101 - ભીનો પંથ / જવાહર બક્ષી


એક ભીના પંથ માટે બે જ સામગ્રી મળી
સાવ સુક્કા ઘાસની ગંજી અને દીવાસળી

ધોમ ધખતો, રાહ રણની ને ઉઘાડા પગ વળી
ઝાંઝવાના દેશમાં એક આગ તો સાચી મળી !

નક્કી એને ડર હશે વચ્ચે સફર અટકી જશે
આ સગડ એણે જ મૂક્યા ! થોર પર ઝાકળ મળી !

એને મદ મંથર વરસવાનો, તરસવાનો મને
ઘૂંટે ઘૂંટે આ તૃષામાં ઓગળી તૃપ્તિ મળી

આમ બળવું ને પલળવું આમ ચારેકોરનું
વાદળો, વરસાદ, વાયુ વચ–વચાળે વીજળી


0 comments


Leave comment