1 - પ્રકરણ : ૧ - એક સાવ અજાણ્યો સાગર / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   મુસાફરનું મન સદાયે હર્ષ અનુભવતું હોય છે, કારણકે એના મનમાં સદાયે એક – કે અનેક – સુંદર સ્થાનો આવી વસેલાં હોય છે. ત્યાં સ્વચ્છ ભૂરું આકાશ હોય, કે રંગરંગીન ફૂલ ખીલેલાં હોય, કે મંદ મંદ પવન વાતો હોય – એવું જ જરૂરી નથી. ઘેરા વાદળ અને વરસાદ પણ ગમે, ને પીળચટ્ટા ઘાસથી છવાયેલો સૂકો વિસ્તાર પણ ગમે. સ્થાન જેવું હોય તેવું ગમે. સ્થાનને જે થવું હોય તે થાય, ને પછી મુસાફર બરાબર એના માપે માપ, ને રંગેરંગ થવા જાય. સ્થાનને જ્યારે એની જ આંખોથી જોઈ શકીએ ત્યારે એ પૂરેપૂરું દેખાય છે; સંપૂર્ણપણે સ્પષ્ટ થઈને એ મુસાફરને નવાજે છે.

   વળી, મુસાફરનું મન ફરી ફરી એ જગ્યા જોવા, ત્યાં જઈ ચડવા ઇચ્છતું હોય છે – કોઈ પોતાને ઘેર જવા માગતું હોય તે જ રીતે. બહુ મઝા છે આમાં, કારણકે બધું ગમી જાય, બધે ઘર જેવું લાગે, ને ક્યાંય ડર ન લાગે, કશું અજાણ્યું ના લાગે. મુસાફરને તો જાણે નિરાંત ! અલબત્ત, પ્રવાસમાં ઘણીયે તકલીફો અને અગવડો પડતી હોય છે, પણ એ બધી ભુલાઈ જતી હોય છે. મનમાં તરવરતાં રહે છે હર્ષનો જ ભાવ અને અવનવી યાદો.

   મને પોતાને આવા મુસાફર થવું ગમે છે. કેટલાં બધાં વર્ષોથી હું પ્રવાસ કરતી આવી છું, ને મોટા ભાગનો એ સમય આનંદભર્યા સંસ્મરણ થઈને રહ્યો છે. જોયેલાં ને અનુભવેલાં ઘણાં સ્થળો માટે લખ્યું છે. એ રીતે ફરીથી એમને માણ્યાં પણ છે. એકવીસમી સદીના આરંભે હું બહુ ભારપૂર્વક કહી શકું એમ છું કે (એકસો દેશો અને અગણ્ય જગ્યાઓ જોવા જવા માટે ઘરના ખૂબ પૈસા ખર્ચ્યા પછી પણ) વિશ્વ-દર્શનને પામીને હું ખૂબ સમૃદ્ધ બની છું. પૃથ્વીના જુદી જાતના પ્રદેશો – જેવા કે, સાગર-કિનારા, પર્વત-શિખર, સૂકા રણ, ગાઢ વન, મોટાં શહેર, નાના ટાપુ વગેરે—માં જવામાં, સર્વત્ર ફરી વળવામાં ઘણાં જણને રસ નથી હોતો. મને છે. પૃથ્વી પરનો જાણ્યો-અજાણ્યો કોઈ પ્રદેશ મને અટકાવી નથી શકતો. જ્યારે હું જોઉં છું કે મોટા ભાગના લોકો ઓછા જાણીતા ભૂ-ભાગો વિષે વાંચવાનો રસ પણ નથી ધરાવતા હોતા, ત્યારે હું દુ:ખ પામું છું – કારણકે ચાહવા જેવી કેટલી બધી જગ્યાઓ વાચકોના સ્નેહથી વંચિત રહી જતી હોય છે.

   પ્રસ્તુત વૃત્તાંતમાં હું એવી કેટલીક જગ્યાઓને વર્ણવવાની છું, કે એ જેમનાં નામ પણ બધાંએ સાંભળ્યાં ના હોય ! હું એ બધે પહેલી વાર ગઈ. ખાસ કશી અપેક્ષા રાખી નહોતી, પણ એવી જુદી જ, અને રસપ્રદ લાગી એ જગ્યાઓ કે એમને વિષે લખવાનો ઉત્સાહ ટાળી શકાતો નથી. અંગ્રેજીમાં જેને "In the middle of nowhere" કહીએ છીએ તેવા વિસ્તારની આ ગાથા છે. “જેની આસપાસ કશું જ ના હોય” તેવો વિસ્તાર. દુનિયામાંના લગભગ બધા મુખ્ય પ્રદેશો ને પેટા-પ્રદેશો જોઈ લીધા પછી પણ આ જે પ્રદેશાંશ બાકી હતો તે હતો પ્રશાંત મહાસાગરનો દક્ષિણ તરફનો જળ-વિસ્તાર. અંગ્રેજીમાં “South Pacific" એ તરીકે ઓળખાય છે.

   આની અંદર કેટલાક દ્વીપ-દેશો છે ખરા, પણ ખૂબ નાના, અને બંને દિશા – પશ્ચિમ ને પૂર્વમાંના અન્ય મોટા દેશો - ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા દક્ષિણ ને ઉત્તર અમેરિકાના કિનારાથી પાંચ હજાર, સાત હજાર જેવા કિ.મિ.ને અંતરે. નકશામાં જોઈએ તો ભૂરા રંગના અંદરનાં ટપકાં જ દેખાય. આ જળ-વિસ્તાર છે આખા મહાદેશ (ઉત્તર) અમેરિકા જેટલો વિશાળ, પણ એની અંદર આવેલો સ્થળ-વિસ્તાર જુઓ તો એક ફ્લોરિડા રાજ્ય કરતાં પણ અડધો થાય. આંકડામાં આ વિરોધ ઘણો વધારે સ્પષ્ટ થશે : અમેરિકાનું ક્ષેત્રફળ પંચ્યાશી લાખ ચો.મા. છે અને ફ્લોરિડા રાજ્યના ક્ષેત્રફળનું અડધું કરતાં ઓગણત્રીસ હજાર ચો.મા. થાય.

   પૃથ્વી પરનો સૌથી મોટો સમુદ્ર તે પ્રશાંત મહાસાગર છે. એના સમગ્ર વિસ્તારમાં નાના નાના અનેક ટાપુ-દેશો આવેલા છે, પણ અહીં – વિષુવવૃત્તની નીચેની તરફ – એટલે કે દક્ષિણ પ્રશાંતમાંના જે પાંચ ટાપુ – દેશોમાં હું ગઈ તેમને વિશેની વાતો જ કરવાની છે. વળી, પાણી-પાણીની વચ્ચે કાંઈ લીટી દોરાય છે? છતાં દક્ષિણ પ્રશાંતના ટાપુ-ગુચ્છો બે ભિન્ન ભાગમાં વહેંચાયેલા છે, અને બે જુદા નામથી – મેલાનેશિઅન ટાપુઓ અને પોલિનેશિઅન ટાપુઓ તરીકે – ઓળખાય છે. ફિજિ, વાનુઆતુ, સોલોમન ટાપુઓ, ન્યૂ કૅલેડોનિઆ વગેરે મેલાનેશિઆમાં આવે છે, અને ઑસ્ટ્રાલ, ગામ્બિઅર, કૂક, સોસાયટી, માર્કસાસ, તુઆમોતુ ઇત્યાદિ ટાપુઓ પોલિનેશિઆનો હિસ્સો બનેલા છે. આ ઉપરાંત, યેન્ગા અમેરિકન સામોઆ, અને વૅસ્ટર્ન સામોઆ જેવા ટાપુ-દેશો આ વર્ગીકરણની બહારના લાગે છે, કારણકે એ બંનેની ખાસિયતોથી એ જુદા પડે છે.

   સામાન્ય રીતે કોઈને પણ એમ થવાનું કે કોણ જાણે કઈ જગ્યાની આ વાત છે, ને કેવાં વિચિત્ર નામો છે આ બધાં. “એમાં આપણે શું ?” એવો વિચાર તરત બધાંને આવવાનો. જ્યાં જવાનું ના હોય તે સ્થાનો, ને જેનું કામ પડવાનું ના હોય તેવી બાબતો માટે માથાકૂટ કરવાનું ઘણાંને ગમતું નથી હોતું. પણ જો જરાક કુતૂહલ અને વિસ્મય, અને કિંચિત વિસ્તૃત રસ મનમાં પ્રવેશવા દઈએ તો પછી કશું નકામું, કે નિરર્થક નથી લાગતું.

   વાસ્તવમાં, દક્ષિણ પ્રશાંતના ટાપુઓ ઍટલાન્ટિકમાંના ટાપુઓ કરતાં તદ્દન જુદા જ છે – ત્યાંનાં જીવન, પ્રજા, રિવાજો, કુદરત વગેરે બધી જ રીતે. એ પરિસરમાં રહેનારાંને પાંચ-સાત ટાપુઓ પર જઈ આવેલાં જોયાં પણ તેય કામ-ધંધાને માટે. પૈસા ખર્ચીને ફરવા માટે નહીં. હું નકશા જોઈને, જગ્યાઓ વિષે વાંચીને, ત્યાં પહોંચવા અંગેની શક્યતાઓ વિષે વિચારીને પાંચ ટાપુ-દેશો પર ગઈ. કુતૂહલ હતું, વિસ્મય હતું, રસ હતો તેથી. એ મુસાફરીમાં ફિજિ, ટૉન્ગા, વૅસ્ટર્ન સામોઆ, કૂક આઈલેન્ડસ અને સોસાયટી આઈલેન્ડસનો સમાવેશ થઈ શક્યો. માર્કેસાસ આઈલેન્ડ જવાનું મન હતું, પણ પરના કોઈ પણ ભૂ-ભાગથી એ ખૂબ દૂર છે. ત્યાં નામના જ મુસાફરો જાય, એક જ હોટેલ, અને સગવડ તો શું, રોજની જરૂરિયાતની ચીજોનો પણ અભાવ. તેથી જે થઈ શક્યું તેનાથી સંતોષ તથા આનંદ માણ્યા.

   પાણીની સપાટીની નીચે જે જીવન હોય છે – દરિયાઈ વનસ્પતિ, અનેકવિધ જળચર, તથા અકથ્ય રૂપ-આકારબદ્ધ પરવાળાં વગેરે - તે વિષેની આપણી જાણકારી ખૂબ ઓછી હોય છે, ને એ માટે તો આગવો ને ઊંડો અભ્યાસ કરવો પડે. પરન્તુ આપણે દૂરના પ્રદેશો, તેમજ ટાપુઓ પરનાં જીવનથી પણ અજાણ હોઈએ છીએ, ને એમને વિષે જયારે વાંચીએ ત્યારે જ ખ્યાલ આવે. એનાં વિયુક્ત સ્થાનોએ જઈએ ત્યારે જે જોઈએ તેનાથી નવાઈ પામતાં જઈએ, ને થોડી સમજણ જરૂર કેળવતાં જઈએ. છતાં, એ પછી પણ વધારે માહિતી તો પુસ્તકોમાંથી જ મળે. હું જતાં પહેલાં, અને આવ્યા પછી પુસ્તકાલયમાં દોડી જતી હોઉં છું. જોયા, વાંચ્યા, વિચાર્યા પછી જ સ્થાન વિષેનું ચિત્ર – સંપૂર્ણ નહીં તોયે – સુસ્પષ્ટ થઈને રહે છે.

   કિનારા-યુક્ત જગ્યાઓનાં જીવન ભૂમિ-ગ્રસ્ત જગ્યાઓથી જુદાં પડતાં હોય છે, તો ટાપુઓ પરનાં જીવન એ બંનેથી ઘણાં જુદાં પડતાં હોય છે. ચોતરફ આવેલો દરિયો પ્રજાને માનસિક, શારીરિક, સામાજિક, આર્થિક – એમ સમગ્ર રીતે અસર કરતો રહે છે. ક્ષિતિજની પણ પેલે પાર પહોંચતું પાણી, અને અન્ય ભૂ-ભાગો સુધીના લાંબાં અંતરને કારણે ટાપુઓ એકલવાયા થઈ જતા હોય છે. વળી, આ જ કારણે દરેક ટાપુ પર વિશિષ્ટ પ્રથાઓ અને રીત-રિવાજો વિકસી રહે છે. એટલાન્ટિક અને કરીબિયનમાંના ટાપુઓ કરતાં પ્રશાંત મહાસાગરમાંના ટાપુઓ – સરખા કહેવાય તેવા સંજોગો હોવા છતાં - એકમેકથી બહુ રસપ્રદ રીતે, સૂક્ષ્મ ને સ્પષ્ટ રીતે જુદા પડે છે, તથા પોતપોતાનું વ્યક્તિત્વ અને વાતાવરણ જાળવી શક્યા છે.

   દક્ષિણ ધ્રુવના મહાખંડ ઍન્ટાર્કટિકાને બાદ કરતાં, દક્ષિકા પ્રશાંતમાંનો આ જળ-સ્થળીય પોલિનેશિયા પ્રદેશ પૃથ્વી પરનો મોડામાં મોડો માનવીય વસવાટ પામેલો વિભાગ છે. એમ તો, ઈ.સ. પૂર્વેનાં હજારો વર્ષોથી ત્યાં આદિ-જાતિઓનાં સદસ્યો તો હતાં જ, પણ પંદરમી સદી પૂરી થઈ ત્યાં સુધી દુનિયામાં કોઈને એ પ્રદેશ કે ત્યાંની પ્રજાઓ વિષે કશી જાણ કે કલ્પના હતી નહીં. એ સમયે સ્પેનિશ વહાણવટીઓ પ્રશાંત મહાસાગરમાં અવરજવર કરવા માંડેલા – પણ તે લૂંટેલો માલ ઇન્ડોનેશિયા ને ફિલિપ્પિન્સથી લઈને દક્ષિણ અમેરિકાના પેરુ દેશ સુધી પહોંચાડવા માટે, નવીન પ્રદેશની શોધ કરવામાં એમને રસ નહોતો. બે વિખ્યાત સ્પેનિશ સાગર-ખેડુઓ સૌથી પહેલાં પ્રશાંતમાં પહોંચ્યા, ને એને વળોટ્યો – બિલ્બોઆ ૧૫૧૩ની સાલમાં, અને માજેયાન ૧૫૨૧માં, પરન્તુ એ પછી અઢીસો વર્ષો નીકળી ગયાં, બીજા સ્પેનિશ અને ડચ નાવિકો પણ આવ્યા–ગયા, પણ એ ટાપુઓ પ્રત્યે કોઈનું ધ્યાન ખેંચાયું નહીં.

   અઢારમી સદીના અંત ભાગમાં ઇંગ્લંડના રાજા જ્યોર્જ ત્રીજાએ મોકલેલા સેમ્યુઅલ વાલિસ અને જેમ્સ કૂક જેવા કપ્તાનોએ મેલાનેશિયા તથા પોલિનેશિયાના ટાપુઓને “શોધ્યા” ને પશ્ચિમી દુનિયા સાથે સાંકળી આપ્યા. પોલિનેશિયનો તો પ્રાચીન સમયથી કુશાગ્ર નાવિકો હતા. સદીઓથી દરિયો ખેડતા હજારો માઈલ સુધી પહોંચતા અને વસતા આવેલા. એમના એ જળ-વિશ્વનું જીવન, સમુદ્ર તથા ત્યાંની પ્રકૃતિ પ્રત્યેની સમજણને લીધે, સુરક્ષિત અને સ્વ-સ્થિત હતું. યુરોપીઓના આગમન સાથે બંદૂક ને તમંચા જેવાં હથિયારો; વ્હિસ્કી ને રમ જેવાં માદક પીણાં; તથા ન્યુમોનિયા, ઇન્ફલુએન્ઝા, ટાઇફોઈડ ને ટ્યુબરક્યુલોસિસ જેવા ‘નવા', ‘અજાણ્યા' ને જીવલેણ રોગ આવતાં “સ્વર્ગ સમા” ગણાતા એ ટાપુઓ પરનું જીવન પરિવર્તન પામવા માંડ્યું.

   ખાસ તો, સર્વત્ર ફેલાઈ ગયેલા રોગચાળામાં એ આદિવાસી પ્રજાજનો ખૂબ મોટી સંખ્યામાં મરણ પામ્યા. ‘યુરોપી’ -પશ્ચિમી રોગો અને પશ્ચિમી મોટા દેશોમાં સ્થળાંતર કરતા રહેવાને કારણે આ મેલાનેશિયા (Melanesia) અને પોલિનેશિયા (Polynesia) પ્રદેશમાં વસ્તીની સંખ્યા ખાસ વધી જ નથી. કેપ્ટન કુક દ્વારા એ પ્રદેશ ખેડાતો હતો ત્યારે – એટલે કે અઢારમી સદીના અંત-ભાગમાં – ત્યાં વસ્તી જેટલી હતી, માંડ વીસેક લાખ જેટલી, લગભગ તેટલી જ આજે પણ રહેલી છે.

   યુરોપી સાગર-ખેડુઓ દ્વારા આ જળ-માર્ગની તથા દ્વીપ-જૂથોની માહિતી પ્રસરતાં બીજી બે હકીકત બની. એક તો ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ જેવી રાજ્ય-સત્તાઓએ વિભિન્ન ટાપુઓ પર હકુમત સ્થાપી. બીજું, ૧૭૯૭માં સૌ પહેલાં ખ્રિસ્તી ઉપદેશકો આવ્યા, ને ત્યારથી એ સર્વ ટાપુઓ પર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર તથા ધર્મપરિવર્તનના પ્રયત્નો શરૂ થયા. આજે પણ સર્વ સ્થળે ઓછા-વત્તા પ્રમાણમાં ખ્રિસ્તી ધર્મ-પંથો સ્થાપિત છે.

   પશ્ચિમીઓની નજરે એ દ્વીપજનો સાવ અણઘડ, કમઅક્કલ અને જંગલી હતા, ને એમના પ્રતિ અન્યાય કરતાં કે ક્રૂર થતાં પશ્ચિમીઓ અચકાયા નહીં. બસો બસો વર્ષની હકુમત પછી ટાપુઓ ૧૯૭૦-૮૦ના દાયકાઓમાં સ્વતંત્રતા મેળવવા માંડ્યા, છતાં હજી સુધી એ રાજ્યસત્તાઓની અસર ત્યાં સ્પષ્ટ જોઈ શકાય છે.

   “આ લોકોએ આપણને કદિ જાણ્યા જ ના હોત તો (એમને માટે) ઘણું વધારે સારું થાત” – કૅપ્ટન જેમ્સ કૂક દ્વારા ૧૭૬૯માં કહેવાયેલા આ શબ્દો જાણે અત્યારે પણ સાચા લાગે છે. ને તોયે, મુસાફર માટે આ જળ-સ્થળ-સંપુટ અનન્ય છે, મુગ્ધકારી છે.
* * *
   પૃથ્વી પરના બીજા દરિયાઓમાંના ટાપુઓ પરની પ્રજા ક્યાંથી આવી હશે, તે મહદ્ અંશે સ્પષ્ટ બનતું હોય છે. પ્રજાજનોના ચહેરા-મહોરા, કદ, ત્વચાનો રંગ, વાળના પ્રકાર વગેરે બાહ્ય ચિહ્નો દ્વારા એમની વંશાવલિ ઓળખવી સહેલી બનતી હોય છે. જેમકે, કરીબિયન ટાપુઓ પરની વસ્તી આફ્રિકાથી લાવવામાં આવેલા કેદીઓથી બની, અથવા હિન્દ મહાસાગરમાંના ટાપુઓ પર ભારતથી ગયેલા લોકોની સંખ્યા વધારે દેખાય. પણ દક્ષિણ પ્રશાંતમાંના ટાપુ-દેશોની પ્રજા એટલી બધી જુદી લાગી કે હું વિચારતી જ રહી કે શું મૂળ હશે આ લોકોનું ? તક મળે ત્યાં આ પ્રશ્ન હું પૂછતી પણ રહી – ત્યાંના લોકોને, અન્ય પ્રવાસીઓને.

   ઘણો રસપ્રદ છે આ પ્રશ્ન, કારણકે આ બધા ટાપુઓ પરના લોકો નથી કાળા, નથી ગોરા. એમને ઘઉંવર્ણા કહી શકાય, પણ પાછા આપણાંથી તો જુદા જ. જોઈને જ કહી અપાય એવી નિશાનીઓ એમનાં મોઢાં ને માથા પર નથી. ચીની-જાપાની જેવી ઝીણી આંખો નહીં, નિગ્રો-સહજ ગૂંચળાં વળેલા વાળ નહીં. પણ તે સાથે, આવી આંખો ને આવા વાળ કોઈ કોઈમાં હોય પણ ખરાં. આખરે મેં તારવણી કરી લીધી કે જાત-જાતનું લોહી અહીં ભેગું થયેલું છે, અને આ પ્રજા સામાન્ય રીતે કરી શકાય તેવી જૂથ-ગૂંથણીથી ભિન્ન છે. આ પછી મારા મગજને થોડી શાંતિ થઈ !! પણ રસ અને આશ્ચર્ય ઓછાં ના થયાં.

   આ વિષે વાંચ્યા અને પૂછપરછ કર્યા પછી એમ લાગે છે કે પ્રશાંતમાંના ટાપુઓ અન્ય દેશોથી તથા એકમેકથી ઘણા દૂર હોવા છતાં, એ જળરાશિમાં અવરજવર ખૂબ થતી રહી. પશ્ચિમે ઇન્ડોનેશિયા, મલેશિયા, ને કદાચ ભારત તરફથી પણ – સાગરખેડુઓ નીકળી આવ્યા, તેમજ પૂર્વમાં દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારાઓ પરથી – ખાસ કરીને ચિલે દેશમાંથી – સાહસિકો આવી પહોંચ્યા. ઇજિપ્ત અને ચીન જેવા દેશોમાંથી પણ સદીઓ પહેલાંના નાવિકો દક્ષિણ પ્રશાંતના ટાપુઓ પર આવ્યા હોવાનું કહેવાય છે, ને આ જાણ્યા પછી પ્રજાના મુખાકાર પર એવી છાંટ પણ જાણે દેખાય ! અદ્ભુત હોય છે અતીતના ઇતિહાસની વિગતો !

   હજારો વર્ષ પહેલાંની આ વિગતો છે, જેમની કલ્પના કરવી પણ મુશ્કેલ. ને છતાં સંમોહક તો ખરી જ. મેલાનેશિઆની પ્રજા પાંચથી દસ હજાર વર્ષ પહેલાં અગ્નિ એશિયાની દિશામાંથી આવેલી ગણાય છે. એ પ્રજા આછી કે ઘેરી બદામી ત્વચાવાળી, ચપટાં નાક ન જાડા હોઠવાળી ને વાંકડિયા વાળવાળી વધારે છે. તો પોલિનેશિઆની પ્રજાની ત્વચા તાંબાના રંગની લાગે ને વાળ સીધા કે ગુચ્છવાળા હોય છે. પણ પાછું આવું ના યે હોય, કારણકે અંદરોઅંદર મિશ્રણ ઘણું થયેલું છે. ટાપુઓ વચ્ચેનાં લાંબા અંતર પછી પણ દેખાવ, વર્તાવ, ભાષા, રીત-રિવાજ વગેરેમાંની સમાનતા આજે પણ કેવળ પ્રવાસીઓને જ નહીં. અભ્યાસીઓને પણ વિસ્મય પમાડ્યા કરે છે. કોણ હતાં એ બધાં, ને ક્યાંથી ખરેખર આવ્યાં હતાં, એ અંગેના અનુમાન પણ આજ સુધી ચાલ્યા જ કરે છે.

   યુરોપીઓએ આરંભિક માહિતી-યુગમાં એટલાન્ટિકના કિનારાની સુરક્ષિતતા છોડીને અજાણ્યા સાગર તરફ નીકળવાની હિંમત કરી એના કેટલાયે લાંબા કાળ પહેલાં, કેવળ ઉપાંત્ય પાષાણ-યુગીય જીવનને જાણતા, એ આદિજનોએ સાદા તરાપા જેવા જળ-યાનોમાં, અતિ-વિસ્તૃત પ્રશાંત મહાસાગરને કઈ રીતે વળોટ્યો હશે ?

   અલબત્ત, આ વિસ્મય અને આદરની પછીતે કઠોર વાસ્તવિકતા પણ હતી. લખતાં-વાંચતાં નહીં જાણતા એ લોકો તારા, પવન, મોજાં, પંખીઓના ઊડવા વગેરે પરથી જે જળ-માર્ગે પોતાને ત્યાંનાં માણસો, પ્રાણીઓ, વનસ્પતિ ઇત્યાદિ અન્ય ટાપુ પર લઈ ગયા, ને ત્યાં સ્થાયી થવાની સાથે એમણે ત્યાં લડાઈ-ઝગડા ને કાપાકાપી પણ કર્યા. કેટલીક આદિ-જાતિઓમાં મનુષ્ય-વધ, તેમજ મનુષ્ય-ભક્ષની પ્રથા પણ હતી, તો વળી ક્યારેક વિજેતા જાતિના આગેવાનો પરાજિત યોદ્ધાઓને પોતાને ત્યાંની સ્ત્રીઓને પરણવાની ફરજ પાડતી. અમુક સમાજોમાં રાજાશાહી દાખલ થઈ હતી, તો અન્યત્ર મુખ્યાધિકારી, પૂજારી, આમાત્ય, જન-સાધારણ ને શૂદ્ર જેવી સમાજ-રચના પણ વિકસી.

   આ મેલાનેશિઆમાં જીવવાદ અને પ્રેતાત્મવાદની પ્રથા સ્થાપિત થઈ, તો પોલેનિશાઆમાં એક સર્વોચ્ચ અગમ્ય ઉપસ્થિતિ પ્રત્યે આસ્થા હતી કે જે સૂર્ય, અગ્નિ, સાગર, જવાળામુખી વગેરેમાં પ્રતિપાદિત દેવ-દેવીઓ પર આધિપત્ય ધરાવતી હતી. આ ટાપુઓમાં જેટલી વિભિન્નતા હતી તેનાથી વધારે સમાનતા હતી, અને છે, અને એ સૌથી વધુ પ્રમાણમાં ત્યાંની ભાષામાં જોવા મળે છે. દક્ષિણ પ્રશાંતમાંની પ્રાચીન ભાષા જેટલે દૂર દૂર સુધી પૃથ્વી પરની કોઈ બીજી ભાષા પ્રસરી નથી.

   આવાં કેટલાંય કારણોને લીધે “સાઉથ પૅસિફિક” કહેવાતો જળ-વિસ્તાર મને પ્રિય થઈ ગયો છે. કિનારાથી મઝધાર સુધીનો મા મને લગાડી ગયો છે. હે અર્ણવ, લે, હવે તું પણ મને ઓળખ.
(ક્રમશ :...)


0 comments


Leave comment