેંકતાં બતાવી મનની સૂક્ષ્મ પ્રણયઝંખનાનો ભાવ પ્રગટ કરે છે. ભાવવ્યંજકતાનું બીજું દ્રષ્ટાંત એક કાવ્ય લઈએ –

   ભાનુપ્રસાદ પંડ્યાનું ગીત ‘દુનિયા અમારી’ ભાવવ્યંજનાનું ઉત્તમ દ્રષ્ટાંત છે –
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે ૨ખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી !
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
બંધ પોપચાંમાં રંગોની ભાત !
લોચનની સરહદથી છટકીને રણઝરતું
રૂપ લઈ રસળે શી રાત !
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી !
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ !
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈ ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !
- ભાનુપ્રસાદ પંડ્યા
(‘અડોઅડ’, પૃ. ૭૮)

   આ ગીતમાં દુનિયા અમારી એટલે અંધોની છે. કોઈ અંધજનની ઉક્તિરૂપ છે. આ ગીતમાં દ્રષ્ટિ વિના પણ ભૌતિક જગતનો અનુભવ કેવો ને કેટલો હોઈ શકે તેનું નિરૂપણ થવા પામ્યું છે : ‘દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ.’

   ભલે દર્શન નથી, એટલે જ શ્રવણ સતેજ બને, બનાવવું રહ્યું – ‘કલરવની દુનિયા અમારી’ એટલે જ કહેવાયું. આખી ઉક્તિમાં ઊણપની નિરાશાનો સૂર નથી પણ શુભ દર્શન – આશાવાદનો સૂરછે, જે શ્રુતિકલ્પનથી પ્રગટ થાય છે.

   જોવાય નહિ તો ભલે, એનાથી યથેચ્છ રખડી ન શકાય, પણ ધીમાં પગલાં તો પાડી શકાય... આ પગલાંને વાચ્યાર્થીની પેલે પાર જઈને પણ ઓળખવાં જોઈએ. આંધળો જન પછીના અંતરામાં સૌન્દર્યનું પાન કેવી રીતે કરે છે તે પણ જોવા જેવું છે. વર્ણન તો સરળ છે, પણ એમાં રહેલી ભાવવ્યંજકતા જોઈએ. પ્હેલો પ્હોર કલબલતો થાય એમ કહેતાં પહેલાં પ્હોરમાં પંખીઓનો કલબલાટ સંભળાય છે. દ્રષ્ટિ નથી છતાં લોચનની સરહદમાંથી રાત છટકી ગઈ, બંધ પોપચામાં પ્રભાતના રંગો પ્રગટે છે, સુગંધ સંબંધ જાળવે છે તેમ જ પવનની લ્હેરખી પણ એ સાચવે છે. આમ, શ્રવણેન્દ્રિય, ધ્રાણેન્દ્રિયની કવિએ સુંદર વાત કરી છે. હવે બીજું ઉદાહરણ જોઈએ.
સોનલ તમે
સોનલ, તમે હાથમતીનું વહેણ ને અમે ઢળતા બુરજ
અલપઝલપ છાંય તમારી વ્હેણમાં ઢોળી લઈએ કંઠારની રાંગે
આવતી વેળા લથરવથર હાંફતા મારા થાકથી બરડે પંડ્યને ભાંગે
બરડો મારી ગઢને માથે આભલું માંડે ફેણ ને ખારે ફૂંક વાટે રજ
સોનલ, તમે હાથમતીનું વ્હેણ ને અમે ઢળતા બુરજ
સોનલ, તમે સોનમુખીનું ફૂલ ને અમે બળતા સૂરજ
પીળાં ઘમ્મર શ્વાસમાં પીતાં તમને તમે જેમ ઢળો એમ ઢળીએ અમે
કંઠમાં લઈ ભરબપ્પોરી કેટલી તરસ કેટલો મારો તડકો ભમે
સાંજની રઝ્યું ઘેરતો મારી આંખમાં નીંભર ખટકે ખાલી ખેપનો ગુંબજ
સોનલ, તમે સોનમુખીનું ફૂલ અમે બળતા સૂરજ
- રમેશ પારેખ
   આ ગીત ભાવવ્યંજના સભર છે, જેની ધ્રુવપંક્તિમાં લોકગીતના સંસ્કાર છે. ‘હાથમતીનું વ્હેણ’ એ સોનલ-નાયિકા અને પોતે ‘ઢળતા બુરજ’રૂપે રજૂ થયા છે. આ જાતના વિલક્ષણ સંદર્ભમાં અમુક અપાર્થિવ પરિવેશ છતો થાય છે. ‘હાથમતી’ કોઈ નદીનું નામ નથી. નાયકની ઝંખના પ્રવાહિતા છે. એના વ્હેણ ઉપર પોતાનો પ્રેમ ઢોળ્યો છે. સૂરજરૂપે નહિ, બુરજ રૂપે. ઝંખનાને ઝંખતો કવિ આ રીતે અભિવ્યક્તિ કરે છે.

   ‘ગઢ’ની રજ ફૂંફાડે ખરે છે : અસ્તિત્વનો લોપ થાય છે. પ્રાકૃતિક સત્વ એનો ભરડો લે છે.
   ‘સોનમુખીનું ફૂલ અને બળતા સૂરજ’ પંક્તિમાં ચમત્કૃતિ તો છે જ, પણ સાતમી-આઠમી પંક્તિ કાવ્યનાયકના અંતરની ગૂઢ તરસને અનોખા સામર્થ્યથી આલેખે છે. ‘પીળા ઘમ્મર’શ્વાસમાં પીવાથી ‘સોનમુખી’ પ્રાપ્ત થાય છે. સોનેરી પાંદડીવાળી સોનમુખીનું અતિસૂક્ષ્મરૂપ જાણે તે શ્વસી રહ્યો છે ! વ્યંજનાની ઘનતા અને સૂક્ષ્મતા અહીં પ્રતીતિ થાય છે.

   બીજું એક ગીત જોઈએ, જે ખૂબ જાણીતું છે – રાવજી પટેલનું ‘આભાસી મૃત્યુનું ગીત’ – કંકુના સૂરજ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી વેલ્યને સંગારો વીરા રાગને સંકોરો

   આ ગીતમાં સંવેદનને નૂતનરૂપ મળ્યું છે. આભાસી-અમંગળ મૃત્યુનું સંવેદન ગાવા માટે મંગલ-લગ્નગીતનો લય પસંદ થાય છે. ‘વેલ સંગારો’, ‘શગને સંકોરો’, ‘પીળા પાંદે લીલા ઘોડા ડૂબ્યા’ જેવા ઉલ્લેખોમાં લગ્નસમયના વાતાવરણની સામગ્રી જાણે કે મરણના પાર્થિવ ભારને હળવો કરવા આવે છે. ‘કંકુના સૂરજ’ આથમવાની ઘટનામાં જ જબ્બર ભાવવ્યંજકતા છે.

   ‘રે અજવાળાં પહેરી ઊભા શ્વાસ ?’, ‘રે હણહણતી મેં સાંભળી સુવાસ’, ‘અડધો ઝાંઝરથી ઝાલ્યો’, ‘મને રોકે પંછાયો એક ચોકમાં’, ‘મને વાગે સજીવી હળવાશ !’ – માં મૃત્યુમૂલક સંવેદનની અત્યંત નાજુક અને જે માર્મિક માવજત થાય છે. જાણે પાંચ ઇન્દ્રિયો મૃત્યુને એની તમામ સંવેદનશીલતા વડે અનુભવે છે !! ઇન્દ્રિયપ્રત્યક્ષ કલ્પનોથી દોરવાતી અભિવ્યક્તિ, ઇન્દ્રિયવ્યવત્યયથી સધાતી સંવેદનાની તાજગી, તીક્ષ્ણતા, ‘કંકુના સૂરજ’માં વ્યંજિત અપૂર્વ તાજગીભર્યા ભાવસંદર્ભ, ‘અલકાતા – મલકાતા’, ‘આસો-માસો’ જેવા ભાવમિજાજનું ઔચિત્ય પ્રાસ વગેરે ગીતને અનોખી તાજગી આપે છે.

   આમ, ગીતકાર ગીતના અર્થને પહેલેથી જ સૂક્ષ્મ પિંડરૂપે સિદ્ધ કરે છે. પછી એ અર્થનો પિંડ જ ભાવાનુરૂપ, લયાત્મક શબ્દસંસ્કાર પામે છે – એટલે સાહિત્યિક ગીતમાં, કેન્દ્રમાં અર્થ છે શબ્દના માધ્યમ દ્વારા, તે ભુલાવું ન જોઈએ. કવિ ત્યાર પછી ક્રમિક ગીતનો વિકાસ કરતાં દ્યોતક પોષક તત્વો, કાર્યકારણની સાંકળો, પૂવપિતાની પરિસ્થિતિઓ ઉમેરતો જાય છે અને પેલા અર્થપિંડની એ રીતે રાગીય અભિવ્યક્તિ તે કરતો હોય છે, એ અર્થપિંડ જ બહુધા ભાવવ્યંજકતાનો પર્યાય છે.

   ગીત કથન, નિવેદન કે આત્મોદ્દગારનો અભિગમ યોજે પણ તદ્દન કથનાત્મક ન બને. સ્ફુટ-અસ્ફુટ વ્યંજનાથી એ રમણીય બને એવી એની નિરૂપણરીતિ હોય છે. ગીત અભિધા સ્તરે રહીને પણ કાવ્યપ્રદેશમાં જઈ શકે એનાં દ્રષ્ટાંતો પણ છે દા.ત. બાલમુકુંદ દવે : ‘આ શ્રાવણ વરસ્યો સરવડે કોઈ ઝીલોજી’ અને ગીત લાક્ષણિક અર્થ ધરીને પણ કાવ્ય-પ્રદેશમાં પહોંચી શકે એનાં દ્રષ્ટાંતો પણ છે – ‘પંખી નથી રે તો ય ઊડવું પડે છે એક / તૂટેલું પાન છીએ એટલે’ આમ, વિવિધ શબ્દશક્તિઓ પ્રતીક, કલ્પન જેવાં તત્વો કાવ્યપ્રદેશમાં લઈ જતાં તત્વો છે પણ એમાંય ભાવવ્યંજકતાનું તત્વ એવું છે કે એ કાવ્યપ્રદેશનો પ્રતીતિકર પરિચય કરાવે છે.’
(ક્રમશ :...)


0 comments


Leave comment