7 - પ્રકરણ : ૭ - સામોઆ ટાપુનું જીવનદર્શન / ખીલ્યાં મારાં પગલાં / પ્રીતિ સેનગુપ્તા


   ઇતિહાસની તવારિખ પ્રમાણે ઈ.પૂ. ત્રણ હજાર વર્ષ પહેલાં પોલિનેશિયન વંશવેલાના સાગરખેડુઓ અગ્નિ એશિયાના જળ-સ્થળપરિસરમાંથી પ્રશાંત સાગરમાંના સમોઆ નામના દ્રીપ-સમૂહ પર આવી ચડેલા અને વસવા માંડેલા. હજારેક વર્ષ આમ ગયા પછી સામોઆના સાહસીઓ દક્ષિણ ટૉન્ગા ટાપુ-દેશ પર અને પૂર્વમાં માર્કેસાસ અને સોસાયટી આઈલૅન્ડ જેવા ટાપુ-દેશો પર જવા માંડેલા. પ્રશાંત મહાસાગરમાંના અનેક ટાપુઓની પ્રજા કુતુહલ હિંમત અને તારાઓના સ્થાનને આધારે માર્ગ વગરના અસીમ જળ-પ્રસ્તાર પર અવરજવર કરતી રહેલી. છેક અઢારમી સદીના ત્રીજા દસકાની શરૂઆત પહેલવહેલા યુરોપી જહાજકપ્તાનની નજરે સામોઆ દ્વીપસમૂહ પડેલો. પછી ડચ, ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજ તથા અમેરિકન વહાણવટીઓ તેમજ ધંધાદારીઓ ત્યાં આવતા રહેલા.

   અઢારમી સદીના અંત સુધીમાં આ સમૂહનો એક ભાગ અમેરિકાએ હાથમાં લઈ લીધેલો, જે આજે પણ “અમેરિકન સામોઆ” તરીકે ઓળખાય છે અને અમેરિકાની કોલોનિ બનીને રહેલો છે. એમાંનો મુખ્ય ટાપુ ટુટુઈલા છે. જેના પર આવેલું મુખ્ય ગામ પાગો પાગો છે. આ સમૂહનો બીજો, વધારે મોટો ભાગ “વૅસ્ટર્ન સામોઆ” કહેવાતો રહ્યો – સમુદ્ર, મહીંની એની દિશા-સ્થિતિને કારણે. એ પહેલેથી જ જર્મનીના હાથમાં રહેલો હતો, અને ૧૯૬૨માં દક્ષિણ પ્રશાંતની બધી દ્વીપ-કોલોનિઓમાં એ સૌથી પહેલો સ્વતંત્ર દ્વીપ-દેશ બન્યો. છેક ૧૯૯૭માં એણે પોતાનું સત્તાવાર નામ “વૈસ્ટર્ન સામોઆ’માંથીબદલીને કેવળ ‘સામોઆ’ કરી દીધું. મોડે મોડે જાણે અન્ય સત્તાના સંદર્ભો ખંખેરી નાખ્યા. એ સાથે જ સ્વતંત્ર સરકારે નિયમો બદલ્યા, નીતિ ઉદાર કરી અને આધુનિકતા પ્રતિ પગલાં ભરવા માંડ્યાં. આ સામોઆ મુક્ત રાષ્ટ્રનો મુખ્ય ટાપુ ઉપોલા છે અને એનું પાટનગર આપિઆ છે.

   ફિજિથી ટૉન્ગા ટાપુ-દેશ થઈને હું સામોઆ પહોંચી હતી. વિમાનમથકેથી શહેર સુધી જતાં ટાપુના ઉત્તર તરફના ભાગમાંથી પસાર થઈ હતી. ચોખ્ખા રસ્તા, સુઘડ ઘર, ગીચ વૃક્ષો અને રંગરંગનાં ફૂલો. વિષુવવૃત્તીય ગરમી અને સૂર્યનું બાળતું તેજ હોવા છતાં બધું ગમી ગયેલું. શહેરને છેડે એક સાદી હોટેલમાં ઉતારો મેળવી લીધો હતો. એમ તો પાસે ઑગિ ગ્રે (Auggy Grey) નામની મોંઘી હોટેલ હતી. એ જ નામની બ્રિટિશ-સામોઆન સ્ત્રીએ ૧૯૪૩માં એને ખોલેલી અને વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાની દળ સામે લડવા મોકલવામાં આવેલા હજારો અમેરિકન સૈનિકોને ખાવાનું પૂરું પાડવાની કોશિશ કરેલી. એ પોતે ૧૯૮૮માં નેવું વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યાં, પણ ઘણી મોટી બનેલી આ હોટેલ હજી એમનાં પુત્ર અને પુત્રવધૂ મરીના જ ચલાવે છે, તથા ત્યાંના વાતાવરણને હજી ઉષ્માભર્યું રાખવાનો આગ્રહ ધરાવે છે. સ્વિમિંગ પુલ, વાતાનુકૂલન વગેરે આધુનિક સગવડો ઇચ્છાનારાં ત્યાં ઊતરે છે. મારે એકલાને માટે સ્થાનિક સ્પર્શવાળી નાની હોટેલ વધારે ઇચ્છનીય હોય છે.

   પણ સામોઆમાંની એ પહેલી રાતે “ફિઆફિઆ” (Fiafia) કહેવાતો, પ્રથાગત સામોઆન લોક-ગીતો અને નૃત્યનો કાર્યક્રમ જોવા હું ઑગિ ગ્રે હોટેલ પર જરૂર ગઈ. આમ તો આ કાર્યક્રમ દેશનાં ગામડાં એક-બીજાના મનોરંજન માટે રજૂ કરતાં, પણ હવે વધુ ભાગે એ પ્રવાસીઓ માટે મોટી હોટેલોમાં યોજાતો હોય તેમ લાગે છે. ઑગિ ગ્રેમાં દર બુધવારે એ થાય છે એમ સાંભળ્યું. બીજી કોઈ રાતે ક્યાંક દૂર જોવા જવું પડે, કે પછી રહી જ જાય એના કરતાં પહેલી જ રાતે પાસે જોઈ લેવો સારો. “ફિઆફિઆ”નો આખો અર્થ “મોટી મિજબાની અને પછી ગીતો ને નૃત્યો” એવો કરવો પડે.યુરોપીઓ સામોઆ પહોંચ્યા એના હજાર વર્ષ પહેલાંથી પોલિનેશિયન પ્રજા જમીનમાં ખાડો કરીને, તપાવેલા પથ્થરો દ્વારા જાતજાતનું આમિષ અને નિરામિષ ખાવાનું પકવતી આવી હતી. આ પ્રથા પ્રમાણે “ફિઆફિઆ” માટે હજી કેટલીક વાનગીઓ બનાવવામાં આવે છે. હોટેલોમાં તો આમિષ જ વધારે હોય, તેથી મેં ભોજન પત્યા પછી ફક્ત લોકગીતો ને નૃત્યો માટે જ પૈસા ભર્યા.

   આદિવાસી જેવી મૂળ પ્રજા અને એમનાં ગીત-નૃત્યો પણ એ પ્રકારનાં જ હતાં. ક્યારેક સાંભળવાં-જોવાં ગમે. વચ્ચે મરીનાએ ખૂબ લાલિત્યપૂર્વક આવકાર-નૃત્ય કર્યું. ઑગિ ગ્રેએ શરૂ કરેલી આ પ્રથા હજી ચાલુ રખાઈ છે તે બહુ સારું લાગે છે. કાર્યક્રમની સૌથી ઉત્તેજક ઘડીઓ અંતે આવે છે, જ્યારે સ્વિમિંગ પુલ અનુષ્ઠાનનું મુખ્ય અંગ બને છે. બધાં પ્રેક્ષકો ટેબલ-ખુરશીઓ છોડીને ઝડપથી એ તરફ પહોંચી જાય છે. પાણીમાંની નાની નૌકાઓ આદ્ય સાગર-ખેડુઓનું પ્રતીક બને છે. દેખાવડા સામોઆના યુવકો કળા અને કૌશલ્ય દ્વારા સાહસિકતા દર્શાવી રહે છે. છેક છેલ્લે, દુનિયાના મોટા ભાગના ટાપુઓ પર પ્રચલિત એવું અગ્નિ-નૃત્ય રજૂ થાય છે. પુલની ત્રણ બાજુ પર મસાલો સળગી ઊઠે છે. ચોથી બાજુ પર પ્રેક્ષકો છે. પાણીની અંદર પણ યુવકો સળગતી મશાલો સાથે આશ્ચર્યજનક ખેલ કરે છે. તાલબદ્ધ વગાડાતાં લાંબાં, ઊભા ઢોલનો નાદ ઉત્સુકતા અને વિસ્મય વધારતાં રહે છે. પ્રેક્ષકોના પ્રશંસાના ઉદ્દગારો અને તાળીઓ સાથે કાર્યક્રમ સમાપ્ત થાય છે.

   ઢોલનો નાદ હજી થોડી વાર ચાલુ રહેશે. પછી કદાચ ટેપ દ્વારા સામોઅન સંગીત વાગતું રહેશે. હોટેલની લૉબીમાં થઈને હું રસ્તા પર આવું છું, ને મારા ઉતારા તરફ ચાલવા માંડું છું. રાતના નવેક વાગેલા, પણ મેં જોયું કે આપિઆ શહેરના રસ્તા પર ઘણી દીવાબત્તીઓ હતી ને સારું એવું અજવાળું પડતું હતું. મને એકલાં ચાલવાની બીક નહોતી, પણ પૂરતું અજવાળું હોય તો સહેલું પડે અને જગ્યાને જોતાં જોતાં જવાય. વચ્ચે “વાઇસિગાનો” નામની નાની નદી અને એના પરનો ટૂંકો, પહોળો પુલ આવે. પછી ઘેઘૂર એકવર્ષો-જૂનું વૃક્ષ અને થોડી વારમાં મારો ઉતારો.

   મેં રૂમ ભાડે લેતી વખતે ખાસ એક શાંત ઓરડો માગેલો, પણ નં. ૧૨ કોઈ રીતે એવો ન નીકળ્યો. બાજુના રૂમમાં એક કુટુંબ રહેતું લાગ્યું. ઓછામાં ઓછી ત્રણ પેઢીઓ તો હશે જ. સાવ નાનું બાળક રડતું રહ્યું, છોકરાં તીણું હસતાં રહ્યાં, મોટેરાં મોડી રાત સુધી વાતો કરતાં રહ્યાં ને તે પછી પણ કોઈનાં ધીમાં નસકોરાં સંભળાતાં રહ્યાં. આ ઉપરાંત, નજીકમાં આવેલી નાઈટ-ક્લબનું સંગીત મધરાત પછી પણ વાગતું રહ્યું હતું. લયબદ્ધ અને કર્ણપ્રિય, પણ આ બધાને કારણે ઊંઘ આવતાં ઘણી મોડી રાત થઈ ને સામોઆ “આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા”ને અડીને છે, જેનો અર્થ થાય છે દુનિયાની વહેલામાં વહેલી સવાર !

   રૂમના ભાડામાં સવારના નાસ્તાનો સમાવેશ થઈ જતો હતો, પણ તે સાતથી નવમાં લઈ લેવાનો હતો. પહેલી સવારે માંડ ઊઠીને નવ વાગ્યે વરંડામાં આવી તો પ્લાસ્ટિકના ટેબલ-ક્લોથ લઈ લેવામાં આવી રહ્યા હતા, અને નહીં વપરાયેલાં છરી-કાંટા વગેરે ભેગાં કરાઈ રહ્યાં હતાં. કામ કરતી યુવતીએ કહ્યું, “અમારે માટેની કૉફી હજી છે”, અને મને એક કપ લાવી આપ્યો. નાસ્તો હતો તો સાદો જ – ટોસ્ટ, ફળ, પડીકીની ચા અથવા કડક કૉફી, છતાં વરંડામાં બેસીને ઘરની જેમ, અથવા ક્યાંક જઈને શોધ્યા વગર, ખાવા મળે એની મઝા આવતી હોય છે. બસ, જો થોડે મોડે સુધી આપતાં રહેતાં હોત તો !

   બહાર નીકળતાં પહેલાં મેં રૂમ જરૂર બદલી નાખેલો. આગલા મોટા મકાનમાં નં.૭ જ ખાલી હતો. એનાથી ચલાવવાનું હતું. પછીની રાતોમાં કોઈ તકલીફ થઈ નહીં. એ પહેલી સવારે હું જમણી તરફના ગોળ ફરતા જતા રસ્તા પર ચાલવા નીકળી. બીજી એક હોટલ એ બાજુ હતી એમ નકશામાં જોયેલું, પણ મને મળી નહીં. એ પરિસર શહેરથી ઘણો દૂર હતો, શાંત અને રહેવાસી હતો. સરસ, જૂનાં, મોટા ઘર વૃક્ષોથી ભરેલા, લીલાંછમ કમ્પાઉન્ડમાં આવેલાં હતાં. રસ્તો સાવ ખાલી હતો. વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આવતી હતી.ત્યાં દરિયો હતો. કિનારા પર કાળાશ પડતી રેતી હતી, ને જરા સરખાં પણ મોજાં નહોતાં. પાણી જાણે દરિયો બનવાનું જાણતું નહોતું. થોડી હવા હતી અને સૂરજ વાદળોની પાછળ રહેલો હતો. કશું જ હલન-ચલન નહીં, કોઈની અવરજવર નહીં. પણ મને ગમી ગયું ત્યાં; પ્રીતિકર લાગ્યું એ સ્થાન, એ વાતાવરણ. ખાસ કાંઈ નહોતું, પણ બસ, એ રોજિંદું સામોઆ હતું.

   સામોઆ દેશના બે મુખ્ય ટાપુ છે – ઉપોલા અને સાવાઈ અને સાતેક સાવ નાનકડા. બધા અતિપ્રાચીન જ્વાળામુખીય પ્રક્રિયાથી બનેલા. તેથી જ તો જમીન આટલી ફળદ્રુપ. વળી, બધા ટાપુઓ પર કર્કશ પર્વતો પણ ખરા. વિષુવવૃત્તથી ચૌદ જ અંશાંક દક્ષિણે, પણ દુનિયા આખી જાણે અતિ દૂર. દા.ત. ન્યૂઝીલૅન્ડથી એ ૨૮૯૦ કિ.મિ. દૂર છે. ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી ૪૪૦૦ કિ.મિ. તથા લૉસ એન્જલસથી ૮૪૦૦ કિ.મિને અંતરે સામોઆ રહેલું છે. આવાં લાંબા અંતરને કારણે જ, શક્ય છે કે સામોઆ એની “ફાઆઆ” કહેવાતી જીવન-રીતિ સાચવી શક્યું હોય. જોકે સામોઆનાં હજારો પ્રજાજનો અમેરિકાના પશ્ચિમ કિનારે – ખાસ કરીને લૉસ ઍન્જલસની આસપાસ જઈ વસેલાં છે. સામોઆ દેશની વસ્તી આજે બે લાખથી પણ ઓછી છે. આપિઆ શહેરની જનસંખ્યા પચાસ હજાર ગણાય છે. ત્યાં હરતાં-ફરતાં મને લાગ્યું કે સારું જીવન છે; શાંત ને સુખી છે. બહુ લોકો પાસે ગાડી-મોટરો નથી, પણ નાની જગ્યામાં એની બહુ જરૂર પણ નથી હોતી. બસો ખૂબ ફરતી દેખાઈ અને લોકો ઝટ દઈને ટેક્સી લઈ લેતા જોયા. ટેક્સી ઘણી સસ્તી છે ત્યાં – સિવાય કે ફાલેલો વિમાનમથકે જવા-આવવા!

   હું લગભગ બધે ચાલીને જ ગઈ. ઉતારેથી ડાબી પર રસ્તો દરિયાના સ્થગિત પાણીને ગોળ ફરતો જતો હતો. એનાં પરનાં દેવળ અને નવું બંધાયેલું સંસદ-ભવન આખો વખત દેખાતાં રહેતાં હતાં. ચાલીને ત્યાં સુધી પહોંચતાં વીસેક મિનિટ તો સહેજે થતી. એક માઈલ તો ત્યાં જ થઈ ગયો. પછી અંદરના રસ્તાઓ પર ફરો એટલે ચાલવાનું ઘણું થઈ જાય. વળી, ઉતારે પાછાં પણ જવાનું ને ! દરરોજ
હું બે વાર આપિઆના કેન્દ્ર સુધી જતી ને આવતી. નાની જગ્યામાં મારી મેળે મઝાથી સમય ગાળી શકાતો હતો.

   પહેલે જ દિવસે હું શહેરના બીજા છેડા પર આવેલી હસ્તકળા માર્કેટ પર પહોંચી ગયેલી. એ માટે મોટું મકાન બંધાયેલું છે, જેના ચારેક બારણાંની પાસે થોડું અજવાળું હોય, બાકીનો ભાગ અંધારો લાગે. થોડી વાર પછી આંખો જરા ટેવાઈ જાય. સળંગ ટેબલો પર અસંખ્ય વસ્તુઓ ગોઠવી મૂકેલી હતી. બધે સરખેસરખી જ ચીજો – ઝાડની છાલમાંથી બનાવેલાં “તાપા” –વસ્ત્ર, લાકડાના વાડકા, વાંસની છાબડીઓ; નાળિયેરનાં કોચલામાંથી કરેલાં સાદા, સરસ ઘરેણાં વગેરે. પહેલાં તો ધીરે ધીરે ફરીને બધું જોયું. એમાંનું ઘણું મારે જોઈતું નહોતું. કંઠી-બુટ્ટી વગેરે પણ કેટલાં ભેગાં કરવાં ? પણ નાળિયેરના કોચલાની એક મોટી બંગડી લીધી, જેને હું બાજુબંધ તરીકે પહેરી શકું. ઘસીને સુંવાળા કરેલા કોચલા પર વાંસની ઝીણી પટ્ટીઓ જડીને સુંદર ડિઝાઈન ઉપસાવી હતી. “તાપા” મેં ફિજિ અને ટૉન્ગામાંથી ખરીદેલા, પણ એ બધા ગોળ અને ચોરસ આકારમાં હતા. અહીં જરા જુદી ડિઝાઈનવાળો લંબચોરસ બહુ ગમી ગયો, એટલે લોભ કરીને એક વધારે તાપા-ખંડ લઈ લીધો !

   શહેરના નાના કેન્દ્ર-વિભાગમાં પોસ્ટઑફિસ, બૅન્કો, ઍર-લાઈન ઑફિસો, થોડી દુકાનો, કેટલીક રેસ્ટોરાં વગેરે હતાં. થોડાં ડોકિયાં કર્યા, પ્રવાસ-ખાતાના કાર્યાલયમાંથી બસોના સમયપત્રકનો કાગળ લીધો. એક દુકાનની સાથેના નાનકડા કાફેમાં બેસીને સ્વાદિષ્ટ ચૉકૉલેટ કેક અને કૉફી માણી અને ઉતારા તરફ જવા માંડી. વચમાં ઑગિ ગ્રેહોટલમાં જઈને ટાપુની અન્ય જગ્યાઓ જોવા લઈ જતી ટૂર અંગે તપાસ કરી. ત્યારે ખબર પડી કે આવતી કાલે જાહેર રજા હતી – એટલે કે બસો બંધ. આમ પણ કરવાનું ખાસ હોય નહીં. એ પછી શનિવાર, જયારે બસો તેમજ દુકાનો વગેરે બધાં અડધા દિવસમાં બંધ થઈ જાય; અને રવિવારે તો બધું યે આખો દિવસ બંધ.

   આ સાંભળીને મને પહેલાં જરા ચીડ ચઢી, કે જાણે દુકાળમાં અધિક માસ આવ્યો ! પણ પછી ઘણું હસવું આવ્યું. થયું, “ચાલો, આ પડકાર પણ ઝીલી બતાવું.” કંટાળ્યા વગર સમય પસાર કરવાનીયુક્તિઓ હું શોધી શકું છું. હું તો ચાલ્યા કરું – નજીકમાં, શહેરના ખાલી રસ્તાઓ પર છેક છેડે મુલિનુઉ ભૂશિર સુધી. મુશ્કેલી એક જ – અત્યંત રુદ્ર સૂર્ય. એનાથી છૂટવાનો ઉપાય અહીં ના મળે.

   આવતી કાલને માટે ટાપુના પર્યટન માટે પૈસા ભરી દીધા. છેવટે ઉતારે પહોંચી ત્યારે બપોરના ત્રણ વાગેલા. વાતાવરણ વાદળિયું હતું, પણ વરસાદ પડ્યો નહીં. જરા આરામ કરીને સાડા પાંચેક વાગ્યે ફરી બહાર નીકળી. બાજુના રેસ્ટોરાંમાંથી કાલને માટે દૂધ, બ્રેડ વગેરે લઈ લીધું. ઉતારાનું રસોડું વાપરવાની છૂટ હતી, તેથી કાલે કોઈ રેસ્ટોરાં ખુલ્લી ના હોય તો પણ વાંધો ના આવે. હવા આરામદાયક બનેલી હતી. અખાતનું પાણી નાનકડાં મોજાં બની કિનારે અથડાતું હતું. પાણી પર કાળા પથ્થરોની દીવાલ બનેલી હતી. ઓહો, કેવી ગોળ અમળાતી એ શહેર તરફ જતી હતી. જાણે તદ્દન લઘુ પ્રમાણનો મરિન ડ્રાઈવ !

   બબ્બે જણ સાથે ચાલી શકે એવાં પહોળાં ત્રણેક પગથિયાંની એ દીવાલ હતી. એની પાસે કેટલાં બધાં જૂનાં, જર્જરિત, મોટાં વૃક્ષ આવેલાં હતાં. વાંકાચૂકાં થડ, ઘેઘૂર ઘટા. બનિયન, ગુલમહોર, બદામનાં ઝાડ. નીચે પંખીઓએ ચાંચ મારીને, ખાઈને ફેંકેલી અગણિત બદામો દેખાતી. મને પાકી બદામ ખાવાનું મન થવા માંડતું, પણ એવી કોઈ ક્યાંય જોઈ નહીં! પછી એ સાંજે એક રેસ્ટોરાંમાં વહેલું જમી લીધેલું – બહુ ભીડ થવા માંડે તે પહેલાં. એ હજી ખાલી હતી, છતાં ઘોંઘાટ લાગતો હતો. બે-ત્રણ સ્થાનિક સ્ત્રીઓનું ખૂબ મોટેથી ખડખડાટ હસવાનું કાનને કનડતું હતું. સદ્દભાગ્યે, રૂમ બદલ્યા પછી સૂવામાં કોઈ દખલ ના નડી !

   સવારે નાસ્તો કરીને ઑગિ ગ્રે હોટેલ પર પહોંચી ગઈ. ટાપુના પર્યટન માટે બીજાં નવ જણ ભેગાં થયેલાં હતાં - ઑસ્ટ્રેલિયન, જર્મન, અમેરિકન અને હું ! મિનિ-વાનના ચાલકનું નામ તાઆલી હતું અને મળતાવડા ગાઈડનું નામ લેવા હતું. ટાપુની દક્ષિણ તરફ જતા એ રસ્તે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશોનાં એલચીખાતાંનાં મકાનો, તેમજ સામોઆના પૈસાદાર લોકોનાં મોટાં, સરસ ઘર હતાં. રસ્તો ત્રણેક હજાર ફીટ સુધી ચઢતો ગયો. નજીકના માઉન્ટ વાએઆપર વિખ્યાત લેખક રોબર્ટ લુઈસ સ્ટિવન્સનનું નિવાસસ્થાન છે. મૂળ સ્કોટલૅન્ડથી ૧૮૮૯માં એ સામોઆ વસવાટ કરવા આવ્યા ત્યારે એમની ઉંમર ચાલીસની પણ નહોતી. એ ક્ષયના દર્દી હતા, પણ પાંચ જ વર્ષ પછી એ જ્યારે અચાનક મૃત્યુ પામ્યા ત્યારે કારણ ક્ષય નહીં, પણ મગજ પર થયેલો હુમલો હતો. સામોઆમાં એમણે ઘણું લખ્યું, અને આજે પણ ત્યાં એ “અસાધારણ વાર્તાકાર” તરીકે ઓળખાય છે. એમની સમાધિ પર્વતની ટોચ પર છે, જ્યાંથી આપિઓ તેમજ આસપાસનો વિસ્તાર દેખાતો રહે છે.

(સામોઆ દ્વીપ-દેશના વન્ય પરિસરમાં સ્થાપિત બાહાઈ મંદિર.)


   અમે એ કશું જોઈ ના શક્યાં. જાહેર રજાનો દિવસ હોઈ અંદર જવાના ઝાંપા પર તાળું હતું અને પ્રવેશ બંધ હતો. બાહાઈ મંદિર, પણ બંધ હતું, છતાં કોટની કોઈ દીવાલ નહોતી, તેથી એ જોઈ શકાયું ખરું. સુંદર સફેદ ગોળ ઇમારત પર ઊંચું, લાલ છાપરું હતું. તાજા કાપેલા લીલાછમ ઘાસને ફરતે કરેલા ક્યારામાં રંગરંગીન ફૂલો ઉગાડેલાં હતાં. છેક સામોઆમાં બાહાઈ કેન્દ્ર હશે એવું કોણ ધારે ? પણ છે, અને પરસ્પરને વિશિષ્ટતા બક્ષે છે. એ પછી ખૂબ વિશાળ એક વાડીમાં અમે ગયાં, જ્યાં ઑગિ ગ્રેની સમાધિ છે. એની ઉપર લાક્ષણિક સામોઆન શૈલીનો મંડપ બાંધવામાં આવેલો છે. કુટુંબીઓની આવ-જા માટે એક ઘર પણ થયેલું છે. બાકીનો બધો ભાગ હોટેલમાં વપરાતાં શાકભાજી અને ફૂલ ઉગાડવામાં તથા મરઘી, ગાયો વગેરે પાળવા માટે વપરાય છે.

   જ્યાં જોઈએ ત્યાં ખૂબ જ ગીચ, ગાઢ લીલી અને પુષ્ટ લાગતી વનસ્પતિ હતી, પણ લેવાએ કહ્યું કે આ તો કાંઈ ના કહેવાય. ૧૯૯૦ અને ‘૯૧માં બે ભયાનક ઝંઝાવાતોએ ટાપુને અત્યંત નુકસાન પહોંચાડ્યું હતું. ઘણાયે ઢોળાવો પર ઝાડનાં થડનાં હજારો ઠૂંઠાં જ જોવા મળે છે. પાન-પત્તાં બિલકુલ નહીં. અચાનક આવી ઉજ્જડતા જોઈને ચોંકી જવાય. જમીન ખૂબ ફળદ્રુપ છે, તેથી છોડ-ઝાડ પોતાની જાતે જ ઊગતાં રહે છે. વળી, લોકોએ પણ ઘણી મહેનત કરી છે ને શક્ય હતું ત્યાં ફરી રોપ્યું- ઉગાડ્યું છે.

   જાતે ઊગી ગયેલા ઘાસની વચ્ચે થઈને થોડે અંદર જતાં, દૂર સામેના પહાડ પરથી પડતો ધોધ દેખાતો હતો. નામ હતું “પાપાપાપા - ઈઉતા.” અમે બધાં એ બોલતાં જઈએ ને હસતાં જઈએ. કાળી પાષાણ-શિલાઓ પર થઈને આછું, રૂપેરી પાણી સરતું હતું. વરસાદની ઋતુમાં પાણી ઘણું વધારે હોય છે. રસ્તાની પેલી બાજુ પર મોટાં મોટાં બનિયન વૃક્ષો હતાં. એમનાં લાંબાં, જાડા, ઊંચાં મૂળ બીજા કોઈ ઝાડને ખભેથી શરૂ થાય છે, અને જ્યાં સુધી જમીનને અડે નહીં ત્યાં સુધી નીચે લટકતાં જાય છે. એ પછી એ મૂળિયાં ઊંડે પહોંચે છે ને પોતાની પકડ મજબૂત કરે છે. સામોઆમાં દેખાતું બીજું વિશિષ્ટ ઝાડ કોકો ફળ. લોકો એમનો બહુ ઉપયોગ કરે છે. એનું શાક બનાવે, ભાત બનાવે, ભાત સાથે રાંધે. વળી, એમને સૂકવે, શેકે, ખાંડે ને એ ભૂકાને પાણીમાં ભેળવી, સહેજ ખાંડ ઉમેરી કૉફીની જેમ એને પીએ પણ ખરા. સવારે એ પીણું મેં પીધેલું, ને ખરેખર બહુ ભાવેલું! દેશ-દેશમાંથી આવા લાક્ષણિક ભૂકી ને મસાલા હું ખરીદતી હોઉં છું. જોકે ઘેર ગયા પછી થોડા વખતમાં ક્યાં તો એ ભુલાઈ જાય છે, ક્યાં તો એમની એવી મઝા નથી આવતી !

   સાવ દરિયા-કિનારા પરના કોકોનટ રિઝોર્ટ પર અમે થોડી વાર ગયેલાં. એક પાકા મકાન ઉપરાંત ત્યાં “ફાલે” કહેવાતા છૂટા કક્ષ પણ હતા. લીંપેલી દીવાલો ને ઘાસના છાપરાવાળી ઝૂંપડીઓ જ વળી. એમાં રાત કાઢવા માટે ઘણો ભાવ આપવો પડતો હોય એટલે એમને “કુટિર” કહીએ તો વધારે સારું લાગે ! ટાપુની કેન્દ્રના આ ઊંચા, ઉત્તર તરફના માર્ગમાં કોઈ ગામ હજી નહોતાં આવ્યાં. કેવળ ગાઢ વનસ્પતિ જ જોયેલી. હવે દક્ષિણ તરફ ઊતરી આવતાં વસવાટ નજરે પડવા માંડ્યો. ઘણાં ઘર નાનાં, પણ સુઘડ અને પોતપોતાના મંડપથી યુક્ત હતાં; તો કેટકેટલાંક જીર્ણ દશામાં પણ હતાં. એવામાં કાળજીની કમી હતી – કટાયેલાં ટિનનાં છાપરા, ઊખડી ગયેલા રંગવાળા થાંભલા વગેરે, જ્યારે બીજાં પૂરતું ધ્યાન પામતાં લાગ્યાં – તાજાં રંગેલાં, નીચી દીવાલો પર ચીતરેલી કે કોતરેલી સરસ ડિઝાઈનવાળાં. બધે ફૂલોથી ભરપૂર ઝાડ તો હોય જ.

   કુટુંબના પોતાના માટેના મંડપો વધારે ચોરસ હતા, જ્યારે “માતાઈ”ની સભા માટેના મંડપો વધુ ભાગે ગોળ, કે ક્યારેક લંબગોળ હતા. એ દરેક પર ઊંચા ઘુમ્મટ જેવું છાપરું રહેતું. એ કશાના ફોટા લેવાની તક મળી નહીં, પણ સામોઆની સમાજ-વ્યવસ્થા અને “માતાઈ” વિષે લેવા પાસેથી માહિતી જરૂર મળી.

   સામોઆમાં એક જૂની કહેવત છે કે, “માછલી પકડવી હોય તો પકડજો, પણ મોજાંથી સાવધાન રહેજો.” આ કહેવતના હાર્દમાં સામોઆન લોકોની સંભાળીને રહેવાની વૃત્તિ રહેલી ગણાય છે. આ પ્રજા રૂઢિ તથા પ્રથાની સાચવણી માટે અત્યંત સભાન ગણાય છે. એને માટે “ફાઆઆ-સામોઆ” એટલે કે “સામોઆની જીવન-રીતિ” જેવો શબ્દ-પ્રયોગ પ્રચલિત થયેલો છે. સામોઆના સમાજનો આધાર “આઈગા”માં અસંખ્ય – ક્યારેક તો હજારો સગાંવહાલાંનો સમાવેશ થતો હોય છે. વળી, આ સામાજિક વ્યવસ્થામાં બધું સહિયારું હોય છે. દુન્યવી સંપત્તિ કોઈ એક જણની નથી હોતી.

   આવા દસ હજાર “આઈગા”સામોઆમાં હશે. એ દરેક “આઈગા”નો વડો હોય છે, જે “માતાઈ” કહેવાય છે. દરેક સદસ્યનો ખ્યાલ “માતાઈ”એ રાખવાનો હોય છે. “માતાઈ” જ કૌટુંબિક ઝગડા પતાવે છે, વારસોવહેંચી આપે છે. દરેક જણ પાસે રોટી, કપડાં ને રહેવાની જગ્યા હોય તેનું ધ્યાન રાખે છે. વયસ્ક ને અનુભવી સ્ત્રી પણ “માતાઈ”ની પદવી મેળવી શકે છે. સામોઆમાં ૩૬૫ જેટલાં ગામ અને અઢાર હજાર જેટલા “માતાઈ” હશે. એથીયે મોટા વડા “આલી’ઈ” કહેવાય છે. ઉપરાંત, “તુલાફાલે” કહેવાતા વડા હોય છે જે દરેક વિધિ ને પ્રસંગનું સંચાલન કરે છે અને ચર્ચા-વિચારણાનો દોર સંભાળે છે. ગામે ગામે સ્ત્રીઓની સમિતિ હોય છે. નિયમો ને નિર્ણયોમાં એમના મત-અભિપ્રાય પૂરતો ભાગ ભજવતા હોય છે, પણ દેશની સંસદના સભ્ય ફક્ત પુરુષ – “માતાઈ” જ બની શકે છે.

   આખો પરિસાર શાંત હતો. રજાનો દિવસ હતો તોયે – કે પછી તે કારણે હશે ?આ “વાવણી-દિન” હતો. વાવણીની ઋતુનો આરંભ ઊજવવા માટે કદાચ આ રજા રખાઈ હશે. કોઈ ક્યાંયે કશી વાવણી કરતું પણ દેખાતું નહોતું – પોતાની જમીન પર પ્રતિકાત્મક એકાદ છોડ રોપતું પણ નહીં. લેવા હસેલો કે ખેતીવાડી ખાતાના થોડા સરકારી સત્તાધારીઓએ દેખાવ માટે પરાણે ક્યાંક જઈ રોપવાનો વિધિ કર્યો હશે, અને કદાચ થોડા ખેડૂતો કશેક વાવણી કરી રહ્યા હશે. પ્રજાનો મોટો ભાગ આરામ ને આળસમાં દહાડો કાઢે છે. થોડાક મંડપોમાં ભેગા થઈ ‘પોકર’ – જુગાર રમે છે, જેનો બધો નફો ગામ ખાતે જાય છે. થોડાક બિલિયર્ડ પણ રમતા હશે, ને અમુક જણે બિયર પીતા રહેતા હશે.

   મુખ્ય રસ્તા પરથી એક કાચો, ધૂળિયો ફાંટો લઈ ઘણે દૂર જતાં માતારેવા નામનો સાગર-કિનારો આવ્યો. એ પ્રવાસીઓ માટે નહીં, પણ જનતા માટે હતો. ઘણાં સ્થાનિક કુટુંબો આવેલાં. કેટલાક જુવાનો પણ હતા. એ બધા એક પછી એક બિયર પીતા રહેતા હતા, પણ એમનું વર્તન છકેલું બન્યું નહીં. એમના ટેપ-રેકોર્ડરમાંથી મોટેથી વાગતાં સામોઆન ગીતો સાંભળવાની મઝા આવી. ટૉન્ગા દ્વીપ-દેશની પ્રજાની જેમ સામોઆની પ્રજા પણ અસભ્ય લાગે તેવાં કપડાં પહેરતી નથી. દરિયાનાં પાણીમાં પણ આ લોકો અર્ધનગ્ન થઈને જતા નથી. આ પણ એમની જીવનરીતિ, એટલે કે ‘ફાઆઆ’નો ભાગ છે. પ્રવાસીઓને એ છૂટ છે ખરી, પણ દરિયા-કિનારે જ.જાહેર રસ્તાઓ પર એમણે પણ સભ્યતા સાચવવી પડે છે.

   દક્ષિણ પ્રશાંત સમુદ્રમાંના ટાપુઓને ફરતે પરવાળાંની કુદરતી પાળ હોય છે. દરિયો એની બહારની તરફ રહે છે, અને આ પાળ તથા કિનારાની વચ્ચેનું પાણી મોજાં કે બહુ ઊંડાણ વગરનું, તળાવ જેવું સંયત થઈને રહે છે. આવું જ “લગૂન” અહીં પણ હતું. એના પાણીનો રંગ આછો પીરોજા હતો. છેક દૂર મોજાં સફેદ ફીણ થઈને તૂટતાં દેખાતાં હતાં. ત્યાં પાણી વધારે ઘેરા રંગનું હતું. આકાશનો વર્ણ વળી ત્રીજો જ હતો. ખૂબ સુંદર દ્રશ્ય બનતું હતું.

   પગની નીચેનું પાણી એકદમ ચોખ્ખું અને ઇષત્ આહલાદક હતું – ભેજ વગરની ગરમીમાં તાજગી આપી રહે એવું. તળિયે રેતી નહીં, પણ દક્ષિણ પ્રશાંતમાંની રીત પ્રમાણે સફેદ પરવાળાની કરચો હતી. પગ મૂકતાં જ એ ડંખતી ને વાગતી રહેતી હતી. ઝીણી, દેખાય પણ નહીં એવી માછલડી કરડી પણ જતી હતી. બે જર્મનો ફરિયાદ કરવા માંડેલાં. મને હજી નહોતી કરડી તે સારું હતું. સામોઆન સ્ત્રીઓ પૂરાં કપડાં સાથે પાણીમાં ઊતરેલી. એમના લાંબા, ઘટ્ટ, કાળા-ભમ્મર વાળ નાની ઢીંગલી જેવી બાળકીઓએ “સ્વિમ-સૂટ” પહેરેલાં. એ પણ કદાચ આધુનિકતા પ્રતિનું પ્રયાણ હતું.

   સૂર્ય એટલો બધો તેજોજ્જવલ હતો કે એની તળે ખુલ્લામાં, પાણીમાં લાંબું રહેવાય તેમ નહોતું. આંખો એવી અંજાતી હતી કે કશું દેખાય પણ નહીં. મોટા એક “ફાલે”ની અંદરના છાંયડામાં જ વધારે વાર બધાં બેઠાં રહ્યાં. ત્યાં ફરફર હવા પણ આવતી રહેતી હતી. આ જ સમયે બધાંને માટે ખાવાની વ્યવસ્થા થયેલી હતી. મારે માટે શાકાહારી સેન્ડવિચ લવાયેલી. તાઆલી અને લેવાએ બધાંને પ્લાસ્ટિકની ચોરસ પ્લેટ આપી. બાફેલા બટાકાના સલાડના ડબ્બા ખોલ્યા. પાકેલાં, મીઠાં પપૈયાંની ચીરીઓ અને કેળાં પણ હતાં; દરેકને પાણીની બાટલી પણ આપવામાં આવી. સાથે મળીને નાસ્તો કરવાની મઝા આવી. બધું વ્યવસ્થિત ને કાર્યક્ષમ હતું. કચરો પ્લાસ્ટિકની થેલીઓમાં એકઠો કરી લીધો. જગ્યા ચોખ્ખીની ચોખ્ખી.

   લેવા પાછળનાં વૃક્ષ તરફ જઈને તાડ ને નાળિયેરીનાં લાંબાં પાન ભેગાં કરી લાવેલો. “ફાલે”ની બાજુના ઝાડના છાંયડામાં બેઠાંબેઠાં પાતળી પટ્ટીઓ કરીને એણે દરેક જણ માટે ગોળ ગૂંથણી કરી ને માથે પહેરાવી. મેં બાજુબંધની ફરમાયેશ કરી, તો એણે નાનું ગોળ ગૂંથી આપ્યું. પછી આખો વખત મેં એ પહેરી રાખ્યું.

   માતારેવા તટ પર બેએક કલાક ગાળ્યા પછી અમે નીકળ્યાં અને માઉન્ટ તાફૂઆ તરફ ગયાં. એ ભાગમાં નીચા પર્વતો હતા – ગાઢ વનસ્પતિથી પૂરેપૂરા છવાયેલા. ત્યાંથી જમણી તરફ વળતાં આપિઆ શહેરની દિશા આવી ગઈ. શહેર તો જોકે હજી ત્રીસ કિ.મિ. નહીં વસ્તીની ભીડ. શહેરના રસ્તા તો સાવ ખાલી હતા. સાંજ પડી હતી, ને પ્રજાજનો પોતપોતાને ઘેર પહોંચી ગયાં હતાં.

   ઉતારા પર કામ કરતી છોકરીઓને મારું તાડપત્રીનું બાજુબંધ બહુ ગમ્યું. લેવાના હસ્ત-કૌશલ્યને નવાજતાં મેં એને રૂમની અંદર એક ટેબલ ઉપર મૂકી રાખ્યું. આખા દિવસના પર્યટનમાં જે બધું જોવા ને જાણવા મળેલું, તે બધાંની યાદ એ બાજુબંધ મને આપતું રહ્યું.
(ક્રમશ :...)


0 comments


Leave comment