3 - પ્રકરણ : ૩ - પરિચયની થયેલી અકલ્પ્ય લ્હાણ / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   નાંદિ શહેરથી ફિજિના વિમાન-મથકે પહોંચી ત્યારે સામાનના એક્સ-રે કરાવવા માટે ખૂબ લાંબી લાઈન હતી. બસોથી પણ વધારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સવારના પહોરમાં અકળાતા ઊભા હતા ને વધારે આવ્યે જતા હતા. દક્ષિણ પ્રશાંતના ઘણા ટાપુ-દેશો પર જવા માટે ફિજિ મુખ્ય ને મોટું ઉડ્ડયન-કેન્દ્ર છે. સુવિધાનો કે કાર્યકરનો અભાવ છે તેમ ખાસ નથી, પણ અઠવાડિયાના અમુક દિવસે સામટી ફ્લાઈટ થઈ જતી હોય છે. એમાંયે કદાચ શનિવારે તો ખાસ. બધાં ધીરે ધીરે આગળ વધતાં ગયાં અને જાંચ-તપાસ, “ચેક-ઈન” વગેરે પતાવીને અંદર ગયા પછી તો ઘણી જગ્યા ને બેસવાની સગવડ હતાં.

   મેં મોટી ઉંમરનાં ત્રણ ‘ઇન્ડિયનો’ને જોયેલાં. ‘હિન્દુસ્તાની’ – એટલે કે ઉત્તર ભારતીય – કે બિહારી હશે. પછી તો એમને ટૉન્ગા જવા માટેની લાઈનમાં જોયાં. મને થયું, ટૉન્ગામાં ભારતીય જણાં હશે? મેં મનોમન “ના જ પાડી દીધેલી. છેક ‘ગેટ’ પાસેથી એમને પાછાં વાળ્યાં હતાં. એ લોકો ખોટી લાઈનમાં હતાં. ક્યાંથી એમનું વિમાન છૂટવાનું હતું તેની પણ એમને સમજણ નહોતી. અને ક્યારનાં એમનાં નામો સ્પીકરમાંથી સંભળાતાં હતાં, તે પણ એમણે સાંભળ્યાં નહોતાં. સાવ અભણ હશે? કે પછી મુસાફરીથી અનભ્યસ્ત હશે. એમની પોતાની ફ્લાઈટ માટે મોડાં ના પડ્યાં હોય તો સારું.”

   મારી ફ્લાઈટ તો સાવ ટૂંકી હતી – દોઢ જ કલાકની, પણ એમાં નાસ્તો સારો આપ્યો. જો કે એમ તો કોર્નફ્લેકસ, ફળ, નાની કેક, પણ કદાચ એટલુંય ધાર્યું નહોતું. દરેક પ્રવાસીને એક લાંબી,વિગતવાર યાદી આપવામાં આવી જેમાં લખેલું કે કઈ કઈ ચીજવસ્તુઓ ટૉન્ગાના “રૉયલ કિન્ડમ”માં લઈ જવાની કડક મનાઈ છે. જે કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ તથા અન્ય નિયમોનું પાલન નહીં કરે તે દરેકને “દંડ થશે, અથવા જેલમાં પૂરવામાં આવશે, અથવા દંડ ને જેલ બંને કરવામાં આવશે”, એમ સ્પષ્ટ લખેલું. કઈ જાતની જગ્યા હતી આ ભઈ? એ યાદીમાં દૂધ અને દૂધના પાવડરનો પણ સમાવેશ થયેલો હતો, તેથી ડાહ્યાડમરાં થઈને ચોકલેટ દૂધ હું પી ગઈ ને બેએક બિસ્ટિક હતાં તે વિમાનમાં જ મૂકી રાખ્યાં.

   ત્રણ વિભાગવાળું બીજું એક ફોર્મ પણ આપવામાં આવેલું. એમાં પણ બધી વિગતો ભરી. પછી વિમાન ઊતર્યું. સામાન લઈને બહાર નીકળ્યાં ત્યારે કોઈએ કશંન ધ્યાનથી જોયું નહીં ને કશા વિષે કશું પૂછ્યું નહીં. પણ ત્યાં જ સૌથી પહેલી નજર ગઈ એક જાહેરાત પર. “ટેસ્ટ (Taste) ઑફ ઇન્ડિયા” લખેલું હતું. શું? ટૉન્ગાના ‘રાજવી’ટાપુ પર ઇન્ડિયન રેસ્ટોરાં ! તો પાટનગર ‘નુકુ’આલોફામાં શું ખરેખર ‘ઇન્ડિયનો હતાં ? મને એટલી બધી નવાઈ લાગી, ને થયું, “વાહ, દુનિયામાં ‘ઇન્ડિયનો’કયાં નથી ?”

   સાવ જ નાનકડું વિમાન-મથક હતું. પ્રવાસી માહિતી-કેન્દ્ર તો અલબત્ત બંધ હતું. ત્યાંથી કોઈ રહેવાની જગ્યા વિષે તપાસ કરીશ, એમ ધારેલું. હવે શું કરવાનું? માહિતી-કેન્દ્ર ક્યારે ખૂલશે તે પૂછતાં, અને હોટેલ અંગેનો ઉલ્લેખ કરતાં એક સ્થાનિક સ્ત્રીએ બીજી એક સ્થાનિક સ્ત્રી તરફ આંગળી ચીંધી. એ બે-ત્રણ પ્રવાસીઓને લેવા આવી હતી. એ લોકોએ તો ફિજિથી ફોન કરીને રૂમનું આરક્ષણ કરાવેલું, પણ એકાદ વધારે રૂમ ખાલી હતો, જે મને મળી ગયો. વિમાનમાં માંડ ત્રીજા ભાગના પ્રવાસીઓ હતા, તેથી પણ કદાચ રહેવાની જગ્યા મેળવતાં તકલીફ ના પડી.

   ચળકતા દરિયા પર ઊડીને વિમાન આવેલું. એ નીચે ઊતરતું ગયું તેમ ફીણ ફીણ થયેલો. કોઈ જુદી જ જાતનો લાંબો કિનારો, તથા સપાટ લીલી ધરતી નજરે પડવા માંડેલાં. કુટિર જેવાં ગ્રામ્ય ઘરોનો એક ગુચ્છ દેખાયેલો. કોઈ જાતની ભીડ અહીં નહોતી. હજી પાસેઆવતાં ઊંચાં, પાતળાં, નાળિયેરીનાં ઝાડ દેખાયાં. માઈલોના માઈલો સુધી વ્યવસ્થિત, સરસ હરોળમાં એમને ઉગાડાયેલાં હતાં. હૃદ્ય હતું એ દ્રશ્ય અને જુદી હતી એ ધરતી. દોઢ કલાકના ઉડ્ડયનમાં તો બધું બદલાઈ ગયેલું. પહાડોને બદલે સપાટ ભૂમિ, ગાઢ વનને બદલે ગીચ વનસ્પતિ અને ઉષ્ણકટિબંધીય તત્વોની જગ્યા જવાળામુખીય તત્વોએ લીધેલી લાગી. સહેજ વારમાં કુદરત જે રીતે વિભિન્નતા અને વિશિષ્ટતા પ્રદર્શિત કરી આપે, તે મને હંમેશા વિસ્મિત તેમજ આનંદિત કરતી રહે છે. ક્યારેક સૂક્ષ્મ રીતે, તો ક્યારેક સ્પષ્ટ રીતે – પણ બધાં સ્થાન એકમેકથી જુદાં પડતાં હોય છે, પછી કઈ રીતે થંભે પ્રવાસીનાં પગલાં ને ક્યાંથી ખૂટે પ્રવાસીનો સ્થાન-પ્રેમ?

   ચાલીસેક માઈલ લાંબા ટૉન્ગા ટાપુને ફરતે એક મુખ્ય રસ્તો છે. ફુઆ'આમોતુવિમાન-મથક દક્ષિણમાં છે. ત્યાંથી ટાપુના એક માત્ર શહેર નુકુ’આલોફા Nuku’alofa સુધી જવા માટે અડધું લંબાણ કાપવાનું, ને પછી ઉત્તર તરફ જવાનું. એમાં પંદરેક માઈલ થાય. બહુ વાર તો ના લાગવી જોઈએ, અને રસ્તો સાવ ખાલી જ હોય. અમને બીજું વાહન ભાગ્યે જ વચ્ચે મળ્યું હશે, પણ મિનિ-બસનો ચાલક ખૂબ જ ધીરે હાંકતો હતો. કદાચ એ પણ સરકારી કાયદો હશે. તે સિવાય જીવનની ગતિ જ અહીં સાવ ધીમી હતી. ઉતાવળ કરવાની કશી જરૂર જ નહોતી, કારણકે કરવાનું શું હતું ને જવાનુંક્યાં હતું? મેં મારા મનની અંદરની ગતિ પણ ધીમી કરી દીધી. કોઈ પણ જગ્યામાં ગોઠવાઈ જવા માટે, કે એને ગમતી કરવા માટે એ જરૂરી હોય છે કે આગંતુક એની ગતિ અપનાવી લે. બસ, પછી જગ્યા સાથે ઓળખાણ થતાં વાર નથી લાગતી.

   ટોનિ નામના વાંકી જીભ અને સ્મિત વગરના મોઢાવાળા અંગ્રેજની નાની ‘ધર્મશાળા’માં અંદર ત્રણ ને બહાર ત્રણ – એમ છ નાના કમરા હતા. બે જણ સાથે રહે તો અડધા પૈસા થાય. આમેય ભાવ બહુ ઓછો હતો – દિવસના દસ ડૉલર, તેથી મેં મારો જુદો રૂમ રાખી લીધો. દીવાનખાનું અને પાછળનો વરંડો બધાં વાપરી શકતાં. વળી, રસોડું પણ બધાંના વપરાશ માટે હતું. ઓછામાં ઓછા પૈસામાં ફરવામાંગતી પશ્ચિમી યુવા-પ્રજાને રસોડાની સગવડ ઘણી ગમતી હોય છે. દુકાનમાંથી બ્રેડ, બટર, દૂધ, દહીં, છૂટીચ્હા ને કૉફી, શાક, ફળ વગેરે લઈ આવીને જાતે કશું બનાવી લેવાનું ઘણું સસ્તું પડતું હોય છે. શાકાહારી તરીકે મને સરખું ખાવાનું મેળવવાની તકલીફ હોય. રસોડાવાળી જગ્યા ક્યારેક મળી જાય ત્યારે હું પણ બજારમાંથી ઈટાલિયન “મસાલા ભાત” અને ચીની “નૂડલ્સ”નાં પેકેટ ખરીદતી રહું. દિવસે એક ખાણું ક્યાંક બહાર શોધીને ખાઉં ને એક આમ “ઘર”માં ખાઉં! કોઈ ટોનિને ત્યાં સામાન મૂક્યો, રૂમ બંધ કર્યો. નાનકડા એ શહેરની ભૂગોળ જરા સમજી લીધી, ને પહેલી જ વાર દક્ષિણ પ્રશાંતમાંના કોઈ સ્થાનના પથ પર પગ મૂક્યો. ટૉન્ગા ટાપુના એ મુખ્ય શહેરનું નામ નુકુ’આલોફા. યાદ જ ના રહે. “નુકુ’ફાઓલા” કે “નુકુ’આફોલા” જેવું જ બોલી જવાય. દર વખતે ટોનિએ આપેલા સાદા નકશામાં જોવું પડે, ને તો જ સરખું બોલાય ! ૧૭૦ ટાપુઓના બનેલા એ દેશમાં છત્રીસેક પર જ વસ્તી છે. કુલ વસ્તીની ચોક્કસ ગણતરી કરી નથી શકાઈ, પણ એને આશરે દોઢેક લાખની માનવામાં આવે છે. એમાં રાજધાની નુકુ’આલોફાની જનસંખ્યા બાવીસથી પચીસ હજારની હશે. ટૉન્ગા દેશમાં ૧,000થી વધારે વર્ષોથી રાજવી અમલ સ્થાપિત થયેલો છે. સૌ પ્રથમ “તુઈ” (Tui) એટલે કે “King" તરીકે ઓળખાતો રાજવંશ આઠસો વર્ષો સુધી અગ્રેસર રહ્યો. એ પછી તાઉફા’આહાઉ નામના શક્તિમાન તળ-જાતીય આગેવાને ૧૮૩૧માં ખ્રિસ્તી પાદરીઓની સહાયથી “તુઈ” પર વિજય મેળવ્યો, ને આજ સુધી એમનાં વંશજો ટૉન્ગા પર રાજ્ય કરે છે. એમનાં પૌત્રી-રાણી સાલોતે ૧૯૧૮માં ગાદી પર આવ્યાં. એમણે સુડતાલીસ વર્ષ સુધી રાજ્ય કર્યું ને પ્રજાનો ખૂબ પ્રેમ ને આદર પામ્યાં. એમના પુત્ર રાજા તાઉફા'આહાઉ તુપૂ ચોથા ૧૯૬૫માં રાણીના મૃત્યુ પછી ઉત્તરાધિકારી બન્યા. આજે એંશી વર્ષે પણ એ રાજવી પ્રથાને સાચવી રહ્યા છે. ટૉન્ગાને વધારે પડતી પશ્ચિમી અસરોથી દૂર રાખવા મથી રહ્યા છે. એમના પંચાવન વર્ષે પણ કુંવારા, પાટવી કુંવરના હાથમાં શું થશે તે કોઈ કહી શકે તેમ નથી !
   નુકુ’આલોફાના મુખ્ય એવા તાઉફા’આહાઉ માર્ગ પર હું ચાલવા માંડી. સાવ થોડી મોટરોની અવરજવર. ડાબી બાજુ પર મોટા, ખુલ્લા મેદાનમાં રાજવી સમાધિઓ હતી; જમણી બાજુ સેઈન્ટ એન્થનિના નામનું સુંદર દેવળ હતું. પહેલાં શહેરનો થોડો પરિચય મેળવવાના વિચારથી હું “રાજ-માર્ગ” પર આગળ વધી. એના પર તેમજ અન્યત્ર નીચાં મકાનો હતાં. બે માળનાં થોડાં જ હતાં. ને તેથી વધારે તો નીચાં મકાનો હતાં. બે માળનાં થોડા જ હતાં, તેથી વધારે તો એક-બે સરકારી મકાન થયાં હતાં તે જ. જાણે ચાલીસ વર્ષ પહેલાંની જગ્યા હોય તેવું લાગે, છતાં પછાત કે ગામડિયું નહીં. મને તો આવી નાની, ધીમી, સાદી, શાંત જગ્યાઓ ગમે. હું તો કોઈક જાતની નિરાંત અનુભવ્યું, ને જાણે ઘેર હોઉં તેવો નજદીકી અને નિશ્ચિંતતાનોભાવ થાય.

   ત્યાં તો મેં “ભગવાન એન્ડ સન”નામનું મોટું પાટિયું જોયું. દુકાનની અંદર ‘ઇન્ડિયનો’ દેખાયાં. મારા અચરજનો તો પાર નહીં – “ઓહો, ટૉન્ગામાં ખરેખર ‘ઇન્ડિયનો’હતાં જ ત્યારે એમ ને?” મારો સ્વભાવ એવો કે ભારતની બહાર ભારતીય જોઉં તો વાત કરવા, ને “કેમ છો” કહેવા પણ જાઉં તો ખરી જ. ક્યારેક કોઈ અક્કડ રહ્યું હશે, ક્યારેક અપમાન પણ થયું હશે છતાં જરાક વિવેક બતાવવાની ઇચ્છા સાવ ઓગળી નથી ગઈ. “જાઉં કે ના જાઉં”ની ચર્ચા જાત સાથે સહેજ કરી ખરી, પણ પછી દુકાનમાં “કેમ છો” કહેવા જરૂર અંદર ગઈ. તે સાથે ટૉન્ગામાંના મારા દિવસો વિશિષ્ટ બની ગયા. મને ક્યારેય અજાણ્યા ભારતીયો કે ‘ઇન્ડિયનો’ની સંગત કે હૂંફ મળી નથી, પણ સ્વાભાવિક મિત્રતા દાખવવાનો સ્વભાવ નહીં ત્યજવાને કારણે એ બંને મને ટૉન્ગામાં પ્રાપ્ત થયાં. જીવ અનહદ આનંદ પામ્યો.

   આધેડ વયના બંને ભાઈઓ તો જન્મેલા જ ટૉન્ગામાં. એમના દાદા લગભગ એકસો વર્ષ પહેલાં ફિજિને બદલે ટૉન્ગામાં આવી વસેલા. પછી પત્ની-પુત્રને બોલાવી લીધેલાં. આ આધેડ પૌત્રોની પત્નીઓ ફિજિથી આવેલી. પણ બધાંનાં મૂળ સુરત-નવસારીમાં બે દંપતી વચ્ચે એક જ સંતાન, ને તે યુવાન દીકરી. એને માટે જમાઈ છેક ચિખલીથીશોધેલો, ને એને ટૉન્ગા આવ્યે હજી બે મહિના પણ નહોતા થયા. આ છયે જણ દુકાન સાથે સંકળાયેલાં. જોકે એક સ્ત્રી રસોઈનું સંભાળવા ઘેર રહે, ને વખતોવખત જ દુકાને આવે. જમાઈ તો જાણે “દુકાન ચલાવવા” જ આવેલા પણ ગુજરાતના એ વિસ્તારમાંથી બબ્બે વર્ષના કોન્ટ્રાક્ટ પર સકુટુંબ લાવવામાં આવેલા બીજા બે યુવકો પણ ત્યાં હતા. મને તો એવી નવાઈ લાગેલી કે જાણે દુનિયામાં કશું જોયું કે જાણ્યું જ ના હોય !

   ભગવાન-પરિવારની પત્નીઓએ સહજ ને સરસ રીતે વાતો ઘણી કરી, પણ બીજી કોઈ મહેમાનગીરી દર્શાવી નહીં. શાકાહારી હોવાની વાત નીકળતાં દીકરીએ કહ્યું, “તો તમારે ઇન્ડિયન રેસ્ટોરાંમાં જવું પડશે.” મને થયું તો ખરું કે એકલા મુસાફરને ઘેર આવવાનું ના કહ્યું, પણ એ મેં મન પર લીધું નહીં. સારી રીતની વાતોનો આવકાર પણ ક્યાં બધાં પાસેથી મળતો હોય છે? હંસાબહેન અને કાંતાબહેને પોતાની રીતે મને ઘણી માહિતી આપી. ટૉન્ગામાં ત્રણ મૂળ ગુજરાતી કુટુંબો. દરેકમાં વયસ્ક પેઢીનાં સદસ્ય ટૉન્ગાનાં, વહુ ને જમાઈઓને ફિજિથી મેળવેલાં. બધાં સોની અથવા ખત્રી. બાજુમાં ત્રણ બીજી દુકાનો હતી – “પ્રેમ”, લલિતા” અને “નરોત્તમ.” એ બધાં થઈને પચીસેક જણ. એમને ત્યાં કામ કરનારા અને કુટુંબીઓ થઈને દસ-બાર જણ; અને ‘એશિયન પેઈન્ટની નવી થયેલી ઑફિસમાં બદલી લઈને આવેલાં દસ-બાર જણ. આમ, મુખ્યત્વે પચાસેક ‘ઇન્ડિયન’ થયાં. બીજાં થોડાં ફિજિથી કામ કરવા આવેલાં ઉમેરી શકાય. પણ તોયે એકસોથી વધારે ‘ઇન્ડિયન’ ટૉન્ગામાં નહીં હોય.

   બે-પાંચ વર્ષથી દિવાળીને નામે આ લોકો થોડી પૂજા કરવા માંડ્યાં છે. હજી મંદિર થયું નથી, તે ભલે. ધર્મ-ભાવમાંથી ક્યારે વિખવાદ શરૂ થઈ જાય છે તેની ધારણા કરી શકાતી નથી. વળી, ટૉન્ગામાં હજી સુધી ‘ઇન્ડિયનો’નું જીવન સુખી છે, સુરક્ષિત છે. દુકાનોમાંથી આ કુટુંબોએ સારા પૈસા બનાવ્યા છે, પણ હજી એ બધાં અળખામણાં નથી બન્યાં. બધાં મોટા બંગલામાં રહે છે. અમુકને મોટા બગીચા પણ હોય છે. આવા એકાદ મોટા કમ્પાઉન્ડમાં નવરાત્રના ગરબાપણ યોજાય છે. આ વર્ષે કદાચ શરદપૂનમ પર ગરબા થશે, એમ બહેનોએ મને કહ્યું. છેલ્લે એક પૂછે, “તમે બહુ ભણ્યાં હશો, નહીં?”

   નુકુ’આલોફાના રસ્તાઓમાં ફરતાં મેં ઘણા ચીની લોકોને જોયા, ને એની પણ મને નવાઈ લાગી. પૃથ્વીના ગોળા પર ક્યાં ચીન,ક્યાં ટૉન્ગા. રસ્તા પર કામ વગર ફરતો કોઈ ચીનો ના દેખાય. પણ ઠેર ઠેર અને લગભગ દરેક ખૂણા પરની જગ્યાએ ચીની “જનરલ સ્ટોર્સ” થઈ ગયા હતા. ખરીદનાર અંદર જાય નહીં. વેચનાર બહાર જાય નહીં. સાંકડી લાંબી જગ્યાની બહારની તરફ લોખંડી સળિયાની જાળી હોય. વસ્તુઓ દીવાલ-સરસી ગોઠવેલી હોય. બધું જ મળે, શું શું મળે તે બધાં જાણતાં જ હોય. કોઈ સામટું ખરીદવા ના આવે. એક સિગારેટ, કે બિસ્કિટનું પૅકેટ, કે એકાદ ચોકલેટ – એવું એવું. પણ આખો દિવસ ને રાત સુધી જાળીમાંથી આ આપ-લે ચાલ્યા કરે. જાળીની પાછળ કિશોર કે કિશોરી હોય કે ચીની માતા. પુરુષ ભાગ્યે જ જોયા હશે. કદાચ એ બીજે કામ કરવા જતા રહેતા હશે.

   ચીની દુકાનો ચોખ્ખી હોય. ચીની સ્ત્રીઓ કચરો કાઢતી ને પોતું કરતી દેખાય. પણ કોઈ સાથે આ ચીનીઓ મિત્રતા ના કરે. ટૉન્ગા અને ચીની સરકારની સાથે થયેલી કોઈ સમજૂતીને કારણે એ લોકો આટલે દૂર આવ્યાં ને સારી જિંદગી પામ્યા, પણ બંને પ્રજાઓ પરસ્પર સાથે અતડી જ રહેલી છે. મને એક વાર એક ટૉન્ગન સ્ત્રીએ કહેલું : “મને ચીની ખાવાનું ઘણું ભાવે છે, પણ હું ચીની વીશીમાં જમું જ નહીં. શું ખવડાવી દે તે કહેવાય નહીં.” સ્થાનિક ટૉન્ગન લોકોને ચીનીઓમાં જરાપણ વિશ્વાસ નથી. એ લોકો માને છે કે ચીનીઓ તો કૂતરાં-બિલાડાંને મારીને પણ રાંધી નાખે.

   ટૉન્ગાના ‘ઇન્ડિયનો’ મને કહે, “આ ચીનાઓ અહીં કોઈને ગમતા નથી.” મને થાય, “કંઈ કેટલી જગ્યાએ ‘ઇન્ડિયનો’ કોઈને ગમતા નથી હોતા”, પણ મેં એવું એમને કહ્યું નહીં. બપોર સુધીમાં બીજાં કેટલાંક ‘ઇન્ડિયનો’ને ખબર પડી ગઈ હતી કે એક જણ ગુજરાતથી ટૉન્ગા ફરવા આવ્યું છે ! જોકે એ પહેલે દિવસે હું બીજી કોઈ ‘ઇન્ડિયન’દુકાનમાં ગઈ નહોતી. શહેરનો પરિચય કેળવવા રસ્તાઓમાં, મુખ્ય માર્કેટમાં ને કિનારા સુધી ફર્યા કરેલું. એક દેખાવડી ‘ઇન્ડિયન’વહુ માર્કેટમાં મળી ગયેલી. મને, અલબત્ત, ઓળખે નહીં, પણ હંસાબહેન પાસેથી સાંભળેલું એટલે તરત વાત કરવા આવેલી. કહે, “શરદપૂનમના ગરબામાં ચોક્કસ આવવાનું છે.”

   રવિવારે બજાર બંધ હોય, અને હું ટાપુનાં દૂરનાં જોવાલાયક સ્થાનોના પ્રવાસે ગઈ હતી. સોમવારે ‘નરોત્તમ’ દુકાનના યુગલ સાથે અને ‘પ્રેમા’દુકાનના માલિક મહિલા સાથે થોડી વાત કરી આવી. છેક સાડા ચાર વાગ્યે ‘ભગવાન’ દુકાન પર “કેમ છો” કરવા ગઈ, ત્યારે કાન્તાબહેને મને જમવા જવા માટે આમંત્રી. કહે, “આજે રાતે મગ બનાવવાના છે, તો તમે જમવા આવો.” ઘરમાં વારાફરતી માછ ને મરઘી પણ બને, ને એ બધાં જ ખાય, તેથી મને એ પહેલે દિવસે આવવાનું કહી શક્યાં નહોતાં. પાંચ-સવા પાંચ વાગ્યે દુકાન બંધ કરીને એમની સાથે મોટરમાં હું એમને ઘેર ગઈ. પહેલાં તો ફટાફટ ભજિયાં બન્યાં, આ સાથે બધાંએ ખાધાં, પછી નિરાંતે અમે જમ્યાં. એમના વડ–સસરાને ટૉન્ગાના રાજાએ પાછા ફિજિ જતા અટકાવ્યા હતા. એ તો થઈ પંચાણુ વર્ષ પહેલાંની વાત, પણ ત્યારથી જ વંશજો ટૉન્ગામાં ઠરીઠામ થયાં. અને હજી પ્રસ્તુત રાજા સાથે “ઘર જેવો” સંબંધ છે. હમણાં સુધી, ને કદાચ હજી વહુઓ ફિજિના ખત્રી સમાજમાંથી શોધી લવાતી. એથીયે પહેલાં ફિજિના ‘ઇન્ડિયન’ પુરુષો પત્ની લાવવા નવસારી તરફ જતા. હવે એવો સમય આવ્યો છે કે જ્યારે ટૉન્ગા અને ફિજિમાં જન્મેલી-ઉછરેલી કન્યાઓ માટે જમાઈ છેક નવસારી જઈને મેળવવામાં આવે છે !
* * *
   નુકુ’આલોફામાં કરવાનું કે જોવાનું ખાસ કાંઈ નહીં, પણ હું કંટાળ્યા વગર એના રસ્તાઓ પર ચાલ્યા કરું. થોડું આઘે પણ જાઉં. કશું ને કશું નવું જોવા મળી જાય, નહીં તો જોયેલું ફરી જોઉં. એક બપોરે ‘પ્રેમા’નાં સુમિત્રાબહેન આગ્રહ કરીને જમવા લઈ ગયાં. એક કાફેમાં હંમેશાં ભીડ હોય. ફિરંગીઓમાં એ ઘણું પસંદનું લાગ્યું. ત્યારે એમણે પોતાના જીવનની કહાણી મને કહી. એ સુરતનાં મોચીનીજાતનાં. ત્યાં એક દીકરો કે દીકરી હતાં, પણ વર અને સાસુનો અત્યંત ત્રાસ હતો. માંડ છૂટાછેડા મળ્યા, પછી લોકોને ઘેર કચરાપોતાં કરી થોડાં વર્ષ ગાળ્યાં. તક ઊભી થતાં, મોટી ઉંમરના વિધુરને પરણી વીસેક વર્ષ પહેલાં એ ટૉન્ગા આવ્યાં. અહીં બે દીકરીઓ થઈ. ત્રણ-ચાર વર્ષ પહેલાં એ વિધવા થયાં. ઘરની મોટી દુકાન સાવકો દીકરો ચલાવે છે, ને બધાં સંપીને એક મોટા બંગલામાં ઉપર-નીચે રહે છે.

   દરેક ટૉન્ગન-ગુજરાતી મને પૂછે, “બધાંને મળ્યાં?” ‘લલિતા’ દુકાનમાં હું હજી ગઈ નહોતી. દરેક જણ કહે, “જઈ આવોને. મળી આવોને.” તેથી પણ હું જઈ આવી હતી. સાસુ અને વહુએ તો સારી રીતે વાત કરી જ, સસરા પણ ભાવથી બોલ્યા. એકવાર માર્કેટની પાસે એક સિંધી ભાઈ મળી ગયેલા. તરત જ બોલવા માંડેલા. હૉન્ગકૉન્ગની એક કંપની માટે કામ કરવા એ દક્ષિણ પ્રશાંતના ટાપુ-દેશોમાં આવ્યા હતા. એમાંથી વીસેક વર્ષ પહેલાં ટૉન્ગામાં જ રહી ગયા, સામોઆ ટાપુની સ્ત્રીને પરણ્યા. એમને એક દીકરો ને એક દીકરી હતાં. મને કહે, “એ બંને કોલેજનું ભણવા તો ન્યૂઝીલેન્ડ જ જશે.” થોડાં વર્ષો નોકરી કરી ને છોડી દીધી. હવે જાતે મરઘી ઉછેરે છે. એમણે સારો ધંધો જમાવ્યો છે. ઘરમાં હિન્દી ફિલ્મોની વિડિયો ભાડે આપવાનો ધંધો પણ એ કરતા હતા. બીજા પણ બે-ત્રણ બિઝનેસ કરું છું, એમણે કહેલું. રહે ક્યાંના ક્યાં ટૉન્ગામાં, પણ ટેલિફોન વગેરેથી આખી દુનિયા સાથે સંપર્ક રાખે.

   ઘણાં ‘ઇન્ડિયનો’ પૂરેપૂરા ઇન્ડિયન જ રહેવાના. હોંશિયારીનો પાર નહીં અને જાતનો જ વિચાર કરવાના. મને ટૉન્ગામાં પહેલે જ દિવસે ફિજિનો એક યુવાન ઇન્ડિયન બે મિનિટ માટે મળી ગયેલો. એ ઑડિટર હતો ને ટૉન્ગાની કેટલીક કંપનીઓના ઑડિટ કરવા માટે વખતોવખત ફિજિથી આવતો હતો. ટૉન્ગા ખ્રિસ્તી ધર્મને અત્યંત શિસ્તથી પાળે છે અને રવિવાર ચર્ચમાં જવા માટે, પ્રાર્થના-રત રહેવા માટે રાખે છે. કાયદો જ એવો કરેલો છે કે રવિવારે કશું પણ કામ કરતાં કોઈ પકડાય તો એને દંડ થાય. આ ‘ઇન્ડિયન’ ઑડિટર સાવધીમેથી મને કહે, “હું ટૉન્ગામાં હોઉં ત્યારે હંમેશાં રવિવારે કામ ચાલુ રાખું છું, કે જેથી જલદી પતી જાય. અબલત્ત, કોઈ સત્તાધિકારીને જાણ ના થાય તે રીતે.”

   છેવટે શરદ પૂર્ણિમાનો દિવસ ઊગ્યો, પણ વાદળિયો. વરસાદ ચોક્કસ પડશે એમ લાગતું હતું. તો રાતે ગરબાનું શું થશે? કોણ કહી શકે? બપોરે ઝરમર શરૂ થઈ ગયેલી. સૂરજ વગરનો દિવસ સહ્ય બન્યો હતો. સરસ હવા પણ હતી. હરતાંફરતાં ચારેય ‘ઇન્ડિયન’ દુકાનોમાં જઈ ચારેય કુટુંબનોને મળી આવ્યાં – બધાં જોકે રાતે ગરબામાં તો મળવાનાં જ. સદ્દભાગ્યે મેં એક સાડી સામાનમાં રાખેલી. ફૂલગુલાબી રંગની રેશમી સાડી ગરબા માટે ચાલી જાય તેમ હતી – જો ગરબા થાય તો !

   સાડા ચાર વાગ્યે સુમિત્રાબહેનની સાથે ગાડીમાં હું એમને ઘેર ગઈ. ખૂબ મોટો બંગલો. બધું વ્યવસ્થિત ગોઠવેલું. કમ્પાઉન્ડ તો ખરેખર ખૂબ વિશાળ હતું – ટેનિસ કોર્ટથી પણ મોટું. સરસ ઘાસ ઊગેલું હતું. એક છેડે નાના તંબુ નીચે મ્યુઝિક-સિસ્ટમ મૂકી દેવાઈ હતી. બીજી તરફ એવા બીજા બે તંબુ નીચે બેસવા માટે થોડી ખુરશીઓ અને ખાવાનાં માટે ટેબલ મૂક્યાં હતાં. અમુક કુટુંબો સૂકો નાસ્તો લેતાં આવવાનાં હતાં, પણ વધારે ચીજો સુમિત્રાબહેનને ત્યાંની ટોન્ગન બાઈ બનાવવાની હતી. આટલાં વર્ષોમાં એ બધું શીખી ગઈ હતી !

   આઠ વાગતામાં ઘણા લોકો આવી ગયા. સિત્તેરેક જણ ભેગાં થયાં હતાં. ‘ઇન્ડિયનો’નું મિશ્રણ હતું – થોડાં ભારતનાં, બાકી ફિજિનાં ને ટૉન્ગાનાં. આ મિશ્રણમાં ગુજરાતી, હિન્દુસ્તાની, બે-ચાર દક્ષિણ ભારતીય, એક સિંધી વગેરે હતાં. પહેલાં તો થાળ જેવો મોટો રૂપેરી ચંદ્ર સરસ સ્પષ્ટ દેખાયો. એની દ્રષ્ટિ સામે અમે ગરબા શરૂ કર્યા. ઝરમર શરૂ થઈ, પણ અમે અટક્યા નહીં. ઘાસ ભીનું થતું ગયું. વરસાદ ધોધમાર પડવા માંડ્યો, ત્યારે નછૂટકે બધાં અટક્યાં. જાતજાતનો તળેલો નાસ્તો હતો – ખારી પૂરી, નમકપારા, ફૂલવડી, શેવો –જાડી ને ઝીણી, ચવાણું, સમોસા, પકોડાં વગેરે. એ દરમ્યાન હિન્દી સિનેમાનાં ગીતો વાગ્યાં.
    મેં જોયું કે લગભગ બધાં ‘ઇન્ડિયન’દરરોજ હિન્દી ફિલ્મ જોયે રાખતાં હતાં. ટૉન્ગાના ટી.વી. પર તો ખાસ કોઈ કાર્યક્રમ આવે નહીં, પણ વિડિયોના જમાનામાં ક્યાં એની જરૂર રહી? દરેક ઘરમાં વિડિયો ચાલુ જ રહેતો લાગ્યો. ફિલ્મ સ્ટાર્સની પાછળ આ લોકો પણ એટલા જ “ગાંડા” લાગ્યા. લોકપ્રિય બનેલાં ગીતો પરનાં નૃત્ય પણ અમુક છોકરીઓ કરવા માંડેલી. બે ટૉન્ગન છોકરીઓને પણ હિન્દી ફિલ્મોનો છંદ લાગી ગયેલો, ને એ બે જણીઓ નૃત્ય પણ શીખી ગયેલી. નાનાં-મોટાં બધાંને જાણે આ જ શોખ. વિડિયો જોવાના, ગીતો સાંભળ્યા કરવાનાં ને સ્ટાર્સની વાતો કર્યા કરવાની. બીજાં કોઈ શોખ, રસ કે પ્રવૃત્તિ જ નહીં.

   મને આ બાબતથી પણ બહુ જ આશ્ચર્ય થયું – “છેક અહીં ટૉન્ગામાં પણ આ જ?” અજ્ઞાની પણ હું જને! આખી દુનિયામાંનાં ‘ઇન્ડિયનો’ને આ છંદ લાગેલો છે, તે ક્યાં દેખીતું નથી? હવે આશ્ચર્ય પામવાનો જમાનો પણ પાછળ રહી ગયો છે – ક્યાંયે પાછળ. હકીકત તો એ લાગે છે કે હું જ ક્યાંક પાછળ પડેલી છે. આજકાલ તો જાણે જેને સિનેમાની જાણકારી ના હોય તે અન્યને અભણ લાગતાં હશે !

   વળી, એટલા બધા મોટા અવાજે ગીતો તેમજ ગરબા વગાડાતાં હતાં કે કાનમાં દુઃખે. બેએક વાર મેં ધીમો પણ કર્યો, ને કોઈ બીજું પાછો અવાજ વધારી દે. મેં પૂછ્યું પણ ખરું કે આજુબાજુ રહેનારાંને તકલીફ નહીં થાય ? ઘોંઘાટની ફરિયાદ નહીં કરે એ લોકો? તો જવાબ મળ્યો કે “અરે, એમને તો મોટા અવાજ ને ઘોંઘાટ બહુ જ ગમે !!!”

   વરસાદથી લથબથ થયેલા ઘાસમાં અમે રાસ તો કર્યો જ. પગ કાદવવાળા થયા, સાડીની કોર ભીની થઈ, ફરવું બહુ ફાવ્યું નહીં, પણ રાસ કાંઈ ચુકાય? ફરીથી સ્પષ્ટ ને અનાવૃત્ત થઈ આવેલો પૂર્ણચંદ્ર પણ એ માટે નક્કી જવાબદાર હતો !

   આ ચારેય કુટુંબનાં સદસ્ય ફરીથી મળ્યાં. એમાંના એકે મને નહીં બોલાવી શક્યાનો ખેદ વ્યક્ત કર્યો. બીજા કોઈએ ફરી ટૉન્ગા આવવાનુંઆમંત્રણ આપ્યું. ફરી ત્યાં જવાની કોઈ શક્યતા કે આવશ્યકતા મને દેખાઈ નહોતી. કાંતાબહેને આટલા દિવસમાં મને ત્રણેક વાર કહેલું કે રહેવા માટે ટૉન્ગા બહુ સારી જગ્યા છે. અને એટલી જ વાર પૂછેલું કે “ટૉન્ગા ગમી જાય તેવી જગ્યા છે, નહીં?” મેં હા-એ- હા જ કરેલી. એમનું તો એ ઘર હતું. ના પાડીને શું દુભવવો એમના જીવને?

   પણ હવે જ્યારે એ સર્વને તેમજ ટૉન્ગામાંના શાંત, ધીમા, સૂર્યથી તપેલા દિવસો યાદ કરું છું ત્યારે મન એને માટે તલસાટ અનુભવે છે. હવે હું જવાબ આપું છું, “હા, હા, ટૉન્ગા ગમી જાય તેવું જ છે. અલબત્ત, જે ઘર હોય તે સારું જ હોયને.
(ક્રમશ :...)


0 comments


Leave comment