1 - પ્રવેશક / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા
"કોઈ અજાણ્યા
દેશમાં જઈ ચઢવાની પ્રબળ
ઇચ્છા ઘણી વાર થઈ આવે છે.
ના, એ નરી ભાગેડુવૃત્તિ નથી. હું જાણું
છું કે એ કોઈ અનિવાર્યતા છે. એવા કોઈ
દેશમાં જઈ ચઢું તો હું એનું નામ
જાણવા ન ચાહું. બને તો એના
સમુદ્રકાંઠે જઈ ચઢું. ત્યાંના પવનની ઓળખ કરું.”
– ડૉ. સુરેશ જોષી
લેખ ૨૩, “રમ્યાણિ વીશ્ય”માંથી ૨૩-૪-'૭૮
વિશ્વના સર્વ ટાપુઓની વચ્ચેનું સરખાપણું એમના ભૂમિ-દૃશ્યથી નથી, પરન્તુ એ દરેકની આસપાસ રહેલા જળથી છે. જળનું પોતાનું વ્યક્તિત્વ જ જાદુઈ તત્ત્વ જેવું છે, જે પ્રત્યેક દ્વીપ-નિવાસીને પરિવર્તિત કરતું રહે છે. જળ, જે લાગે છે કે એ કશું નથી, તે ખરેખર બધું જ છે – એક ખાઈ, એક અંતરાય, એક ભીનું રણ કે સઘન અરણ્ય, પોષણનું પ્રાપ્તિસ્થાન, આશાનો કોઈ અગમ્ય આધાર, દૂર દૂર નીકળી જવાની શક્યતા. સાગરનો દરેક પ્રેમી જાણે છે કે સાગર કોઈ એક સ્થાન નથી, પણ અનેક છે. એના વિવિધ મૂડ અને મિજાજ હોય છે, જેમ એના અનેક રંગ અને વર્ણ હોય છે.
દરેક દ્વીપ ભંગુર અને વિયુક્ત લાગવો જોઈએ, પણ એ તો પોતાનામાં જ સંપૂર્ણ, પર્યાપ્ત તથા સુસ્થિત હોય છે, ને એનું કારણ છે એમને ચોતરફથી વીંટળાઈ રહેતું જળ ફક્ત એક ભ્રમણા હશે કે શું, તે હું નથી જાણતો, પરન્તુ જળની રહસ્યમયતા તથા એનો સમર્થ પ્રભાવ સ્થાનિક દ્વીપવાસી તેમજ આગંતુક પથિકને મોહિત કરતા રહે છે.
-અમેરિકન લેખકે પૉલ બૅરો (Thereux)ના
દક્ષિણ પ્રશાંતમાંના ટાપુઓ પરના પુસ્તકમાંથી
દક્ષિણ પ્રશાંતમાંના ટાપુઓ પરના પુસ્તકમાંથી
0 comments
Leave comment