4 - પ્રકરણ : ૪ - લોકજીવનના તાણાવાણા / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   દક્ષિણ પ્રશાંત મહાસાગરના મહા-વિસ્તૃત જળરાશિમાં આવેલા ચૌદેક દીપ-દેશોમાંનો એક તે ટૉન્ગા. આ દરેક દેશસમુદ્રમાં છૂટાછવાયા રહેલા અનેક નાનકડા ટાપુઓના સમૂહ-રૂપે રહેલો હોય છે. એમાંના કેટલાક પર જ જન-જીવન વસ્યું ને વિકસ્યું હોય. ઉપરાંત, દરેક દ્વીપ-દેશના મુખ્ય બે કે ત્રણ ટાપુઓનાં નામ જ નકશામાં ચડ્યાં હોય અને પ્રવાસીઓમાં ચર્ચાતાં હોય. બધાં નામ જલ્દી જીભે ના ચડે અને તરત યાદ પણ ના રહે. ફિજિના બે મુખ્ય ટાપુ તે “વિતિ લેવુ” અને “વાનુઆ લેવુ.” એમાં ત્રીજો ગણવો હોય તો ટપકા જેવો તાવેઉનિ ટાપુ. તે રીતે ટૉન્ગાના બે એવા જ નાના ટાપુનાં નામ “વાવાંઉ” અને “હા’આપાઈ” છે. તો પાટનગર નકુ'આલોફા જેના પર વસેલું છે તેનું નામ “ટૉન્ગાટાપુ.”

   ટૉન્ગા દેશના મુખ્ય દ્વીપનું નામ ખરેખર “ટૉન્ગાટાપુ” છે. ‘ટાપુ' શબ્દ તો આપણને કેટલો બધો પરિચિત છે, તે દક્ષિણ પ્રશાંતમાં કઈ રીતે વપરાતો થયો હશે? મને ખાસ્સે કુતૂહલ થયેલું ને એનાં સંદર્ભ, અર્થ વગેરે મેળવવા મેં પ્રયત્ન પણ કરેલો. ત્રણેક સમજૂતી મળેલી – બે ટૉન્ગા વિષે વાંચતાં અને એક ત્યાં ગયા પછી. જે જગ્યાએ રૂમ ભાડે લીધેલો તેના માલિક ટોનિએ કહ્યું કે “ટાપુ” એટલે ‘ટાબુ’ (Tabu) – એટલે કે જે નિષિદ્ધ હોય તે. ટૉન્ગામાં અંગ્રેજી ‘Taboo’ શબ્દની જગ્યાએ વપરાય છે તો ‘Tapu’ જ પણ આ સમજૂતી મને ગળે ઊતરી નહોતી.

   ટૉન્ગાના લોકો ‘ટોન્ગા’શબ્દનો અર્થ “ઉદ્યાન” કરવા પ્રેરાય છે. ખરેખર મકાનો અને રસ્તા સિવાયનો ભૂમિનો દરેકે દરેક ઈંચવનસ્પતિથી ભરચક તેમજ લીલોછમ છે. જંગલી ઘાંસ ને ઊંચાં વૃક્ષ જ નહીં, પણ એ ફળદ્રુપ જમીન પરથી કેળાં, અળવી, સાબુદાણા, દુધી, ટામેટાં, તરબૂચ ઇત્યાદિ જાતજાતનાં ફળ અને શાકનો ફાલ આખું વર્ષ ઊતરતો જ રહે છે. ઉપરાંત, નાળિયેરીનું પ્રાચુર્ય તો ગજબનું છે. સ્થાનિક ટૉન્ગાનો માટે “ટૉન્ગાટાપુ”નો ગમતો અર્થ “પવિત્ર ઉદ્યાન” થાય છે.

   પુરાણી પોલિનેશિયન ભાષા પ્રમાણે “ટૉન્ગા” શબ્દ ‘દક્ષિણ’ સૂચવે છે. કારણ એ પણ ખરું કે સામોઆ ટાપુઓના જે રાજવીદેશમાં પોલિનેશિયન નાવિકો સૌ પ્રથમ વસ્યા હતા, ત્યાંથી દક્ષિણે આવેલા આ ટૉન્ગા રાજવી-દેશમાં તેઓ ચડાઈ કરી ગયા હતા. “ટાપુ”નો અર્થ એ ભાષામાં ‘સુરક્ષિત’થાય છે. આમ, પોતાના પગ પર સ્થિર થયેલો “ટૉન્ગાટાપુ” એટલે “દક્ષિણમાં આવેલું સુરક્ષિત સ્થાન.” સામોઆની દક્ષિણનો સંદર્ભ ભૌગોલિક રીતે સાચો છે જ. વળી, આ બધો દક્ષિણ પ્રશાંતનો ભાગ તો હતો જ. તેથી હું આ સમજૂતીને સાચી માનવા પ્રેરાઉં છું.

   આપણી ભાષામાંના ‘ટાપુ’ શબ્દ સાથે એનું કોઈ સંધાન મને મળ્યું નથી. કદાચ કશું સંધાન હોય પણ નહીં. છતાં આ સાવ સરખો શબ્દ ક્યાંથી આવે? તેથી મનમાં ઊંડે ઊંડે હજી એ શક્યતાનો ભાવ ટકેલો છે ! હકીકતમાં, આ પોલિનેશિયન પ્રજા હજારો વર્ષના વિશિષ્ટ વિભિન્ન-જાતીય મિશ્રણમાંથી બની ગણાય છે. એક અનુમાન મૉન્ગોલિઆ પ્રતિ નિર્દેશ કરે છે, તો અન્ય મત દક્ષિણ અમેરિકાના તટ-દેશો પર ભાર મૂકે છે. ઉપરાંત, ઇન્ડોનેશિયા, આજના ઇરાક-ઇરાન અને અરબ, આફ્રિકા વચ્ચેની દરિયાઈ અવરજવર પણ પોલિનેશિયન પ્રજાના બંધારણમાં કારણભૂત ગણાય છે. આમાં ઇન્ડિયાના ખારવા પણ નિમિત્તે બન્યા હોય તે જરૂર શક્ય છે. અનેકવિધ સામગ્રી તથા વસ્તુઓની સાથે તે તે ભાષાનાં છાંટણાં પણ થતાં ગયાં હશે, તેમ માનવું સ્વાભાવિક લાગે છે. જોકે આવી બધી વિચારણા ને તારવણીને અંતે પણ એ શબ્દના અર્થ સાથેનો સંબંધ સિદ્ધ નથી થતો.

   ટૉન્ગામાંના દિવસો આવી વિચારણામાં, અને ત્યાંના લોકો એમના જીવનના નિરીક્ષણમાં આનંદમાં વીત્યા. આ પ્રજાજનોનાં જીવન સાદાંછે, પણ સુખી છે. એમના સ્વભાવ એટલા સાલસ છે કે ખરાબ મિજાજની ભાગ્યે જ કોઈ વ્યક્તિ જોવા મળે. મોટા ભાગના લોકો વાત કરવા ને સ્મિત આપવા તત્પર હોય – જાણે ક્યારે આંખ મળે ને ક્યારે હસીએ ! મને બહુ જ ગમ્યો આ સ્વભાવ. મારા પોતાના ગામના રસ્તાઓમાં ફરતી હોઉં તેવું જ મને લાગે.

   ક્યારેક મારા જ મનમાં વિચારોની એક જટિલ આકૃતિ બનતી હું જોઉં : જેમકે, દેશે દેશમાં ઘણી વાર શ્વેત-રંગી સ્ત્રી-પ્રવાસીને સ્થાનિક યુવકોની – ક્યારેક યુવતીઓની પણ – કંપનીમાં જોઉં. સ્થાનિકો સાથે મૈત્રી બની હોય એવું લાગે. એવું મારે જાણે ક્યારેય ના બને કે સાવ ભાગ્યે જ બને. કારણમાં હું પોતે જ સ્થાનિક જેવી લાગતી હોઉં તે હોય. આમ જુઓ તો મને સ્થાનિક જેવાં લાગવું ઘણું ગમે છે. એ રીતે હું એમની સાથે ઐક્ય અનુભવું. પોલિનેશિયાની સ્ત્રીઓ સાથે સરખી લાગું તેથી ત્રણ વર્ષથી મેં વાળ વધારેલા. તો પછી જો સ્થાનિક ગણીને મારી સાથે વધારે પડતું બોલવા ના આવે તો એમનો વાંક પણ ના કઢાયને!

   આથીયે અલગ સત્ય એ છે કે સ્થાનિકોને ખબર પડી જતી હોય છે કે ખરેખર હું સ્થાનિક નથી. એ લોકો જાણે છે કે હું એમના જેવી જરાક લાગતી હોઉં છું. દક્ષિણ પ્રશાંતના આ પરિસરમાંના આ લોકો માની લે છે કે હું ફિજિની ‘ઇન્ડિયન’ હોઈશ. હું જ્યારે કહું, “ના, ઇન્ડિયાની છું”, ત્યારે મોટા ભાગનાં કહેશે, “ઓહ.” એમને ગમે ખરું કે હું છેક ભારતની છું, પણ વધારે શું કહેવું તેની ખબર ના પડે. મને સૌથી વધારે ચીડ એની ચડે કે બધા શ્વેત પ્રવાસીઓ મને સ્થાનિક માની લે. એનો અર્થ એ કે એમની આંખોમાં મારી (તેમજ સ્થાનિકોની) કોઈ ખાસ ગણતરી ના હોય.

   જુદાં હોઈએ ને સરખાં પણ હોઈએ, જુદાં પણ થવું હોય ને સરખાં પણ થવું હોય – જાણે એક જ સમયે કેવી જટિલ હોય છે ઇચ્છાઓ ! છતાં નિઃશંક હું જાતને ભૂલવા તૈયાર – બબ્બે તત્પર – હોઉં છું; ને તે સાથે, જ્યારે અપમાન અને અવગણના મળે ત્યારે ઉદાસ પણ થાઉં છું. સૌથી મુખ્ય બાબત એ રહી છે કે ઘણું બધુંસહન કર્યા પછી પણ પ્રવાસ કરવાનું છોડી શકતી નથી. સ્થાનો માટેનાં પ્રેમ તથા ખેંચાણ મારા જીવનમાં આનંદ તથા સંતોષનો મોટામાં મોટો સ્રોત બનીને રહેલાં છે.
* * *
   નુકુ’આલોફાના મુખ્ય માર્ગ તાઉફા’આહાઉ રોડ પર આખો દિવસ મોટરોની અવરજવર ચાલુ રહેતી હતી – ભલે આછી હોય, ધીમી હોય. પણ બીજા કોઈ રસ્તા પર ભાગ્યે જ કોઈ વાહન આવ-જા કરતું હોય. શહેરમાં ને દેશમાં વાહનો જ નામનાં. આપણા પોતાના ઘરની જે કલ્પના હોય – થોડાં ઝાડની છાયાવાળા, ધૂળિયા જેવા લાગતા શાંત રસ્તા – તેવું જ હતું આ સ્થાન. મને તરત એ ઘર જેવું ને નજીકનું લાગવા માંડેલું. ત્યાં કરવાનું તો કાંઈ હતું નહીં તેથી આસપાસના રસ્તાઓ પર હું ચાલ્યા કરતી હતી. બૅન્ક, એરલાઈન ઑફિસ,હસ્તકળાની દુકાનો, માર્કેટ અને ખાવાની નાની જગ્યાઓમાં શાકાહારી ખાવાનું શોધવા આંટા માર્યા કરતી હતી ! દિવસે તડકો એવો ચડેલો હોય કે આંખો બળે. છાયામાં હંમેશાં સારું લાગે ને ચારેક વાગતાંમાં તો સાંજની ઠંડકનો અંદેશો આવી જાય. હું સવારે બહાર નીકળું, બપોરનું ખાણું ક્યાંક બેસીને ખાઈ લઉં, ને બેથી ચારનો સમય રહેવાસના પાછલા વરંડામાં વાંચતાં કે લખતાં વિતાવું. એ પછી ફરીથી બહાર નીકળું. ત્યાંના ‘ઇન્ડિયનો’ને મળવામાં, એમની સાથે વાતો કરવામાં પણ રોજ થોડો થોડો સમય જતો. સ્થાનિક ટૉન્ગન સાથે વાત કરવાની તક પણ ક્યારેક મળતી હતી. પણ મેં નોંધ્યું કે જાળીવાળી લાંબી, સાંકડી દુકાનોમાં ઊભેલાં, બેઠેલાં, કામ કરતાં કોઈ ચીની સાથે એવો મોકો ઊભો જ ના થતો. એ બધાં હંમેશાં સાવ અતડાં જ રહેતાં. મને સામે સ્મિત પણ ના મળતું, તો વાત તો ક્યાં થવાની. એ બધાં સાવ નવા દેશમાં હમણાં હમણાં જ આવ્યાં હતાં, અને મોટા ભાગનાં અંગ્રેજી નહીં બોલતાં હોય ને તેથી પણ કદાચ હળીભળી નહીં શકતાં હોય. અલબત્ત, ચીની સ્વભાવ પણ એવો જ.

   ટૉન્ગાનાં નાગરિકો જોવાં મને ગમતાં. ત્વચા આપણા જેવી –ઘઉંવર્ણી; દેહયષ્ટિ પહોળી ને ભારે કહેવાય તેવી; સહજ ને ઘરેલુ હાવ-ભાવ; તથા લંબચોરસ મોઢાં પર ફરી વળતું સ્મિત. અરે, મોઢાં તો બધાંનાં એવાં સરખાં લાગે – જાણે બધાં સગાં ને ભાઈ-બહેન એવા ના હોય. સ્ત્રીઓ તો જાણે જરાયે જુદી ના પાડી શકાય. મોઢાંના ઘાટ, શરીરનાં આકાર-પરિમાણ, વાળની ઘટ્ટતા અને એક લાંબા ચોટલામાં બાંધવાની રીત – એ બધું એકસરખું. હું વિસ્મિત થતી જોયા કરું. અમુક ચહેરા લંબગોળ આકારે અને મોટી મોટી આંખોને કારણે ખૂબ સરસ લાગે. પુરુષો ઊંચા, પહોળા અને ભાગ્યે જ કોઈ દેખાવડા કહેવાય તેવા જોવા મળે. યુવાનો ક્યારેક ખડખડ હસતા ને જગ્યામાં, રસ્તામાં જાણે ફેલાઈ વળતા લાગે. “સારું ને સુખી જીવન છે અહીંનું” એમ ‘ઇન્ડિયન’ને કહેતાં સાંભળ્યાં હતાં, તે સારું લાગે.

   પણ મારા નસીબે એક માગનારી બાઈ તો મને મળી જ ! પહેલે દિવસે નુકુ'આલોફામાં ફરતાં ફરતાં છેક છેડે પહોંચી હતી. ત્યાંથી દરિયો શરૂ થતો હતો. એના પહેલાં થોડું ઘાસ ને ઝાડની થોડી છાયા હતાં. એક-બે ઓટલા ચણેલા હતા ને નજીકમાં બસસ્ટેન્ડ હતું. બપોરના બાર વાગેલા. હું ઓટલા પર છાયામાં જરા શ્વાસ ખાવા બેઠી. પાસે ઘાસમાં એક સુઘડ, દેખાવડી યુવતી બેઠી હતી. એના ખોળામાં બાળક સૂતું હતું. હું મારી ટેવ પ્રમાણે જરા હસી. એ ધીમે અવાજે તરત કહેવા માંડી કે એની પાસે બચ્ચાને ખવડાવવા-પહેરાવવા પૈસા નહોતા, અને વર ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો વગેરે. એ જૂઠું બોલતી હતી, એમ કહેવું ગમતું નથી, પણ મને લાગ્યું તો એવું જ કંઈક. છતાં મેં એને ચોકલેટ દૂધનો એક ડબ્બો આપ્યો. હું તો હજી બેઠી જ હતી, ને એ એની બસ આવતાંજતી પણ રહી.

   પછી પશ્ચિમ આફ્રિકાના ઘાના દેશનો એક માણસ આવ્યો. એ “જેહોવાના સાક્ષી” નામના ધાર્મિક પંથની પ્રચારાત્મક ચોપડીઓ વહેંચતો હતો. મેં એને કહ્યું કે એ મેં પહેલાં જોયેલી છે, ને મારે નથી જોઈતી. એક વાર બ્રાઝિલમાં એમેઝોનના જંગલમાં આ પંથીઓ મળેલાં ને મને ચોપડીઓ આપેલી. બીજી વાર ઑસ્ટ્રેલિયાના દક્ષિણમાં આવેલા તાસ્માનિયા ટાપુના એક નાના ગામના લોકો મને આ પંથની સાપ્તાહિક પ્રાર્થનામાં લઈ ગયેલાં. બધા ધર્મ સારા છે તે કબૂલ, પણ કોઈ ‘પલટો’મારે કરવો નથી. પ્રચારાત્મક ચોપડી-ચોપાનિયાં ફેંકી જ દેવાનાં હોય તો લેવાં જ શા માટે?

   બીજી એક સાંજે સૂર્યાસ્ત કાળે દરિયા પાસે ગઈ ત્યારે “બુલે” નામની એક સ્ત્રી રોજની જેમ પાણીવાળાં નાળિયેર ને શિંગ વેચતી હતી. મેં એને પહેલાં જોયેલી, પણ વાતો હવે થઈ. શિંગનાં પૅકેટ એણે બનાવી રાખેલાં. મેં એક ખરીદ્યું અને ત્યાં જ ખાવા માંડી. એ અને એના વર પાસે પૂરતી જમીન હતી, જેમાં અસંખ્ય નાળિયેરી ઊગેલી હતી. રોજ નાળિયેર ઉતારીને એ વેચવા નીકળતી હતી. કહે, “ઘણી મહેનતનું કામ છે, પણ આવક સારી થાય છે.” દરરોજ બપોરે એક વાગ્યે બસ-સ્ટેન્ડ પર ઊભી રહે, ને સાંજ પડ્યે નૌકા નાગરવાની જગ્યા પાસે. રોજ રાતના બાર વાગ્યે એ પાછી ઘેર જાય. એ બંને જગ્યાએ એનાં ટેબલ પડી રહે. કોઈ લે નહીં. બધાં જાણે કે બુલેનાં છે ને ક્યા સમયે એ ત્યાં હોવાની !

   એની મેળે જ પછી એ આગળ કહે, “ઘણી વાર યુવકો મોટરમાં જતા હોય છે ત્યારે ‘હેઈ-પીનટ, પીનટ’કરીને બૂમો પાડતા હોય છે. મને ચીડવવા, મારી મશ્કરી કરવા, મને ઉતારી પાડવા એમ કરતા હોય છે, મને ખબર છે.” જરા અટકીને એ બોલી, “પણ શા માટે ? હા, હું શિંગ વેચું છું એ ખરું. પણ તો શું થયું? હું ઘણા પૈસા બનાવું છું. કદાચ એની એ લોકોને ખબર નથી. મારી પાસે એણે ઊભરો ઠાલવ્યો હતો. હું એને મિત્ર જેવી લાગી હતી. એની મનોસ્થિતિ હું સમજી શકતી હતી. અપમાન અને અન્યાયનો વર્તાવ હું ક્યાં નથી જાણતી? પણ સામાન્યતયા મળતાવડા અને સાલસ લાગતી આ પ્રજા પાસેથી આવો વર્તાવ નવાઈ પમાડે. ગમે ત્યાં જાઓ – નાની, મોટી, દૂર, પાસેની કોઈ પણ જગ્યાએ જાઓ, પણ લોકો એના એ જ રહેવાના.
* * *
   નુકુ’આલોફામાં મને કોઈએ કહેલું કે ફિજિનો એક ‘ઇન્ડિયન’ એક નાની રેસ્ટોરાંમાં રસોઇયાનું કામ કરતો હતો, ને “તમે કહેશો તે બનાવી આપશે.” એવું તો ના નીકળ્યું, પણ ત્યાં ચીની શાકાહારી ભાત કે નૂડલ્સ મળતા હતા, તે એણે મને બનાવી આપ્યા. હું ખાતી હતી ત્યાં એક સ્થાનિક સ્ત્રી આવી ને મને પૂછ્યું, “તમારા ટેબલ પર બેસું?” આમ વિવેકથી પૂછ્યું તે મને બહુ ગમ્યું. ટૉન્ગનનો આવો સ્વભાવ નથી. એ આવી તેના પહેલાં બે-ત્રણ યુવતીઓએ કહ્યા-પૂછ્યા વગર મારા ટેબલ પરની બીજી ખુરશીઓની ખેંચતાણ કરી મૂકેલી. મેં તરત એને કહ્યું, “હા, હા જરૂર. બેસોને.” પછી તો અમે કેટલી બધી વાતો કરી – થોડી અંગત, પણ વધારે ટૉન્ગન સમાજની.

   એનું નામ મોઆના હતું અને સરકારી કૃષિખાતામાં એ કામ કરતી હતી. એનાં પાંચ બાળકોમાં ચાર છોકરીઓ અને એક છોકરો હતાં. એ લોકો પાસે પણ જમીન હતી, જેમાં ‘યામ’ કહેવાતાં કંદનો સારો ફાલ થતો હતો. એમના અનેક બોક્સ ભરીને ન્યૂઝીલેન્ડ, અમેરિકા વગેરેમાં મોકલવાનું કામ એનો વર સંભાળતો હતો. બોલવે એ કુલિન હતી. તેમજ અનુભવ નેઉંમરને કારણે પ્રૌઢ-ગંભીર હતી. ભણતર, કુટુંબ, રીત-રિવાજ વગેરે માટેના પ્રશ્નોના જવાબ એણે આપ્યા.

   ટૉન્ગામાં દરેક જણ હાઈસ્કૂલ સુધીનું તો ભણે જ છે, ને એમાંનાં ઘણાં યુનિવર્સિટીમાં દાખલ થાય છે. પણ ટૉન્ગામાં ધર્માભ્યાસ માટેની કૉલેજ છે, જ્યારે બીજા વિષયો માટે વિદ્યાર્થીઓએ ફિજિ કે સામોઆ જવું પડે છે. નોકરીની ચિંતા ખાસ કોઈએ કરવી પડતી નથી, કારણકે દરેકને વારસાગત ઘર અને થોડી ફળદ્રુપ જમીન મળેલાં જ હોય છે. રહેવાની ને ખાવાની ચિંતા કોઈને હોતી નથી.

   ટૉન્ગામાં એક પત્નીનો ધારો પ્રવર્તિત છે. વળી, કોઈ પણ વ્યક્તિ જિંદગીમાં ત્રણથી વધારે વાર પરણી ન શકે. સંયુક્ત કુટુંબની પ્રથા હોવાથી પત્ની સાથે દુર્વ્યવહારના બનાવ ભાગ્યે જ ઘટતા હોય છે. પરન્તુ આ સમાજમાં “અજાચાર'નું પ્રમાણ ઘણું વધારે છે ને એ બાબત ખાસ્સી “જગ-જાહેર” બનેલી છે. સાથે જ સામાજિક દબાણ તથા સમાજમાં બહિષ્કૃત થવાનો ડર પણ ત્યાં જરૂર છે. આકારણે અપરિણીત માતાઓ ત્યાં બહુ હોતી નથી. છોકરીની મા ગમે તે કરીને પણ એનું લગ્ન કરાવી દેવાની – વધુ ભાગે તો તે જ યુવક અથવા પુરુષની સાથે.

   ટૉન્ગન પ્રજા કૌટુંબિક એકતા, પરસ્પર પ્રત્યેની બાધ્યતા, અગ્રજ વ્યક્તિઓ માટે આદર જેવી પ્રથાઓ પર ખૂબ ભાર મૂકે છે. આપણે જેને અંગ્રેજી શબ્દ “કલ્ચર” દ્વારા સમજાવી દઈએ છીએ તેને માટે ટૉન્ગન ભાષામાં ખાસ એક શબ્દ છે. ટૉન્ગાની પ્રથાગત, આદરણીય જીવનશૈલીને માટે “ફાકા ટૉન્ગા” શબ્દપ્રયોગ વપરાય છે. દાદાદાદી, માતા-પિતા, કાકા, મામા, ફોઈ, માશી તથા સંતાનો સાથે,
ક્યાં તો નજીકમાં, તેમજ હળી-મળીને રહે છે; એક-મેકનો ખ્યાલ રાખે છે, ને કોઈને ક્યારેય ભૂખે મરવાનો વારો આવતો નથી.

   ટૉન્ગન લોકોના પોષાક પણ આ સામુદાયિક “ફાકા”નું પ્રતીક બનતો હોય છે. આમ તો ‘પશ્ચિમી’કપડાં એટલે કે શર્ટ-પેન્ટ અને સ્કર્ટ-બ્લાઉઝ જ પહેરતાં હોય છે. પરન્તુ એની ઉપર સ્ત્રીઓ તેમજ પુરુષો – નાળિયેરીનાં સૂકાં પાનની પટ્ટીઓમાંથી વણેલી - સાદડીને કમ્મર ફરતી વીંટાળે છે. એને “તા’ઓવાલા” કહે છે. એ નીકળી ના જાય તે માટે એના પર “કિએકિએ” કહેવાતો, નાળિયેરીનાં છૂંછાંમાંથી બનાવેલો કમર-બંધ બાંધે છે. યુવતીઓને મેં સરસ, ઝીણા વણાટવાળા “તા’ઓવાલા” તથા લાંબી ઝૂલો અને ફુદડીઓથી શોભતા “કિએકિએ” પહેરેલી જોઈ. “ફાકા ટૉન્ગા” તેમજ સમાજના વયાગ્રણીઓ પ્રત્યે માન દર્શાવતું આ સ્પષ્ટ ઇંગિત છે.

   દરરોજ ટોન્ગન લોકો નવા વણાયેલા, નવા ખરીદાયેલા “તા’ઓવાલા” પહેરતા હોય છે, પણ ખાસ પ્રસંગ કે તહેવાર વખતે જૂના, વર્ષોથી કે પેઢીઓથી સચવાઈ રહેલા “તા’ઓવાલા”ને બહાર કાઢે છે. ક્યારેક એ જર્જરિત પણ થઈ ગયા હોય. કહેવાય છે કે ટૉન્ગાના રાજા પાસે એવા પણ “તા’ઓવાલા” છે જે પાંચસો વર્ષથી એમના કુટુંબમાં રહેલા હોય. શાળાના છોકરાઓ ગણવેશના ભાગ રૂપે એક સરખા વણાટ ને રંગનાં આ બે પ્રથાગત આવરણ પહેરતા હોય છે, તે પણ નુકુ'આલોફામાં જોવા મળ્યું.

   સિક્કાની બીજી બાજુની જેમ એમ પણ સાંભળ્યું કે ટૉન્ગન ઘરો અંદરથી અવ્યવસ્થિત અને ફુવડ જેવાં હોય છે. એનો અર્થ શું એ થાય કે સ્ત્રીઓ આળસુ હશે? વળી, પુરુષો કામ પછી ઘેર જઈને રાતે ન્હાતા હોય છે અને આખો દિવસ સેન્ટ છાંટ્યા કરતા હોય છે. એક બેકરીમાં હું હજી જોતી હતી કે શું ખરીદવું. ત્યાં એક માણસ – આમ તો યુવક – આવ્યો. એ તો રોજનો ઘરાક, ને વેચનારી છોકરીઓ સાથે મજાક પણ કરતો હતો. પણ એનામાંથી પરસેવાની એટલી વાસ આવતી હતી કે હું એની નજીકમાં તો શું, પણ દુકાનના એ ઓરડામાં ઊભી રહી ના શકી. એટલે પુરુષો આખો દિવસ સેન્ટ છાંટ્યા કરે છે, એ વાત તો ખોટી !

   હું અને મોઆના એક સ્થાનિક ટૉન્ગન નાના આહારગૃહમાં ચીની વાનગીઓ ખાતાં હતાં. હું નિરામિષ, એ આમિષ – કદાચ ‘ચિકન’સાથેનાં નૂડલ્સ. બીજી કેટલીયે વાતો પછી એ કહે, “મને ચીની ખાવાનું ભાવે છે, પણ એ માટે હું કોઈ ચીની રેસ્ટોરાંમાં તો જાઉં જ નહીં. કોણ જાણે શું ખવડાવી દે.” કેવી અફવાઓ અને સંદેહો આખી દુનિયામાં ઊડતાં ફરતાં હશે? કશામાં કશું સત્ય છે કે નહીં, કે કેટલું સત્ય હશે – તેનો તાગ મેળવવો અશક્ય લાગે છે. વર્ષો પહેલાં ચીનીઓ હજારો ડૉલર આપીને ચોરીછૂપીથી કે શરણાર્થી તરીકે આટલે દૂરના ટાપુ-દેશોમાં આવતા. હવે “બિગ ચાયના” એ ટૉન્ગામાં દૂતાવાસ સ્થાપ્યો છે, અને સત્તાવાર પરવાનગી મેળવીને અસંખ્ય ચીનીઓ હવે ટૉન્ગામાં પ્રવેશી શકે છે. પણ કોઈ ટૉન્ગનને એ ગમતા નથી. શા માટે નહીં? એમ પૂછો તો એક જ જવાબ મળે, “કારણકે એ લોકો ટૉન્ગામાં બધી નાની દુકાનોનો ધંધો ચલાવવા માંડ્યા છે. બધે જ – બીજા ટાપુઓ પરની નાની જગ્યાઓમાં પણ.”

   નવાઈ લાગે જ – કારણકે ‘ઇન્ડિયનો’પાસે તો મોટા મોટા સ્ટોર્સ છે, અને એ બધાં પાસે પૈસા પણ ખૂબ છે, છતાં એમનો વાંધો નથી. એમને માટે સ્થાનિક ટૉન્ગનોને અણગમો નથી. આ બંને વલણ અગમ્ય અને આશ્ચર્યજનક લાગે છે. કદાચ એમ હોય કે મોટા ભાગનાં ‘ઈન્ડિયન’શાકાહારી છે, તે ઉપરાંત ટૉન્ગામાં એમનીસંખ્યા ઘણી નાની છે. સ્ટોર્સમાં અનેક જાતની વસ્તુઓ મળે છે તે કારણ હોઈ શકે. ટૉન્ગનોને ભારત માટે માન હોય તેમ બને. હિન્દી ફિલ્મોનો શોખ એમને લાગી ગયો હોય તેમ પણ બને કે ?

   જમવાનું પૂરું થતાં મેં મોઆનાને કૉફી માટે આમંત્રણ આપ્યું. એણે વિવેકથી પહેલાં તો ના કહી, પણ મેં આગ્રહ કર્યા કર્યો. નજીકમાં જ શહેરનું મહાદેવળ હતું. એના પાછલા ભાગમાં એકસાદી રેસ્ટોરાંહતી. ત્યાં એક વાર હું જમેલી ને ખાવાનું ભાવેલું. જોકે સેન્ડવિચ જ લીધેલી. પણ શાંત જગ્યા હતી ને કામ કરનારાં સારાં હતાં. મને થયું, ત્યાં મોઆનાને કૉફી પીવડાવું. એની સરસ કંપની મળી હતી, ને એ રીતે એનો આભાર માની શકાય તેમ હતો.

   મેં કહ્યું, “અકીકો કેફેટેરિયા નજીક જ છે. ચાલીને તરત પહોંચી જવાશે.” પણ એની પાસે ગાડી હતી. જરા સંકોચપૂર્વક એ કહે, “ગાડીને કારણે ચાલવાની ટેવ જતી રહી છે!” અમે બેઠાં હતાં ને મોઆનાનો ભાણો ડોકિયું કરી ગયો. એણે બહાર ઊભેલી ગાડી ઓળખી કાઢેલી. કંઈક સંદેશો આપવાનો હતો તે ઉતાવળે કહી ગયો ટૉન્ગન ભાષામાં. પછી હસતાં હસતાં મોઆનાએ મને સમજાવેલું. એ યુવક ભણવા ફિજિ જવાનો હતો એટલે એની અરજી અંગેની વાત હતી ! પછી એ મને મારે ઉતારે મૂકતી ગઈ. એ પણ પાસે જ હતો, પણ માથે બે વાગ્યાનો ગરમાગરમ સૂરજ તપેલો હતો. અચાનક એક સરસ, હોંશિયાર વ્યક્તિ સાથે મુલાકાત થઈ ગઈ હતી, ને દોઢેક કલાક બહુ રસપ્રદ વીત્યો હતો.
* * *
   ટોનિની ધર્મશાળામાં મારા સિવાયનાં પ્રવાસીઓ યુરોપ, કેનેડા, અમેરિકાનાં હતાં, ને હંમેશાં એમ જ હોય છે ! એમાંની બેએક છોકરીઓ એક રાતે “ટૉન્ગન રાષ્ટ્રીય કેન્દ્ર” જોવા જવાની હતી. મેં પણ એ વિચાર કરેલો, તેથી અમે સાથે નીકળ્યાં. જાહેર બસો તો ચારેક વાગ્યામાં બંધ થઈ જાય. ટેક્સી લઈ શકાય, પણ એ કાંઈ રસ્તામાં ના મળે. એને ફોન કરીને મંગાવવી પડે ! ટ્રાફિક વગરના રસ્તાઓ પર, નવી જગ્યાની નવીનતા જોતાં જોતાં ચાલવાની કેવી મઝા આવે. તેથી અમે એ રીતે જ નીકળ્યાં. સરસ ચાલ્યાં. પોણોએક કલાક થયો. એ ભૂમિ તદ્દન સપાટ છે તેથી હાંફ ના ચડે. વળી, લીલોતરીનો પાર નહીં એટલે છાંયડો મળતો રહે. જરા દૂરથી આ ‘રાજવી’ દેશમાંની મુખ્ય એવી વાઈઓલા હૉસ્પિટલ દેખાવા માંડે. ખૂબ મોટો પ્રસ્તાર છે એનાં મકાનોનો, અને રોગોના ઉપચારની સાથે સાથે ત્યાં દાંત આંખનાં ક્લિનિક પણ છે.

   રાષ્ટ્રીય કેન્દ્રના કમ્પાઉન્ડમાં “રાષ્ટ્રીય કળા સંગ્રહાલય” છે. એક કંઈક મોટો ઓરડો જ, ખરેખર તો. કળાને નામે ખાસ કશું ત્યાં જોવા નથી મળતું. મુખ્યત્વે ઐતિહાસિક સંદર્ભો ફોટા, લખાણ, પ્રમાણપત્ર વગેરે દ્વારા ત્યાં એકઠા થયા છે. એક કબાટમાં બે-ચાર નાની ગદા હતી. જૂના જમાનામાં ટૉન્ગાના આદિવાસીઓએ લાકડામાંથી એમને બનાવી હશે. એવા કેટલાક – લાકડામાંથી ઘડી કઢાયેલા – ‘કાવા’ માટેના વાડકા હતા. પ્રશાંત મહાસાગરમાંના ટાપુઓ પર ‘કાવા’ નામનું પીણું ઘણું લોકપ્રિય છે. સહેલાઈથી અને ઝડપથી ઊગી જતા એક છોડનાં લાંબાં, પાતળાં પાંદડાંમાંથી એ બનાવાય છે. વધારે પ્રમાણમાં પીતાં નશો ચડી શકે છે. આ કારણે જ ટાપુઓના લોકોને “કાવા”નું પાન આટલું પસંદ છે.

   આ છોડની ઉત્પત્તિ માટે ટૉન્ગામાં એ કલ્પિત કથા છે : પ્રાચીન સમયમાં એક રાજાએ પ્રજાને દુકાળથી બચાવવા માટે પોતાની વહાલી કુમારિકા કન્યાનું બલિદાન દેવોને આપેલું. એનું જ્યાં દફન થયું ત્યાં આ છોડ ઊગી ગયેલો દેખાયો, ને તેથી રાજકુંવરીના નામ પરથી આ છોડનું નામ “કાવા” પડ્યું. એમાંથી એ માદક પીણાની શરૂઆત કઈ રીતે થઈ તે ક્યાંય વાંચવા મળતું નથી. કદાચ આપણે એમ કહી શકીએ કે પોતાને થયેલા અન્યાયનો બદલો એ રાજકન્યાનો આત્મા સમગ્ર સામુદ્રિક પ્રજા પર આ રીતે લઈ રહ્યો છે !

   એ રાતે ખાસ તો અમારે ટૉન્ગન લોકનૃત્ય જોવાનાં હતાં. એ માટે બાજુમાં એક મોટો ખંડ બંધાયો હતો. પ્રેક્ષકો તો સઘળાં પશ્ચિમી શ્વેતરંગી હતાં – સિવાય કે હું. મેં ફક્ત ભજવણીના જ પૈસા આપ્યા. ભોજન સાથે ભાવ ચાર ગણો થતો હતો, ને એ ભોજન હું ખાઈ શકું તેમ નહોતી. માછલી, મરઘી, ગાયનું માંસ,ને વળી આખું ને આખું ભૂજેલું સૂવર તો વખણાય. અરે, વિચારતાં કે લખતાં જ ચીતરી ચઢે છે. હું તો મારી થેલીમાં એક સાદી સેન્ડવિચ બહારથી ખરીદીને લઈ ગયેલી. આદિવાસી નૃત્ય જોતાં જોતાં મેં એ ખાધી.

   ટૉન્ગા તેમજ સામોઆ, દ્વીપદેશના આ નૃત્યોમાં સ્ત્રીઓ, અમુક નૃત્યમાં પુરુષો પણ હાથ અને પગનો ઉપયોગ વધારે કરે છે. હાથથી તાળીઓ ને પગથી તાલ. આ કારણે ઢોલક ઓછાં વપરાય છે. સાથે ગાતાં પણ જાય. “લોકલાકા” નામના નૃત્યમાં રંગરંગીન પોષાક પહેરેલી બાર કે સોળ યુવતીઓ એકસરખું નાચે ને ગાતી જાય; “કાઈલાઓ” નૃત્યમાં પુરુષો એકમેક સાથે યુદ્ધ કરતા હોય તેવા હાવ-ભાવ કરે; “મા’ઉલુ’ઉલુ” નૃત્ય જમીન પર બેસીને કરાતું હોય છે. એમાં વીસથી માંડીને નવસો જેટલા લોકો ભાગ લઈ શકે છે, તો “તાઉ’ઓલુન્ગા” નૃત્ય કોપરાના તેલથી ચમકતી ત્વચાવાળી એક યુવતી દ્વારા કરાતું હોય છે. એ મને સૌથી વધારે ગમ્યું, ને એ નૃત્યાંગના હતી પણ સુંદર – ટૉન્ગન સ્ત્રી-જાતિમાં પાતાળી કહી શકાય તેવી દેહયષ્ટિ, અનિંદનીય લંબગોળ મુખ અને બદામ આકારનાં મોટાં નેત્ર.

   ભોજન પત્યા પછી ને અનુષ્ઠાન શરૂ થયા તે પહેલાં પ્રેક્ષકગણને મંચ પર બેસાડવામાં આવેલો, અને વિધિસર દરેકને ‘કાવા’નો વાડકો ધરવામાં આવેલો. અંદર દોઢેક ઘૂંટડા જેટલું પ્રવાહી હોય. વધારે અપાય નહીં, કારણકે બહુ ભાવે તેવું પણ ના હોય, અને કોઈ નશો ચડી ગયાની ફરિયાદ કરે તો તેની જવાબદારી કોની ગણાય? પણ મહેમાનને ‘કાવા’ ધરવાની ત્યાં પ્રથા છે, અને પાત્રને નકારવામાં આવે તો યજમાનની અવગણના કરી ગણાય છે.

   ‘કાવા’ બનાવવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. પાંદડાંને સૂકવવાં, વાટવાં, આથો ચડાવવો, કંતાનમાંથી ગાળવું, પ્રમાણસર પાણીમાં એને ભેગું કરવું વગેરે. વાડકો હાથમાં આવે ત્યારે ‘પ્રસાદી’ગારા જેવી લાગે ! ‘કાવા’ પીણું ઘટ્ટ અને રંગે ઘેરું ભૂખરું હોય છે. પણ આવી મહેનત તથા કાળજી લઈને બનાવ્યું હોય ત્યારે દોઢ ઘૂંટડા જેટલો સ્વાદ તો સહન કરી શકાય. “ભાવ્યું” એમ પણ કહી શકાય. એક રાતે ઉતારાના પાછલા વરંડામાં ટોનિએ આસન જમાવેલું, ને લાકડાના મોટા પાત્રમાં ‘કાવા’નો પાવડર પાણીમાં ઓગાળ્યો હતો. અમે પાંચ-છ જણાં અપેક્ષા સાથે સામે બેસી ગયાં હતાં. નાનો વાડકો વારાફરતી દરેકને આપવામાં આવતો હતો – એક વાર, બે વાર. પહેલી વાર ચાખેલું તોયે સ્વાદ ગારા જેવો લાગેલો. જેવો દેખાવ તેવો સ્વાદ ! બીજી વાર મેં વાડકો હાથમાં લીધો તો ખરો, પણ પીણું પાછળ ફેંકી દીધું હતું. ટોનિ કાંઈ એ જોતાં ચૂકે? તરત એ મને જરા લડ્યો હતો, કારણકે આ રીતે સામે ધરાયેલ ‘નૈવેદ્ય’ફેંકી દેવું તેમાં યજમાનનું અપમાન હતું. એથીયે વધારે, સ્થાનની સામાજિક પ્રથાનું પણ એમાં અપમાન થયેલું ગણાતું હતું.

   દરેક જગ્યાની પ્રથાને જોવાનો ને જાણવાનો મને બહુ જ શોખ રહ્યો છે, તેથી ‘કાવા’નો સ્વાદ લીધા વગર પણ ના રહી શકાયું. રાષ્ટ્રીય કેન્દ્રોમાં વિધિપૂર્વક અપાયેલું મિશ્રણ બજારુ પાવડર કરતાં કેટલું વધારે સારું હતું તેનો ખ્યાલ અમને બધાને આવી ગયો હતો – ‘કાવા’ના સ્વાદથી ટેવાયેલાં નહોતાં તોયે ! વાડકો હાથમાં લેતાં પહેલાં દરેક જણે પોલી તાળી એક વાર પાડવાની હોય છે. યજમાનને – અને કદાચ દેવોને – વળતું સન્માન આપવાની એ રીત હતી. ‘કેન્દ્ર’માં અમને આ સમજાવવામાં આવેલું ને બધાંએ એ પ્રમાણે કરેલું. ટોનિને ત્યાં આ વિધિ સમજાવવામાં કે કરવામાં નહોતો આવ્યો. તેથી એણે પણ ‘કાવા’ – પાનના પ્રસંગનું ઉચિત સન્માન નહોતું જ કર્યું.

   ટૉન્ગાની રાતો બહુ ઠંડી થઈ જતી હતી. નૃત્યનો કાર્યક્રમ પૂરો થયા પછી કેન્દ્રની વાન અમને ઉતારે પહોંચાડી ગઈ હતી, પણ રૂમમાં ઠંડી હતી. પહેલી રાત પછી હું બારી બંધ રાખવા માંડી હતી, તે છતાં બ્લેન્કેટ પૂરતો નહોતો થતો, ને મારે એની નીચે શાલઓઢવી પડતી હતી. દિવસે કેટલો બધો તાપ અને રાતે કેટલી બધી ઠંડી ! એવો હતો આ ‘રાજવી’ટૉન્ગા – દેશ. હતો કેટલો નાનો, પણ કેટલી વિવિધ વિગત એના લોક-જીવનમાં વણાયેલી હતી.

   હજી તો હું નુકુ’આલોફાની બહાર પણ નહોતી નીકળી.
(ક્રમશ :...)


0 comments


Leave comment