17 - ગીતની ભાષા / ગુજરાતી ગીત : સ્વરૂપવિચાર / ભગીરથ બ્રહ્મભટ્ટ
ગીતનું વાહન તો છે શબ્દ.આમ તો સાહિત્યમાત્રનું વાહન શબ્દ છે. પરંતુ અહીં આપણે ગીતની વાત કરીએ છીએ. ગીતમાં શબ્દ, ગદ્યની તુલનામાં, અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં કંઈક વધારે કમનીયતા લઈને આવે છે. એમાં જ લવચિકતા હોય છે. એ ગીતમાં વિશિષ્ટ રીતે પ્રયોજાય છે. અન્ય પ્રકારોમાં ‘શબ્દ’ એના વિશિષ્ટ પરિવેશમાં, જુદી જુદી ભાષાસામગ્રી તરીકે ભાષાઘટનાનો વિચાર કરીને પ્રયોજાતો હોય છે.
ગીત પોતે વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. એનો શબ્દ માત્ર ઉદ્દગાર નહિ, ઉદ્દગાનરૂપે પ્રયોજાતો હોવાથી ગીતના શબ્દને સંગીત અને કવિતા બંનેની આકરી કસોટીમાંથી પસાર થઈને આવવાનું હોય છે.
ગીતનો ‘શબ્દ’ નીચેની સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતો હોય તો ઇષ્ટ ગણાય :
૧. ગીતનો શબ્દ સૌન્દર્યનો સાક્ષાત્કાર કરાવે.૨. શબ્દના ઉચ્ચારણમાં-નાદધ્વનિમાં ગતિ હોય.૩. ભાવને અનુરૂપ ઊર્મિલતા ધરાવતો હોય.૪. ભાવવ્યંજકતાનું પ્રતિનિધિત્વ કરતો હોય.૫.ગીતના શબ્દદેહમાં વર્ણસગાઈને અવકાશ હોય.૬. ગદ્યાળુતાનો અંશ વ્યવહારુ હોવા છતાં લયમાંઓગળતો હોય, વાસ્તવમાં તો એ શબ્દ લવચિકતા ધારણ કરતો હોય.૭. કર્ણપ્રિય હોય – સુગમ, નજાકતભર્યો હોય,૮.ભાવો શ્વાસથી ભર્યો ભર્યો હોય,૯.શબ્દની ભીતર-અર્થની ભીતર સંવાદી સંગીત હોય,૧૦. લયના પિંડ થકી ગીતનો શબ્દ આકારિત થાય છે.
ગીત અનિવાર્યપણે ગેયત્વ, રાગીયતા અને લાલિત્યના ગુણો ધરાવતું હોવાથી એની બાની સર્વસામાન્ય ઊર્મિકાવ્ય કરતાં કેટલીક સૂક્ષ્મ વિશેષતાઓ ધરાવે છે. એનો શબ્દ વિશિષ્ટ સંગીતાંશ ભાષાતત્વ ધરાવે છે. પદ્યલયની એમાંથી વિવિધ ભાતો નિર્માણ પામે છે. બીજા કાવ્યપ્રકારોને મુકાબલે ગીતને વ્યવહારભાષા સાથે નિકટનો નાતો છે, વ્યવહારુ પરિચિતતાને ગાળીને એમાંથી પોતાનું માધ્યમ સાધવાનો ગીતકાર પુરુષાર્થ કરે છે.
આ સામાન્ય રીતે આપણે જેને અભિજાત ગીત કહીએ છીએ એની પાછળ લોકગીતની અને શિષ્ય પરંપરાના ગેયરચનાના સંસ્કાર એટલે ગીતરચનાની બાનીમાં વિશિષ્ટ અને વિલક્ષણ પ્રયોગો પણ થતા હોય છે. સૂરના માધ્યમથી આંદોલનો જગાડતી આ કલા-કવિતા કરતાં નિરાળી એ અર્થમાં છે કે, સૂરને વ્યવહારનાં વળગણો નથી. શબ્દને સૂર સાથે, સ્પર્ધામાં ઉતારતાં એને પ્રથમ અનિવાર્યતા લેખે, વ્યવહારથી મુક્ત કરવો જ રહ્યો. ગીતનો સર્જક લોકોત્તર સંવેદનને તાકે છે અને આથી લૌકિક ઉપચારી ભાષા અને માધ્યમ તરીકે અપૂરતી લાગે છે. સર્જકને લોકોત્તર થયેલું દર્શન અભિવ્યક્ત કરવા ખરબચડા શબ્દોને પાસાદાર બનાવવા પડે છે. શબ્દોના ચીલાચાલુ અધ્યાસોની બહાર નીકળી જવું પડે છે. સુરેશ જોષી કવિતાની ભાષા અંગે જે વાત કરે છે એ ગીત માટે પણ લાગુ પાડી શકાય.
કાવ્ય એટલે ભાષાની અભિવ્યક્તિનો સમર્થ આવિષ્કાર. આવી શક્તિના આવિષ્કાર માટે શબ્દને એના રૂઢ, શબ્દકોશમાં આપેલા, અર્થથી મુક્ત કરીને કાવ્યમાં એવો અપૂર્વ સંદર્ભ રચીને પ્રયોજવો કે જેથી એની બધી જ સંભાવ્ય દ્યોતના પ્રકટ થઈ શકે. પછી શબ્દનો કોઈ જડ નિશ્ચિત અર્થ રહે નહિ.
કોલરિજ કવિતાને ‘Best words in the best order’ કહે છે. અને માલાર્મે‘One does not make poetry with ideas, but with words’ કહે છે ત્યારે પણ કવિનો શબ્દ ભાવગત અર્થનો વાહક બને છે. તેથી તે સમગ્ર સંવિતને સ્પર્શે છે.
(૧) ગીતકારનો શબ્દ-અર્થનાં, મૂળભૂત અર્થથી દૂરદૂર જઈને વિશિષ્ટ ભાવનાં વલયો રચે છે - અભિધાથી દૂર લક્ષણા, વ્યંજનાને તાકે છે.(૨) વિશિષ્ટ સંવેદનના પ્રકટીકરણ માટે વિશિષ્ટ રાગ, ઢાળની શોધ કરે છે.(૩) અલંકાર, કલ્પન, પ્રતીક ગીતના અખંડિત એકમ તરીકે આવે.(૪) ગીતની ભાષા ભાવકને એના નાદબોધ દ્વારા વશમાં લેતી હોય છે.(૫) ગીતની ભાષા શક્તિશાળી, તાજી અને ચમત્કૃતિયુક્ત હોય છે.
(૬) ગીતની બાની સુકુમાર, નજાકત સૌન્દર્યવાળી હોય છે.(૭) નકશીદાર, બળકટ, વિશદ્ધ અને સજાવેલી ગીતની બાનીલય, વિચાર કલ્પનાસૃષ્ટિ, મિજાજ, વર્તન અને દર્શનને નીવ્યક્ત કરવા સમર્થ બને છે.(૮) ગીતના પ્રત્યેક શબ્દને, એની પદાવલિ (એમ તો ગીતનુંપણનું પ્રતિનિધિત્વ કરવાનું છે. એટલે આવે ભલે ઘટકથઈને પણ એને, એના અર્થને તો પદાવલિના ભાવને પુષ્ટ કરવાનો છે. એટલે કે, એના નાદમાંથી–અર્થમાંથીએ મુખ્યભાવને સૂર પુરાવતો હોવો જોઈએ. છે દા.ત. –‘ફૂલ કહે ભમરાને ભમરો...’ આ પંક્તિમાંફૂલને બદલે ‘પુષ્પ’શબ્દ લખવાથી ધાર્યું નિશાન સિદ્ધ પછી કરી શકાતું નથી.(૯) ગીતનું ભાવજગત ઊર્મિના પાતાળ સાથે સંબંધ ધરાવેછે.બૌદ્ધિક સ્તરની વિચારધારાઓ સાથે ખાસ સંબંધ હોતો નથી.
લોકગીતના સંસ્કારો ધરાવતા અભિજાતગીતમાં કળાત્મક અભિજ્ઞતા ઉમેરાતાં કાવ્યત્વ વણાયું છે. કવિ ભાવની સૂક્ષ્મતા આણવા, સંકુલતા સિદ્ધ કરવા, શિષ્ટ બાની પ્રયોજીને પણ, પ્રતીકઅલંકાર-કલ્પનો દ્વારા વૈયક્તિક ઊર્મિને કાવ્યમાં વાચા આપે છે, ત્યારે એનુ ધ્યેય કાવ્યત્વ સિદ્ધ કરવાનું છે. જો એમ કરવા જતાં પેલું ગીત વણસી જાય તો પણ ચાલે, એમાંથી ગેયતાનું તત્વ ગૌણ બને તોપણ સહ્ય ગણાય. લય ન જળવાય કે કોઈ ભારેખમ શબ્દની પસંદગી થઈ જાય, તોપણ વાંધો નહિ. ટૂંકમાં, ગીતના સ્વરૂપમાં રહીને બને તેટલી ચુસ્તી જાળવી કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયાસ સ્વાતંત્ર્યોત્તર ગીતકવિ કરતા હોય છે.
ગીતના માધ્યમ તરીકે પ્રયોજાતી ભાષા મૂળે તો વ્યવહારમાં વપરાતી ભાષા છે. સામાજિક વ્યવહારોમાં જે રીતે ભાષાનો પ્રયોગ થાય છે, એનાથી વિશિષ્ટ રીતે ગીતકવિ ભાષાનો પ્રયોગ કરતો હોય છે. ડૉ. સુરેશ દલાલ નોંધે છે : ‘ગીતકવિએ શબ્દમાં રહેલા સૂરના રેશમી અને સૂક્ષ્મ તંતુને, એની સુંવાળપને સહેજે આંચ ન આવે એ રીતે, પકડીને ભાવને પોષક એવો વણાટ વણવાનો હોય છે. ઉત્તમ ગીતમાં શબ્દલય અને ભાવલયનો રસ મેળ જોવા મળે છે. એમાં જ કવિકર્મની ખરી સિદ્ધિ છે.’ તેઓ કવિકર્મની વાત કરતાં વધુમાં કહે છે : ‘કોઈ પણ કલાકૃતિનો હેતુ ભાવસંક્રાંતિ કરવાનો હોય છે, પણ ગીતમાં અન્ય પ્રકારને મુકાબલે Quick Communication (ત્વરિત પ્રત્યાપન) થતું હોય છે. આ પ્રકારમાં Construction (કારીગરી) કરતાં Creation (સર્જન)ને વધારે અવકાશ મળે છે. ભાષા માટેની કવિની પ્રીતિ ગીત દ્વારા જ સાહજિક રીતે અભિવ્યક્તિ પામે છે. કવિપ્રતિભા માટે ગીત એ અર્થમાં પડકાર છે.
ગીતના અમૂર્ત સંવેદનને ભાષિક આવિષ્કરણ મળે છે ત્યારે તે પદરૂપ પામે છે. ગીતના શબ્દનો મહિમા કરીએ છીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું પડે છે કે આ શબ્દ એ કોઈ છૂટો, સંદર્ભરહિત શબ્દ નથી. ગીતમાં ગૂંથાયેલો શબ્દ અન્ય શબ્દોના – પદાવલિના સંદર્ભમાં આવ્યો છે. ગીતનો શબ્દ લયના હિલ્લોળા પર તરે છે. ગીતનો શબ્દ એમાં રહેલી નાદલીલાના સામર્થ્યથી, નજાકતવાળો હોય છે અને અર્થ પ્રદેશમાં પહોંચી નવાં નવાં સ્તરો ખોલવાની એમાં ગુંજાશ હોય છે.
–આજના ગીતની ભાષાનાં મહત્વનાં બે લક્ષણો (૧) લક્ષ્યાર્થ- સિદ્ધિ (૨) અલંકાર-વૈભવ–આજના ગીતમાં ઇન્દ્રિયગ્રાહ્યતાનો પ્રયોગ-પ્રવેશ.– નવી સંવેદના, નવો લય.– લયની સમૃદ્ધિનું ગીતમાં ભારે આકર્ષણ રહે છે – પ્રાસ અને પૂરકો પણ એમાં મહત્વનાં હોય છે.– લોકગીતના ઢાળો તેમ જ માત્રામેળ લયબંધો એલયભૂમિકા પૂરી પાડે છે.
ભાવસંવેદનની પ્રકૃતિ પ્રમાણે ગીતકાર શબ્દપસંદગી કરે છે; ઉદા. - વરસતો વરસાદ, એનું આકાશમાંથી ફોરે ફોરે સરોવરમાં પડવું આ પ્રસન્ન ઘટના દ્રશ્ય અને શ્રાવ્ય કલ્પનો દ્વારા પ્રગટે તો અસરકારક બને. જુઓ –
‘આ શ્રાવણ વરસ્યો સરવડે કોઈ ઝીલો.’
અહીં બાલમુકુંદે ‘ઝીલો’ શબ્દમાં કશુંક પડે છે, એ લઈ લેવાનું પ્રસન્નકર, સૂચવે છે ને ?!
પ્રથમ પંક્તિ જેને ધ્રુવપંક્તિ કહી તેનો અખંડ ભાવ-એક વિચાર આખી પંક્તિમાં પૂરો થઈ જાય છે. એને ગીતકાર અધૂરી છોડતો જ નથી. જેને સુન્દરમે ‘ઉક્તિલાઘવ’ કહ્યું છે તેમાંથી જ Force જન્મે છે, અને કથયિતવ્યની અખંડિતતાનું શબ્દગુંજન થયા જ કરે છે –
– ધ્રુવપંક્તિ એક ચમત્કારી– અંતરા મુક્તક કોટિએ–પૂરક-પંક્તિઓ– પ્રાસ અને પૂરકો
અન્ય ઊર્મિકવિતાની જેમ ગીતકાર ભાષા દ્વારા સર્જન કરે છે, એટલું જ નહિ, ભાષાનું પણ સર્જન કરે છે, ભાષાની નવી ભૂમિ તોડે છે. ભાષામાં રહેલી પરંપરાપ્રાપ્ત સાંકેતિકતાને તોડે છે. યોગ્યતા, સંનિધિ અને આકાંક્ષાનાં તત્વોને સર્વ અર્થમાં ઉપરતળે કરી અભિવ્યક્તિમાં અત્યુક્તિ, વક્રોક્તિ, તિર્યકતા, સજીવારોપણ, વ્યત્યય કે પદ્રચ્છા-વ્યાપારનો આશરો લે છે. પ્રાચીન-મધ્યકાલીન ભાષાસ્વરૂપ, લોકબોલી, ઘરાળુ ભાષાસ્વરૂપ, નિષિદ્ધ પ્રયોગો એમ વિવિધ ભાષાસ્તર પાસેથી કામ લે છે.
આમ તો કાવ્યભાષાની કોઈ આગવી કે વિશિષ્ટ પદાવલિ નથી હોતી, તેમ નથી હોતી તે ઊર્મિનિષ્ઠ અર્થ પૂરતી સીમિત. કાવ્યભાષા તેમ જ શાસ્ત્રીય ભાષા બંનેય નિત્યની ભાષાનાં જ વિશિષ્ટ રૂપો છે. પરંતુ ગીત સર્જનાર ગીતકાર બોલચાલની ભાષા વાપરે છે ત્યારે એમાં નૈસર્ગિક, સૌન્દર્ય, તળપદા રૂઢિપ્રયોગોમાં સોંસરાપણું, શાસ્ત્રીય ભાષામાં આડંબર છતાં ચોકસાઈ. ‘કવિની ભાષાની વફાદારી સ્ટ્રક્ચર સાથે છે, એટલી જ વ્યક્ત કરવાના સંવેદન સાથે છે. સંવેદન સાથે સમરૂપતા સાધવા તો એ ભાષાના માળખામાં ફેરફાર કરે છે. રૂઢ સ્ટ્રક્ચરને તોડેફોડે છે. ગીતની બાનીની તપાસ અનિવાર્યતાના સંદર્ભમાં કરવી જોઈએ.
ગુજરાતી ગીતનું પદાવલિગત વિશ્ર્લેષણ કરતાં ભાનુપ્રસાદ પંડ્યા કહે છે : ‘એક તરફથી કવિની જે જે પ્રાદેશિક તળપદ બોલીના સંસ્કાર ગીતબાની રૂપે પ્રકટે છે તો બીજી તરફથી આપણું ગીત શિષ્ટસ્તરની ભાષા પણ પ્રયોજતું રહ્યું છે.’
હરીન્દ્ર, સુરેશ દલાલ જેવાની પદાવલિમાં શિષ્ટસ્તરના સંસ્કાર છે.
– ગીતોમાં લોકબાનીનો વિનિયોગ, ચરોતરી, ઉ.ગુજરાતી, સૂરતી અને સૌરાષ્ટ્રી બોલી ગીતમાં પ્રવેશી. (સૌરાષ્ટ્રી લ્હેકા મેઘાણીથી પ્રારંભાયા.)– ગીતમાં ગિરિજનની વાણીની ધિંગી છટાઓ ઉમેરાઈ. રવાનુકારી શબ્દો, શબ્દસંયોજનો, ક્રિયારૂપોના મરોડ, પ્રતીક-કલ્પન અલંકારો.– લોકગીતના સંસ્કારો ઝીલીને આજનો કવિ માત્રઅભિધાસ્તરેથી નહિ, સૂક્ષ્મસંકુલ તરલ ભાવાવસ્થાને રજૂ કરે છે.
આમ, સાંપ્રતગીતકવિ ઉપાડ પંક્તિ દ્વારા સંવેદનનો ઉત્કટ ભાવાવેગ રજૂ કરે છે. પછી એને પુષ્ટ કરવા અંતરો કે એકમો રચે છે, જેનાં ભાવવર્તુળ દ્વારા મૂળ ભાવ પુષ્ટ થતો રહે. ત્યારબાદ ધ્રુવપંક્તિને સમાંતર ભાવવાળી બીજી એ જ માપની પંક્તિ આપીને કવિ સંયમિત રીતે પેલું સંવેદન વધારે ઘાટીલું કરે છે. એમાં આવતાં પદોનો અન્વય, પદસંવાદ, પદબંધ વગેરેમાં ભાવ સંયત રીતે, કલ્પનપ્રતીકને સહારે કવિ પ્રગટાવે છે. આમ, સમગ્ર ગીત ઉપાડ-પંક્તિનાપોત પ્રમાણેનું હવામાન બાંધે છે.
ગીતના અખંડિત એકમ તરીકે કલ્પન, પ્રતીક, અલંકાર આવે તો જ સ્વાભાવિક ગણાય. ગીતની વાણી કલ્પનાત્મક હોય છે. ગીતકાર માનસચિત્રો રચીને પોતાની અભિવ્યક્તિ કરે છે. એ માનસચિત્રનું બીજું નામ કલ્પન. કલ્પનને બીજા અર્થમાં શબ્દચિત્ર પણ કહી શકાય. કવિ પોતાનો અનુભવ વાણીમાં, ભાષામાં વ્યક્ત કરે છે, ત્યારે અનુભવ મૂર્તરૂપ ધારણ કરે છે. મૂળમાં અનુભવ અમૂર્ત હોય છે.
કલ્પન શબ્દ અંગ્રેજી ‘Image’ નો પર્યાયછે. એને માટે ગુજરાતીમાં સુરેશ જોષી ‘ચિત્રકલ્પ’, વિષ્ણુ ત્રિવેદી ‘પ્રતિરૂપ’અને ઉમાશંકર જોશી ‘ભાવપ્રતીક’સંજ્ઞાઓ વાપરે છે. કલ્પન ઈન્દ્રિયગ્રાહ્ય હોય એટલે કે તે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા કલ્પનાગત પદાર્થોનો અવબોધ કરાવે છે.
અહીં ત્યહીં પતંગ, ફૂલ ઊઘડેલ ભીને દલ
પ્રસન્ન મન ગીતગદ્યમય પંછિ શું પિચ્છલ
- રાજેન્દ્ર શાહ
- રાજેન્દ્ર શાહ
પ્રસન્ન મનને યથાતથ દર્શાવવા માટે યોજાયેલું પંખીનું કલ્પન કેવું કામયાબ નીવડે છે !
આજ અંધકાર ખુશ્બોભર્યો લાગતો
આજ સૌરભ ભરી રાત સારી
પ્રહલાદ પારેખની આ પ્રસિદ્ધ પંક્તિ ઇન્દ્રિયવ્યત્યયનું સારું ઉદાહરણ પૂરું પાડે છે. આમાં અંધારને સુવાસ હોય એવું કલ્પન છે. બીજું એવું દ્રષ્ટાંત જોઈએ.
આખું યે આભ મારી આંખોમાં જાગે
લઈ પંખીના સૂરની સુવાસ
તૃણતૃણમાં ફરકે છે, પીંછાનો સ્પર્શ, અહીં
ઝાકળનો ભીનો ઉજાસ
જગદીશ જોશીના ‘વિસ્મય’નામના ગીતમાંથી આ પંક્તિઓ પંખીના સૂરનો કાનને બદલે નાક દ્વારા અને ઝાકળની ભીનાશનો ત્વચાને બદલે આંખ દ્વારા સેન્દ્રિય અનુભવ કરાવે છે. જેમ કલ્પન ઈન્દ્રિયગ્રાહ્ય છે તેમ સાદ્રશ્યમૂલક અલંકારગર્ભ-રૂપકગર્ભ પણ હોય છે.કવિએ યોજેલ રૂપક, ઉપમા, ઉત્પ્રેક્ષા આદિમાં પણ કલ્પન હોય છે. અલંકારગર્ભ કલ્પનનાં ત્રણ દ્રષ્ટાંતો પ્રિયકાન્ત મણિયાર પાસેથી જ મળે છે.
શ્યામાની સૌ અલક લટ શો રાત્રિનો અંધકાર
•
અંધકારનો ઘુમ્મટ ડોલે
•
ઊભાં છાનાં ઝાડ, અંધકારના ઊંચાનીચા પ્હાડ
•
અહીં કવિએ અંધકારને સ્પષ્ટ કરવા તેની ચોક્કસ વિશદ્ અનુભૂતિ આપી છે. કવિની સંવેદનાનું પ્રકટીકરણ કલાત્મક હોય છે. એની વાણી કલ્પનાત્મક હોય છે, એટલે એમાં વૈચિત્ર્ય કે ચારુતા આવે છે. શબ્દો વડે સર્જાતું માનસચિત્ર એટલે કલ્પન.
કવિ પોતાનો અનુભવ ભાષામાં વ્યક્ત કરે છે, અનુભવ મૂર્તરૂપ ધારણ કરે છે. એ મૂર્ત રૂપ શબ્દચિત્રો દ્વારા રજૂ થાય છે એટલે કલ્પનએટલે ભાવમય શબ્દચિત્ર.
"An image is a word which arouses ideas of sensory perception" -Robin Skeltan
શબ્દમાત્ર આપણા માનસમાં કોઈ ને કોઈ ચિત્ર રજૂ કરે છે, એને માટેના
રોમ પર એકાંત સરખે સીમનું – રાવજી પટેલહણહણતી સાંભળી સુવાસ - રાવજી પટેલ
- કલ્પનોને કારણે ઇન્દ્રિય-વ્યત્યયોનો પ્રયોગ પણ જાણીતો છે. એ જોઈએ.
(૧) કને બેઠેલી નાર, જોતી ઘીની ધાર,– રાવજી પટેલ
(૨) પલમાં તડકો ને પલમાં વરસે રે છાંયા– રાજેન્દ્ર શાહ
(૩) કાંટાળિયા અંધારની ડાળે રતુમડો અંકોર– રાજેન્દ્ર શાહ
(૪) અમે બરફનાં પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં– અનિલ જોશી
(૫) કાળા ડમ્મર ઘોડા ઘોળે ખડકાળે રથ જોડ્યા છે– સિતાંશુ
(૬) ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે છેતમને ફૂલ દીધાનું યાદ– રમેશ પારેખ
‘પ્રતિરૂપ કે કલ્પન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કાવ્યસ્વરૂપ સમજવામાં ઘણી સહાયતા મળે છે એ ખરું, પણ એ દ્રષ્ટિ સ્વરૂપના માત્ર એક પાસા પર જ બધું લક્ષ આપે છે, અને એ પાસું પણ બીજાં પાસાંઓ સાથે અન્યોન્યાશ્રયથી સંકળાયેલું હોય છે. તે જ પ્રમાણે પરંપરાગત પિંગળ ઉપયોગી હોવા છતાં પણ પરંપરાગત પદ્યની વર્ણશક્તિના પૃથ્થકરણ માટે પણ માર્યાદિત ઓજારનું કામ આપે છે.’
– ‘વોલ્ટર સટન’ એનેલીસીસ ઑફ રીવર્સ ફૉર્મ જર્નલઓવ એસ્થેટિક્સ ઍન્ડ આર્ટ ફિટિસિઝમ, ૧૮-૨, ડિ. ૧૯૫૯, પૃ. ૨૪૧
અભિવ્યક્તિની વ્યંજનાસભર તરાહમાં કલ્પનો અને પ્રતીકો વચ્ચે ભેદ કરવો મુશ્કેલ છે. ઐન્દ્રિયિક ગુણસમૃદ્ધિમાં કલ્પન તરત દેખાઈ આવે છે. કલ્પનનું બળ કેન્દ્રવર્તી હોય છે. કલ્પનને કારણે કવિનું સંવેદન ખૂબ અસરકારક રીતે અને લાઘવથી પ્રગટ થાય છે. આવાં કલ્પનો રચનાપ્રક્રિયામાં આંતરિક સ્તરેથી સંગતિ અને સંવાદ સિદ્ધ કરે છે.
પ્રતીક –
ગુજરાતીમાં પ્રતીક શબ્દ અંગ્રેજીના ‘Symbol’ શબ્દના પર્યાય તરીકે યોજાય છે. પ્રતીકોના ગુજરાતી-સંસ્કૃતમાં મુખ્ય બે પ્રકારો છે.
(૧) દ્રશ્ય – Visual(૨) શ્રાવ્ય – Audible
- સંકેતોથી જે વાત સંક્રમિત કરી શકાય તે બધી પ્રયુક્તિઓ દ્રશ્ય-પ્રતીકો બને છે.
ગુજરાતી લોકસાહિત્યમાં પણ સાથિયો, કંકુ, નાળિયેર મંગલમયતાનાં પ્રતીકો બને છે એ આપણે જાણીએ છીએ. ગુજરાતી ગીતોમાં પણ એથી સૂક્ષ્મ રીતે ચંદ્ર સૌમ્યતાનું, સૂર્ય શક્તિનું, ધરતી ક્ષમાનું, કબૂતર શાંતિનું પ્રતીક થઈને આવે છે. મીરાંબાઈની ગીતરચનાની મદદથી પ્રતીકને પામીએ –
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ
જૂનું તો થયું રે
આ ગીતમાં દેવળ એટલે દેહ અને હંસલો એટલે આત્મા, એમ પ્રતીક બનીને આવે છે.
– પ્રતીકને કોઈ ચોક્કસ નિયમમાં બાંધી શકાય નહિ, પણએમ જરૂર કહી શકાય કે, સાદી ઉપમા તરીકે સર્જાયેલું કલ્પન તેની વિશિષ્ટ ઉપસ્થિતિમાં તેના વિવિધઅધ્યાસો અને સૂચિતાર્થોને લીધે પ્રતીક બની જાય છે.–પ્રતીક થવા માટે શબ્દમાં એવી સંકેતથી અસંદિગ્ધતા સિદ્ધ થવી જોઈએ કે તે ‘અરાજક નિરર્થકતામાં ન પરિણમે. એટલે કે શબ્દ અનેકવિધ સંબંધોને કારણેઅનેક અર્થે સમર્પવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે, પણ છે અર્થશૂન્યતામાં સરી જતો નથી. આમ, સુરેશ જોશી પણ માને છે.
આ સર્જનની ક્ષણે કવિના ચિત્તમાં અર્ધસ્ફૂટ એવી લાગણી જે રીતે વ્યક્ત થાય છે, તેને પ્રતીક કહેવામાં આવે છે. આધુનિક ગીતોમાં આદિમ, રૂઢ, સંસિદ્ધ થયેલાં પ્રતીકોનો જુદી જ રીતે વિનિયોગ થાય છે. એવા દરેક પ્રતીકની સાથે અમુક વિચારો, માન્યતાઓ, લાગણીઓ, મૂલ્યો જોડાયેલાં હોય છે. બલકે અજ્ઞાત સ્તરના જીવનમાં એ ઊતરી ગયાં હોય છે. સ્વસ્તિક, નાળિયેર, શેષનાગ, અશ્વમેઘ, કળશ, અશોકચક્ર, બોધિવૃક્ષ અને અશ્વત્થ જેવાં પ્રતીકો જાણીતા છે. ખ્રિસ્તી પ્રજામાં ક્રૉસ, દેવળ પ્રતીક તરીકે જાણીતાં છે. ગુજરાતી ગીતકવિએ આવાં પરંપરાગત પ્રતીકોનો વિનિયોગ કર્યો છે, સાથે સાથે પ્રતીકોનું નવનિર્માણ પણ કર્યું છે.
દા.ત. – તૃણ, પીંછું, રેતી, હાડકું, રસ્તો, માખી, બાવું, કરોળિયો જેવા તુચ્છ અને નગણ્ય લાગતા પદાર્થોને કવિ પ્રતીક તરીકે યોજવા લાગ્યા છે. પ્રકૃતિનાં ફળ, ફૂલ, સૂર્ય, કિરણ વગેરે પણ પ્રતીકો બને છે. પ્રતીકોનો વિનિયોગ કવિની નિજી આંતરિક જરૂરિયાતને અનુરૂપ થાય એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે. કવિ પોતાના સંવેદનના પ્રગટીકરણની અનિવાર્ય જરૂરિયાત માટે પ્રતીકો યોજે છે. જેનાથી કવિની સંવેદના અસરકારક રીતે પ્રગટ થાય છે. આમ, પ્રતીક કવિતાની આકૃતિ અને કવિની અભિવ્યક્તિમાં ગૂંથાઈ જાય છે, ગીતકવિ પરિચિત પ્રતીકો યોજે છે – અલૌકિક રસ સિદ્ધ કરે છે અને અવિભાજ્ય અંગ બની જાય છે. પ્રતીક એ કોઈ અલગ ઘટક નહિ, પણ જ્યારે કૃતિમાં વપરાય છે ત્યારે સંવાદિતા પ્રાપ્ત કરે છે. એક મૂલ્ય ધારણ કરે છે. સૂક્ષ્મતર લાગણીઓની ઝાંય પણ ઘણાં પ્રતીકો દ્વારા કવિ વિદગ્ધ ભાવે પ્રગટ કરે છે. પ્રતીકને જ કારણે ગીતમાં ઘનતા આવે છે. વ્યંજનાસભર આકૃતિ બની શકે છે. એવાં કેટલાંક પ્રતીકો જોઈએ ?
(૧) ખડખડ હસતા ખરખર રડતા રડે વાયરા ખૂબ ભેંકાર(ખડખડ હસતા વાયરાનું પ્રતીક કાળનું અટ્ટહાસ્ય બનેછે.)
(૨) મારી આંખે કંકુના સૂરજ આથમ્યા(આથમતા કંકુના સૂરજનું પ્રતીક સૌભાગ્યના અસ્તનીવાત કરે છે.)
(૩) અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં(બરફનાં પંખીનું પ્રતીક ઠરી ગયેલી સંવેદનાની વાત બનેછે.)
(૪) ‘લીલા ઘોડા ડૂબ્યા’(લીલા ઘોડાનું પ્રતીક યૌવનનો અર્થ સૂચવે છે.)(૫)‘......... એની મટકી રહી ગઈ કોરી’(મટકીનું પ્રતીક દિલનું સ્થાન લઈ લેતું હોય છે.)
અલંકાર
કાવ્યનાં વિવિધ તત્વો વિશે ભારતીય કાવ્યશાસ્ત્રમાં પુષ્કળ મતભેદો હોવા છતાં તેમાં કાવ્ય-સૌન્દર્ય સાધનારાં તેને ઉપકારક થતાં અનેક તત્વોની ખૂબ સૂક્ષ્મ ચર્ચા થઈ છે. અલંકાર પણ કાવ્યનું મૂળભૂત અને મુખ્ય તત્વ મનાયું છે. ‘અલંકારશાસ્ત્ર’આલંકારિકોએએ જ મુદ્દાના મહિમા માટે તૈયાર કર્યું છે.
કવિતાના સૌન્દર્ય માટે ભારતીય કાવ્યમીમાંસાના અનુક્રમે છ સંપ્રદાયો છે. રીતિ, રસ, ધ્વનિ, વક્રોક્તિ, ઔચિત્ય અને અલંકાર. એમાં અલંકારની ચર્ચા ભામહે, દંડી, રુદ્રટ, રુચ્યક અને પ્રતિહારેન્દુરાજે કરી છે. આ લોકોએ અલંકારને જ કાવ્યનું સર્વસ્વ ગણાવ્યો છે.
અલંકાર શબ્દ મૂળ ‘અલમ્ + કૃ’ઉપરથી આવ્યો છે. અલંકારને કાવ્યની શોભા વધારનાર ધર્મ તરીકે ઓળખવામાં આવે છે.
“સૌન્દર્યમલકાર” – વામન
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અલંકારને ઘરેણું (કવચ, કુંડળ) તરીકે ઓળખાવે છે, જ્યારે ક્રોચે ‘જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાંએકતા પામ્યો છે કે નહિ, જો પામ્યો હોય તો તે આગંતુક નથી, જો પામ્યો ન હોય તો તે કાવ્ય નથી.’
‘કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાયા તેનો વાંધો નથી, પણ તેમને તત્વત: ભિન્ન માનવાં એ ખોટું છે.’ – રા. વિ. પાઠક
આમ, જોઈએ તો અલંકાર એ કાવ્યનું અંતરંગ છે. બાહ્ય તત્વ નથી જ નથી. વક્રતા પણ એક અલંકાર છે. ધ્વનિકાર આચાર્ય આનંદવર્ધન અલંકારને કાવ્યના અંગભૂત તત્વ તરીકે સ્વીકારે છે.
કાવ્યના રસને ધ્વનિત કરવામાં સહાયક નીવડે તેટલા જ પ્રમાણમાં કાવ્યમાં સ્થાન પામે છે. કોઈ પણ જાતના વિશેષયત્ન વગર સ્વયં (સહજ) આવી પડે તે જ ઉત્તમ કાવ્યની શોભારૂપ અલંકાર બની શકે છે. કવિના ભાવવ્યાપારનું, સર્જન-વ્યાપારનું એક અંગ બનેછે. અલંકારને ‘કવિના સંવિતનો એક ભાગ’ પણ કહી શકાય.
કાવ્યની વ્યાખ્યામાં મમ્મટે પણ ‘અલંકાર’નો સમાવેશ કર્યો છે. અલંકારનું મુખ્ય પ્રયોજન અર્થની વધારે પ્રતીતિકર પ્રતીતિ કરાવવાનું છે. અર્થને પુષ્ટિ આપવાનું, ભાવને વધારે સુદ્રઢ બનાવવાનું, અનુભૂતિને આકાર આપવાનું, અમૂર્ત ભાવને મૂર્ત કરવાનું કામ અલંકારની મદદથી ઉત્તમ કવિઓ લેતા હોય છે.
અલંકારનો અભ્યાસ કરનારાઓ બે પ્રકારના અલંકારોની વાત કરે છે (૧) શબ્દાલંકાર. (૨) અર્થાલંકાર.શબ્દના વિશિષ્ટ પ્રયોગ દ્વારા સધાતા અલંકારો વર્ણસગાઈ, અનુપ્રાસ કે યમક, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ છે, જ્યારે જેમાં અર્થથી સૌન્દર્ય સધાતું હોય તેવા ઉપમા, ઉત્પ્રેક્ષ, રૂપક, દ્રષ્ટાંત, વિરોધાભાસી, વિભાવના, અતિશયોક્તિ, વ્યાજોક્તિ વગેરે છે. આમ છતાં વાણીના વિકલ્પો અનંત છે, એમ અલંકારો અનંત હોઈ શકે.
એક વર્ગ એવું પણ માને છે કે, કાવ્યમાં કાવ્યત્વ હોય તો એમાં અલંકાર આવે જ એ વાત પણ સ્વીકારવા જેવી છે. રાજશેખરે એ જ સંદર્ભમાં કહ્યું છે : ‘કાવ્યપુરુષ સાલંકાર જન્મે છે.’ અલંકાર કાવ્યનું આંતરદ્રવ્ય છે.
ગુજરાતી ગીતો પણ સંવેદનાનાં ઝરણાં છે. એમાં પણ અલંકારો કુશળતાથી પરોવાય છે. તમામ પ્રકારના અલંકારો ગીતકાર કુશળતાથી વાપરે છે. કેટલાંક કલ્પનો અલંકાર બને છે.
* અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યાંટગર ટગર તે યાદઅમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાંભરી કેટલી વાર પીધાનું યાદ- રમેશ પારેખ* બારણે કૂદાકૂદ કરે અજવાશ– ભાનુપ્રસાદ પંડ્યા ‘અડોઅડ’* સમી સાંજનો ઢોલ ઢબૂકતો– અનિલ જોશી*દર્પણથી આંખ તમે ફેરવી લીધી– રમેશ પારેખ
આજનો કવિ લોકગીતના, લોકસાહિત્યના અલંકારોને સંસ્કારી અને નવા અલંકારો જન્માવી, અલંકારોની બાબતમાં સમૃદ્ધ બન્યો છે.
(ક્રમશ :...)
0 comments
Leave comment