6 - પ્રકરણ : ૬ - ન ખૂટતો વિસ્મય / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   ટૉન્ગાટાપુની પરિક્રમા કરવા ટોનિના ઉતારા પરથી અમે સવારે ઝટપટ તૈયાર થઈને નીકળી ગયેલાં. એક તો દેશ નાનો. એનો એક ટાપુ તો વળી સાવ નાનકડો. એમાં જોવાનું કેટલું હોય ? પણ અમે રસથી બધું જોતાં હતાં ને દરેક જગ્યાએ પૂરતો સમય ગાળતાં હતાં. તડકો એકસરખો સળંગ પથરાયેલો રહ્યો હતો. એને પણ અમે હસતે મોઢે સહન કરતાં હતાં.

   ટાપુના દક્ષિણ કિનારે રસ્તો પૂરો થઈ જતો હતો. જમીન પથરાળ બનેલી હતી. સામે સાગર હતો, પણ તદ્દન જુદા જ સ્વરૂપે. અત્યાર સુધી એવા એક-બે તટ જોયેલા, જ્યાં થોડી રેતી હોય, ને ‘લગૂન’નું પાણી મોજાં વગરનું હોય – જાણે સાવ સ્તબ્ધ થઈ ગયેલું મન. પણ હૂમા ગામની નજીકના આ કિનારા જેવું દ્રશ્ય પહેલાં ક્યાંય જોયું નહોતું. માઈલોના માઈલો લાંબો આ કિનારો કાળા, સખત પાષાણોના મંચ જેવો છે. ભરતીના સમયે સમુદ્ર અતીવ કૃદ્ધ અને મદાંધ મોજાં થઈને એ મંચ સાથે જોર-જોરથી અફળાય છે, અને એની તળે બનતી ગયેલી ખાલી જગામાં ફરી વળીને ઊંચા ફુવારાની જેમ ઊછળી આવે છે. દૂર દૂર સુધી આ યુદ્ધ ચાલતું જોવા મળે.

   ત્યાંથી મોજાં ઉદ્દભવી આવે છે. ઊંચાં થતાં જાય છે. પાષાણો સાથે અથડાય છે ત્યારે ગર્જન જેવો ધ્વનિ પેદા થાય છે. કુત્કાર કરતું પાણી હવામાં ઉત્સ-સ્વરૂપે ધસી જાય છે. પવન એની શિકારોનો છંટકાવ એ પાષાણી મંચ પર સાચવીને ઊભેલાં અમને ભીંજવે છે, ને બિલકુલ છાયા વિનાના પરિસરમાં પણ રાહત પમાડી રહે છે.હું વિસ્મય-મુગ્ધ છું. એક અદ્દભૂત અનવરત પ્રક્રિયા છે આ. જળ અને ભૂમિ વચ્ચેનો જાણે ગજગ્રાહ – જેમાં કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી, પણ કદાચ જળ ભૂમિને હંફાવી રહ્યું છે, કારણકે જળની જોરદાર થપાટોથી અંદર ને અંદર ભૂમિ કોતરાતી જાય છે. લાંબા સમય સુધી, અનેકાનેક મોજાંને ઊંચા ફુવારા થઈને ભાંગતાં અમે જોયા કર્યા.

(ટૉન્ગા દ્રીપ-દેશના સાગરકિનારા પરના કાળમીંઢ પાષાણો સાથે જોરથી અફળાતું પાણી.)


   થોડી ક્ષણો માટે પાણી પાછું જતું ત્યારે નીચે બનેલા ચૂનાખનિજ તત્વના ગોળાકાર દેખાઈ જતા. સાંજ પડ્યે, ઓટ થાય ત્યારે સ્થાનિક સ્ત્રીઓ એના પર ભેગા થયેલા છીપ-જીવોને વીણવા આવે છે. અમે ત્યાં સુધી રહ્યાં નહોતાં. આમેય અણિયાળા પાષાણો પર ચાલવું ને ઊભા રહેવું કઠિન જ હતું. આ ભૌગોલિક ઘટના અંગ્રેજીમાં “Blowholes” કહેવાય છે. ટૉન્ગન ભાષામાં એને “માપુ’આ આ વાએઆ” – એટલે કે “મુખીની સીટી” કહે છે. ગુજરાતીમાં એનો પર્યાય “વિસ્ફોટ-છિદ્ર” કરીએ તો કેવું?

   એ રૂપેરી તાંડવ-નૃત્યને ચિત્તમાં ઉતારીને એ અભૂતપૂર્વ સ્થાન તજ્યું.છેલ્લે હજી એક જગ્યા બાકી હતી. ટાપુને પશ્ચિમ-ઉત્તર છેડે કોલોવાઈ ગામ આવે અને પાછળ મૂક્યા પછી માઈલેક જાઓ ત્યાં ફરી એક સાગર-તટ આવે છે. ત્યાં ‘પેરેડાઈસ રિસોર્ટ’ કરીને એક હોટેલ બનેલી છે. ત્યારે તો ખાલી જ હતી. એક ગાડીમાં ત્રણચાર સ્થાનિક યુવકો રેસ્ટોરાંમાં ખાવા ને કદાચ પીવા આવ્યા હતા. મેં કૉફી ખરીદી. મારી સાથેની બે-ત્રણ છોકરીઓ કંઈક ખાવાનું ખરીદીને બેઠી. હું હોટેલના કમ્પાઉન્ડમાં થઈને સાગર તરફ ગઈ. ત્યાં રેતીનો પટ હતો ને ફરીથી સાવ શાંત થઈ ગયેલો સાગર હતો. ‘લગૂન’પાછું આવી મળ્યું હતું, ને મોજાં તો શું, પાણી પર લહરો પણ નહોતી ઊઠતી.

   આખો દિવસ તડકામાં ફર-ફર કર્યા પછી શાંતિથી બેસવાનું બહુ સારું લાગ્યું. સાંજ ઢળી રહી હતી. પાણી પરથી થોડી હવા આવતી હતી. હવે બસ, સૂરજના જળ-નિમજ્જનની રાહ જોવાની હતી. ટૉન્ગાટાપુ પરનું આ જાણીતું ‘સનસેટ પોઈન્ટ’ હતું. માઉન્ટ આબુમાં એ રીતે કેટલી બધી વાર સૂર્યાસ્ત જોયો હશે તે યાદ આવી ગયું. પ્રશાંત મહાસાગર પરનો સૂર્યાસ્ત સૌમ્ય આછા રંગોમાં સિદ્ધ થયો. એક લાંબા રવિવારનો અંત મર્યાદિત-સંતુલિત સરસ જ હતો ! -

   ટાપુનું લાંબું, સરસ, રસપ્રદ પરિક્રમણ કરી બાર કલાકે અમે પાછા ફર્યા. ઉતારાના રસોડામાં મેં જલદીથી પૅકેટમાંના શાકાહારી નૂડલ્સ બનાવીને ખાઈ લીધા. બપોરે રસ્તામાં કાંઈ ખાધું નહોતું. પણ સાથે પાણી ભરેલી બાટલી રાખેલી. રાતે છેવટે ઠંડક થઈ આવેલી, ને થાક ઊતરી ગયેલો.
* * *
   બાકીના દિવસો નુકુ’આલોફામાં જ આમથી તેમ ફરવામાં ગાળેલાં. નાનું એ શહેર ગમી ગયેલું. કશા ટેન્શન વગર ચાલવાનું, થોડું જોવાનું, થોડું કોઈને મળવાનું – કેવી મઝા! મોટાં પાશ્ચાત્ય શહેરોમાં તો આ શક્ય જ નહીં, ને તેથી જ્યાં ગમન અને ગતિ ધીમાં કરી શકાતાં હોય ત્યાં કરી જ લેવાનાં. વળી, ઘડિયાળ સામે જોવાનું જ નહીં, તો જ મેળવી શકાય સમય પર જીત !

   મારા ઉતારાની નજીકમાં સેન્ટ એન્થનિ બેસેલિકા હતી. આખા દક્ષિણ પ્રશાંતના વિસ્તારમાં બંધાયેલી એ સૌ પ્રથમ બેસિલિકા – એટલે કે ખ્રિસ્તી મહાદેવળ – હતી. એના ઘુમ્મટનો આકાર તંબુ જેવો છે, જે “ફાલે” કહેવાતાં ત્યાંનાં લાક્ષણિક કુટિર-ગૃહોનો હોય છે. સારી જાતના લાકડાનાં લાંબાં પાટિયાં ગોઠવીને બનાવેલો, ઊંધા શંકુ આકાર જેવો ઊંચો એ ઘુમ્મટ ખૂબ સરસ છે. પછી ચોતરફ થાંભલાના ટેકા. દીવાલો નહીં, પણ હવા-ઉજાસ માટે ચોતરફ ખુલ્લું. અંદર હતું બધું તદ્દન સાદું. ક્રૂસવાળી વેદી પર થોડાં પ્લાસ્ટિકનાં ફૂલ મૂકેલાં હતાં, પણ પહોળાં પગથિયાં ચઢી, વરંડામાં થઈને હું અંદર ગઈ. તરત એ સાદગીની સહજ સુંદરતા મનને સ્પર્શી ગઈ. ખૂબ ગમી ગયું એ દેવળ.

   અહીં રવિવાર ઉપરાંત બુધવારે સવારે પણ ચર્ચની પ્રાર્થનાનો રિવાજ છે. એ જાણ મને આપમેળે થઈ. મંગળવારની રાતે સાંસ્કૃતિક કેન્દ્રમાંથી આવ્યા પછી થોડું વાંચી-લખીને સૂવા જતાં બાર વાગી ગયેલા. એ પછી પણ ક્યાંકથી હિન્દી ગીતોના સૂર સંભળાયેલા. કોઈ અવિચારી બનેલું હતું. એક બપોરે પણ ઉતારાની પાસેથી પસાર થતી જાહેર બસમાંથી હિન્દી સંગીત સંભળાયેલું. ડ્રાઇવર ‘ઇન્ડિયન’હોય એમ બને. ઘણા મિકેનિક અને કાર-રિપેર કરનારા ‘ઇન્ડિયન’ ફિજિ – ને કદાચ થોડાક ભારત–માંથી ટૉન્ગામાં આવી વસ્યા છે, એમ મેં સાંભળેલું પણ અડધી રાતે આમ શાંત જગ્યામાં ખલેલ કોઈ કરે તે સારું ના લાગે.

   બુધવારે સવારે ખૂબ વહેલી ફ્લાઈટ લઈને ઉતારા પરનાં કેટલાંક જણ જવાનાં હતાં, એટલે ત્રણેક વાગ્યે એ બધાં નીકળ્યાં. ત્યારે હું જાગી ગઈ. પછી મળસ્કે સાડા ચાર વાગ્યાથી ઘંટારવ શરૂ થયો, ને લગભગ કલાક ચાલ્યો. એટલામાં ક્યાંકથી બિલાડીઓ ઝગડવા માંડી ને આમ ઊંઘમાં કાપા પડતા જ રહ્યા, અને મેં જાણ્યું કે બુધવારે વહેલી સવારથી ભક્તોને યાદ અપાતી રહે છે કે પાદરીઓ રાહ જોવાના છે !

   ફ્રી વેસ્લિયાન પંથ તરફથી ૧૯૫૦ના અરસામાં એક ખૂબ મોટુંચર્ચ બંધાયેલું. બે હજાર જણનો સમાવેશ થાય એવું એ “સેન્ટેનરી ચર્ચ” છે. ટૉન્ગાના રાજા અને રાણી દર રવિવારે ત્યાં હાજરી આપે છે. પૂજા સિવાયના સમયે એ બંધ રહેતું લાગ્યું. એની સામે એક ખુલ્લા, ઘાસિયા મેદાનમાં ટુપુ રાજાઓનાં લોકપ્રિય ને સન્માનિત રાજ્યકર્તા એવાં મહારાણી સાલોતેનાં તથા અમુક કુટુંબીઓના મકબરા છે. ઘણાં વર્ષો સુધી એ મેદાન ‘ગોલ્ફ કોર્સ’તરીકે વપરાતું હતું. હવે રાજાની ગાયો ત્યાં ચરવા લઈ જવામાં આવે છે, ને એ રીતે ઘાસ સાફ થતું રહે છે !

   ત્યાં કોઈ ઝાડ નહોતાં, તેથી આસપાસના રસ્તા પર છાંયામાં ચાલવું હું પસંદ કરતી. સેન્ટેનરી ચર્ચ પછી ખૂણા પરના એક મકાનની બહાર ત્રણ બાળકો રમતાં હતાં. મારી સામે હસ્યાં. એમાંની સૌથી મોટી છોકરી કહે, “અંદર જાઓને.” મેં કહ્યું, “ના, મારાથી એ રીતે ના જવાય. તું પૂછી આવ.” બહારની દુનિયામાં આવી છૂટ નથી હોતી તે અનુભવ મને હોયને. એ ત્રણ દોડતાં પાછાં આવ્યાં, ને મને અંદર લઈ ગયાં. જોયું તો મોટા, ખાલી, ઠંડા, જરા અંધારા, લાકડાની ફર્શવાળા ખંડમાં ચાર-પાંચ સ્ત્રીઓ હતી. એક સાડી પડેલી, એક બીજીના વાળ ઓળતી હતી અને બે સ્ત્રીઓ જમીન પર પાથરેલા ખૂબ વિશાળ ‘તાપા’ – ક્લોથ પર રંગ પૂરી રહી હતી. આવું જ મોટું “તાપા-વસ્ત્ર” એમના કમ્પાઉન્ડના ઘાસ પર સુકાવા મૂકેલું હતું. આવી જાજમ જેટલી મોટી સાઈઝ મેં ક્યારેય જોઈ નહોતી.

   શેતૂરની જાતિનાં મલબેરી વૃક્ષની છાલ પર ખૂબ લાંબી પ્રક્રિયા – પાણીમાં બોળવી, ટીપવી, જોડવી, સૂકવવી વગેરે – કર્યા પછી કુદરતી તત્વોમાંથી બનાવેલા બે-ત્રણ રંગો – જેવા કે કાળો, ગેરુ, કથ્થઈ – વડે સાદી, સરળ, પરન્તુ લાક્ષણિક ભૌમિતિક આકૃતિઓ આલેખવામાં આવે છે. નાના-મોટા ગોળ, ચોરસ ને લંબચોરસ આકારો બજારોમાં વેચાતા મેં ફિજિમાં ને ટૉન્ગામાં જોયેલા, પણ આટલા વિશાળ પરિમાણનું – એક જાજમ કે રૂમ જેટલું મોટું – મેં ત્યાં પહેલી વાર જોયું. એ સ્ત્રીઓ સાથે વાતો પણ થઈ.

   મને એમ કે એ એમનું ઘર હતું. મેં કહ્યું, “કેટલું મોટું નેસરસ ઘર છે આ.” એમણે કહ્યું કે એ ચર્ચની માલિકીનું મકાન હતું. એ મોટો ખંડ સામાજિક પ્રસંગો પર ભેગાં થવા માટે વપરાતો હતો. એ ખૂબ મોટાં “તાપા-વસ્ત્ર” પણ આવા પ્રસંગો માટે તેમજ ચર્ચમાં મૂકવા માટે જ બનાવાઈ રહ્યાં હતાં. બધાં ભેગાં મળીને કામ કરી શકે, નિરાંતની બપોર ગાળી શકે. મને આ સામૂહિક રીત ઘણી ગમી. હું યે થોડીવાર એ ઠંડકમાં બેઠી – જાણે એ સ્ત્રીઓમાંની એક ના હોઉં !

   બેએક દિવસ પછી ફરી હું એ મકાન પાસે ગઈ હતી. બહાર સુકાવા મૂકેલું એ ‘વસ્ત્ર’ત્યાંથી લઈ લેવાયેલું. અંદર પણ આંટો માર્યો. ત્યાંનું વસ્ત્ર પણ પૂરું થઈ ગયું હતું. બેએક જ સ્ત્રીઓ હતી. એમને મેં “કેમ છો” કહ્યું ને પાંચેક મિનિટમાં હું બહાર નીકળી ગઈ.

   નાના શહેરમાં બધુંયે નાનું હોય – પછી એ પોસ્ટ ઑફિસનું મકાન હોય કે મુખ્ય બૅન્કનું. લાલ છાપરું અને સામે વરંડાવાળું, ઘર જેવું લાગતું મકાન ન્યાયાલય પણ ખરું, ને સંસદભવન (!!) પણ ખરું. બાજુમાં ત્રણ માળનું નવું બિલ્ડિંગ થયું છે, જેમાં છ-સાત મંત્રી-વિભાગનાં કાર્યાલય છે. આ બધાની નજીકમાં નાનો ફા’ઓનેલુઆ બગીચો જેમાં સ્થાનિક કિશોરો ફૂટબોલ રમતા દેખાય ! એની બરાબર સામે, રસ્તો વળોટો પછી “વુના” નૌકા-અડ્ડો આવે. ૧૯૭૭ના ધરતીકંપ પછી થયેલા નુકસાનને કારણે ત્યાં હવે વહાણ નાંગરતાં નથી. લોકોની પોતાની નાની હોડીઓ ત્યાં જાયઆવે ખરી, પણ ૧૯૬૬માં, એકાદ માઈલ દૂર, મહારાણી સાલોતેના નામનો નવો અડ્ડો બનાવવામાં આવ્યો, ને ત્યારે સાઠ વર્ષ પછી “વુના” અડ્ડો નવરો થઈ ગયો. ૧૯૭૭માં થયેલા ધરતીકંપ પછી તો એ વહાણો માટે નકામો થઈ ગયેલો ગણાયો.

   અહીંથી પાણીને જમણી બાજુ રાખીને જરાક આગળ જાઓ તો ‘પાન્ગાઈ’નામની ખુલ્લી જગ્યા આવે ત્યાં હજી રાજવી મિજબાનીઓ, કાવા પીવાના સામુહિક પ્રસંગો તથા સરઘસો યોજાય છે. એની સામે ઊંચાં સરુ વૃક્ષના પડદા પાછળ થોડો દેખાતો, થોડો ઢંકાતો રાજ-પ્રસાદ છે. ‘વિક્ટોરિયન’ શૈલીનું સફેદ સ્થાપત્ય ને ઉપર લાલછાપરું. એ ન્યૂઝીલૅન્ડમાં બનાવીને ટૉન્ગા મોકલવામાં આવેલો ને પછી ૧૮૬૭માં આ સ્થાને ગોઠવવામાં આવેલો. બીજા માળનો વરંડો ૧૮૮૨માં ઉમેરાયો હતો. રાજા અને રાણી અહીં ભાગ્યે જ રહે છે. એ માટે તો હજી વધારે પશ્ચિમ તરફ જતાં એમનો ખૂબ વિશાળ, ખરેખરો મહેલ છે ! ઊંચા પગે ઊભાં રહી, ઝાડની વચ્ચેથી દેખાતા એ નાના પ્રાસાદનો ફોટો લઈ તો લીધો જ !

   નુકુ’આલોફામાં દરરોજ કૅમેરા ઉપાડીને હું ફરતી નહીં. જતાં પહેલાં ફોટા લઈ લઈશ એમ ધારેલું. જે દિવસ આ માટે મનમાં રાખેલો તેની સવારથી આકાશ ઘેરાયેલું હતું. હું ‘સ્લો સ્પીડ’ની ફિલ્મ વાપરું છું તેથી સૂર્યનો પ્રકાશ જરૂરી બને. છતાં થોડા ફોટા લીધા કર્યા. મને “કિએકિએ” પહેરેલી છોકરીઓના ફોટા લેવા ગમે. દરેક “કિએકિએ” જુદું લાગે, કારણકે વધુ ભાગે દરેકે પોતાની આવડતથી જાતે જ બનાવ્યું હોય. યુવતીઓને પૂછું કે તરત હસીને ફોટો પડાવવા ઊભી રહી જાય. મેં વખાણ કર્યા ત્યારે એક મને કહે, “તમને જોઈએ તો “કિએકિએ” બનાવી આપું.” એમ તો બજારમાં પણ એ મળતાં હોય, પણ લઈને મારે શું કરવાનું? ઘણી વાર સ્થાનિક કપડાં હું લેતી, ને પહેરતી હોઉં છું, પણ આ પરિધાન એમાંનું નહોતું.

   પાણી પાસે થોડા કિશોરોએ ગણવેશના ભાગ રૂપે “તાઓવાલા” પહેર્યું હતું. ફોટો પડાવવા ચારેક છોકરા ઊભા રહ્યા, બે ખસી ગયા ! એ દિવસે પરીક્ષા પતી હશે તે જ્યાં ને ત્યાં શાળાનાં છોકરા-છોકરીઓ ખૂબ જોયાં. જાણે અચાનક ! આટલા દિવસ કોઈ નહોતાં દેખાયાં. ઉનાળાની રજાઓ પણ ઘણાં માટે શરૂ થતી હતી. બધાં આનંદમાં હતાં ને મિત્રોની સાથે નાના શહેરના રસ્તાઓ પર ફરી વળ્યાં હતાં. ટૉન્ગાના જીવનનો એ અંશ પણ સરસ જોવા મળ્યો.

   પોલીસ સ્ટેશન પાસે થઈને જરાક આગળ જતાં ‘માકેતી તાલામાહુ’ – એટલે કે માર્કેટ તાલામાહુ – આવે છે. ખાસું મોટું મકાન છે. એનું નીચે શાક-માર્કેટ છે. એમાં અને રસ્તા પર વેચાતાં શાકમાંના અમુક આપણે ના પણ જોયાં હોય. ખૂબ મોટા અળવી જેવા ‘તારો’ કંદના ગઠ્ઠા જોઈને બહુ નવાઈ લાગી. ભાજીનાં પાન, ફણસી, ડુંગળીવગેરે જથ્થાબંધ, ને કેળાંની તો લૂમો. ઋતુમાન સારું અને ભૂમિ ફળદ્રુપ. એટલે ઠંડા તેમજ ગરમ પ્રદેશમાં મળતાં શાકભાજી પ્રચુરતામાં ઊગે. મેં ખાસ ભાવ પૂછ્યા નહોતા, પણ મોંઘા નહીં હોય તેમ અનુમાન કરી શકાય.

   માર્કેટના ઉપલા માળમાં સ્થાનિક પ્રજા માટે કપડાં તેમજ પ્રવાસીઓ માટે હસ્તકળાની ચીજોના સ્ટોલ હતા. મેં ‘તાપા’ના ચીતરેલા ટુકડા તરફ નજર કરેલી, પણ ખાસ કાંઈ ગમ્યું નહીં. “કિએકિએ”ના બેચાર નમૂના વેચાતા હતા, પણ તે મને કામના નહોતા. કશું જોઈએ, કે કશા વિષે પૂછીએ, ને ખરીદવાનાં ના હોઈએ તો દુકાનદારને ના ગમે, ને મને સંકોચ થાય. આથી હું બહુ પૂછપરછ ના કરું. એક આંટો મારીને હું નીચે જતી રહી.

   નીચે માર્કેટની બહારની તરફ પણ મકાનની અંદરથી જ દાખલ થવાય તે રીતે દુકાનોની સળંગ હાર હતી. એમાં તૈયાર ખાવાનું મળતું હતું. બધે આમિષ ચીજો વેચાય, પણ સૌથી પહેલી દુકાનમાં પકોડાં દેખાયાં. પછી જોયું તો વેચનારી સ્ત્રી ઇન્ડિયન લાગી. હું વાત કરવા રોકાઈ. એનું નામ સોફી ફોનુઆ હતું. એ ફિજિની ‘ઇન્ડિયન’ હતી. બેએક વર્ષ પહેલાં એ જિંદગી બદલવા ટૉન્ગા આવેલી. એક ટૉન્ગન પુરુષને પરણીને સુખી હતી અને માર્કેટમાં ખાવાનું વેચતી હતી. મને તરત કહે, “ફરીથી ટૉન્ગા આવો ત્યારે મારે ત્યાં જ ઊતરજો.” વહેલી સવારે ઊઠીને એ આમિષ ચીજો તથા પકોડાં બનાવતી હતી, ને સાત વાગ્યા પહેલાં તો દુકાને હાજર થઈ જતી હતી. સાંજ પડતાં બધું વેચાઈ જતું હતું તેમ એણે કહ્યું.

   પણ છોકરાં આવે, ને “આ શું છે? આ શું છે?” એમ પૂછ-પૂછ કરે તે એને જરાયે નહોતું ગમતું. મોઢું બગાડીને કહે,ભાવ ખબર તો છે તોયે શું કામ પૂછતાં હશે ?” મેં એનો ફોટો લીધો તે બહુ ગમ્યું, ને એક કોપી મોકલી શકું તેથી સરનામું પણ આપ્યું. સોફી સાથે પછી તો રોજ વાત કરવા હું ઊભી રહેતી હતી. એક વાર એણે મને પકોડાં આપ્યાં. પહેલાં તો પૈસા લેવાની ના પાડી, પછી લઈ લીધા. પાછળથી મને ખ્યાલ આવ્યો કે એના ભાવ કરતાં વધારે પૈસા મેં આપેલા. એને ખ્યાલ નહીં આવ્યો હોય કારણકે એણે મને પૈસા પાછા નહોતા આપ્યા.

   ત્યાં જ મને પેલા સિંધી ભાઈ મળી ગયેલા. એ મરઘીઓ પાળતા હતા ને વેચવા માટે થોડા ઈંડા એ સોફીની દુકાન પર મૂકવા માગતા હતા. બીજે દિવસે હું એને મળી ત્યારે એ ફરિયાદ કરતી હતી કે “મારે આ ઈંડાં રાખવા નથી. એ સારાં નથી, નાનાં છે. લોકો લેવા માગશે નહીં ને ઊલટો મારો ધંધો બગડશે.” પછી એણે ઉમેર્યું, “હું ગભરાવાની નથી. કહી જ દેવાની છું કે હું આ ઈંડાં વેચવા નહીં મૂકી શકું.”

   કોઈ પણ જગ્યા હોય, જીવન અને એના સંઘર્ષો કેવા સરખા હોય છે. દરેક જણ સુખની, આનંદની જિંદગી ઇચ્છતું હોય, એ માટે શક્ય તેટલા પ્રયત્ન કરતું હોય. એમાં કોઈ એક જણનો વાંક ક્યાંથી કાઢવો! ટૉન્ગામાં મને સરસ પરિચય થયા, પણ હું ત્યાં થોડા સમય માટે હતી. એમાંના કોઈને ક્યારેય શું ફરીથી મળવાનું થશે? ફરીથી ટૉન્ગા આવવાનાં આમંત્રણ તો મળેલાં – સોફી તરફથી, હંસાબહેન અને સુમિત્રાબહેન તરફથી. ત્યાં મને જરૂર ગમ્યું હતું, પણ મને બધે જ ગમી જતું હોય છે ! મુશ્કેલી એ જ હોય છે કે ક્યાં ક્યાં જવું ફરી ફરી ?
* * *
   ગુરુવારની સવારે ટૉન્ગાથી બીજા એક નજીકના ટાપુ-દેશ પર જવા વિમાન લીધું. ફ્લાઈટ ખૂબ ટૂંકી હતી અને ચોવીસ કલાકનો ફરક પડી જવાનો હતો ! બસ, દોઢેક કલાકમાં તો હું બીજે ક્યાંક પહોંચી જવાની હતી ને તે પણ આગલા દિવસે ! સાવ અજીબ લાગે તે રીતે વીતી ગયેલો દિવસ મને પાછો મળવાનો હતો! ટૉન્ગાથી એનો પાડોશી ટાપુ સામોઆ દરિયાઈ અંતરથી તો નજીક જ હતો, પણ બંનેની વચ્ચેના એ વિસ્તારમાં થઈને “આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા” – International Dateline – પસાર થતી હોય છે. એ કાંઈ નરી આંખે દેખાય નહીં, પણ દુનિયાના નકશામાં એ દોરાયેલી હોય છે. હું એને વળોટીને એની પશ્ચિમે જતી હતી ને ત્યાંનો સમય ટૉન્ગાથીપાછળ હતો. ઘણા કલાકો પાછળ હતો – ચોવીસ નહીં, પણ પચીસ કલાક ! મને એક આખો દિવસ અને ઉપર એક કલાક જાણે “લટકા”માં મળવાના હતા !

   ટૉન્ગાની એ સવારે આકાશ વાદળિયું ને થોડું વરસાદી હતું, પણ વિમાન સમયસર ઊપડ્યું. અદીઠ અને અદ્રશ્ય એવી દિનાંકરેખા પસાર થતામાં આકાશ ચોખ્ખું થઈ ગયું. ઊંચેથી સામોઆ દ્વીપ-દેશના કેટલાક ટાપુઓ સુસ્પષ્ટ દેખાયા – ગાઢ વનસ્પતિને કારણે ઘેરા લીલા, પર્વતોથી જાણે ખીચોખીચ, અને એમના સમગ્ર આકારને ફરતે તદ્દન કૃત્રિમ જેવા મોરપીંછ રંગનું તળિયું દેખાય તેટલું જ ઊંડું “લગૂન”. સામોઆનો મુખ્ય ટાપુ ઉપોલા અને નજીકના બીજા બે ટાપુ – એમ ત્રણ ટાપુ આ પ્રકારના રંગ ને રૂપના હતા. ક્યારેય ના જોયું હોય તેવો એ દ્રશ્યપટ હતો. વિમાનની બારીમાંથી એ અદ્દભૂત – અપૂર્વ મોરપીંછ જળ-બંધને હું જોતી રહી – દેખાય ત્યાં સુધી.

   પ્રશાંત સમુદ્રના અનંત જેવા વિસ્તારમાં કેટલા બધા માઈલો સુધી એ પીરોજા રંગ પ્રસરી ગયેલો હતો. પાણી તદ્દન સ્તબ્ધ બનેલું હતું. એક પણ મોજું ક્યાંય ઊઠતું દેખાતું નહોતું. મુખ્ય ટાપુની દક્ષિણે કિનારા પર રેતીનો પટ થયેલો હતો. તે સિવાય બીજે ક્યાંય નહીં. આવું વિહંગાવલોકન કરાવી વિમાન જમણી તરફ વળ્યું, ગોળ ફરતું ગયું, આમ નમ્યું – તેમ નમ્યું, થોડું થથર્યું ને છેવટે જાણે ઊતરવાની ચણેલી, ચોખ્ખી ભૂમિ-પટ્ટી એને મળી આવી. બપોરનો એક વાગેલો. સૂરજ બરાબર માથા પર હતો. મથકની ચોતરફ લીલોતરી હતી, ને ઘણાં બધાં નાળિયેરીનાં ઝાડ પોતાના જ પડછાયામાં રોપાઈને અક્કડ ઊભેલાં હતાં.

   સામોઆ ટાપુ ‘દિનાંક-રેખા’ની પશ્ચિમે ખરો, પણ ટૉન્ગા ટાપુથી ઉત્તર દિશામાં – એટલે કે વિષુવવૃત્તથી એટલો નજીક થતો ગયેલો. આ જ કારણે, ગરમી અને ઘામવાળી હવા સઘન થયેલી લાગતી હતી. કદાચ તેથી જ વનસ્પતિ વધારે પ્રચુર, વધારે પ્રફુલ્લ બનેલી હતી. વૃક્ષો જાણે વધારે મોટાં ને લીલાં હતાં અને ફૂલોની તો જાણે અતિશયોક્તિ થયેલી હતી – કરેણ, ગુલમહોર, બોગનવેલ, ચાંદની,લેબર્નમ, અને લાલ, ગુલાબી, સફેદ, પીળા ચંપાની તો શું વાત ! મેં વિમાન-મથકે પૈસા છૂટા કરાવી સામોઆનું નાણું મેળવી લીધેલું, ને મુખ્ય શહેર આપિઆ પહોંચવા માટે એકમિનિબસ લીધેલી. એ સગવડ હતી તે કેટલું સારું હતું, કારણકે ટૅક્સીના પૈસા ચાર ગણા થતા હતા.

   ઉપોલા ટાપુને એક છેડેથી બીજે છેડે જવાનું હતું. રસ્તો ગામોમાં થઈને જતો હતો – બંને બાજુ ઘરો આવે, શાળાઓ આવે અને મંડપો પછી મંડપો. છાપરું હોય તે જ, બાકી ચોરતરફથી ખુલ્લા છાંયડો મળે ને હવા-ઉજાસ. લગભગ બધા મોટા કહેવાય તેવા હતા – અમુક અંગત ને કુટુંબીઓ માટેના તથા પાડોશીઓના ભેગાં થવા માટેના હતા, તો બીજા કેટલાક ગામના વડીલો ને સરપંચ ચર્ચાવિચારણા ને નિર્ણયો લેવાની બેઠકો માટે વપરાતા હતા. દુનિયાના અન્ય ટાપુઓમાં પણ આ રિવાજ, મંડપોની આ પ્રથા મેં જોયાં છે. રોજની ગરમીથી બચવાનો આ અત્યંત અસરકારક ઉપાય છે તે નક્કી.

   સામાઓ ટાપુ-દેશમાં વાહનો રસ્તાની જમણી તરફ ચલાવતાં હતાં. ટૉન્ગા ટાપુ-દેશમાં એ ડાબી તરફ ચાલતાં હતાં. આમ શાથી થયું હશે તે ઇતિહાસ કહી આપે છે. વિશ્વ યુદ્ધના કાળમાં, તે પછી પણ સામાઓમાં અમેરિકાનું થાણું રહેલું તથા ટૉન્ગામાં ઇંગ્લેન્ડનું. એ દેશોની નીતિ ને રીતે તે તે ટાપુ-દેશોમાં સ્થાપિત થાય તે સ્વાભાવિક છે. મને આવતાંની સાથે લાગવા માંડ્યું હતું કે સામોઆ ટૉન્ગા કરતાં કેટલું જુદું હતું. વધારે સુંદર પણ લાગ્યું. પછી જોયું તે પ્રમાણે સામાઓનું મુખ્ય શહેર આપિઆ ટૉન્ગાને મુખ્ય શહેર નુકુ’આલોફા કરતાં વધારે મોટું ને વધારે “આધુનિક” હતું. અલબત્ત, દુનિયાના મોટા મોટા દેશોના કોઈ શહેરની સાથેની સરખામણીમાં તો આપિઆ “ગામડું” જ લાગે ! જોકે એવી સરખામણી હું કરું પણ નહીં, કારણકે મારે તો જગ્યા જેવી હોય તેવી જ જોવી હોય ને ગમાડવી હોય. ટૉન્ગા અને સામોઆ આટલા પાસે પાસે, છતાં આટલા જુદા જોયા તેથી વળી આવો વિચાર આવી ગયો.

   વિમાન-મથકેથી મેળવેલા ઉપોલા ટાપુના નકશામાં રસ્તો હું નોંધતીરહેલી. આપિઆ શહેરમાં દાખલ થયા પછી પણ મિનિ-બસ ક્યાં જતી હતી તે ખ્યાલ મને રહેતો હતો. મેં ચાલકને અમુક હોટલનું નામ આપેલું, પણ એના પહેલાં “સી-સાઈડ ઈન” નામની હોટેલ દેખાઈ. મેં એકદમ મિનિ-બસ ઊભી રખાવી, ને એને પૂછ્યું કે, “રૂમ ખાલી છે કે નહીં તે પૂછી આવું ત્યાં સુધી ઊભા રહેશો?” એણે હા પાડી. અંદર પૂછ્યું, તો રૂમ ખાલી હતો. હું આગળ નહીં જતાં ત્યાં જ ઊતરી ગઈ. આ નિર્ણય ઘણો સારો નીકળ્યો. એ મને પછી સમજાયું, કારણકે પેલી જગ્યા તો હજી ઘણી દૂર હતી, નેત્યાંથી શહેરમાં ચાલીને તો પહોંચાયું જ ના હોત.

   આ Sea-side Inn મને ગમી ગઈ. બહાર વરંડો, અંદર બેસવા માટે સોફા, બધે સિલિંગ ફેન. રૂમ સાદા, પણ પંખા ને પૂરતા પ્રકાશવાળી બત્તી તો હતાં. સામે રસ્તાની પેલી બાજુ ગોળાકારે જતો કાંઠો ને એના પર દેખાતાં શહેરનાં દેવળો. ચાલીને શહેરમાં જરૂર જવાય તેટલું અંતર હતું, ને હું દિવસમાં બે વાર શહેર તરફ જતી પણ ખરી. સૂરજ સવારથી સાંજ જબરાઈ કરતો રહેતો. પાંચ વાગ્યા પછી પણ એનાથી મારી આંખો બળતી. છએક વાગ્યે એ નીચે જતો ને ત્યારે આલોક મૂદુ બનતો. છેલ્લો અડધો જ કલાક, કારણકે એ પછી રાતની શરૂઆત થતી જણાતી.

   થોડાક સાંધ્ય-વિહાર માટે કેટલો સરસ હતો ટૂંકો એ સમય. આરામદાયક મંદ મંદ પવન વાતો હોય, ને આખા દિવસની ગરમીનો થાક ભુલાવી દે. પાણી પર બાંધેલી પહોળી દીવાલની ઉપર ચાલવાનું, રસ્તા પરની બત્તીઓને ઝગમગી જતી જોવાની ને જગ્યાને વહાલીબનતી જતી અનુભવવાની.

   સામોઆમાંની પહેલી સાંજે મેં એ જ કર્યું.
(ક્રમશ :...)


0 comments


Leave comment