2 - દરેક દ્વીપ હોય છે એક જણ / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   પૃથ્વી પર જેમ ભૂમિની આસપાસ સમુદ્રનાં પાણી ફેલાયેલાં હોય છે તેમ મહાસાગરોની વચ્ચે વચ્ચે છૂટાછવાયા, નાના-કે નાનકડા–દ્વીપ-દેશો પણ હોય છે. એ દરેકની મુલાકાત લેવી અશક્ય. પણ ક્યારેક કોઈ કોઈ ટાપુ પર જવાનું ખૂબ મન થાય, ને ત્યારે એનો પ્રવાસ ગોઠવવા મથું.

   ટાપુ એટલે કાંઈ બધા સરખા જ ના હોય. ક્યા સમુદ્રમાં, ક્યા અક્ષાંશ-રેખાંશ પર, ને કઈ દિશામાં આવેલા છે એના પર ટાપુના રંગ-રૂપ, જીવન, લોકપ્રિયતા વગેરેનો બહુ આધાર રહે. જેમકે, કરીબિયન સમુદ્રમાંના પચીસેક ટાપુઓ પર સહેલાણીઓની બહુ ભીડ રહે, કારણકે એ સમુદ્રનું પાણી બારે માસ ખૂબ હૂંફાળું હોય છે. તો પ્રશાંત મહાસાગરમાંના ટાપુઓ ગાઢ વનસ્પતિ, અવનવાં ફૂલો અને રસથી ભરેલાં ફળ ઇત્યાદિ માટે વધુ જાણીતાં છે.

   પ્રસ્તુત પુસ્તકમાં પ્રશાંતમાંના પાંચ દ્વીપ-દેશોની ભ્રમણકથા છે. એમાંના ફિજિ અને ટૉન્ગા દેશોમાં ત્રણ કે વધારે પેઢીઓથી જઈ વસેલાં, મળ ભારતમાં પ્રજાજનોને માટે ફક્ત 'ભારતીય' શબ્દ અપૂરતો ને અસ્થાને લાગ્યો તેથી મેં ‘ઇન્ડિયન’ શબ્દ વાપર્યો છે. એ બે દેશો સિવાય બીજે ક્યાંય આવાં દેશાંતરવાસીઓ દેખાયાં નહોતાં.

   વિચારકોએ કહ્યું છે કે દરેક જણ એક ટાપુ સમાન હોય છે. જ્યારે પૃથ્વી પરના થોડા ટાપુઓ સાથે પરિચય કેળવાય ત્યારે અવશ્ય ખ્યાલ આવે કે દરેક ટાપુ પણ એક જણ હોય છે. પાસેના અને દૂરના મહાસાગરોમાંના ઓહો, કેટલા બધા ટાપુ મને બહુ જ ગમે છે. હું તો એમની આભારી જ છું કારણકે એ દરેક જ એક એક જુદા જગતનું પ્રતિનિધિત્વ કરતા હોય છે.

   દક્ષિણ પ્રશાંતમાંનું જગત વિશિષ્ટ છે. ત્યાં અનેકવિધ કારણે હર્ષથી પાંગર્યું હતું મારું મન, ખીલતાં રહ્યાં હતાં મારાં પગલાં, જ બની ગયા હતા સુરેખ સેતુ મારા જીવનના પ્રવાહમાં.
-પ્રીતિ સેનગુપ્તા


0 comments


Leave comment